2. Closed Doors of Brain

ધૂમાડાની સંસ્કૃતિ ખીલતી જાય છે અને ફૂલોની સંસ્કૃતિ કરમાતી જાય છે. લીલાં-હરિયાળાં વનો સંકોચાતાં જાય છે અને આસ્ફાલ્ટનાં જંગલો વિસ્તરતાં જાય છે.
એક તરફ ઉદ્યોગો આર્થિક સમૃધ્ધિ ભણી દોરી જાય છે તો બીજી તરફ પર્યાવરણના નામે આપણને દિવસે દિવસે વધુને વધુ ગરીબ બનાવતાં જાય છે.
હવા અને પાણીના પ્રદૂષણમાં સતત એકધારો વધારો થતો જાય છે. છેલ્લાં પંદર વર્ષમાં હવામાં સડેલાં ઇંડાંની વાસ ધરાવતા સલ્ફર ડાયોકસાઇડ વાયુનું પ્રમાણ ત્રણ ગણું થઇ ગયું છે. દર વર્ષે બસ્સો લાખ ટન સલ્ફર ડાયોકસાઇડ હવામાં ભળે છે.
ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે દર વર્ષે હવામાં કાર્બન ડાયોકસાઇડના પ્રમાણમાં એક ટકાનો વધારો થતો રહે છે. ‘ગ્રીન હાઉસ ઈફેકટ’ તરીકે ઓળખાતી આ પરિસ્થિતિને કારણે વાતાવરણના ઉષ્ણતામાનમાં બે થી ત્રણ ટકાનો વધારો થતો રહે છે.
વરસાદનું અનિયમિત ચક્ર પણ આવી બધી પરિસ્થિતિઓને જ આભારી છે. દુષ્કાળની બૂમો પાડતાં આપણે થાકતા નથી. ત્યારે દિમાગના દરવાજા સહેજ ખોલીને આટલા આંકડાને આપણે અંદર પ્રવેશવા દઇશું કે નહિ? નહિતર આ જ આંકડાઓ કારમો બોજ બનીને એક દિવસ આપણને ગૂંગળાવી મારશે એટલી વાત નક્કી!
અને એક ઓર વાત – ન્યૂયોર્કનું આકાશ પ્રદૂષણથી એવું તો ઊભરાયું છે કે રાત્રે તારા જોવા પણ મુશ્કેલ બની જાય છે.
આપણો ઇરાદો શું છે?
