અંધકારનો ઉજાસ – પ્રાસ્તાવિક

દિવ્યેશ ત્રિવેદી લિખિત ‘અંધકારનો ઉજાસ’ પર્યાવરણની આરપાર – પુસ્તક

ચિત્તના ચબૂતરેથી –

       આજથી લગભગ અઢી દાયકા પહેલાંનો એક પ્રસંગ યાદ આવે છે.

       ગુરુકુળ સૂપામાં અભ્યાસકાળના એ દિવસો હતા. ત્યાંના આચાર્ય પંડિત કેશવદેવજી ત્રિવેદી એક સવારે સમૂહ પ્રાર્થનામાં આવ્યા અને એક પ્રશ્ન કર્યો, “ બાળકો, મેં ચોગાનમાં ગુલાબના કેટલાક છોડ વાવ્યા હતા. એમાંના બે છોડ બળી ગયા છે. મને નિરીક્ષણ કરતાં લાગ્યું છે કે આ બંને છોડનાં મૂળમાં કોઈક પાણીને બદલે એસિડ નાખ્યો છે. મારે જાણવું છે કે આ કૃત્ય કોણે કર્યુ છે? જેણે આ કૃત્ય કર્યું છે. એ મારી પાસે આવીને કબૂલ કરે .

     લગભગ ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ ત્યાં હતા. મૌન પથરાઇ ગયું. કોઇ એક શબ્દ પણ બોલ્યું નહિ. લગભગ  પાંચ મિનિટ પસાર થઇ ગઇ. છેવટે પંડિતજીએ કહ્યું, “તમારા મૌનનો અર્થ એવો થાય છે કે કાં તો આ કૃત્ય તમારામાંથી કોઇએ ક્યું નથી. અથવા તો જેણે કર્યુ છે તેણે કબૂલ  કર્યુ નથી. હવે હું મારો નિર્ણય જણાવું છું. જ્યાં સુધી આવું કરનાર મારી પાસે કબૂલાત નહિ કરે ત્યાં સુધી હું અન્ન-જળ નહિ લઉં. હું આ ક્ષણથી જ ઉપવાસ આદરું  છું”

  – અને ખરેખર પંડિતજી ઉપવાસ પર બેસી ગયા. એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ અને ચોથો દિવસ પણ આવ્યો. પંડિતજીના ઉપવાસ ચાલુ રહ્યા. પરંતુ ગુલાબના છોડમાં એસિડ નાખનાર કોઇ કબૂલાત કરવા આવ્યું નહિ. સમગ્ર ગુરુકુળ આશ્રમનું વાતાવરણ ભારેખમ બની ગયું. ચોથા દિવસની સાંજની સમૂહ પ્રાર્થનામાં શિક્ષકો, સંસ્થાના મુખ્ય અધિષ્ઠાતા પંડિત શ્રૂતબંધુ શાસ્ત્રીજી, ગણેશચંદ્રજી, શ્યામદેવજી, ઠાકોરભાઇ મિસ્ત્રી વગેરેએ વિદ્યાર્થીઓને અપીલ કરી કે જેણે આ કર્યું હોય તે હિંમત કરીને આગળ  આવે અને આચાર્યજીના ઉપવાસ છોડાવે. છતાં કોઇ સળવળ્યું નહિ.

       છેવટે વિદ્યાર્થીઓના મહામંત્રીએ ઊભા થઈને કહ્યું, “આવું કરનાર આપણામાંનું જ કોઇક છે. એ જયાં સુધી કબૂલાત નહિ કરે ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓ ભોજન અને નાસ્તાનો ત્યાગ કરશે ”

        ફરીને મૌન પથરાઇ ગયું. થોડી વારે અગિયારમા ધોરણમાં ભણતો એક વિદ્યાર્થી ઊભો થયો અને બધાની વચ્ચે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. એણે ગુલાબના છોડમાં એસિડ નાંખ્યાની કબૂલાત કરી. એણે કહ્યું કે વિજ્ઞાનના શિક્ષકે રસાયણશાસ્ત્ર ભણાવતી વખતે કહ્યું હતું કે એસિડ નાંખવાથી છોડ બળી જાય, કારણકે છોડમાં પણ જીવ છે. આથી એને જિજ્ઞાસા થઇ અને એણે પ્રયોગશાળામાંથી કોઈને ખબર ન પડે તેમ થોડો એસિડ લાવીને આ અખતરો કર્યો હતો. વાત આટલી બધી આગળ વધી જશે એવી તો એને પણ કલ્પના નહોતી.

     ઉદારદિલ આચાર્ય  પંડિત કેશવદેવજીએ એને માફી આપી અને પોતાના ઉપવાસ છોડયા. બીજે દિવસે સવારે સમૂહ પ્રાર્થનામાં કેશવદેવજીએ કહ્યું, “બે છોડ બળી જવાથી મને જે દુ:ખ થયું છે એની તમને કદાચ અત્યારે કલ્પના નહીં આવે. એ બે છોડ પણ મારા માટે તમારા જેવા જ બે બાળકો હતાં…’’ અને પછી એમણે વનસ્પતિ  વિષે, જંગલો  વિષે, પક્ષીઓ વિષે અને પ્રાણીઓ વિષે ખૂબ  વાતો કહી. એ વખતે એમણે કહેલા બધા જ શબ્દો તો યાદ નથી, પરંતુ એટલું સમજાયું હતું કે વૃક્ષ અને વનસ્પતિ તો આપણા જીવનનાં અનિવાર્ય અંગ છે, ફૂલો પૃથ્વીની આંખો છે. એનું નિકંદન કાઢવું એ ગંભીર  અપરાધ છે અને એમનું જતન કરવું એ આપણી પવિત્રમાં પવિત્ર ફરજ છે.

     લગભગ  દસેક વર્ષ પહેલાંનો બીજો એક પ્રસંગ પર ચિત્તમાં કોતરાઈ ગયો છે. સવારના લગભગ સાડા દસ થયા હતા. ‘જનસત્તા’ની મારી ઓફિસમાં આવીને બેઠો અને તરત જ વડીલ કવિ-મિત્ર રતિલાલ જોગી આવી પહોંચ્યા. સામાન્ય રીતે બપોરે દોઢ-બે વાગ્યે જ આવતા રતિભાઈને આટલા વહેલા આવેલા જોઈને આશ્ચર્ય થયું. એમનો ચહેરો ગંભીર હતો અને આંખોમાં પાણી ધસી આવવાની કોશિશ કરતાં હોય એવું સ્પષ્ટ દેખાતું હતું .

      થોડીવારે તેઓ બોલ્યા, “તમે કાયદાનો અભ્યાસ કર્યો છે ને? મારા એક પ્રશ્નનો જવાબ આપો … કોઈ વૃક્ષ કાપી નાંખે તો એની સામે પગલાં લઈ શકાય કે નહીં ?” એમના અવાજમાં ધ્રૂજારી હતી.

         રતિભાઇના ઘરની સામે રહેતા એક ભાઈએ એમના આંગણામાંનું વૃક્ષ કાપી નાખ્યું હતું. એ વૃક્ષ કપાતું હતું ત્યારે રતિભાઈએ એમને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. પરંતુ એ મિત્રની દલીલ એવી હતી કે વૃક્ષથી એમના ઘરમાં મચ્છર આવે છે. રતિભાઇ આજીજી કરતા રહ્યા અને એ વૃક્ષ કપાઇ ગયું. તેઓ ખૂબ વ્યથિત હતા. વાત પૂરી કરતાં સુધીમાં તો એમની આંખમાંથી બે આંસુ સરકીને બહાર આવી ગયાં.

     પંડિત કેશવદેવજી અને રતિલાલ જોગી જેવા ઘણા સંવેદનશીલો હજુ આપણા દેશમાં છે. પર્યાવરણનું ઘોર નિકંદન નીકળી રહ્યું હોવા છતાં પ્રકૃતિ આપણી પાસે રહી શકી છે એ આવા માણસોને જ આભારી છે. આવા કેટલાક સહ્રદયીઓના સંપર્ક અને સહવાસને કારણે પર્યાવરણ પ્રત્યેની મારી આસ્થા વધી છે.

     આજથી ત્રણ-ચાર વર્ષ પહેલાં પર્યાવરણવિદ્ મિત્ર ડૉ. ગૌરવ હીરાણી આવી ચડયા. એમની એવી ઇચ્છા હતી કે પર્યાવરણ-માસની ઉજવણી નિમિત્તે દરરોજ ‘સમભાવ’ દૈનિકમાં પર્યાવરણ વિષે દસ-પંદર લીટીનું ટૂંકું છતાં ચોટદાર લખાણ પ્રસિદ્ધ કરવું. એમનો એવો આગ્રહ હતો કે એ કામ મારે જ કરવું.

     એમનો આગ્રહ ગમ્યો અને એ રીતે સળંગ એક મહિના સુધી ‘અંધકારનો ઉજાસ’ શીર્ષક હેઠળ લખાયેલી એ નોંધોને વ્યાપક આવકાર મળ્યો.

      ‘નવચેતન’ના તંત્રી અને મુરબ્બી મિત્ર મુકુંદભાઇ શાહે આ તમામ લખાણોને પુસ્તિકા રૂપે પ્રગટ કરવાનું સૂચન કર્યું એટલું જ નહિ, એ પ્રગટ કરવાની જવાબદારી પણ એમણે સ્વીકારી લીધી.

પ્રકાશિત પુસ્તકનું મુખપૃષ્ઠ

       ઘણા વિલંબે આ કામ પાર પડી રહ્યું છે એનો આનંદ છે. જો કે એનો યશ મુકુંદભાઈને જ જાય છે. આ તબક્કે સહ્રદયી મિત્રો અને વડીલોમાંથી મારા મુરબ્બી અને માર્ગદર્શક (અને શ્વસૂર) સ્વ. પ્રા. વિ. કે. શાહ, મારા વડીલબંધુ ભૂપેન્દ્રભાઇ ત્રિવેદી, ભૂપતભાઇ વડોદરિયા, રજનીભાઈ વ્યાસ, પુરુષોત્તમ પટેલ અને સહજીવનયાત્રી  સ્મિતા ઉપરાંત અનેક સંસ્કારોનો દૃઢ વારસો આપનાર મારાં માતુશ્રી સ્વ. શારદાબહેન ત્રિવેદીના પ્રત્યક્ષ અને પરોક્ષ ફાળાની નોંધ લીધા વિના ચાલે તેમ નથી.

આ પુસ્તિકા બે-પાંચ માણસોને પણ પર્યાવરણ વિષે વિચારતા કરી શકશે તો સાર્થક ગણાશે.

તા. ૨૧ નવેમ્બર, ૧૯૯o          

દિવ્યેશ  ત્રિવેદી  

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: