૧૨. વિચારોની વખારમાં!

Warehouse of Thoughts

અમારા કાર્યાલયમાં એક જગ્યા પડી. એક પરિચિત ભાઇને આ વાતની ખબર પડી એટલે તેઓએ અરજી કરી અને પછી રૂબરૂ મળવા આવ્યા. એમની આવડત કે કાબેલિયત વિષે કોઈ જ માહિતી ન હોતી આથી તેઓ જ્યાં નોકરી કરતા હતા ત્યાં એમની કામગીરી કેવી છે. એનો અંદાજ મેળવવાનો ખ્યાલ આવ્યો. યોગાનુયોગ ત્યાં એમના જે ઉપરી અધિકારી હતા એ ય પરિચિત નીકળ્યા. એમને સહેજ પૂછપરછ કરી અને આ ભાઈની કાબેલિયત વિષે જાણવાની ઈચ્છા વ્યકત કરી. એમણે જવાબમાં કહ્યું. એનો જીવ બહુ અધીરિયો છે. પૈસાની બાબતમાં બહુ કંજૂસ છે. સ્વભાવનો થોડો અતડો છે. ઘણી વાર દિવસો સુધી દાઢી પણ નથી કરતો. “એમનો આ જવાબ સાંભળીને ફરીથી પૂછવું પડયું “પણ એનું કામ કેવું છે?” જવાબ મળ્યો, “કામની વાત તો પછી આવે છે. અમારે ત્યાં પગાર વહેલો મોડો થાય છે. અને નવી સંસ્થા છે. એટલે બહુ પગાર પણ આપી શકતા નથી. આટલી વાત જાણવા છતાં દર મહિને મારી પાસે આવીને પગાર વધારવાની વિનંતી કરે છે. વળી પગાર થવામાં બે-ત્રણ દિવસ વહેલું મોડું થઈ જાય તોય એ ધીરજ રાખી શકતો નથી અને અકળામણ વ્યકત કરે છે.”

“એ બધું તો બરાબર, પણ એનું કામ કેવું છે?” એ જ સવાલ ફરીને દોહરાવ્યો.

“કામ સહેજ ધીમું છે. પણ જેટલું કરે છે એટલું ચોક્કસ કરે છે. કયારેક સમજાય નહિ તો પૂછી પૂછીને માથું ખાઈ જાય છે.”

“પણ તમને એના કામથી ખરેખર સંતોષ ખરો કે નહિ?”

“આમ ખરો અને આમ નહિ.”

        આ છેલ્લો જવાબ સાંભળ્યા પછી આગળ કોઈ પ્રશ્ન પૂછવાનું જરૂરી લાગ્યું નહિ. પેલા ભાઈ એમની સાથે બે-અઢી વર્ષથી કામ કરતા હતા. ખરેખર તો એમને એ વ્યક્તિની કાબેલિયત વિષે જ પૂછ્યું હતું. પરંતુ એમણે એના વ્યક્તિત્વની છણાવટ શરૂ કરી દીધી હતી. એમને ખરેખર તો એના કામથી જ સાચી નિસ્બત હોવી જોઈતી હતી. પરંતુ એ વિષે તેઓ સાચો કે ખોટો કોઈ જ સ્પષ્ટ અભિપ્રાય બાંધી શક્યા નહોતા. એનું કારણ કદાચ એ હતું કે એમણે ઘણી બધી વસ્તુઓને ભેગી કરી નાંખી હતી. કાબેલિયતને સ્વભાવમાં અને સ્વભાવને કાબેલિયતમાં ભેળવીને તેઓ ન તો એ વ્યક્તિના સ્વભાવનું સાચું મૂલ્યાંકન કરી શક્યા હતા કે ન તો એની કાબેલિયતનો નિરપેક્ષ લાભ ઉઠાવી શકયા હતા. પછી તો એમની સાથેની અન્ય વિષયો પરની વાતચીતમાં પણ લગભગ બધે આવું જ વરતાયું. એમનું દિમાગ વિવિધ ખ્યાલોની વખાર જેવું બની ગયું હતું. ક્યે વખતે કયા ખ્યાલને ઝાટકીને બહાર કાઢવાનો છે. એનો વિવેક વિખેરાઈ ગયો હતો. પરિણામે એકને બદલે બીજો ખ્યાલ સપાટી પર ઊપસી આવતો હતો.

વિચારોની અસ્તવ્યસ્તતા જીવન શૈલી પર ઘેરી અસર કરે છે. તે જીવનને ઘમરોળી નાંખે છે.
અસ્તવ્યસ્ત વિચારોની વખાર વ્યક્તિત્વને હણી નાંખે છે.

        આવું વારંવાર બનતું જોવા મળે છે. આપણું દિમાગ વિચારો, ખ્યાલો અને માન્યતાઓની વખાર જેવું બની ગયું છે. કયારેક આ બધું એમાં એવું આડેધડ પડયું રહે છે કે એ ઉકરડો બનીને રહી જાય છે. એથી જ ઘણીવાર વિચારો અને માન્યતાઓ ગંધાઈ ઊઠે છે અને એને લઈને સંબંધોમાં સડો પેદા થાય છે. સડો વધી જાય ત્યારે આપણે સંબંધોની શસ્ત્રક્રિયા કરી નાંખીએ છીએ અને શસ્ત્રક્રિયા શકય ન હોય ત્યાં સડેલા સંબંધોની પીડા વેઠયા કરીએ છીએ. પરંતુ કયારેક મગજની એ વખારને વ્યવસ્થિત કરવાની કે ઉકરડાની સાફ-સફાઈ કરવાની દરકાર કરતા નથી. છેવટે એક વખત એવો આવે છે કે જ્યારે આપણું પોતાનું જ સમગ્ર વ્યક્તિત્વ ઉકરડાનું પ્રતિરૂપ બનીને રહી જાય છે.

        આવા વ્યક્તિત્વની અસર આપણા જીવનમાં એટલે કે રોજબરોજની જિંદગીમાં પણ વરતાયા વિના રહેતી નથી. આખું વ્યક્તિત્વ અસંગઠિત સ્વરૂપે આમથી તેમ લોલક બનીને અથડાયા કરે છે. ઘરમાં કાંસકો ડ્રેસિંગ ટેબલને બદલે સોફાની ધારમાંથી મળે છે. અને શાક સમારતી વખતે હંમેશાં દસ મિનિટ તો છરી શોધવામાં જાય છે. આજે ચંપલ પલંગ નીચેથી મળે છે તો કાલે સોફા નીચે પેસી ગયા હોય છે. અને પરમ દિવસે વળી એક ચંપલ બારણાની બહારથી તો બીજું બારણાની પાછળથી શોધવાનું આવે છે. પેન પાણિયારામાં પડી હોય છે. અને ગ્લાસ બારીની પાળી પર પડ્યો હોય છે. ઓફિસે જતી વખતે સ્કૂટરની ચાવી શોધ્યા છતાં ન જડે ત્યારે દસ મિનિટ ઘરમાં રમખાણ મચી જાય છે. અને કયારેક તો મોજાં કે હાથ રૂમાલ માટે ઘરમાં ઝઘડો જામી જાય છે. અસંગઠિત વ્યક્તિત્વની આ બધી સ્થૂળ દેખાતી અસરો ઘટવાને બદલે વધતી જાય છે અને એની તીવ્રતા કયારેક બહુ મોટા અનર્થો સર્જે છે.

વિચારોની વખાર મનને અસ્તવ્યસ્ત કરી નાંખે છે.

        આવી જીવનશૈલીના મૂળમાં આપણા દિમાગમાં જામેલી વિચારો, માન્યતાઓ અને ખ્યાલોની વખાર જ જવાબદાર હોય છે. કેટલાક માણસો વખારને પણ એવી વ્યવસ્થિત બનાવી દેતા હોય છે કે એ વખારને બદલે શો-રૂમ બની જાય છે. અંધારામાં પણ હાથ નાખીને જોઈતી વસ્તુ તેઓ શોધી શકે છે. દિમાગની વખારનું પણ એવું જ છે. ડેકાર્ટ કહેતા હતા તેમ આપણા દિમાગમાં ખરેખર વિચારોની ભીડ જામેલી છે. એક વિચાર બીજા વિચારને અથડાય છે. ત્રીજાને પગ કચડે છે. ચોથો એને થપાટ મારીને આગળ નીકળી જાય છે. તો પાંચમો વળી ભીડનાં લાભ લઈને છઠ્ઠાનું ખિસ્સું કાપતો જાય છે. માણેક ચોકના ટ્રાફિકની જેમ વિચારો બેફામ રીતે હર ફર કરે છે. આપણે એ ટ્રાફિકને વ્યવસ્થિત કરવાની કોશિશ કરતા નથી અને એથી દિમાગ કોઈક બીમાર શહેરની મ્યુનિસિપાલિટી જેવું બની જાય છે. જેમાં ગટરલાઈન પીવાના પાણીની લાઈનમાં ભળી જાય છે. અને બત્તીના થાંભલા દિવસે ઝળહળ્યા કરે છે. તો રાત્રે ખામોશ રહે છે.

        ઘરમાં કોઈક નવી ચીજ વસાવીએ ત્યારે એ ચીજ માટે યોગ્ય જગ્યા કરવી પડે છે. ચીજવસ્તુઓ કે રાચરચીલાની પુનઃ ગોઠવણી કરીને એ નવી ચીજને ગોઠવવી પડે છે. આવું કંઈ કર્યા વિના જ નવી ચીજને ઘરમાં લાવીને ગમે ત્યાં મૂકી દઈએ તો ઘરની જે હાલત થાય છે એ જોવા જેવી હોય છે. વિચારો અને ખ્યાલોનું પણ એવું જ છે. કોઈ પણ નવા વિચારને કે ખ્યાલને એનું યોગ્ય સ્થાન આપવા માટે મગજના ડ્રોઈંગ રૂમને સતત ‘રીશફલ’ કરતા રહેવું પડે છે. ઉધઈ લાગેલું કે તૂટેલું ફર્નિચર રીપેર કરવું કે ફેંકી દેવું પડે છે. તેમ કોઈક વિચારમાં પણ પરિવર્તન લાવવું પડે છે. અથવા એમાંથી મુક્તિ મેળવવી પડે છે. આવું નથી થતું ત્યારે જ અનર્થો ઊભા થાય છે.

Photo by Anna Shvets વિચારોની મૂંઝવણ અનિશ્ચિતતા પેદા કરે છે.

        આને જ આપણે ‘પ્રિડિસ્પોઝીશન’ કહીએ છીએ. આ વસ્તુ આપણને અનેક રીતે નડે છે. સૌથી મોટો ભોગ અસરકારક પ્રત્યાયન અથવા સંવાદનો લેવાઈ જાય છે. ‘કોમ્યુનિકેશન’ માટે આ પરિસ્થિતિ બાધારૂપ ગણાય છે. આપણે બીજાઓ સાથે તો સંવાદ નથી જ સાધી શકતા, ખુદ આપણી જાત સાથે પણ સંવાદ સ્થાપી શકતા નથી. એટલે બીજાઓ સાથેના સંબંધોની દુનિયા તો પ્રદૂષિત થાય જ છે. આપણી જાત સાથેના આપણા સંબંધો પણ વણસી જાય છે. રેડિયોમાં એક જ ફ્રિકવન્સી પર બે સ્ટેશનો ભેગાં થઈ જાય ત્યારે સુમધુર સંગીત પણ ઘોંઘાટ અને ઘરેરાટી બનીને બહાર ફેંકાય એવી રીતે આપણા કેટલાક ઉપયોગી વિચારો પણ ઘોંઘાટ અને ઘરેરાટી સ્વરૂપે વ્યકત થાય છે. અને એથી તીર નિશાન પર વાગતું નથી. આપણને આ વાત સમજાતી નથી અને આપણે સામી વ્યક્તિની નાસમજીને ગાળો આપવા બેસી જઈએ છીએ. આવું જ આપણી જાત સાથે પણ બને છે. આપણે સતત અસંગઠિત વ્યક્તિત્વની પીડા વેઠતા રહીએ છીએ તથા મૂંઝાયેલા મૂંઝાયેલા ફર્યા કરીએ છીએ.

        આવી પરિસ્થિતિમાં ગમે તે બે કે બેથી વધુ બાબતો આપોઆપ ભેગી થઈ જતી હોય છે. એ ભેળસેળ જ આપણને કોઈ પણ પરિસ્થિતિનું સાચું મૂલ્યાંકન કરવા દેવી નથી. ભાવ-નિરપેક્ષ થવાને બદલે આપણે ભાવપરક થઈએ છીએ. સીમાઓ ઓળંગી જવાય છે અને આપણા ઈલાકા છોડીને બીજાના ઈલાકામાં અનાધિકાર ચેષ્ટાઓ શરૂ થઈ જાય છે. કયારેક કોઈકને તો કયારેક આપણી જાતને આપણે અસહ્ય અન્યાય કરી બેસીએ છીએ. આનંદને માણી શકતા નથી અને દુઃખને સહી શકતા નથી.

        ગાંધીજીની વાત યાદ આવે છે. જે માણસ પોતાનું પાયખાનું સ્વચ્છ રાખી શકતો નથી એ પોતાના દિમાગને પણ સ્વચ્છ રાખી શકતો નથી. કદાચ આ વાતને ઊંધી રીતે કહીએ તો પણ ખોટું નથી. જે માણસ પોતાનું દિમાગ સ્વચ્છ રાખી શકતો નથી. એ પોતાના પાયખાનાને પણ સ્વચ્છ રાખી શકતો નથી!

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

6 comments

    1. Sorry for the delayed reply. It makes me really very motivated by reading your such feedback. Since it is in Gujarati and reader like you makes effort to translate and encourage the author. Thank you so much.

      Like

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: