અંધકારનો ઉજાસ – આમુખ

દિવ્યેશ ત્રિવેદી લિખિત પુસ્તક – ‘અંધકારનો ઉજાસ’ – પર્યાવરણની આરપાર

ખાડો ખોદે તે પડે

ખાડો ખોદે તે પડે

કહેવતનો તો

પરીક્ષામાં વિચાર વિસ્તાર કરવાનો આવે.

કહેવતને જીવાતા જીવન સાથે શું લેવાદેવા!

કહેવતના સત્યની

કાનો કાન કોઇને ખબર પડવા દીધી.

જંગલો કાપ્યાં,

આડેધડ કાપ્યાં,

કેટલાં રુઆબથી કાપ્યાં.

પછી, પછી,

બાંધી દીધી,

હાંફતી સડકો,

કહેવાતી આલિશાન ઇમારતો,

પોતાના માટે ચણાતી કબરો જાણે.

સજીવનિર્જીવ,

ઊંચાઇઊંડાઇ,

જીવનમૃત્યુ,

વિકાસઅધોગતિ

સર્જ્યાં કેવાં ધનઋણ સંબંધો!

વૃક્ષો કાપી કાપીને

ખોદેલાં ખાડામાં

પડી પડીને ભસ્મીભૂત થઇ ગયાં.

ખાડો ખોદ્યો અને પડ્યા

પણ સત્ય બધાંને ક્યારે કહેવું નથી.

તમે પણ કહેતાં, કદી નહીં.

કાનો કાન પણ નહીં!

વર્ષો પહેલાં આ કવિતા રચાઈ હતી. એને જાણે વર્તમાન સાથે સીધી લેવાદેવા હોય તેવું લાગ્યા વગર રહેતું નથી. આજે ચારેકોર જે ભયજનક માહોલ છે તેના સર્જક આપણે જ છીએ.

૨૦૨૦ની સાલ કોણ ભૂલી શકે? લોક ડાઉન, કૉરોનાનો કહેર, માસ્ક, ઑક્સિજન લેવલ આ બધા શબ્દો તો હવે નાના નાના બાળકોની જીભે રમતા થઈ ગયા છે. ઘરમાં જ રહીને એકબીજા સાથે અંતર રાખીને જીવવાનું શીખી ગયા છીએ. જીવનમાં આવેલા આ વળાંકોએ પણ શું આપણને પર્યાવરણ અને પ્રકૃતિ વિશે ગંભીરતાથી વિચારવા માટે અને તે તરફ સંવેદનશીલ થવા માટે જાગ્રત કર્યા છે ખરા? કદાચ પ્રકૃતિના આ રૌદ્ર સ્વરૂપની આપણે કલ્પના પણ નથી કરી. આપણે તેની જેટલી અવગણના કરી છે, તેના પર જેટલો જુલમ ગુજાર્યો છે તેની આપણને કલ્પના પણ નથી જ.  પર્યાવરણ દિવસ, પૃથ્વી દિવસ, ઑઝોન દિવસ વગેરેની ઉજવણી થાય છે, પણ તે સમાચારો પૂરતી જ. શાળા-કૉલેજો કે અમૂક સંસ્થાઓમાં તે દિવસે પ્રવચનો કે કોઈ કાર્યક્રમો કરીને તેની ઇતિશ્રી થઈ જાય છે. તેનાથી આપણી રોજિંદી જિંદગીમાં શો ફર્ક આવ્યો? આપણે પાણીનો સાવચેતીથી ઉપયોગ કરતા થયા? બગીચામાં જઈને ફૂલોને તોડી નાંખતાં અટક્યા? વૃક્ષો પ્રત્યે સંવેદનશીલ થયા? જંગલોને આડેધડ કાપતાં અટક્યા? નદીઓમાં કચરો ફેંકતા અટક્યા? પર્યાવરણને કચડી નાંખતી કેટકેટલી પ્રવૃત્તિઓ આપણા જીવન સાથે સહજ રીતે વણાઈ ગઈ છે જેની આપણને સૂઝબૂઝ નથી અને આપણે વિકાસશીલ હોવાનું ગૌરવ લઈને ફરીએ છીએ.  

દિવ્યેશ ત્રિવેદી લિખિત ‘અંધકારનો ઉજાસ’ લેખમાળા ‘સમભાવ’ દૈનિકમાં ૧૯૯૦માં પ્રગટ થઈ હતી અને પછી ડિસેમ્બર ૧૯૯૦માં જ તેનું પુસ્તક સ્વરૂપે મુકુન્દભાઈ પી. શાહે કુસુમ પ્રકાશન તરફથી પ્રગટીકરણ કર્યું હતું. આ પુસ્તકના એકે એક શબ્દને આજના સમય સાથે સીધેસીધી લેવા દેવા છે. જાણે આજની જ વાત હોય તેવું લાગ્યા વગર રહેતું નથી. દિવ્યેશ આજે સદેહે મોજૂદ નથી, પણ આજના જીવનને લઈને એમણે આજ વ્યથા ફરી દોહરાવી હોત. અને કદાચ ‘ઉજાસનો અંધકાર’ એવી કોઈ બીજી લેખમાળા પ્રસિદ્ધ કરી હોત!

કૉલેજમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી ગત વર્ષે ૬ઠ્ઠી જૂને દિવ્યેશના જન્મ દિવસે ‘અનુસંધાન’ નામે વેબસાઈટ લૉન્ચ કરી. એમના અને મારા પિતાજી પ્રો. વિ. કે. શાહના સાહિત્યને લોકો સમક્ષ પ્રસ્તુત કરવાના ઉદ્દેશથી એ કાર્ય શરૂ કર્યું. લોકોનો અપ્રતિમ પ્રતિભાવ સાંપડ્યો. મારો આત્મવિશ્વાસ અને જુસ્સો બેવડાઈ ગયાં. પુસ્તકોને ટાઈપ કરવાનું અને તેને વેબસાઈટ પર પ્રસ્તુત કરવાનું કામ વધુ હતું. એમાં મને મારી બી.ઍડ.ની વિદ્યાર્થિની અને મિત્ર નાઝિમ તથા તેની દીકરી શરમીનનો ખૂબ સહકાર મળ્યો. બંને ખૂબ પ્રેમથી અને ઝડપથી ટાઈપ કરીને મને વૉટ્સ અપ પર મોકલતાં રહેતાં. એમના આ સહકારને લીધે મારું કામ ખૂબ ઝડપી બન્યું. શરમીને ટાઈપ કરેલા આ પુસ્તકને આજે ૨૦મી મેના રોજ એની વર્ષગાંઠે ‘અનુસંધાન’ પર મૂકતાં ખૂબ આનંદ અનુભવું છું. એને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.     

આપ સહુને પણ આ લેખમાળા વાંચવાનું ગમશે અને આપ પર્યાવરણ પ્રતિ વધુ સંવેદનશીલ બનશો એવી શ્રદ્ધા છે.      

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

4 comments

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: