૨૦. રમૂજ: લગાડવા જેવો ચેપ!

20. Humour – Let it be Infectious!

હાસ્યથી જિંદગી સ્વર્ગ સમાન લાગે છે.

સમ્રાટ સિકંદરની પ્રકૃતિ ઘીર-ગંભીર હતી. એ ખૂબ વિચારશીલ હતો. એનો ભાગ્યે જ કોઈ નિર્ણય આડેધડ રહેતો. છતાં એના વ્યક્તિત્વ પર આ લક્ષણોનું જરાય ભારણ વર્તાતું નહોતું. એના ચહેરાની રેખાઓ ભાગ્યે જ તંગ જોવા મળતી. યુધ્ધના મેદાનમાં પણ એ વ્યક્તિત્વની હળવાશને જાળવી રાખતો. નિરાંતના સમયમાં વાતો ચાલતી હોય ત્યારે સિકંદર પોતાના સાથીઓ અને દરબારીઓ સાથે હળવી રમૂજ પણ કરી લેતો. મોગલ સલ્તનતના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ બની રહેલો અકબર બાદશાહ પણ એવો જ ધીરગંભીર અને વિચારશીલ હોવા છતાં એના વ્યક્તિત્વમાં ગજબની હળવાશ હતી. અકબરને પણ રમૂજ ગમતી. એના દરબારનું એક રત્ન એટલે બિરબલ. અકબરને બિરબલની બુધ્ધિ અને ચતુરાઈ કરતાં પણ એની રમૂજવૄત્તિ માટે ખૂબ માન હતું. સફળ માણસ ધીર-ગંભીર અને વિચારશીલ તો હોય, પરંતુ એ સતત એનું આવરણ ઓઢીને ફરતો નથી. વ્યક્તિત્વની હળવાશ માટે રમૂજવૃત્તિ એક અનિવાર્ય શરત છે.

        સામાન્ય માણસ માટે જિંદગી અવશ્ય એક જંગ છે. દરેક ક્ષેત્રે એણે તીવ્ર સ્પર્ધાનો સામનો કરવાનો હોય છે. સતત એણે સંઘર્ષમાંથી પસાર થવાનું હોય છે. પરંતુ સંઘર્ષ જયારે ભારણ બની જાય ત્યારે કપરો લાગે છે. હળવાશ બધી સ્પર્ધાઓને અને બધા સંઘર્ષને સરળ બનાવી દે છે. પરંતુ ઘણા બધા માણસો રમૂજવૃત્તિ સાથે વેર બાંધી લે છે. વિજ્ઞાન પણ કબૂલે છે કે રમૂજી માણસનું ચેતાતંત્ર સ્થિતિસ્થાપક બની જાય છે અને એવા સંજોગોમાં એની બુધ્ધિ અને સર્જનશક્તિ ખીલી ઊઠે છે. રમૂજવૃત્તિને વેગળી રાખનાર ઘણી વાર પોતાના બોજ હેઠળ દબાઈ જાય છે અને ખરા વખતે એને કશું સૂઝતું નથી. એને કારણે અકળામણ અનુભવે છે અને એમાંથી નિષ્ફળતાનું વિષચક્ર શરૂ થાય છે.     

       રમૂજવૃત્તિ બજારમાં મળતી નથી. આપણી અંદર હોય છે. સવાલ એને બહાર લાવવાનો છે. હાસ્ય કલાકારોને ક્યારેક સાંભળીએ કે હાસ્યલેખકોને વાંચીએ અને પછી સહેજ વિચારીએ તો સમજાય છે કે તેઓ રમૂજનું ઉત્પાદન નથી કરતા. બલકે આપણી આસપાસના વાતાવરણમાંથી તેઓ રમૂજને શોધીને શોધી કાઢે છે. આમ જુઓ તો દરેક વાતમાં અને દરેક પળે રમૂજ મળી રહે છે. માત્ર જોવાની નજર બદલાઈ જાય છે. એક ફિલસૂફે ખરેખર સાચી વાત કરી છે કે હવે પછીની ક્ષણે શું થવાનું છે એનાથી આપણને પૂરા બેખબર રાખીને કુદરતે આપણી સાથે મજાક કરી છે ને! મજાકને મજાક તરીકે લેવાને બદલે આપણે ગંભીર થઈ જઈએ છીએ.

      ઘણી વાર આપણે કેટલાક વિરોધાભાસોમાં અટવાઈ જઈએ છીએ. પરંતુ ખરું જોતાં વિરોધાભાસમાંથી જ ઉત્તમ રમૂજ પેદા થતી હોય છે. કેટલાક માણસો અશક્ય દેખાતી વાત સામે આવે ત્યારે અકળાઈને વ્યથિત થઈ જતા હોય છે. અશક્યતા પણ એક રમૂજ જ છે. અશક્યતા, અવ્યવહારુ વર્તન, તર્કસંગતતાનો અભાવ અને સમજદારીનો અભાવ જેવી બાબતો રમૂજની જનક છે. છતાં આપણે એમાંથી રમૂજ મેળવવાને બદલે અકળામણ એકઠી કરીએ છીએ. રમૂજ શોધવા માટે અને રમૂજવૃત્તિને વિકસાવવા માટે મન મોકળું રાખવું પડે છે. પરંતુ આપણે તો વાતાવરણના બોજ હેઠળ દબાઈને આપણી જાતને ગંભીરતાના આવરણમાં લપેટી દઈએ છીએ. પસાર થતી દરેક ક્ષણ સાથે સુમેળ સાધીને એમાં ઓતપ્રોત થનારને રમૂજવૃત્તિ શોધવા જવું પડતું નથી. જે લોકો જિંદગીથી અને જિંદગીની વાસ્તવિકતાઓથી દૂર ભાગે છે તેઓ આપોઆપ ભારેખમ બની જાય છે. જિંદગીથી દૂર ભાગવાની વૃત્તિ મજબૂત બને પછી સતત આમથી તેમ છટકી જવાની જ ચિંતા રહેતી હોય છે. આવી વ્યક્તિ જીવનમાં કશું જ મેળવી શકતી નથી, બલકે એણે સતત ગુમાવતા જ રહેવાનું આવે છે.

Photo by Aline Viana Prado on Pexels.com
મિત્રો સાથે હળવી પળોનો આનંદ એ ક્ષણોને ચિરંજીવ બનાવી દે છે.

         જેનામાં થોડીક પણ રમૂજવૃત્તિ નથી. આગળ જતાં જીવનનો કોઈ આનંદ માણી શકતો નથી. આપણી આસપાસ ચોમેર સમસ્યાઓનું જંગલ છે. સમસ્યાઓ આપણે ઉકેલવાની છે. ભારેખમ બનીને સમસ્યાઓને આપણે ઓર અઘરી અને પેચીદી બનાવી દઈએ છીએ. એમાંથી નિરાશા, હતાશા અને ભાગેડુવૃત્તિ જાગે છે. એથી પસાર થતી દરેક ક્ષણને માણવાની અને ભરપૂર રીતે જીવી લેવાની વૃત્તિ કેળવવી જરૂરી છે. જીવનનો આનંદ માણી લેવો હોય એણે એક વાત યાદ રાખવાની રહે છે. દરેક ક્ષણ જતી રહેવાની છે અને પછી આવવાની નથી. જીવનમાં બધું ચાલ્યું જવાનું છે. આપણે કોઈ મિત્ર સાથે બેઠા હોઈએ અને આપણને ખબર  હોય કે મિત્ર આવતીકાલે અમેરિકા જઈ રહ્યો છે તથા પછી ફરી ક્યારે મળશે એની ખબર નથી. ત્યારે એની સાથેની વાતો પૂરી થતી નથી. છૂટા પડવાનું મન થતું નથી. પ્રેમી અને પ્રેમિકા મળતાં હોવા છતાં એમની પ્રત્યેક મુલાકાત ન્યાયે ઉત્કટ બની જાય છે. દરેક મુલાકાતમાં તેઓ બચ્ચનજીની કવિતાની માફક એથી વિચારે છે, “આજ કે બિછડે જાને કબ મિલેંગે…” લાગણી એમને ખરેખરો આનંદ આપે છે. જે ગુમાવી દેવાનું છે એવી આપણને ખબર છે અથવા એવી દહેશત છે એને આપણે ભરપૂર માણી લેવા પ્રેરાઈએ છીએ. જીવન પણ છૂટી જવાનું છે, તો પછી એનેય ખુશમિજાજ સાથે માણવું શા માટે નહિ?

      રોબર્ટ લૂઈ સ્ટીવન્સને સાચું કહ્યું છે કે જે ક્ષણ આપણને આનંદ નથી આપી શકતી ક્ષણ આપણી રહેતી નથી. એમના કહેવા મુજબ જે જીવનનો આનંદ ગુમાવે છે બધું ગુમાવે છે. એવી વ્યક્તિ જિંદગીથી ભાગતી ફરે છે અને જિંદગી એને ક્યાંક જોઈ જાય ભીતિથી પોતે પોતાના કોશેટામાં સંતાઈ જાય છે. જેનામાં રમૂજ વૃત્તિ છે દરેક પરિસ્થિતિનો હળવાશ સાથે અનુભવ કરે છે. પસાર થતી દરેક ક્ષણે સાથે દોસ્તી બાંધે છે. દરેક ક્ષણ એના કાનમાં કશુંક કહી જાય છે, આવી વ્યક્તિ ભરપૂર જિંદગી જીવે છે.

        આપણામાં કહેવત છે કેહસે તેનું ઘર વસે.’ ભાગ્યે કોઈ એવો માણસ હશે કે જેને મૂજી માણસો ગમતા હોય. મૂજી માણસ સાથે લાંબી વાત થતી નથી કે બીજી કોઈ આંતરક્રિયા થતી નથી. હળવાશ અને રમૂજ દરેકને ગમે છે. એટલે રમૂજી સ્વભાવનો માણસ લગભગ સર્વત્ર સ્વીકાર્ય બને છે. આવી વ્યક્તિ ખૂબ ઝડપથી મિત્રો બનાવે છે અને એના સંબંધો પણ એટલા ધબકતા અને હેંકતા રહે છે. મિત્રતા અને સારા સંબંધો કોઈ પણ ક્ષેત્રે સફળતા માટેની અનિવાર્ય શરત છે.

        આપણે કોઈનું પ્રવચન સાંભળીએ, ફિલ્મ જોઈએ કે નાટક જોઈએ ત્યારે પણ આપણને રમૂજ ગમે છે. રમૂજ વિના ગમે તેવી ઉપયોગી વાત પણ ભારેખમ લાગે છે. ક્યારેક કોઈક ગંભીર ફિલ્મ જોઈ હોય તો ફિલ્મ જોયા પછી પણ કલાકો સુધી માથું ભારે થઈ ગયું હોય એમ લાગે છે. રમૂજી ફિલ્મ જોઈને આવ્યા પછી આપણને પ્રફુલ્લિતતાનો અનુભવ થાય છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના મનોવિજ્ઞાનીઓનો એક અભ્યાસ કહે છે કે રમૂજી માણસોને સ્વાસ્થ્યના સૌથી ઓછા પ્રશ્નો હોય છે. રમૂજી સ્વભાવ રોગોને દૂર રાખે છે એમ કહેવામાં કશું ખોટું નથી. રમૂજ, હાસ્ય અને આનંદને સ્વાસ્થ્ય સાથે કેટલો ઘનિષ્ઠ સંબંધ છે પ્રસિધ્ધ અમેરિકન પત્રકાર નોર્મન કઝીન્સે જાત અનુભવ દ્વારા સાબિત કરી આપ્યું છે. હાસ્ય, રમૂજ અને આનંદની મદદથી એણે સાવ અસાધ્ય રોગ પર વિજય મેળવ્યો હતો.

        રમૂજવૃત્તિ શુધ્ધ હોય જરૂરી છે. કોઈક્ને દુઃખ પહોંચાડે, વ્યથિત કરે, અપમાનિત કરે કે ઉતારી પાડે એવી રમૂજનું અવળું પરિણામ આવે છે. કેટલાક માણસો રમૂજ માટે બિભત્સતાનો પણ પ્રયોગ કરે છે. ક્યારેક રમૂજ થવા છતાં જુગુપ્સા પેદા થાય કે આઘાત લાગે એવું બનતું હોય છે. આવીકાળી રમૂજપણ ઈચ્છવાજોગ હોતી નથી. એટલે કોઈની સામે હસવા કરતાં કોઈની સાથે હસવું વધુ સારું ગણાય છે.’

      રમૂજી માણસ સમગ્ર વાતાવરણને બદલી નાખે છે. આવા માણસની હાજરીમાં સમય ક્યાં પસાર થઈ જાય છે એની જ ખબર પડતી નથી. ચૂપચાપ બેસી રહેનારા દરેક વાતાવરણને ગંભીર બનાવી દઈને બેસણામાં બેઠા હોઈએ એવું રૂપ આપી દેતા હોય છે. ઓફિસમાં એકાદ માણસ તીવ્ર રમૂજવૃત્તિ ધરાવતો હોય તો ઓફિસનું વાતાવરણ સતત જીવંત રહે છે. એ વ્યક્તિ ગેરહાજર હોય ત્યારે આપણને કશુંક ખૂટતું હોય એવી લાગણી થાય છે. ભારેખમ વાતાવરણમાં સમય પસાર થતો નથી અને દરેક ક્ષણ બોજ જેવી લાગે છે.        

રમૂજવૃત્તિને સતત સતેજ રાખવા માટે હાસ્યનાં બે-ચાર પુસ્તકો હંમેશા પાસે રાખવા જેવાં છે. ફુરસદે રમૂજી ફિલ્મો કે નાટકો પણ જોઈ શકાય. મોટે ભાગે આપણે જોક્સ એટલે કે ટુચકા સાંભળતા હોઈએ છીએ. જેણે પોતાની રમૂજ વૃત્તિ તેજ કરવી હોય એણે ટુચકા વાંચીને યાદ રાખવાની કોશિશ કરવી જોઈએ એટલું જ નહિ, બીજાને એ કહી સંભળાવવા પણ જોઈએ. રમૂજવૃત્તિ એટલી અસરકારક હોય છે કે એ ભલભલા મૂજી માણસને પણ રમૂજી બનાવી શકે છે. એનો ચેપ લાગ્યા વિના રહેતો નથી. જ્યાં સુધી આવો ચેપ લાગે નહિ ત્યાં સુધી સમજાતું નથી કે ખરેખર આ એક લગાડવા જેવો ચેપ છે!

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: