૨૪. શીખતો નર સદા સુખી!

24. Person who learns is always Happy!

જે સતત શીખે છે તે સફળતાપૂર્વક જીવે છે.

          વિશ્વવિજેતા બનવા માટે કોઈ એક લક્ષણ પૂરતું થાય, માટે તો અનેક ગુણો અને લક્ષણોનું સંયોજન થવું જોઈએ. આવાં અનેક લક્ષણોની યાદી બનાવીએ તો એમાંથી એક લક્ષણ અલગ તરી આવે છે. એક લક્ષણનું એટલું મહત્ત્વ છે કે જો હોય તો બાકીનાં મોટા ભાગનાં લક્ષણો એકડા વિનાનાં મીંડાં જેવા બની જાય છે. સિકંદરના જીવન પર નજર નાખીએ તો સમજાય છે કે એણે એક લક્ષણને ખૂબીપૂર્વક વિકસાવ્યું હતું અને ખરું પૂછો તો સિકંદરના વિજેતાપદનું એક અતિ મહત્ત્વનું રહસ્ય હતું.

       સફળ વ્યક્તિની સાચી ઓળખ છે કે એને ઘણું બધું આવડતું હોવા છતાં હંમેશાં શીખતો રહે છે. શીખતા રહેવાની વૃત્તિ એને સતત જીવંત રાખે છે. જે માણસ એમ માની લે છે કે મને બધું આવડી ગયું છે અને હવે મને બધી સમજ પડે છે એના વિકાસ પર ત્યાં પૂર્ણવિરામ મુકાઈ જાય છે. બધું આવડી ગયું છે અને બધી સમજ પડે છે એવું માનનારમાં એક પ્રકારનું મિથ્યાભિમાન આવી જાય છે અને મિથ્યાભિમાનથી પ્રેરાયેલો વધુ પડતો આત્મવિશ્વાસ ગંભીર ભૂલો કરાવી બેસે છે. જેનામાં શીખવાની વૃત્તિ છે એના મનના બાકીદરવાજા સતત ખુલ્લા રહે છે. પોતાના દરેક અનુભવમાંથી કંઈક ને કંઈક શીખે છે. શીખવાની વૃત્તિ હોય એણે શાળાકૉલેજના ઔપચારિક શિક્ષણ પર આધાર રાખીને બેસવું પડતું નથી. એના માટે તો આખું જગત ચોવીસ કલાક ચાલતી શાળા જેવું બની જાય છે. આવો માણસ હરેક પળે હરેક વસ્તુમાંથી કંઈક શીખતો રહે છે. એના માટે અનુભવની કચરાટોપલી જેવું કંઈ હોતું નથી. દરેક નાના મોટા અનુભવને પોતાની અંદર સંઘરે છે અને એમાંથી કંઈક મેળવે છે. દરેક પ્રાણી કે પદાર્થ એના માટે એક શિક્ષક બની જાય છે. દત્તાત્રેયે ૨૪ ગુરુઓ કર્યા હતા. સાપ અને કૂતરા પાસેથી પણ એમને કંઈક શીખવા મળ્યું હતું.

      વિદ્વાનોએ નુભવને બહુ મોટો શિક્ષક કહ્યો છે. દરેક અનુભવ આપણને કંઈક શીખવી જતો હોય છે. પરંતુ સવાલ અનુભવમાંથી પસાર વાનો છે. અનેક વાર એવું બને છે કે આપણે કોઈક ઘટનાક્રમમાંથી પસાર થવા છતાં એના અનુભવમાંથી બાકાત રહી જઈએ છીએ. રેઈનકોટ પહેરનારને વરસાદનો અનુભવ હોય. વરસાદથી બચવા રેઈનકોટ પહેરાય. વરસાદનો અનુભવ કરવો હોય તેણે તો રેઈનકોટ કાઢી નાખવો પડે. મનોવિજ્ઞાનીઓ કહે છે કે અનુભવ આપણને ત્યારે સ્પર્શ્યો ગણાય, જ્યારે એનાથી આપણા વર્તનમાં કોઈક ફેરફાર આવે. આવું વર્તન માનસિક, શારીરિક કે સામાજિક હોઈ શકે. એટલે મનોવિજ્ઞાન શિક્ષણની વ્યાખ્યા આપતાં કહે છે, “અનુભવ દ્વારા વર્તનમાં પરિવર્તન એટલે શિક્ષણ.”

        કેટલાક લોકો પોતાની જાત માટે એક સીમારેખા બાંધી દેતા હોય છે અને અમુક વસ્તુ શીખવાનું આપણું ગજું નહિ એમ ધારી લઈને હાથ ધોઈ નાંખે છે. નકારાત્મક વલણ એમનામાંથી શીખવાની વૃત્તિ ખેંચી લે છે. એક સમયે વિદ્વાનો પણ એમ માનતા હતા કે દરેક માણસની શીખવાની વૃત્તિ અને શક્તિ મર્યાદિત છે એટલું નહિ, મર્યાદા ચોક્ક્સ અને નિશ્ચિત થઈ ચૂકેલી હોય છે. પરંતુ છેલ્લા ચાર દાયકા દરમ્યાન મનોવિજ્ઞાને સિદ્ધ કર્યું છે કે આપણી શીખવાની વૃત્તિનો આપણે ધારીએ એટલો વિકાસ કરી શકીએ છીએ. કેટલાક એવું માને છે કે શીખવાની વૃત્તિને બુધ્ધિ સાથે સંબંધ છે અને બુધ્ધિ વારસાગત હોવાથી બુધ્ધિનું પ્રમાણ ઓછું હોય તો શીખવાનું પ્રમાણ પણ ઓછું હોય. પરંતુ આધુનિક મનોવિજ્ઞાનીઓ બુધ્ધિ વિષે પણ હવે અલગ અભિપ્રાય ધરાવતા થયા છે. બધા એક વાતે સંમત થાય છે કે બુધ્ધિનું પ્રમાણ કદાચ વધારી શકાય, પરંતુ બુધ્ધિનો વિકાસ સાધીને એનો મહત્તમ ઉપયોગ જરૂર થઈ શકે.

        એવું પણ કહેવાય છે કે શીખવા માટે સ્મૃતિ શક્તિ યાને યાદદાસ્ત ખૂબ મહત્ત્વની છે. જેની યાદદાસ્ત નબળી હોય એને શીખવામાં તકલીફ પડે છે. પરંતુ મોટે ભાગે એવું જોવાયું છે કે નબળી યાદદાસ્ત એક બહાનું બને છે. હકીકતમાં નબળી યાદદાસ્ત આપણે સર્જેલી ગરબડનું પરિણામ છે. કોઈ પણ વસ્તુને યાદ રાખવા માટે એની ખાસ ગોળી આવતી નથી. યાદ રાખવાની ચોક્કસ પદ્ધતિ હોય તો બધું યાદ રહે છે. સ્મૃતિને કેવી રીતે સમૃદ્ધ અને મજબૂત બનાવવી એની ચર્ચા આપણે અગાઉના પ્રકરણમાં કરી છે. અહીં માત્ર એટલું યાદ રાખવાનું છે કે સ્મૃતિ આપણો અવરોધ નથી અને અવરોધક લાગે તો એનો ઉપચાર થઈ શકે છે. પાયાની શરત એટલી છે કે મારી સ્મૃતિનબળી છે એવો ખ્યાલ સફળ થવા ઇચ્છનારે મનમાંથી કાઢી નાખવો જોઈએ.

       જેની શીખવાની વૃત્તિ મંદ હોય કેટલીક સાદી ચાવીઓ લગાડીને એને તેજ કરી શકે છે.

૧. જાગૃતિ –  Awareness

          સૌથી પહેલી ચાવી છે જાગૃતિ. આપણે જે કોઈ પરિસ્થિતિમાંથી પસાર થઈએ, જેને પણ મળીએ, જે કંઈ વાંચીએ માત્ર કરવા ખાતર કરીએ તો એમાંથી કશું શીખાતું નથી. આપણું દરેક વર્તન અને આપણી દરેક ક્રિયા જાગ્રત રીતે થાય તો એમાંથી કંઈક શીખાય છે. આપણે જાગ્રત હોઈએ તો આપણું વર્તન માત્ર કર્મકાંડ બની રહે છે અને કર્મકાંડમાંથી કશું શીખાતું નથી.

૨. તીવ્રતા –  Intensity       

       શીખવાની વૃત્તિને ધાર કાઢવા માટેની બીજી ચાવી છે દરેક અનુભવની તીવ્રતા. આપણે જે કોઈ પરિસ્થિતિનો અનુભવ કરીએ તેમાં તીવ્રતા હોવી જરૂરી છે. આ તીવ્રતા એકાગ્રતાથી જ આવે છે. આપણા મનને વાંદરા જેવું કહ્યું છે. એ વિચારની એક ડાળ પર સખણું બેસી શકતું નથી. એકાગ્રતા મનને એક ડાળ પર સ્થિર બેસાડવાની વાત છે. એ વિના અનુભવની તીવ્રતા આવતી નથી. નિરર્થક જણાતી વાતનો પણ તીવ્રતાથી અનુભવ કર્યો હશે તો એ વગર પ્રયત્ને કંઈક શીખવી જશે.

Photo by Matheus Bertelli on Pexels.com ધ્યાનથી સાંભળનારની શારીરિક મુદ્રા અલગ તરી આવે છે.

 ૩. શ્રોતા બનવાની ટેવ –  Habit of Listening     

         શીખવાની વૃત્તિ વિકસાવવી હોય એણે ખૂબ સારા શ્રોતા બનવું પડે. કાન માંડીને સાંભળવાની આદત બહુ ઓછાને હોય છે. આપણે બોલવા માટે જેટલા તત્પર હોઈએ છીએ એટલા સાંભળવા માટે નથી હોતા. મોટા ભાગના માણસો સામાની પૂરી વાત સાંભળ્યા વિના જ બોલવા માંડે છે. કાન પર પડતો એકેએક શબ્દ પૂરેપૂરો કાનમાં પ્રવેશે તો જ દિમાગમાં એ ઝબકારા કરી શકે છે. દિમાગમાં થતા ઝબકારા એ જ ખરું શિક્ષણ છે.

૪. પુનર્જીવિત કરવું –  Making Live again      

          શીખવાની વૃત્તિ જેનામાં તીવ્ર છે પ્રત્યેક અનુભવને ઓછામાં ઓછો એક વાર માનસપટ પર પુનર્જીવિત કરીને વાગોળે છે. ઘણી વાર રીતે અનુભવને વાગોળવાથી એમાંથી કોઈક નવું તત્વ હાથ લાગી જાય છે. એક દ્રશ્યને આપણે બીજી વાર જોઈએ કે એક પુસ્તક બીજી વાર વાંચીએ ત્યારે એમાં કશુંક નવું મળી આવે છે. શીખવાની વૃત્તિની પણ એક અગત્યની ચાવી છે.

 ૫. મગજના વ્યવસ્થાપક –  Administrator of Brain       

        શીખવાની વૃત્તિ જેણે વિકસાવવી છે એણે પોતાના દિમાગ અને વિચારતંત્રના વ્યવસ્થાપક બનવું પડે છે. આપણે અસંખ્ય અનુભવોમાંથી પસાર થઈએ છીએ અને ઢગલાબંધ માહિતી આપણા દિમાગમાં ઠાલવીએ છીએ. બધાંનો ઢગલો થાય ત્યારે આપણને જયારે જોઈએ ત્યારે જરૂરી વસ્તુ મળે નહિ. એથી બધાંને દિમાગમાં વ્યવસ્થિત રીતે ગોઠવવા પડે. ઑફિસમાં જેમ જરૂરી વિગતોની ફાઈલો બનાવવામાં આવે છે એમ દિમાગમાં વ્યવસ્થિત ગોઠવણી કરવી પડે છે. જે પોતાના વિચારતંત્રનો શ્રેષ્ઠ મેનેજર બની શકે છે શીખવાની વૃત્તિમાં સદા આગળ  રહે છે.

૬. શિક્ષણની પદ્ધતિ –  Learning Method     

             શિક્ષણશાસ્ત્રીઓમાં શીખવાની પદ્ધતિઓ અંગે ખૂબ વિવાદ છે. કેટલાક એમ માને છે કે શિક્ષણ ઔપચારિક હોય કે અનૌપચારિક, ચોક્કસ પદ્ધતિથી અપાવું જોઈએ. પરંતુ ખરી વાત છે કે શિક્ષણની પદ્ધતિનો આધાર શીખનાર પર છે. આવી દરેક પદ્ધતિની સાર્થકતા સાપેક્ષ છે. આથી જેનામાં શીખવાની વૃત્તિ છે અગર જેને વિક્સાવવી છે એણે પોતાને કઈ પદ્ધતિ સૌથી વધુ અનુકૂળ છે શોધી કાઢવું જોઈએ. થોડોક શાંત વિચાર અને સ્વસ્થ ચિંતન પોતાને અનુકૂળ પદ્ધતિને ઓળખી કાઢવામાં ખૂબ મદદરૂપ થાય છે.  

        શીખવાની અનુકૂળ પદ્ધતિ ઓળખી કાઢવાનું જેટલું મહત્વનું છે એટલું શીખવાની પદ્ધતિમાં ક્યા અવરોધો નડે છે પણ શોધી કાઢવું પડે. અવરોધો ઓળખાઈ જાય તો શીખવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવી શકાય. ખરેખર તો અનુકૂળ પદ્ધતિ શોધવાની અને અવરોધો ઓળખી લેવાની પ્રક્રિયા એક સિક્કાની બે બાજુ જેવી છે. કોઈક ને વાંચવાનો કંટાળો આવતો હોય તો એણે વાંચવા કરતાં સાંભળવા પર વધુ ભાર મૂકવો પડે. ઔપચારિક શિક્ષણને અસરકારક બનાવવું હોય ત્યારે આટલો વ્યાયામ ખૂબ ઉપકારક નીવડે છે.

૭. શીખવાની કોઈ સીમા નથી –  No limit to Learning       

        છેવટે એક નિયમ યાદ રાખવા જેવો છે. આપણી પાસે આયુષ્યની રીતે જોતાં સમય ઘણો ઓછો છે અને આ દુનિયામાં જાણવા જેવું એટલું બધું છે કે જેની કોઈ સીમા નથી. આપણી નાનકડી જિંદગીમાં આપણે જગતનાં બધાં જ રહસ્યો પામી શકવાના નથી અને બધું જ જાણી કે શીખી લેવાના નથી. જેટલું વધુ જાણી કે શીખી શકાય એટલું આપણા માટે ઓછું છે. નિયમ એ છે કે શીખેલું ક્યાંય જતું નથી. એ ક્યારેક ને ક્યારેક તો કામ લાગે જ છે. શીખેલી વાત કામ લાગે છે ત્યારે જ આપણને એની કિંમત સમજાય છે. સફળ થવા ઇચ્છનારે અને વિજેતા બનવા માગનારે સતત જીવનમાં પડકારોનો સામનો કરતા રહેવું પડે છે. દરેક પડકાર આગલા પડકારથી જુદો હોય છે. આવો માણસ જો કંઈક શીખ્યો હશે તો જ પડકારને પહોંચી વળશે. ધારો કે કદાચ કોઈક પડકારનો સામનો કરવામાં એ પાછો પડે છે, તો પણ એમાંથીયે એ કંઈક શીખી લે છે. જે એને પછીના નવા પડકારનો સામનો કરતી વખતે ઉપયોગી થાય છે. જે સતત શીખતો રહે છે એ જ સાચો શિક્ષક છે અને સાચા શિક્ષકથી મોટો આ સમાજનો બીજો કોઈ રાહબર નથી. ‘શીખતો નર સદા સફળ’  એવી કહેવત રચીએ તોય ખોટું નથી!

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: