23. Selfishness is not even recognized!

સ્વાર્થને કદી સીમાડા હોતા નથી. સ્વાર્થ વકરીને ઊભો રહે છે ત્યારે એ પોતાનાં અને પારકાંના ભેદ પણ ભૂલી જાય છે. ઉપકારનો બદલો અપકારથી વાળતાં કોઈ ખચકાટ પણ થતો નથી.
જન્મથી મૃત્યુ સુધી સાથ આપતા વૃક્ષનું જતન કરવું એ બાળકને ઉછેરવા જેવી પ્રાથમિક ફરજ હોવા છતાં સ્વાર્થનો માર્યો માનવી કુહાડીઓ આમથી તેમ ફંગોળ્યા કરે છે. જંગલો ઉશેટીને ત્યાં એને ધુમાડા ઓકતી મસમોટી ચીમનીઓનાં સપનાં આવે છે.
આપણા કર્યા કરાવ્યાનાં ફળ આપણે ભોગવીએ છીએ એથી વધુ આપણા પછીની પેઢી ભોગવે છે. આપણા પછીની પેઢીનો વિચાર કરવો એય એક સ્વાર્થ હોવા છતાં એ સ્વાર્થ પણ ઓળખાતો નથી એટલા તો આંધળી ભીંત થઈ ગયા છીએ આપણે!
હજુ ય નહિ ચેતીએ તો આવતી પેઢીના લોકો આપણને માફ નહિ કરે!
