૨. જે પ્રેમમય છે એ જ ઈશ્વરમય છે!

એક વખત પ્રેમનો આવિર્ભાવ થયા પછી ધિક્કાર પણ પ્રેમ બની જાય છે.

કન્ફયુશિયસ કહેતા હતા કે આપણે જેને પ્રેમ કરતાં હોઈએ કે ચાહતા હોઈએ એ કરતાં જે આપણને પ્રેમ કરતું હોય એનું આપણા જીવનમાં વધુ મહત્વ છે. કન્ફ્યુશિયસની આ વાતને વ્યવહારમાં મૂકીને ચીની વડીલો લગ્નોત્સુક યુવક-યુવતીઓને સલાહ આપે છે કે તમે જેને પ્રેમ કરતા હો એના કરતાં તમને જે પ્રેમ કરતું હોય એની સાથે સંસાર માંડશો તો સુખી થશો. મહાવીરે જીવમાત્રને પ્રેમ કરવાનું કહ્યું છે. એમાં ફાયદો એ છે કે જે આપણને ચાહે છે એને અનાયાસે આપણે ચાહતા જ હોઈએ છીએ.

     આ જગત આખું પ્રેમ પર નભે છે. એટલે જ કદાચ રજનીશે કહ્યું છે કે પ્રેમ એ જ જીવનનું સાચું રસાયણ છે. આપણો દુન્યવી અનુભવ કહે છે કે આપણે જે કંઈ ચાહીએ એ બધું જ આપણને મળતું નથી, પરંતુ જે આપણને ચાહે છે એને ચાહવાથી પરસ્પરતાથી ચોક્કસ ખાતરી મળે છે. મજા એ વાતની છે કે જો બધા જ આ રીતે વિચારે અને વર્તે તો દરેકની ચાહના પૂરી થાય.

      પ્રેમ અને ચાહના સાથે ચિંતા, લાગણી અને હિતેચ્છા વણાયેલી હોય છે. જે આપણને ચાહે છે એને આપણી ચિંતા છે, આપણા માટે લાગણી છે અને એ આપણું હિત પણ ઈચ્છે છે. એનાથી આપણને નુકસાન તો નથી જ થવાનું એટલે જે આપણને ચાહે છે એને ચાહવામાં કશું જ જોખમ નથી. એના તરફથી આપણને માન, પ્રેમ, લાગણી, કાળજી આને શુભેચ્છા સહિત બધું જ મળવાનું છે. એ પછી એકવાર પરસ્પરતા સ્થપાય એટલે બધાં જ ગણિત હવામાં ઓગળી જાય છે. રહે છે માત્ર પ્રેમ. આવા પ્રેમની પરાકાષ્ઠાનું છેલ્લું ચરણ સંપૂર્ણ સમર્પણ છે. આવો તબક્કો આવે એટલે પ્રેમનું આરંભબિંદુ પણ ઓગળી જાય છે. પછીથી દરેક અનુભૂતિ પ્રેમની જ હોય છે.

     જે આપણને પ્રેમ કરે છે એવી લાગણી અને એની ભાવનાને માન આપવું એમાં આપણી સાર્થકતા છે. પછી એ માતા હોય, બહેન હોય, પિતા હોય, મિત્ર હોય કે પ્રિયતમ યા પ્રિયતમા હોય, એના પ્રેમનો સ્વીકાર એ પણ પ્રેમનું જ સ્વરૂપ છે. સ્વીકાર કદી અધકચરો ન હોય, એ સંપૂર્ણ જ હોય, ખૂબીઓ અને ખામીઓ, શક્તિઓ અને નબળાઈઓ, સફ્ળતાઓ અને નિષ્ફળતાઓ વગેરે બધું જ સ્વીકારાઈ જાય ત્યારે પ્રેમનું એક આખું વર્તુળ રચાય છે. એ વર્તુળની અંદર એક અનોખી દુનિયા રચાય છે. એ સીમિત હોવા છતાં અસીમ બની જાય છે, એટલે જ પ્રેમના સાગરમાં સદા ભરતી રહે છે. ઓટ કદી આવતી નથી.

      એક વખત પ્રેમનો આવિર્ભાવ થયા પછી ધિક્કાર પણ પ્રેમ બની જાય છે. ધિક્કાર લૌકિક લાગણી છે અને પ્રેમ અલૌકિક છે. અલૌકિકને વિરોધાર્થ નથી હોતો. રજનીશના શબ્દો યાદ જેવા છે. જે પ્રેમમય છે એ જ ઈશ્વરમય છે!

चश्मे पुरनुम – जिन आंखों से आंसु बह रहे हो

झुल्फे बरहम – बिखरी झूल्कें

गम – दुःख

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: