૩૦. વસ્ત્રોની પસંદગી અને પસંદગીના વસ્ત્રો!

30. Choice of Clothing and Clothing with Choice!

ઉત્તમ વસ્ત્રો વ્યક્તિત્વની શાન વધારે છે.

મહાન સિકંદરનાં કલાકારે દોરેલાં અનેક ચિત્રો જોવામાં ક્યાંક આવ્યા હશે. કલાકારોએ હંમેશાં સિકંદરને સેનાપતિને છાજે એવા બખ્તર-બંધ પહેરવેશમાં જ રજૂ કર્યો છે. સિકંદરની ધોતિયા-ઝભ્ભામાં કે પેન્ટ-બુશર્ટમાં કદી કલ્પના કરી છે? ખરેખર તો આવી કલ્પના કરવાનું પણ અઘરું લાગે છે. એનું કારણ એ છે કે સિકંદરનો પોશાક એની ઓળખાણનું એક અવિભાજ્ય અંગ છે. એટલે જ એમ કહી શકાય કે સફળ માણસના જીવનમાં વસ્ત્ર પસંદગીનું આગવું મહત્વ છે. ઘણા લોકો કહેતા હોય છે કે સરવાળે તો માણસનું ચારિત્ર્ય, એની આવડત, એનો સ્વભાવ અને એની સમજદારીનું જ મહત્વ છે. વાત પૂરેપૂરી ખોટી નથી, પરંતુ એથી વસ્ત્રોનું મહત્વ ઘટી જતું નથી. કોઈ પણ પરિસ્થિતિની અંદર પ્રવેશવા માટે વસ્ત્રો પ્રથમ પગથિયું બની જાય છે. વસ્ત્રો વ્યક્તિત્વની ઓળખ બનવા ઉપરાંત વ્યક્તિની હાજરીને પ્રભાવક બનાવે છે એટલું જ નહીં, વસ્ત્ર-પસંદગીની પોતાની અને સામા માણસ પર એક ચોક્કસ મનોવૈજ્ઞાનિક અસર હોય છે. સફળ થવા ઇચ્છનાર માણસે વસ્ત્રોની પસંદગી પાછળ આ જ મુખ્ય વાત ધ્યાનમાં રાખવાની હોય છે.

         વસ્ત્રોનું આપણા જીવનમાં અનેક રીતે મહત્વ છે. માણસ સામાજિક અને સુસંસ્કૃત બન્યો નહોતો ત્યાં સુધી એણે વસ્ત્રોની પસંદગીને ઝાઝું મહત્વ આપ્યું નહોતું. પહેલાં તો સમજી લેવા જેવું છે કે વસ્ત્રોનું મૂળભૂત મહત્વ અંગ ઢાંકીને બાહ્ય પરિબળો સામે શરીરનું રક્ષણ કરવાનું છે. પ્રાચીન કાળમાં અંગ ઢાંકવા માનવી વલ્કલ યાને કે વૃક્ષોનાં પાંદડાં અને છાલ ધારણ કરતો હતો. પછી ઠંડી, ગરમી અને વરસાદ સામે શરીરનું રક્ષણ કરવાનો હેતુ ઉમેરાયો. પછી જેમ જેમ સામાજિક બનતો ગયો તેમ તેમ એણે બીજા લોકોના પ્રતિભાવોની નોંધ લેવા માંડી. કશુંક નવું કરવા માટે અને બીજાઓની દાદ મેળવવા માટે એણે વસ્ત્રોમાં જુદી જુદી ખૂબીઓ ઉમેરી. વસ્ત્રોને અવનવી ડિઝાઇનો આપી. માણસ મૂળભૂત રીતે વિચારશીલ છે અને નવીનતાનો ચાહક છે. કારણે દુનિયાભરમાં આજે ફેશન અને ડિઝાઈનિંગનો એક આખો આગવો ઉદ્યોગ વિકસ્યો છે. આમ વસ્ત્રોની પસંદગીની તરાહ બદલાતી ગઈ છે. છતાં લગભગ દરેક સમાજ અને દરેક રાષ્ટ્રમાં કોઈ એક ચોક્કસ પોષાકે સાંસ્કૃતિક ઓળખ ઊભી કરી છે. સમાજ પરિવર્તનશીલ છે અને માનવી બીજાઓનું ઝડપથી અનુકરણ કરતો રહ્યો છે. એથી અન્ય લોકોના પોષાક અપનાવે છે ખરો, પરંતુ પોતાનો મૂળ પોષાક જાળવી રાખે છે. ઉદાહરણ તરીકે ધોતિયું, ઝભ્ભો અને ટોપી પરંપરાગત ભારતીય પોષાક ગણાય છે. છતાં એમાં પ્રાદેશિક ભિન્નતા પણ ડોકાયા વિના રહેતી નથી. ગુજરાતમાં સૌરાષ્ટનો પોષાક જુદો પડે છે. માછીમાર સ્ત્રીઓને વારંવાર પાણી અને કાદવ ખૂંદવાના હોવાથી સાડીને કછોટો બાંધે છે. દક્ષિણમાં ખૂબ ગરમી પડતી હોવાથી સફેદ લૂંગી સામાન્ય પોષાક બની ગઈ છે. રીતે ઉત્તરપૂર્વમાં જુદો પોષાક જોવા મળે છે.

         આમ પોષાક માત્ર સાંસ્કૃતિક ઓળખ નથી. પોષાક વડે પ્રકારે સંવાદ અથવા પ્રત્યાયન પણ થાય છે. એક Communicationનું માધ્યમ છે. આપણે કોઈકને સંદેશો પહોંચાડવા માટે ભાષાનો પ્રયોગ કરીએ છીએ. પોષાકની પણ એક આગવી ભાષા હોય છે. સાધુસંતોએ પોતાની ઓળખાણ આપવા માટે આઇડેન્ટિટી કાર્ડ નથી બતાવવું પડતું. ચોક્કસ પ્રકારનાં ભગવાં વસ્ત્રો જોતાં સાધુસંત છે વાતની આપણને જાણ થઈ જાય છે. એવું પોલીસનું પણ છે. સાદાં વસ્ત્રોમાં ખુદ પોલીસ કમિશનર રસ્તા વચ્ચે ઊભા રહીને ટ્રાફિકનું નિયમન કરવા જાય તો એમને કોઈ ગાંઠે નહીં. પરંતુ એક સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ મોંમાં વ્હીસલ અને હાથમાં દંડૂકો લઈને રોડની બાજુ પર ઊભો હોય તો પણ ટ્રાફિક સીધેસીધો ચાલવા લાગે. યુનિફૉર્મ એટલે કે ગણવેશની પ્રથા પાછળ પણ ઓળખાણનો આશય રહેલો છે. વિમાનના પાયલટ, એસ.ટી.ના ડ્રાઇવર, લશ્કરના જવાનો કે અધિકારીઓ, રેલવેના ટિકિટ ચેકર વગેરે દરેકને રીતે આગવી ઓળખ મળે છે. શાળામાં પણ ગણવેશનું મનોવૈજ્ઞાનિક મહત્ત્વ રહેલું છે. કેટલાક વ્યવસાયિકોએ પોતાની ઓળખ માટે સ્વૈચ્છિક ગણવેશ પસંદ કરેલો જોવા મળે છે. તબીબોના સફેદ કોટ અને નર્સોના ડ્રેસ કક્ષામાં આવી જાય. જેલના કેદીને પણ એની સ્પષ્ટ ઓળખ માટે ચોક્કસ પોષાક આપવામાં આવે છે.

Photo by RODNAE Productions on Pexels.com યુનિફૉર્મ પરથી આપણે વ્યક્તિ ક્યા વ્યવસાયમાં છે તેનો અંદાજ લગાવી શકીએ.

      વસ્ત્રોની પસંદગીમાં અનેક બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. માત્ર રંગ અને ડિઝાઇનને મહત્વ આપવાથી કામ પતી જતું નથી. વસ્ત્રપસંદગીમાં સંખ્યાબંધ બાબતોનો સમન્વય સાધવો જરૂરી બને છે. આપણી સાંસ્કૃતિક અને સામાજિક પરંપરાની સાથે એનો મેળ પણ બેસવો જોઈએ. આમ જુઓ તો પેન્ટ, શર્ટ અને કોટ આપણી પરંપરા નથી. છતાં બ્રિટિશરોએ આટલાં વર્ષ આપણે ત્યાં ગાળ્યાં પછી આપણે ઘણે અંશે પરંપરા અપનાવી છે. પરંતુ રેડ ઇન્ડિયાનો જેવાં પીંછાં પહેરીને નીકળેએ તો ગાંડા લાગીએ. એની સાથે ઋતુ અને પર્યાવરણનો પણ ખ્યાલ રાખવો જરૂરી બને છે. સખત ગરમ પ્રદેશમાં કે ગરમીના સમયમાં હળવા રંગના વસ્ત્રો અને ઝીણાં વસ્ત્રો ઉપકારક બને. ઠંડીના સમય કે પ્રદેશમાં એથી ઊલટું હોય. આપણે ત્યાં કેટલાક લોકો ૪૨ થી ૪૫ અંશ સેલ્સિયસ ગરમીમાં પણ કોટ, પેન્ટ અને ટાઈ ચડાવી નીકળી પડતા હોય છે. ખરેખર તો વેશભૂષા ઠંડા પ્રદેશની છે. એટલે આવો પહેરવેશ ઊલટું અકળામણ પેદા કરે છે અને એની અસર સ્વભાવ પર તથા કાર્યક્ષમતા પર પડે છે.

        આવું વ્યક્તિના શરીરના બંધારણનું પણ છે. આપણો ચામડીનો રંગ ભલે કુદરતદત્ત  એટલે કે વારસાગત હોય, પરંતુ એને અનુરૂપ વસ્ત્ર પસંદગીનો હક આપણી પાસે છે. શરીરને પાકો રંગ મળ્યો હોય અને ઘેરા રંગનાં કપડાં પહેરીએ તો અચૂક બહુરૂપી જેવા લાગીએ. ઊજળી ત્વચા પર ઘેરો રંગ વધુ શોભી ઊઠે. એવી રીતે જેની ઊંચાઈ પ્રમાણ કરતાં વધુ હોય એણે આડા પટાવાળું વસ્ત્ર પહેર્યું હોય તો ઊંચાઇ પ્રમાણસર લાગે અને જેની ઊંચાઈ ઓછી હોય ઊભા પટાવાળું વસ્ત્ર પહેરે તો એને સારું લાગે. એનાથી વિપરીત પહેરવાથી વિપરીત દેખાવ ઊભો થાય.

        વસ્ત્રોની પસંદગીને વ્યવસાય સાથે અને સુસંગતતા સાથે પણ એટલો સંબંધ છે. નાટકમાં કામ કરનાર વ્યક્તિ ચટાપટા અને રંગબેરંગી ડીઝાઇનોવાળાં કપડાં પહેરે તો એને શોભે, પરંતુ શિક્ષક એવાં વસ્ત્રો પહેરે તો છેલબટાઉ અને આછકલું લાગે. વળી શિક્ષક માટે વસ્તુઓનું સાતત્ય પણ એટલું જરૂરી છે. શિક્ષક જો લેંઘોઝભ્ભો પહેરતો હોય અને એક દિવસ પેન્ટશર્ટ, બીજે દિવસે ધોતીઝભ્ભો અને ટોપી, ત્રીજે દિવસે કાઠિયાવાડી પાઘડી અને ચોથે દિવસે લૂંગી પહેરે તો એની પ્રથમ છાપ જોકર જેવી પડે. મુંબઈના એક ઉદ્યોગપતિ એમના ધંધાના શરૂઆતના દિવસોમાં ભંગાર અને ચોરીની વસ્તુઓ ખરીદવા અપ ટુ ડેટ થઈને ચોરબજારની મુલાકાત લેતા હતા. થોડા વખતમાં એમને લાગ્યું કે અહીં પણ ઘણી વસ્તુઓ ખૂબ મોંઘી કિંમતે મળે છે. થોડા દિવસ પછી એમને યુબલાઈટ થઈ. પછીના સપ્તાહે તેઓ બેત્રણ દિવસનાં મેલાં, ગંધાતાં અને સહેજસાજ ફાટેલાં કપડાં પહેરીને ગયા. પોતાની કાર દોઢેક કિલોમીટર દૂર ઊભી રાખીને તૂટેલા ચંપલ પહેરીને ચોરબજારમાં ગયા. એમને ઓછી રકઝકે બરાબર અડધી કિંમતે ઘણી બધી વસ્તુઓ મળી. જૂની વસ્તુઓનું નવિનીકરણ કરીને વેચવાના ધંધામાં બેપાંચ વર્ષે ઘણી બરકત આવી અને ધીમે ધીમે ધંધામાં ખૂબ આગળ વધ્યા.

        આના પરથી સિધ્ધિ થાય છે કે પોષાકને અને પ્રસંગને પણ ગાઢ સંબંધ છે. પેલા ઉદ્યોગપતિ મિત્ર અપ ટુ ડેટ થઈને ચોરબજારમાં જાય એટલે એને બહારનોમાણસ સમજીને બજાર એની સાથે વ્યવહાર કરે સાવ સ્વાભાવિક છે. લઘરવઘર જાય એટલે એને બજાર પોતાનો માણસસમજીને એની સાથે વ્યવહાર કરે. કોઈ સ્ત્રી ચાંલ્લો કર્યા વિના, કોઈ પણ ઘરેણાં વિના શુધ્ધ સફેદ વસ્ત્રોમાં લગ્નપ્રસંગે હાજર થાય તો કેવું લાગે? રીતે મરણ પ્રસંગે ઘરેણાંનો ઠઠારો કરીને અને સિલ્કની મોંઘી સાડી પહેરીને કોઈક હાજર થાય તો પણ આપણને અજુગતું લાગે.

        વ્યવસાય અને વેશભૂષામાં કામનો પ્રકાર પણ એટલો મહત્વનો છે. મોટર મિકેનિક કે મશીન ઓપરેટર ખાખી કે ભૂરાં વસ્ત્રો પસંદ કરે છે એની પાછળ એના કામનો પ્રકાર જવાબદાર છે. એને સફેદ વસ્ત્રો પહેરવાનું પોસાય નહીં. એવી રીતે ગૃહિણીએ ઘરકામ કરતી વખતે, રસોઈ કરતી વખતે તથા બહાર નીકળતી વખતે વસ્ત્રપરિધાનમાં વિશેષ કાળજી લેવાની રહે છે. સાથે વસ્ત્રપસંદગી વખતે પોતાના ખિસ્સાની પહોંચનો પણ વિચાર કરવાનો આવે છે. કોઈક વ્યક્તિને વારંવાર નવાં કપડાંનો શોખ હોય એણે મોંઘાં અને ટકાઉ વસ્ત્રો પસંદ કરવાને બદલે સસ્તાં અને ઓછાં ટકાઉ છતાં આકર્ષક વસ્ત્રો પર પસંદગી ઉતારવી જોઈએ.

       વસ્ત્રોની પસંદગી માત્ર આપણી પોતાની પસંદગીનો નહિ, બીજાઓનો પણ વિચાર કરવો જોઈએ. એક વાર એક ભાઈ આવ્યા. એમની મૂંઝવણ હતી કે એમના ઉપરી અધિકારી એમની સાથે ખૂબ વિચિત્ર વર્તન કરતા હતા. ક્યારેક ખૂબ સારી રીતે બોલે અને નાના ભાઈની જેમ વર્તે તો ક્યારેક તોછડું વર્તન કરે અને સરખી રીતે વાત પણ કરે. ભાઈએ એકાદ વાર સાહેબને માટેનું કારણ પૂછયું. સાહેબે જવાબ આપ્યો, “એવું કંઈ નથી!” પરંતુ અવારનવાર બનતું હતું. મણે એક ભાઈ સાથે એ અંગે ઘણી ચર્ચા કરી, પરંતુ કોઇ ચોક્કસ કારણ મળ્યું નહિ. ત્યાં અચાનક એક સંસ્કૃત શ્લોક યાદ આવ્યો. એનો આધાર લઈને ભાઈને એટલું યાદ કરવા કહ્યું કે તમારા ઉપરી અધિકારી તમારી સાથે ખરાબ રીતે વર્ત્યા છે ત્યારે ત્યારે તમે કેવાં કપડાં પહેર્યાં હતાં જરા યાદ કરી શકો? થોડું વિચાર્યા પછી તેઓ કહી શક્યા કે મોટે ભાગે દરેક વખતે મેં લાલ શર્ટ પહેર્યું હતું! ઉકેલ એક હતો. એક મહિના સુધી લાલ શર્ટ પહેરવું નહિ. ભાઈએ લાલ શર્ટને બેગમાં મૂકી દીધું. એક મહિના પછી એમણે કહ્યું કે સાહેબે એક પણ વાર ખરાબ વર્તન કર્યું નથી. આના પરથી એટલું તારણ કાઢવાનું રહેતું હતું કે ભાઈના ઉપરી અધિકારીને કદાચ એમની પોતાની જાણ બહાર લાલ રંગ માનસિક ઉત્તેજના જન્માવતો હતો. વાતથી તેઓ ખુદ સભાન નહોતા. હજુ જોકે એક પગથિયું બાકી હતું. એમના ઉપરીને કયો રંગ પ્રસન્ન અને પ્રફુલ્લિત કરતો હતો એમણે શોધી કાઢવાનું હતું. મનોવિજ્ઞાને રંગોની વ્યક્તિત્વ પરની અસરો વિષે ઘણું સંશોધન કરીને દિશામાં ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડયું છે.

         અને હા, પેલો સંસ્કૃત શ્લોક જાણવાની પણ જિજ્ઞાસા થાય સ્વાભાવિક છે.

                                   કિમ્  વાસસા  તત્ર  વિચારણીયં

                                   વાસ: પ્રધાનમ્ ખલુ યોગ્યતાયાં!

                                    પિતામ્બરં વીક્ષ્ય દદૌ સ્વકન્યાં

                                    ચર્મામ્બરમ્ વીક્ષ્ય વિષં સમુદ્ર!!        

          અર્થાત્ વસ્ત્રમાં શું છે વિષે વિચારવા જેવું છે. વસ્ત્રો વ્યક્તિની યોગ્યતા સિધ્ધ કરવાનું અગત્યનું સાધન છે. જુઓ ને, પીળા પિતામ્બરનું સોહામણું વસ્ત્ર ધારણ કરનાર વિષ્ણુને સમુદ્ર પોતાની દીકરી આપી અને ચર્મવસ્ત્ર ધારણ કરનાર શંકરને સમુદ્રએ વિષ આપ્યું!

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: