14. In the Throes of Sentimentality!
બીજા વિશ્વયુધ્ધમાં જેમનાં છોતરાં નીકળી ગયાં હતાં એવી કેટલીક પ્રજાઓએ એ કણસાટમાંથી બહાર નીકળીને પોતાનાં મૂળિયાં એવાં ઊંડાં નાખ્યાં છે કે હવે એમને ફરી ઉખેડવા હોય તો નાકે દમ આવી જાય. જાપાન જેવો નાનકડો દેશ અમેરિકા જેવા સમૃદ્ધ અને શક્તિશાળી દેશને નમાવી શકવાની સ્થિતિમાં આવી ગયો છે. એ જ અરસામાં આઝાદી મેળવ્યા પછી લગભગ એટલા જ સમય પછી આપણે નમાવવાને બદલે નમવાની સ્થિતિમાં છીએ. ઘણીવાર લાગે છે કે આ બધું આપણી ભાવુકતાનું પરિણામ છે. જાપાનની પ્રજા પણ ભાવુક છે. પરંતુ એમણે એમની ભાવુકતાને કેવળ પ્રગતિની દિશામાં કેન્દ્રિત કરીને બીજી બધી બાબતોને ગૌણ બનાવી દીધી છે. આપણી ભાવુકતા વેરવિખેર પડી છે. અને એથી ભાવુકતાની તીવ્રતા ઊભી થતી નથી અને પરિણામો મળતાં નથી. કહે છે કે આ દેશમાં પુષ્કળ બેકારી છે. અર્થશાસ્ત્રીની ભાષામાં કદાચ બેકારી હશે, પરંતુ વાસ્તવિકતાની ભાષામાં તપાસીએ તો બેકારી પણ ‘મિથ’ લાગે છે. આપણી પાસે ભાવુકતા પાછળ વેડફવા માટે જેટલો સમય છે એટલો કામ કરવા માટે નથી. જેને કામ કરવું છે, એને કામ મળી જ રહે એટલો વિશાળ આ દેશ છે. પરંતુ એ માટે એક તરફ શુધ્ધ દાનત અને બીજી તરફ કામની પસંદગીના દુરાગ્રહોમાંથી મુક્તિ હોવી જોઈએ. શાંતચિત્તે વિચારી શકાય એવા વાતાવરણ વિના કામની પસંદગી અને શુધ્ધ દાનત સાથેનો કઠોર સંકલ્પ શકય નથી. આપણને આપણી ભાવુકતાઓ એવું વાતાવરણ સર્જવા દેતી નથી. એથી જ માત્ર બેકારી નહિ, બીજા પણ અનેક પ્રશ્નો આપણને ભરડો લઈને બેસી જતા હોય છે.
આપણે આપણી અગ્રતાઓ નક્કી નથી કરી શકતા એ આપણી ભાવુકતાનું સૌથી મોટું દૂષણ છે. ભારતીય પ્રજાની ભાવુકતા એટલી વેરવિખેર છે કે એમાંથી જ સત્તાપરસ્તી અને પક્ષાપક્ષીના રાજકારણે ત્રાસદાયક પરિસ્થિતિ ઊભી કરી છે. રાજકીય પક્ષોએ લઘુમતી- બહુમતીના ભેદ ભડકાવ્યા છે. ધાર્મિક લાગણીઓને ઉશ્કેરી છે, પ્રાદેશિકવાદને પંપાળ્યો છે. જાતિવાદને પોષ્યો છે અને એ રીતે ભાવુકતાને સામસામે લડાવતા રહેવાનાં ક્ષેત્રો શોધ્યાં છે. પરિણામે દેશના વિકાસ માટે, પ્રજાના જીવન ધોરણને ઊંચું લાવવા માટે અને સર્વાંગી પ્રગતિ માટે આર્થિક પ્રવૃત્તિને જે મહત્વ અપાવું જોઈએ એ અપાયું નથી. કેટલીક વાર તો આર્થિક સમસ્યાને પણ એ જ ભાવુકતાના બીબામાં ઢાળીને પ્રજાનો ઉપયોગ કરાતો રહ્યો છે. નર્મદા યોજના માટેનું પ્રદર્શન એનું ઉત્તમ ઉદાહરણ છે. નર્મદાના પ્રશ્નને આર્થિક ગણીએ તો પણ એમાં પ્રજાની ભાવુકતાનો રાજકીય હેતુઓ માટે જે રીતે ઉપયોગ કરવામાં આવ્યો એ પણ હદની વાત છે.

પ્રાણી માત્ર ભાવુક હોય છે, એટલે ભાવુક હોવું એ ગુનો નથી. જો પ્રજા ભાવુક ન હોય એ પ્રગતિ જ ન કરી શકે. પરંતુ પ્રજાની ભાવુકતાને ચોક્કસ દિશામાં વાળવાનો પ્રશ્ન મહત્વનો છે. આ દેશની પ્રજાની ભાવુકતાને કારણે જ ગાંધીજીને આઝાદી-આંદોલનમાં સફળતા મળી હતી. પરંતુ ખરેખર જોવા જઈએ તો આઝાદી પ્રાપ્ત કરવામાં આપણી પ્રજાની ભાવુકતાને જેટલો યશ આપીએ એથી વધુ યશ એ ભાવુકતાને એક જ બિંદુમાં કેન્દ્રિત કરવામાં ગાંધીજીને મળેલી સફળતાને આપવો જોઈએ. દુનિયાના કોઈ પણ દેશનો ઈતિહાસ આ વાતને પ્રમાણિત કરે છે. પ્રજાની ભાવુકતા કેન્દ્રિત હોય ત્યારે જ એ સફળ થાય છે. ભાવુકતા જેવી વેરવિખેર થાય છે કે એ પ્રજા પણ વેરવિખેર બની જાય છે. પ્રજાની ભાવુકતાને ચોક્ક્સ હેતુ તરફ કેન્દ્રિત કરવાની જવાબદારી નેતાની છે. આપણો દેશ અર્થપૂર્ણ નેતૃત્વની બાબતમાં કંગાળ કે ગરીબ નહિ, ચીંથરેહાલ છે.
