૧૮. સંબંધોની તંદુરસ્તીનો ઉપચાર!

18. Remedy of Healthy Relationship!

તંદુરસ્ત સંબંધોથી જ જિંદગી સ્વસ્થ લાગે છે.

સામાજિકતા સફળતાની ગુરુચાવી છે અને સંબંધોની ટ્રાફિક સેન્સ સંબંધોની દુનિયાની હેમખેમ તથા ફળદાયી સફર માટે અનિવાર્ય છે એટલું સમજ્યા પછી પણ મનમાં એક સવાલ જાગે છે. આવડા મોટા સમાજ સાથે આંતરક્રિયા કરવાની હોય ત્યારે ક્યાંક તો કશીક ગરબડ થઈ જ જાય. એનાથી બચવું શી રીતે? સવાલ સાવ ખોટો નથી. આપણે શાંતચિત્તે વિચારતા નથી એટલે જ એ સવાલ બિહામણો અને અકળાવનારો લાગે છે. આપણે જે સમાજમાં રહીએ છીએ અને જીવીએ છીએ એ ખરેખર અતિ વિશાળ અને ભાતિગળ છે. પરંતુ આપણે જેમની સાથે પ્રત્યક્ષ આંતરક્રિયા કરવાની આવે છે એ સમાજ તો ખૂબ નાનો છે. ક્યારેક નવરાશે બેસીને એક વ્યાયામ કરવા જેવો છે. જેમની સાથે આપણે અવારનવાર કામ પડતું હોય કે કોઈક આદાનપ્રદાન કરવું પડતું હોય એવા માણસોની યાદી તૈયાર કરવા જેવી છે. આવી યાદીમાં સો નામ લખતાં લખતાં તો હાંફી જવાશે. એ પછી એવી યાદી તૈયાર કરવા જેવી છે, જેમાં આપણે ક્યારેક ક્યારેક આદાનપ્રદાન કરતાં હોઈએ અને જેમને નજીકથી જાણતાં હોઈએ એમનાં નામ લખવા જેવાં છે. આવી યાદી બે હજાર માણસોથી વધતી નથી. આપણે જેમની સાથે દિવસમાં ઓછામાં ઓછી એકાદ વાર અચૂક આંતરક્રિયા કરવી પડતી હોય એવા માણસોની સંખ્યા તો માંડ પચીસ જેટલી થાય. એટલે કહવું હોય તો કહી શકાય કે ઓછામાં ઓછા ૨૫ અને વધુમાં વધુ સો માણસો સાથે આપણે સ્વસ્થ આંતરક્રિયા સ્થાપી શકીએ તો પણ આપણા ૯૦ ટકા પ્રશ્નો હલ થઈને જ રહે!

       આપણા સંબંધોની દુનિયામાં ગાબડાં પડે ત્યારે આપણે એનાં કારણોમાં ઊંડા ઊતરતા નથી. એમાં સહેજ ઊંડા ઊતરીએ તો સમજાઈ જાય છે કે આપણે પાંચપચીસ માણસો સાથે પણ સ્વસ્થ આંતરક્રિયા સ્થાપવામાં નિષ્ફળ ગયા છીએ. નાનકડા સમુદાય સાથે પણ સ્વસ્થ આંતરક્રિયા જળવાય તો આવાં ગાબડાં પડતાં નથી. જેમની સાથે આપણે વારંવારની લેવાદેવા ઊભી થતી હોય એમની સાથેના સંબંધોમાં સ્વસ્થતા જાળવી જરૂરી છે. આવી સ્વસ્થતા જાળવવા માટે કેટલાક પાયાના નિયમો છે. નિયમો છે તો બહુ સરળ અને સીધા સાદા, પરંતુ આપણે પ્રત્યે  બેધ્યાન હોવાથી નિયમોનું પાલન થતું નથી. સિકંદર જેવા દરેક સફળ માણસના જીવનમાં નિયમોનું પાલન થતું અનિવાર્ય પણે જોવા મળે છે. આવા નિયમો તરફ એક નજર કરવા જેવી છે.

નિયમ નં – ૧ – આપણે જ્યારે કોઈના તરફ એક આંગળી ચીંધીએ છીએ ત્યારે બાકીની ત્રણ આપણી તરફ તકાયેલી હોય છે.

       આંગળી ચીંધવી એટલે કોઈકનો દોષ શોધવો. આંગળી ચીંધતી વખતે આપણું બધું ધ્યાન એક ચીંધાયેલી આંગળી તરફ હોય છે. એટલે બાકીની ત્રણ આપણને દેખાતી નથી. કોઈનો પણ દોષ જોવો જરૂરી છે. તાલી એક હાથે કદી પડતી નથી. આપણે ક્યારેય દોષિત હોતા નથી એવી ગેરસમજ સંબંધોનાં કડવાશના મૂળમાં હોય છે. સોક્રેટિસ કહેતો હતો કેજે વ્યક્તિ પોતાના દોષ અને પોતાની મર્યાદાઓને ઓળખે છે સાચા અર્થમાં શાણો માણસ છે.’ સોક્રેટિસ કહેતો કે, “મને શેની ખબર નથી એની મને ખબર છે. એથી હું શાણો છું. કહેવાતા શાણા માણસોને તો એટલી ખબર હોય છે કે એમને શેની ખબર છે.” પોતાના દોષ અને પોતાની મર્યાદાઓને જે પિછાણે છે એને પોતાનામાં સુધારો કરવાની તક મળે છે.

નિયમ નં – ૨ – દરેક વ્યક્તિ પોતાના સ્થાને યોગ્ય છે.

        વાત જરા વિગતે સમજવા જેવી છે. દરેક વ્યક્તિની પોતાની આગવી સમજ હોય છે. દુનિયાને જોવાની આગવી દ્રષ્ટિ હોય છે અને પોતાનો આગવો અર્થબોધ હોય છે. બધાંનો આધાર વ્યક્તિના પોતાના ઉછેર, વાતાવરણ, ભણતર, અનુભવ વગેરે પર હોય છે, મુશ્કેલી થાય છે કે દરેક માણસ સામા માણસ પાસે પોતાની સમજ અને શક્તિ પ્રમાણે અપેક્ષા રાખે છે અને પોતાની નજરથી સામા માણસને મૂલવે છે. પરિણામે નિરાશ થાય છે. આપણે પુખ્ત હોઈએ, પરંતુ બાળક પાસે પુખ્ત વર્તનની અપેક્ષા રખાય. બાળક તો બાળસહજ વર્તન કરે. સિકંદર કહેતો કે હું મારા સૈનિક પાસે સૈનિક જેટલી અપેક્ષા રાખું છું, સેનાપતિઓ કે સમ્રાટ જેટલી નહિ, કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંક્ન એના વાતાવરણ અને સંજોગો અનુસાર કરવામાં શાણપણ અને વ્યવહારુતા છે. એટલે દરેક વ્યક્તિ એના સ્થાને યોગ્ય છે એમ માનવું જરૂરી છે.

નિયમ નં – ૩ – માણસ પોતાની લાગણી માટે પોતે જ જવાબદાર  છે.

       વાત સમજવી બહુ સહેલી છે, છતાં આપણે સમજવામાં નિષ્ફળ જઈએ છીએ. કોઈ આપણને ગાળ દે અને આપણે ઉશ્કેરાઈ જઈને એને લાફો મારી દઈએ ત્યારે આપણે એવી સમજૂતી આપીએ છીએ કે એણે મને ગાળ દીધી ત્યારે મેં લાફો માર્યો ને! મને ઉશ્કેરવા માટે એની ગાળ જવાબદાર છે. પરંતુ ખ્યાલ ખોટો છે. એક માણસ ચાર જુદા જુદા માણસોને એક ગાળ એક સરખી રીતે દે અને પેલા ચારમાંથી એક સામો લાફો મારે, બીજો સામી ગાળ દે, ત્રીજો નૈતિકતાનું લાંબું પ્રવચન આપે અને ચોથો બોલ્યા વિના ચાલતી પકડે, એવે વખતે ચારેયનાં જુદાં જુદાં વર્તન માટે જવાબદાર કે વર્તન કરનાર વ્યક્તિ પોતે જવાબદાર? સાચી વાત છે કે આપણા વર્તનને આપણે નિયંત્રિત કરવું પડે છે. આપણી લાગણીઓ માટે આપણે જવાબદાર છીએ એટલું જો સ્વીકારી શકીએ તો લાગણીઓની અથડામણ અવશ્ય ટાળી શકાય.

નિયમ નં – ૪ – જેવું આપીએ તેવું જ આપણને મળે છે. આપણું વર્તન બૂમરેંગ જેવું હોય છે.

      માણસ માત્ર લેવા તૈયાર હોય છે, આપવા માટે નહિ. આપણે સામા માણસ પાસે પ્રેમ, લાગણી, કાળજી, માન અને આદરની અપેક્ષા રાખીએ, પણ એમાંનું કશું આપવાની આપણી તૈયારી હોય તો ચાલી શકે નહિ. હકીકત છે કે આપણે સામા માણસને પ્રેમ, માન કે આદર આપીએ છી આપણું આપેલું આપણને પાછું મળે છે. જગતમાં પોતાના ખિસ્સામાંથી આપનારા જૂજ છે. કંઈક મળે છે તો કંઈક આપવું દુન્યવી વ્યવહાર છે. આથી જેણે કંઈક જોઈતું હોય એણે કંઈક આપવા તૈયાર રહેવું પડે છે. સિકંદર અને પોરસનો પ્રસંગ વાત કહી જાય છે. કવિ શૂન્ય પાલનપુરીએ સરસ વાત કરે છે, “કંઈક મેળવવાની રેખા હોય છે, દાનભિક્ષા આપનારા હાથમાં.”

નિયમ નં – ૫ – સંબંધોને નડતો સૌથી મોટો ગ્રહ પૂર્વગ્રહ છે.

       પૂર્વગ્રહ એક દૂષણ છે. પરંતુ આ જગતમાં પૂર્વગ્રહથી મુક્ત હોય એવો માણસ જડવો મુશ્કેલ છે. હકીકતે આપણા કેટલાક વિપરીત અનુભવો, આપણી ગેરસમજ, કોઈની કહેલી વાતને માની લેવાની કચાશ વગેરેને કારણે પૂર્વગ્રહો બંધાતા હોય છે. પૂર્વગ્રહથી સંપૂર્ણ મુક્ત થવું  શક્ય ન હોય તો પણ એને ચુંગાલમાં ફસાયેલા રહેવું જરૂરી નથી. દરેક વ્યક્તિ કે પ્રસંગને સ્વતંત્ર રીતે જોવાની અને મૂલવવાની આદત પાડી શકાય છે. પૂર્વગ્રહને છોડી ન શકાય તો બાજુએ જરૂર મૂકી શકાય. દરેક માણસ માટે પૂર્વગ્રહ એક મોટી મર્યાદા છે. એથી જ કહ્યું છે કે માણસ નવેનવ ગ્રહોને જીતી શકશે, પરંતુ દસમા પૂર્વગ્રહથી એ મુક્ત નહિ થાય. એટલે જ પૂર્વગ્રહથી બચવા માટે સતત સભાન રહેવાની જરૂર છે.

Photo by Pixabay on Pexels.com વ્યક્તિત્વની મોકળાશ સંબંધોને તાજગી આપે છે.

       સંબંધોના ટ્રાફિક્નું વ્યવસ્થિત અને સલામત સંચાલન કરવા માટે પાંચ નિયમો ખૂબ મહત્વના છે. ટ્રાફિકની વિચિત્રતા કે વિશિષ્ટતા છે કે એમાં નિયમભંગ કરનારાનું કોઈ પોલીસ નામ લખતો નથી. છતાં નિયમભંગ કરનારે એક યા બીજા પ્રકારે દંડ તો ભોગવવો પડે છે. ક્યારેક એટલો મોટો દંડ થાય છે કે આપણે સહન પણ કરી શકીએ.

        પાંચેય નિયમોની ઉપર રહે એવી એક વાત છે. છે વ્યક્તિત્વની મોકળાશ. ઘણા બધા માણસોને આપણે જોઈએ છીએ. જેમનાં વ્યક્તિત્વમાં મોકળાશ થી હોતી અને એક પ્રકારનું બંધિયારપણું આવી જાય છે. કોઈ એક ઘર લાંબો સમય બંધ પડયું રહ્યું હોય એમાં પગ મૂકીએ ત્યારે ખબર પડે કે બંધિયાર વતાવરણ કેવી અવદશા કરે છે. એવા ઘરમાંથી એક વિચિત્ર પ્રકારની વાસ આવે છે. ઠેર ઠેર જાળાં બાઝેલાં હોય છે અને ધૂળના થર ચડી ગયા હોય છે. વળી આવા ઘરમાં જીવજંતુઓ પણ થાય છે અને એમાંના કેટલાક ઝેરી પણ હોય છે. જે ઘરના બારીબારણાં ખુલ્લાં રહેતાં હોય એમાં તાજી હવા અને સૂર્યપ્રકાશ પ્રવેશે છે. ઘરને સ્વસ્થ અને નિરોગી રાખે છે. આપણું દિમાગ પણ એક ઘર છે. એને બંધિયાર રાખવાથી ગંધાઈ ઊઠે અને એમાં જાળાં બાઝે કે ઝેરી જીવજંતુ પેદા થાય એમાં નવાઈ નથી. દિમાગ અને વ્યક્તિત્વની મોકળાશ વિષે વિગતે વાત કરવા જેવી છે, જે હવે પછી.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: