
ગૌતમ બુદ્ધ એક વૃક્ષ નીચે જઈને બેઠા અને એમને જ્ઞાન લાધ્યું. તેઓ સિદ્ધાર્થમાંથી બુદ્ધ થયા. શું હતું એ વૃક્ષમાં? એને બીજા કોઈ વૃક્ષની જેમ જ થડ હતું. ડાળીઓ હતી અને લીલાં પર્ણૉ હતાં. એમાંથી કોઈ વિશિષ્ટ રસાયણોનો વરસાદ થતો નહોતો, જેમાં નહાઈને સિદ્ધાર્થ બુદ્ધ બન્યા હોય. તોય એ બોધિવૃક્ષ છે. કુદરત કેમ આટલી કંજૂસ થઈ શકે કે એણે એક જ બોધિવૃક્ષ બનાવ્યું અને તેય બુદ્ધ માટે અનામત રાખ્યું? ખરેખર એ વૃક્ષનો જ જાદુ હોત અને એની નીચે બેસવાથી બુદ્ધ બનાતું હોત તો કદાચ આજે બિહારના ગયા શહેરના આ વૃક્ષ નીચે બેસવાની તો ઠીક, ઊભા રહેવાની પણ જગ્યા ન હોત!
કદાચ બોધિવૃક્ષનો જાદુ વૃક્ષમાં નહીં, બુદ્ધમાં હતો. એક બોધિવૃક્ષ બુદ્ધની અંદર હતું. એ વૃક્ષની ડાળીઓ પકડીને બુદ્ધ ખૂબ ઝૂલ્યા અને એટલે જ એ બુદ્ધ થયા. એ વૃક્ષની ડાળીઓ અને એના પાંદડાંને એમ મસળ્યાં, ચાવ્યાં અને એનો રસ માણ્યો. એ રસના રસાયણે જ એમને બુધ્ધ બનાવ્યા. એ પ્રબુદ્ધ થયા.
બોધિવૃક્ષ માત્ર બિહારના ગયામાં જ નથી. દરેક મન એક બોધિવૃક્ષ છે. એની છાંયમાં બેસનાર જ બુદ્ધ બની શકે છે. જે બોધિવૃક્ષ નીચે ગૌતમ બુદ્ધ બેઠા હતા એ જ વૃક્ષ નીચે ક્યારેક ગાય ગધેડાંએ પણ વિસામો લીધો હશે અને ભરવાડે કલાક બે કલાકની ઊંઘ ખેંચી હશે. ઘણાં ચકલા-પોપટોએ માળો બાંધ્યો હશે. છતાં એ બધાં બુદ્ધ ન થયાં. માત્ર જ ગૌતમ જ બુદ્ધ થયા. બોધિવૃક્ષની નીચે છાંયડો હતો, પરંતુ જ્ઞાનનો પ્રકાશ તો ગૌતમના પોતાના બોધિવૃક્ષમાંથી પ્રગટ્યો હતો.
આપણા બોધિવૃક્ષની ઘટાનો છાંયો આપણા તપ્ત અસ્તિત્વને સ્પર્શતો નથી અને એથી જ આપણે બુદ્ધ થતા નથી. એષણાઓ, ઇચ્છાઓ, હતાશાઓ, લોલુપતાઓ અને વિષમતાઓની આગ એટલી તીવ્ર છે કે છાંયો પણ તાપ બની જાય છે. તાપ દૂર કરવાના પ્રયાસોમાં આપણે અંધકારને શોધીએ છીએ. અંધકાર તાપને દૂર કરી શકતો નથી, કારણકે તાપે જ અંધકારને હડસેલો માર્યો હોય છે. એટલે મનનું બોધિવૃક્ષ જ તાપની ઉર્જાનું અજવાળામાં રુપાંતર કરી શકે છે.
મનના બોધિવૃક્ષની છાંય મળે તો એકે એક મનુષ્ય બુદ્ધ થઈ જાય. પરંતુ બુદ્ધ થવાની પણ એક પીડા છે. એ પીડામાંથી પસાર થવાની તૈયારી હોય તો જ પીડા પછીના આનંદનો અનુભવ થઈ શકે. મનના આ બોધિવૃક્ષનો સાક્ષાત્કાર અને અનુભવ કરવા માટે બુદ્ધે ધ્યાનમાર્ગ પ્રશસ્ત કર્યો હશે કદાચ! રોજ માત્ર પાંચ મિનિટ આ બોધિવૃક્ષની છાંય મળે તો પ્રબુદ્ધ ન બનાય, પણ બુદ્ધ જરૂર બનાય!