ભાવુકતાને લાગણી સાથે સંબંધ છે. આપણી ભાવુકતા લાગણીના વર્તુળની બહાર ફેલાઈને લાગણીવેડા બની ચૂકી છે. આપણને અર્થપૂર્ણ પ્રવૃત્તિ સૂઝતી નથી એથી જ કોઈક આપણને બહેકાવી શકે છે, ઉશ્કેરી શકે છે અને આપણા હાથમાં ગમે તે બત્તી પકડાવી શકે છે. આપણે એ લાગણીવેડામાં તણાઈને બહેકી જઈએ છીએ, ઉશ્કેરાટથી માતા આવ્યાં હોય એમ ધ્રૂજવા માંડીએ છીએ અને બત્તી પકડીને ગાંડાની જેમ દોડાદોડ ચાલુ કરી દઈએ છીએ. પછી એ ગાંડપણ રેલીઓમાં, જાહેરસભાઓમાં, કોમી દંગલોમાં, હડતાળો અને ધરણામાં તથા કારસેવા, રથયાત્રા કે એકતાયાત્રા જેવા ફંદફતુરામાં ફેરવાઈ જાય છે. સ્વામીઓ અને બાપુઓ પણ આપણા આ લાગણીવેડાનો વેપાર માંડે છે. લાખ્ખો અને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન આપણને કઠતું નથી, મિલકતોને હાનિ પહોંચે તોય આપણે હલબલતા નથી અને લાખ્ખો માનવ કલાકો એળે જાય તોય આપણું રૂંવાડું ફરકતું નથી. એનું કારણ એ છે કે આ કયા પ્રકારનું નુકસાન છે અને આપણે પળેપળ એનાથી કેટલા પાછળ પડી જઈએ છીએ એનું કોઈ શિક્ષણ આપણને મળ્યું નથી કે એ સમજવા જેટલી આંતરસૂઝનો આપણામાં વિકાસ નથી થયો.
ખાંડ ગળી હોય છે, પરંતુ એક ચોકકસ સીમા પછી એ ખાંડ કડવી બને છે. ભાવુકતા અને જડતા પરસ્પર-વિરોધી હોવા છતાં આપણી ભાવુકતા પરાકાષ્ઠાને આંબીને જડત્વમાં પરિવર્તિત થતી જાય છે. આપણે જડતાની પરાકાષ્ઠાએ ભાવુક બની રહ્યા છીએ અને આપણને નઠારાં રાજકીય તત્ત્વો એવા બનવા સતત પ્રેરતાં રહ્યા છે. એ પરિસ્થિતિએ આપણા સામાજિક ખ્યાલો પર પણ વિપરીત અસર કરી છે. આપણી જે કંઈ પરિસ્થિતિ છે એ માટે આપણી અંદર ડોકિયું કરવા જેટલા આપણે સ્વસ્થ રહ્યા નથી. આપણી ભાવુકતાએ આપણા વિકાસ આડે ઠેર ઠેર દિવાલો ચણી દીધી છે. આપણી બુધ્ધિને, વિચારશક્તિને અને તર્કને એણે તાળાં મારી દીધાં છે.

પ્લેટોએ સદીઓ પહેલાં એવું કહ્યું હતું કે ઉમદામાં ઉમદા લાગણી કે ઈચ્છા યા વાસના પર તર્કનું નિયંત્રણ હોવું જોઈએ. પ્લેટોએ તર્કના નિયંત્રણ પર ભાર મૂક્યો છે એ જ બતાવે છે કે લાગણી યા ઈચ્છા-વાસનાને છૂટાં મૂકી દેવામાં આવે ત્યારે એ જિંદગીનું કેવું ભેલાણ કરી શકે છે! રજનીશ પણ કહેતા હતા કે જેની પાસે તર્ક ખૂટી પડે છે એ લાગણીઓ પર સવારી કરીને જંગ જીતવા નીકળે છે. રજનીશ જ્યારે એમ કહે છે કે તર્ક ખૂટી પડે છે ત્યારે એમને તર્કનો ઉપયોગ અભિપ્રેત છે. પરંતુ અહીં તો પ્રજાના તર્કના ઉપયોગને જ દફનાવી દેવાનું એક મહાભયંકર ષડયંત્ર ચાલી રહ્યું છે.
ચાણક્યના કહેવા મુજબ આક્રમણખોર ત્યારે જ સફળ થાય છે, જ્યારે આક્રમણનો ભોગ બનનાર અથવા સામનો કરનાર નિર્બળ હોય છે. આપણી તર્કક્ષમતા પર આક્રમણ કરીને આપણી ભાવુકતાને વેરવિખેર કરીને એનો ગેરલાભ ઉઠાવનારા સફળ થાય છે, કારણ કે આપણે નિર્બળ પુરવાર થઈને એમને સફળ થવા દઈએ છીએ. આપણી ભાવુકતા જ આપણા માટે ઘેન પેદા કરનારો પદાર્થ બની રહ્યો છે, જે સુંઘાડીને આક્રમણખોરો આપણને સતત ઘેનમાં રાખી આપણી પર રાજ કરતા રહેવા માગે છે. સ્વતંત્ર કહેવાતા દેશની પ્રજાની આ વાસ્તવિક ગુલામી નહિ તો શું છે?
Credit to Photographs: