૧૫. આશંકાનું અફીણ ને મરેલા જીવ!

15. Suspected Opium and Dead Creatures!

સાડત્રીસ વર્ષની એકધારી નોકરીમાંથી તેઓ નિવૃત્ત થયા ત્યારે સાથી કર્મચારીઓએ એમનો વિદાય સમારંભ યોજીને એમની કર્તવ્ય નિષ્ઠાને, ધીરજને અને ખંતને બિરદાવ્યાં. એમના ઉપરી અધિકારીઓએ એમની કામની સૂઝ અને આવડતની ભારોભાર પ્રશંસા કરી. એક અધિકારીએ તો એટલે સુધી કહ્યું કે આટલી નિષ્ઠા અને આટલી આવડત હોવા છતાં એમણે કદી ઊંચા હોદ્દાની ખેવના નથી કરી. નિવૃત્તિ પછી પણ કામની બાબતમાં આપણને મૂંઝવણ થાય ત્યારે તેઓ માર્ગદર્શન આપશે એવી આપણે આશા રાખીએ. વક્તાઓએ એમનાં ખૂબ વખાણ કર્યા અને એમને હારતોરા કરીને કિંમતી ભેટો પણ આપી. કોઈ પણ વ્યકિત આવા સન્માનથી ખુશખુશાલ થઈ જાય. એને પોતાનું જીવન સાર્થક થઈ ગયાની અનુભૂતિ થાય. પરંતુ એ વડીલે પોતાના સન્માનનો પ્રત્યુત્તર વાળ્યો ત્યારે વાત કંઈક જુદી જ નીકળી. એમની દરેક વાતમાંથી સાચુકલા આત્મનિરીક્ષણનો રણકો સંભળાતો હતો. વિશિષ્ટ પ્રકારની વ્યથાનો બોધ એમાંથી ડોકિયું કરતો હતો.                                                                                                               

         એમણે બહુ નિખાલસતાપૂર્વક કહ્યું કે મારા સાથી કર્મચારીઓએ અને મારા ઉપરીઓએ મારાં જે કંઈ વખાણ કર્યા છે એમાં ઘણું બધું તથ્ય છે એ હું જાણું છું. મારી કાર્યદક્ષતાનો પણ મને પૂરતો અહેસાસ છે. પરંતુ એક જ હોદ્દા પર એકધારી નોકરીને મારી કર્તવ્યનિષ્ઠા, ધીરજ કે ખંત કહીને બિરદાવવામાં આવી ત્યારે મેં ખટકો અનુભવ્યો છે. કોઇકે એમ પણ કહ્યું કે આટલી નિષ્ઠા અને આવડત હોવા છતાં મે કદી ઊંચા હોદ્દાની ખેવના રાખી નથી. મારે કહેવું જોઈએ કે આ વાત પણ ખોટી છે. સાડત્રીસ વર્ષની મારી એકધારી નોકરીમાં કદાચ કર્તવ્યનિષ્ઠા થોડી ઘણી હશે, પરંતુ એમાં મારી ધીરજ કે મારા ખંતનો કોઈ જ ફાળો નથી. વળી આટલી લાંબી નોકરીમાં મેં કદી ઊંચા હોદ્દાની ખેવના નથી રાખી એવુંય નથી. મને બઢતીની ઓફર કરવામાં આવી. ત્યારે મેં એનો ઈન્કાર કર્યો હતો. પરંતુ એમાં મારા સ્વભાવનું સંતોષીપણું કે એવા બીજા કોઈ ગુણનો પ્રતાપ નહોતો. મારે કહેવું જોઈએ અને કબૂલ કરવું જોઈએ કે જીવનમાં આગળ વધવાની તકોને મેં જ ગુમાવી છે. મારી મહત્વાકાંક્ષાનું મેં જ ગળું દાબ્યું છે અને સંતોષી હોવાનો દેખાવ કરીને હું બીજાઓને તથા ખુદ મારી જાતને પણ છેતરતો રહ્યો છું. હું સતત આશંકાનું અફીણ ઘોળીને જ જીવતો રહ્યો છું. આશંકાઓ મારા પગની જંજીરો બની રહી હતી. અફસોસ કરવા સિવાય જિંદગીમાં કશું જ બાકી રહ્યું નથી. છતાં આજે આટલું સત્ય સમજાયાનો અને એની જાહેરમાં કબૂલાત કર્યાનો મને વિશેષ આનંદ થાય છે.

જીવનની શતરંજમાં પ્યાદુ વજીર બનવાની ખેવના સાથે જ રમતમાં ચાલ ચાલે છે!

        એ વડીલને તો આટલાં વર્ષેય આ સત્ય સમજાયું. પરંતુ આપણામાંના ઘણા લોકો એવા છે. જેમને વર્ષો સુધી આ સત્ય સમજાતું નથી અને કેટલાકને તો વળી એ કદી સમજમાં આવતું પણ નથી. કોઈક પરિસ્થિતિનો ડર જાગવો એ જુદી વાત છે અને આશંકાઓથી ઘેરાયેલા રહેવું એ અલગ વાત છે. ડર અથવા ભયને કોઈક વાસ્તવિક કે અપેક્ષિત ઉદ્દીપક હોય છે, જયારે આશંકા દૂષિત થયેલું યૌકિતકીકરણ (Rationalization) છે. આપણા તર્કને આપણે આપણી નબળાઇઓના દ્રાવણમાં ઝબોળીને એવો તો સ્થિતિસ્થાપક કરી નાંખીએ છીએ કે પછી આપણી નબળાઈઓ એને જેવો ઘાટ આપવો હોય એવો આપી શકે છે. આશંકાઓના આવરણમાં લપેટાયેલા આપણા નકારાત્મક નિર્ણયોને આપણે સ્વચ્છ, નિરપેક્ષ, ગણતરીપૂર્વકના અને શાણા સ્થાપિત કરવામાં કોઈ જ કસર બાકી છોડતા નથી.

        જીવનના પ્રત્યેક તબક્કે નાના કે મોટા નિર્ણયો કરવાના આવે છે. આપણા ઘણા બધા નિર્ણયો આપણા વ્યકિતત્વ ઘડતરથી માંડીને આપણી આર્થિક સામાજિક કે વ્યાવસાયિક પ્રગતિની તકના રૂપમાં આવતા હોય છે. આવા નિર્ણયો લેવાની ઘડી આવે ત્યારે જો આશંકા સામે આવીને ઊભી થઈ જાય છે તો એ તકને આપણે જ હડસેલો મારીએ છીએ અને આપણા એ નિર્ણયનો અફસોસ કરવાને બદલે એને ગૌરવ પ્રદાન કરવાની ચેષ્ટાઓ કરવા બેસી જઈએ છીએ.

        એક યુવાન મિત્રને એક સારી કંપનીમાંથી ઓફર મળી. લગભગ બેવડો પગાર અને ઊંચા હોદ્દા સાથે અનેક લાભોની એમની સામે દરખાસ્ત મૂકવામાં આવી હતી. ઓફર ખરેખર લોભામણી હતી. પરંતુ એ મિત્ર દ્વિધામાં હતા. એમના મનમાં પહેલો સવાલ એવો જાગ્યો કે આટલી સારી ઓફર મને જ શા માટે કરવામાં આવી હશે? મારા બીજા સાથી કર્મચારીઓમાંથી બીજા કોઈને કેમ નહિ? મારો તો આ ક્ષેત્રનો અનુભવ ઘણો ટૂંકો છે. અહીં મારા કરતાં પણ વધુ અનુભવી હોય એવા બીજા કેટલાક કર્મચારીઓ છે. આટલી વિચારણા કરવામાં કશું ખોટું નહોતું. કોઈ પણ તબક્કે આપણી જાતના મૂલ્યાંકન માટે આવા કેટલાક સવાલો જરૂરી પણ ગણાય. પરંતુ આ મિત્ર અહીંથી આગળ વધ્યા અને એમની વિચારવાની ગાડી બીજા જ પાટા પર ચડી ગઈ. એમને સવાલ થયો કે અહીંના મારા સાથી કર્મચારીઓમાંથી કે મારા ઉપરીઓમાંથી કોઈકનું આ ષડયંત્ર તો નહિ હોય ને? મને અહીંથી કાઢવા માટેની આ કોઇ ચાલ તો નહિ હોય ને? મને આકર્ષક ઓફર કહીને લલચાવ્યા પછી બે-ત્રણ મહિનામાં મને કાઢી મૂકવામાં આવે તો હું કયાં જઈશ અને શું કરીશ? વળી આ કંપની પ્રમાણમાં નવી છે અને એકાદ-બે વર્ષમાં બંધ થઈ જશે તો મારું શું થશે? અહીંની નોકરીમાં સુરક્ષિતતા છે. જોબ-સિક્યુરીટી છે. એ છોડીને અનિશ્ચિતતામાં કયાં પડવું? આવા સવાલોનો છેડો એમના નકારાત્મક નિર્ણયમાં આવ્યો. એ ખરેખર ઉમદા તક હતી કે નહિ એનો નિર્ણય તો ભવિષ્યએ જ કર્યો હોત, પરંતુ તેઓ જીવનમાં એક તક ગુમાવી ચૂક્યા હતા અને એમની સાહસવૃત્તિએ પીછેહઠનો પરિચય કરાવ્યો હતો.

        વાજબી સવાલોનાં વાજબી સમાધાનો શોધવા જરૂરી હોય છે. પરંતુ કેવળ આશંકાઓના જોરે જ નિર્ણયો લેવાય ત્યારે એ એક તરફ પ્રગતિના માર્ગે જવામાં આપણા પગની જંજીરો બની જાય છે તો બીજી તરફ આપણી સાહસવૃત્તિને કોરી ખાનારી ઉધઈ બની જાય છે. આશંકાઓના ભડકા પર પેટ્રોલ છાંટનારાં કેટલાંક પરિબળોને આપણે ઓળખી શકતા નથી. પરિણામે આશંકાઓના ભડકા કદી ઓલવાતા નથી. એ આગ સતત પ્રસરતી રહે છે અને આપણને ઠેર ઠેર ઝાળ લગાડીને આપણે ખુદ સમજી ન શકીએ એ હદે વિકૃતિઓ લાવી દે છે.

અડધા ભરેલા ગ્લાસને કોઈ ભરેલો તો કોઈ ખાલી જુએ છે.

        આપણી વિચાર-પ્રક્રિયા પર આપણો ઉછેર, અભ્યાસ, વાચન, મિત્રવર્તુળ, દેશકાળ અને પૂર્વાનુભાવોની વ્યાપક અસર પહોંચતી હોય છે. પરંતુ આ તમામ બાબતોને અસર કરવાની બીજી બે બાબતો છે. જે ખરેખર આ પરિબળોને પણ આગવી દિશા આપે છે. આ બે બાબતો એટલે આપણી આંતરસૂઝ અને કોઈ પણ ઘટના પ્રત્યે જોવાની આપણી દ્રષ્ટિ. દરેક ઘટના સૂક્ષ્મ રીતે બહુપરિમાણિત (Multidimensional) હોય છે. આપણી ચૂક થવાનું આ સૌથી મોટું કારણ છે. અડધા ભરેલા ગ્લાસને આપણે અડધો ખાલી કહી દઇએ છીએ ત્યારે એક જ પરિમાણ પર આપણી નજર સ્થિર થઈ ગયેલી હોય છે. એવી જ રીતે આંતરસૂઝ બહુ પેચીદું લક્ષણ છે. જે દેખાય છે એને બાજુએ રાખીને જે નથી દેખાતું એનો જ વિચાર કરવામાંથી આશંકા જન્મે છે. પરંતુ જે દેખાય છે એને સતત નજર સામે રાખીને જે નથી દેખાતું એને પણ જોવાનો સઘન પ્રયાસ એનું જ નામ કદાચ આંતરસૂઝ.

આંતરસૂઝ પોતાની જાત પ્રત્યેના મૂલ્યાંકનમાંથી વધુ વિકસે છે. આપણે જગત આખાની ચિંતા કરીએ છીએ અને દુનિયાભરનો વિચાર કરીએ છીએ. એમાં આપણી જાત વિસરાઈ જાય છે અને આપણે આપણી જાતને કદી મળતા જ નથી. આપણા પોતાના માટે ચોવીસ કલાકમાંથી અડધો કલાક પણ આપણે ફાળવતા નથી. પરિણામે આપણે વર્ષો સુધી આપણી જાતને જ ઓળખતા નથી. એક અજાણ્યા વ્યક્તિત્વને આપણા ખોળિયાના કોઈક ખૂણામાં નાખીને ફર્યા કરીએ છીએ. કાર્લ રૉજર્સ કહે છે તેમ સ્વમૂલ્યાંકન, સ્વ-ખ્યાલ કે સેલ્ફ-કોન્સેપ્ટનો અભાવ જ આપણા વર્તનની વિકૃતિઓનું પ્રેરકબળ બની રહે છે. આત્મખ્યાલ નથી વિકસતો એથી જ આપણે ધોધમાર પ્રકાશમાં પણ જાણે અંધારા ઓરડામાં આમથી તેમ અથડાયા કરીએ છીએ.

આશંકાનાં મૂળમાં પડેલાં આ પરિબળોમાં જીવનની અનિશ્ચિતતાઓ પ્રત્યેની સભાનતા ઓર ઉમેરો કરે છે. આજના ઝડપ અને સ્પર્ધાના યુગમાં કશું જ નિશ્ચિત નથી એ સ્વીકારી લઈએ તો પણ સતત અશ્ચિતતાઓને જ પંપાળીને ચાલવાનું વલણ આપણને સતત કનડતું હોય છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણે અભાનપણે કંઈ કેટલીયે અનિશ્ચિતતાઓનાં ઝાડી-ઝાંખરા વચ્ચે જ ચાલીને આપણો માર્ગ કરતા હોઈએ છીએ. મુશ્કેલી ત્યારે જ આવે છે જ્યારે આપણે કોઈ પણ અનિશ્ચિતતાને આપણા માથા પર સવાર થઈ જવા દઈએ છીએ. અલબત્ત, આ વલણ મહદ્દ અંશે પૂર્વાનુભવોમાંથી જ વિકસતું હોય છે એવો મનોવિજ્ઞાનીઓનો મત સ્વીકારવો પડે તેમ છે.

આશંકાઓ આપણા નબળા અને તકલાદી આત્મવિશ્વાસનો જ પડઘો બની રહે છે. આપણી જાત સાથેનો સંવાદ તૂટી જાય ત્યારે આત્મવિશ્વાસ પણ નબળો પડી જાય છે. કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવામાં આત્મવિશ્વાસ સૌથી મોટો ભાગ ભજવે છે. એનો અભાવ જ આપણને પીછેહઠ કરવા કે મોં ફેરવી લેવા મજબૂર કરે છે. આત્મવિશ્વાસ પર કુઠારાઘાત કરનારાં પરિબળોમાં જાત સાથેના સંવાદના અભાવ ઉપરાંત આપણને અનાયાસ મળી જતી સુરક્ષિતતા બહુ મોટો ભાગ ભજવે છે. આયાસપૂર્વક મેળવેલી સુરક્ષિતતા આત્મવિશ્વાસને મજબૂત કરે છે અને અનાયાસ મળી ગયેલી સુરક્ષિતતા આત્મવિશ્વાસને સતત નબળો પાડે છે. સરકારી નોકરીઓની જોબ-સિક્યુરીટીએ સરકારી કર્મચારીઓના આત્મવિશ્વાસ પર કેવી અસર પડી છે એનો અભ્યાસ કરવામાં આવે તો કદાચ ચોંકાવનારાં તારણો મળે.

મનોવિજ્ઞાન કહે છે કે દરેક વ્યકિતમાં માનસિક વિકૃતિનાં લક્ષણો પડેલાં જ હોય છે. વાતાવરણ અથવા સંજોગો ઊભા થતાં એ બહાર આવે છે. એ દ્રષ્ટિએ જોતાં આશંકા એ વ્યામોહાત્મક વિકૃતિ (Paranoia)નો જ એક પ્રકાર ગણાય. મનોવિજ્ઞાન જેને વિકૃત ચિંતા (Abnormal Anxiety) કહે છે એના કરતાં આશંકાની મનોવૃત્તિ થોડી જુદી પડે છે. છતાં મૂળભૂત રીતે તો એ એક વિકૃતિ જ છે. જે આપણી સાહસિકતાને નિચોવીને આપણને માયકાંગલા બનાવી દે છે. અને સતત ચાલતા રહેવા છતાં આપણે છેવટે તો ત્યાં ને ત્યાં જ ઊભા રહીએ છીએ.

Credits to Images

https://www.thenews.com.pk/magazine/money-matters/682464-need-and-control-of-ambition

https://www.dreamstime.com/illustration/glass-half-full.html

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: