૧૬. સામાજિકતાને સફળતાની કેદ!

Jail of Success in Socialization

સિકંદર મોટા સામ્રાજ્યનો માલિક હતો. એને માત્ર વિશ્વવિજેતા બનવામાં નહિ, પોતાનું એ પદ જાળવી રાખવામાં રસ હતો. એથી જ એણે પોતાના વ્યક્તિત્વમાં કેટલાક મહત્ત્વનાં ગુણો વિકસાવ્યા હતા. સામાન્ય રીતે બને છે એવું કે કોઈક માણસ બીજાઓ કરતાં વધુ સફળતા મેળવે છે એ પછી એ પોતાની આસપાસ એક અદ્રશ્ય કિલ્લો રચી દે છે અને એ કિલ્લામાં ઝટ કોઈને પ્રવેશવા દેતો નથી. ઇતિહાસમાં એવા અનેક સફ્ળ રાજા-મહારાજાઓના દાખલા મળે છે જેઓ પોતે આવા કિલ્લાઓમાં કેદ થઈ ગયા હોય. ફુરસદનો એમનો સમય સૂરા-સુંદરીના સહવાસમાં કે નાચ-ગાયનમાં વીતતો હોય. આવા રાજા-મહારાજાઓનો પ્રજા સાથે તો ઠીક, પોતાના દરબારીઓ અને રાજમહેલના કર્મચારીઓ સાથેનો સંપર્ક પણ તૂટી ગયો હોય છે. પોતાની આસપાસ શું બની રહ્યું છે એની એમને ગંધ પણ ન આવે. આવા અનેક સમ્રાટોએ પોતાના જ માણસોનાં કાવતરાંના ભોગ બનીને સત્તા ગૂમાવવી પડી હોય એવા દાખલા અગણિત મળે છે.

       સફળતા કિલ્લો રચે અને આપણે કિલ્લામાં કેદ થઈ જઈએ ત્યારે સફળતા પણ ઘણી વાર બહાર રહી જતી હોય છે. એથી સફળ માણસ સફળતાની આંગળી પકડીને સતત વિહાર કરતો રહે તો એને ઝટ આંચ આવતી નથી. આપણે એક સામાજિક પ્રાણી છીએ. સમાજની વચ્ચે રહેવું અને સમાજમાં હળવું ભળવું માત્ર આપણો સ્વભાવ નથી, આપણી મૂળભૂત જરૂરિયાત છે. અતડાપણું રાક્ષસી વિષાણું છે, જે આપણને ભીતરથી કોરી ખાય છે. સામાજિક વલણ પોષક છે, જે વિકાસ અને વૃધ્ધિનું સિંચન કરે છે. સિકંદર વિશ્વવિજેતા થઈને પણ અતડો બન્યો નહોતો. અવારનવાર પ્રજા સાથે સીધો સંપર્ક રાખતો, એના દરબારીઓ સાથે ગોષ્ઠિ કરતો, કર્મચારીઓના ખબરઅંતર પૂછતો અને સૈનિકોની સગવડો સચવાય છે કે નહિ ની પણ ખાસ કાળજી લેતો. સિકંદરના રાજમાં ઉત્સવો ઊજવવાની પ્રથા હતી. મોટા ભાગના ઉત્સવો સામુદાયિક રહેતા, જેથી તમામ લોકો એક બીજાને મળી શકે અને લાગણીનું દાનપ્રદાન પણ કરી શકે. સિકંદરના રાજમાં રમતોત્સવો પણ યોજાતા. ઘણી વાર સિકંદર પોતાના દરબારમાં વિવિધ વિષયો પર ચર્ચાઓ યોજતો. ક્યારેક ભોજનસમારંભનું પણ આયોજન થતું. રીતે સિકંદર સામાજિક આંતરક્રિયાને ખૂબ મહત્ત્વ આપતો હતો.

       સિકંદરનો હેતુ પોતાની સફળતાને જાળવી રાખવાનો હતો. કોઈક સિધ્ધિ પ્રાપ્ત કરવા કરતાં એ સિધ્ધિને જાળવી રાખવાનું કામ જેટલું મહત્ત્વનું છે એટલું જ અઘરું પણ છે. આ માટે ખૂબ સભાન અને સક્રિય રહેવું પડે છે. ક્યારેક કોઈક સિધ્ધિ અકસ્માતે કે ઓછા પ્રયત્ને પ્રાપ્ત થઈ ગઈ હોય તો પણ એને જાળવી રાખવા માટે ખૂબ મથવું પડે છે. આવી કોઈ પણ સિધ્ધિને જાળવી રાખવા માટે ઘણા લોકોના પ્રગટ અને પ્રચ્છન્ન ટેકાની જરૂર પડે છે. આપણને જરૂર પડે ત્યારે જ ટેકો માગવા જઈએ તો ગરજવાન સાબિત થઈએ છીએ અને એવા સંજોગોમાં હાર્દિક ટેકો મળતો નથી. માગ્યા વિના ટેકો મળે એની જ મજા છે. આપણે કંઈક આપવું હોય તો જ આપણને કંઈક મળે છે. સામાજિક સંબંધોનું પણ એવું જ છે. આપણે સંબંધ રાખ્યો હોય તો જ કોઈક આપણી સાથે સંબંધ રાખે એ સમજી શકાય તેવી વાત છે.

       આપણે જાણીએ છીએ કે આજનો યુગ ઝડપ અને સ્વાર્થનાં સમીકરણોથી બંધાઈ ગયો છે. કોઈકને ઘેર જવા માટે કે કોઈકને મળવા માટેય આપણે કારણ જોઈએ છે. વગર કારણે મળવા જવાનો આપણી પાસે સમય નથી. એવી જ રીતે કામ વિના આપણે કોઈને ‘કેમ છો’ કહેવાની પણ દરકાર કરતા નથી. આવા માણસોને સફળતા મેળવવામાં અવરોધ નડે છે. સફળ માણસ સમય કાઢે છે અને વગર કારણે પણ બીજાઓને મળવાનો પ્રયત્ન કરે છે. ખરેખર તો આમાં પણ નિહિત સ્વાર્થ છે. ક્યો સંબંધ ક્યારે ઉપયોગી થશે એનો વિચાર કરવાને બદલે દરેક સંબધ ક્યારેક તો ઉપયોગી થાય જ છે એમ વિચારીને ચાલવા જેવું છે.

      કેટલાક માણસો સ્વભાવથી ખૂબ સામાજિક હોય છે. મિત્રો, સગાંસંબંધીઓ અને પરિચિતોને અકારણ પણ થોડા થોડા દિવસે તેઓ મળતા રહે છે. સાથે બેસી ચાપાણી કરે છે કે આડી અવળી વાતો કરે છે. ક્યારેક એવી વાતો પણ સાંભળવા મળે છે કે આવો નિરર્થક સમય શા માટે બગાડવો? પરંતુ રીતે જાળવેલા સંબંધો અચાનક ક્યારેક કામ લાગી જાય છે ત્યારે સમજાય છે કે બધી મુલાકાતો નિરર્થક નહોતી. હળતા મળતા રહેવાથી એક પ્રકારે સદ્ભાવ બંધાય છે અને સદ્ભાવની મૂડી જેટલી કિંમતી બીજી કોઈ મૂડી છે નહિ.

      આજનું જીવન ખૂબ સંઘર્ષમય છે. આપણે ઘડિયાળના કાંટે જીવીએ છીએ. અકારણ કોઈને મળવા જવાનો સમય કાઢવાનું મુશ્કેલ લાગે છે. વાસ્તવિકતા છે. આવા સંજોગોમાં કમ સે કમ આપણે પ્રસંગો સાચવી શકીએ તો પણ એનું સામાજિક મૂલ્ય ઓછું નથી. લગ્ન પ્રસંગે કે માઠા પ્રસંગે જઈને ઊભા રહેવું એ સદ્ભાવની કડી સ્થાપે છે. આપણે સામા માણસના સુખદુઃખમાં સહભાગી છીએ એટલું દર્શાવી શકીએ તો સંબંધ સાર્થક છે. સફળ થવા ઇચ્છનારે તો સંબંધ તાજા કરવાની એક પણ તક જતી કરવી જોઈએ નહિ. આવા માણસો મિત્રો અને સંબંધીઓની જન્મતારીખ યાદ કરીને છેવટે શુભેચ્છાનો ફોન પણ કરી લે છે. કાર્ડ મોકલી શકાય કે પુષ્પગુચ્છ આપી શકાય તો વધુ રૂડું. કોઈક મિત્રને એવોર્ડ મળે, સારી નોકરી મળે કે પરીક્ષામાં પાસ થવા જેવી સિધ્ધિ પ્રાપ્ત થાય ત્યારે અભિનંદન આપવાં એય સંબંધને તાજો રાખવાની એક તક છે.

    અમદાવાદના જાણીતા ફોટોગ્રાફર મિત્ર જી.એચ.માસ્ટર દર વર્ષે પોતાને ત્યાં એક મેળાવડો યોજીને મિત્રોને બોલાવતા, સંગીત અને ગીતગઝલની મહેફિલ જામે અને પછી મિત્રો સાથે ચાપાણીનાસ્તો કે ભોજન કરે. આવું આયોજન કરવા પાછળ એમનો આશય માત્ર મિત્રોને ભેગા કરવાનો અને મળવાનો રહેતો. માટે જન્મદિવસ હોવો કે બીજો કોઈ પ્રસંગ હોવો એમને કદી જરૂરી લાગ્યો નહોતો. એમના માતબર સામાજિક સંબંધો જોઈને ઇર્ષા આવે.

      અંગ્રેજી લેખક ઈ.એમ.ફોસ્ટરે લખ્યું છે કે માણસ એકલો પડે ત્યારે એને સમજાય છે કે પોતાની પાસે શું છે. પછી એ સમાજમાં ભળે ત્યારે એને સમજાય છે કે પોતાની પાસે જે કંઈ છે એ બીજાઓને આપવા માટે છે. એથી જ એકલા પડવું જરૂરી છે, પરંતુ એકલા રહેવું જરૂરી નથી. ખરી વાત તો એ છે કે માણસ માટે એકલા રહેવું શક્ય જ નથી. માણસ થોડો સમય એક્લો કે અતડો રહી શકે,પરંતુ હંમેશ માટે રહી શકે નહિ. આધુનિક વિજ્ઞાન આગળ વધીને કહે છે કે માણસ માટે સામાજિક બનવું અનિવાર્ય છે. એ આપણું માત્ર બાહ્ય લક્ષણ નથી, આંતરિક લક્ષણ છે. વિજ્ઞાનીઓ એવું સંશોધન કરી લાવ્યા છે કે આપણા શરીરમાં ઓક્સિટોસીન નામનું એક હોર્મોન સ્રવે છે. જે આપણા સામાજીકરણ માટે જવાબદાર છે. એનો અર્થ એવો થાય કે જે વ્યક્તિ સામાજીકરણથી દૂર છે એ ઓક્સિટોસીનની અછતથી પીડાય છે. મતલબ કે સામાજિક સંબંધોથી દૂર રહેનાર શારીરિક રીતે પણ રોગિષ્ટ છે!

Photo by Roberto Nickson

      તાજેતરમાં ન્યૂયોર્કમાં આવેલી અકેડેમી ઓફ સાયન્સીસે ઇન્ટીગ્રેટીવ ન્યૂરોબાયોલોજી ઓફ એફિલિયેશન વિષય પર એક પરિષદ યોજી હતી. આ પરિષદમાં એક વિજ્ઞાનીએ પોતાનાં અસંખ્ય નિરીક્ષણોના આધારે એવું પ્રતિપાદિત કર્યું કે સામાજિકતા આપણી એટલી મોટી અનિવાર્યતા છે કે એનાથી વંચિત રહી જવાય તો અનેક અનર્થો સર્જાય છે. એક વિજ્ઞાનીએ કહ્યું કે પૂરતી સામાજિક આંતરક્રિયાનો અભાવ આયુષ્યને ટૂંકાવે છે. ખૂબ જ સામાજિક રહેનાર લાંબુ અને આનંદદાયક આયુષ્ય ભોગવે છે. આ વિજ્ઞાનીએ રજૂ કરેલા એક તારણ મુજબ જે બાળકને પૂરતું સામાજિક વાતાવરણ મળતું નથી એ આગળ  જતાં વિકૃતિઓનો ભોગ બને છે. એનો વિકાસ રૂંધાય છે. આવા કેટલાક કિસ્સાઓમાં મોટી ઉંમરે પીઠના દુઃખાવા અને આંતરડાંની બીમારી જેવાં પરિણામો પણ જોવા મળ્યાં હતાં. આ જ પરિષદમાં એક વિજ્ઞાનીએ તંદુરસ્તી અને વ્યાવસાયિક સફળતાના સામાજીકરણ સાથેના ગાઢ સંબંધની પણ વિગતે ચર્ચા કરી હતી.     

સામાજિક બનવા માટે હળતાં-મળતાં રહેવાની વૃત્તિ કેળવવા જેવી છે. અલબત્ત, આપણી પાસે આપણી જાત માટે સમય રહે એ જરૂરી છે. પરંતુ થોડોક સમય બીજાઓ માટે પણ છે. કોઈક્ને ‘કેમ છો’ કહેવા માટે કે સ્મિત આપવા માટે યા ફોન કરીને ખબર અંતર પૂછવા માટે પણ જો આપણી પાસે સમય નહિ હોય તો પછી સામા માણસ પાસે આપણા માટે કેવી રીતે સમય હશે? દરેક વખતે ‘એમાંથી આપણને શું મળશે’. એનો વિચાર કરવાની જરૂર નથી. ‘કેમ છો’ કહ્યું હશે તો ‘સારું છે’ નો જવાબ મળશે અને સ્મિત આપ્યું હશે તો ક્મ સે ક્મ સ્મિત તો મળશે જ. અગત્યની વાત એ છે કે સફળ થવા ઇચ્છનાર માણસ કદી તાત્કાલિક લાભ કે સ્વાર્થનો વિચાર નથી કરતો. એને મન તો કવિ માધવ રામાનુજની પંક્તિ જેવી જ સતત  શોધ રહેતી હોય છે, “એક એવું ઘર મળે આ વિશ્વમાં, જ્યાં કોઈ પણ કારણ વિના હું જઈ શકું!”

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: