
દેશના એક ટોચના અર્થશાસ્ત્રીને મળવાનું હતું. એક આખો દિવસ એમની સાથે ગાળવાનો હતો. મનમાં આશંકાઓ અને દહેશત હતી. આવા વિદ્વાન અને બહુશ્રુત માણસ સાથે આખો દિવસ શું વાતો કરીશું? એમના જ્ઞાન અને વિશાળ અનુભવનો બોજ કઈ રીતે ઊંચકાશે? પરંતુ અનુભવ જુદો જ થયો. અનેક પુસ્તકોના લેખક, અર્થશાસ્ત્રી, સાથે ફિલસુફીના વિદ્વાન, લોકપ્રિય અધ્યાપક, સંશોધનકાર અને ઉચ્ચ હોદ્દાઓ પર રહી ચૂકેલા આ મહાનુભાવ અત્યંત ઋજુ, વિવેકી, નમ્ર અને એકદમ હળવાફૂલ એક્દમ હળવાફૂલ નીકળ્યા. એમની દરેક બાળસહજ જિજ્ઞાસા અને નિર્દોષતા ટપકતી હતી. જ્ઞાન કે અનુભવનો જરા ય ભાર નહોતો.
ક્યાંથી આવી હળવાશ? જ્ઞાનને અનુભવનું ભારણ કેમ નહોતું? કદાચ જ્ઞાનની ખૂબી આ જ છે. એનો વ્યાપ વધે છે અને વિસ્તરે છે ત્યારે અહંકાર અને ગેરસમજનો ભાર ઘટે છે. પરિણામે હળવાશ આવે છે. ઘણા માણસો બહુ બોલે છે, જ્ઞાન પ્રદર્શિત કરતાં થાકતા નથી. એમની હાજરીનો ભાર આસપાસની હવા પણ અનુભવે છે. તેઓ જે કંઈ પણ જાણે છે એના વજનના ચારે બાજુ ફુવારા ઉડાડે છે, પરંતુ પછી એ ભાર નીચે દબાઈને ગૂંગળામણ અનુભવાય છે.
સોક્રેટિસ કહેતા હતા કે મને ગાંડો અને મૂર્ખ કહેનારા કરતાં હું વધુ શાણો છું. એનું કારણ આપતાં એમણે કહ્યું હતું કે એ લોકોને એટલી જ ખબર છે કે એમને શેની ખબર છે. મને એ વાતની ખબર છે કે મને શેની ખબર નથી. સોક્રેટિસની વાત સાવ સાચી છે. માણસ પોતાના અજ્ઞાનથી વાકેફ થાય ત્યારે જ એ જ્ઞાની બને છે. પોતાના અજ્ઞાનનો અહેસાસ એ જ સાચું જ્ઞાન છે. જેમ જેમ જ્ઞાન વધે છે તેમ તેમ અજ્ઞાન વિષેની સમજ વધે છે. જ્ઞાન એ શક્તિ છે. જે માણસ પોતાની નબળાઈને સારી રીતે સમજે છે એ જ વધુ શક્તિશાળી બને છે.
અજ્ઞાન વિષેની સભાનતાનો અભાવ એ જ સૌથી મોટું અજ્ઞાન છે. જ્ઞાની જયારે પરમ જ્ઞાન પામે છે ત્યારે જ એને ખૂબીઓ અને ખામીઓ બન્નેનો પૂરતો પરિચય થાય છે અને ત્યારે એને બીજું બધું જ ક્ષુલ્લક લાગે છે. એ મૌન થઈ જાય છે અને ઓર ઝૂકે છે. ફળ આવ્યા પછી જેમ વૃક્ષ ડાળીઓ અને પાંદડાં ખખડવાને બદલે ઓર ઝૂકે છે તેમ!
ईल्म – ज्ञान