૩. અપેક્ષા જ બધાં દુઃખોનું મૂળ છે.

માનવીય સંબંધો અને જગતના વ્યવહારો અવરોધો સાથે પણ અપેક્ષાઓ રાખવાથી જ ચાલે છે.

અપેક્ષા જ બધાં દુઃખોનું મૂળ છે. કબૂલ, પરંતુ અપેક્ષા વિનાનો માણસ હોઈ શકે ખરો ? અપેક્ષા માણસના શ્વાસમાં છે, લોહીમાં છે અને એના પ્રાણમાં છે. એ ન ઈચ્છે તોય અપેક્ષા બંધાઈ જાય છે. પોતાના સંપર્કો અને સંબંધોમાં તો ખરી જ, કુદરત પાસે અને પોતાના તાબા હેઠળની નિર્જીવ ચીજો પાસે ય એ આપેક્ષા રાખી લે છે.

   છતાં અપેક્ષા રાખવી અને હોવી એ બે બાબતો વચ્ચે સૂક્ષ્મ ભેદ છે. જે અપેક્ષા રાખે છે એને અપેક્ષા પૂરી થાય તો આનંદ અને સંતોષ મળે છે તથા અપેક્ષા પૂરી ન તો એને દુઃખ પહોંચે છે. એનું કારણ એ છે કે આવી અપેક્ષામાં લાભ કે સ્વાર્થની સાથે સાથે આનંદ અને સંતોષનો ઈરાદો પણ સામેલ હોય છે. પરંતુ અપેક્ષા ચાહીને ન રાખનારને ય અપેક્ષા હોય શકે છે. જો આટલી વાતમાં એ સ્પષ્ટ હોય તો એવી અપેક્ષા પૂરી થતાં એને આનંદ તો થાય છે, પરંતુ પૂરી ન થાય ત્યારે એ દુઃખ લગાડતો નથી. કારણ કે એની એ અપેક્ષા અનાયાસ હોય છે, સાહજિક હોય છે અને સ્વાર્થ કે ઈરાદાથી રહિત હોય છે. એને મન એ આનંદ સુખદ અકસ્માત બની જાય છે.

   છતાં મોટા ભાગનો સમુદાય અપેક્ષા રાખનારાઓનો છે. માનવીય સંબંધો અને જગતના વ્યવહારો અવરોધો સાથે પણ અપેક્ષાઓ રાખવાથી જ ચાલે છે. ઘણીવાર અપેક્ષાઓ દયા કે કૃપાની યાચનાની હદે પહોંચી જાય છે અને ત્યારે જ માનવીય સંબંધોની કાળી બાજુ પ્રગટ થાય છે. જેણે અપેક્ષા પૂરી કરવાની છે એ સંતોષનો પ્યાલો છેક હોઠ સુધી ધરીને પાછો ખેંચી લે છે. એનો એને એક વિકૃત આનંદ મળે છે. પછી એ દયા ખાય છે અને ઉપકાર કરતો હોય તેમ અપેક્ષા પૂરી કરે છે, પણ કર્તવ્ય સમજીને નહિ, મજાક-મશ્કરી કે ઉપહાસ કરીને કૃપા કરે છે. દાન દેનારા પણ આ જ માનસમાં અટવાય છે. એટલે જ આવા માનસને ઓળખવું જરૂરી છે. ભિક્ષુક થઈને માગ્યા વિના દાન દેનારનો તમાશો જોવા મળે નહિ એવું `ગાલિબ` કહે છે ત્યારે એમાં અપેક્ષા રાખવી અને તેની એ બે વચ્ચેનો સૂક્ષ્મ ભેદ છતો થાય છે. `ગાલિબ` કહે છેઃ

      બદલ કર ફકીરોં કા હમ ભેસ `ગાલિબ`

         તમાશા-એ-અહલે-કરમ દેખતે હૈ।  

मुरव्वत – प्रेम

दिल्लगी – मजाक

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: