૧૬. લોકેષણાની ગુલામી!

16. Slavery of Popularity!

અમદાવાદ શહેરમાં એક કરોડપતિના પુત્રનો દીક્ષા – પ્રસંગ ભારે ધામધૂમથી ઉજવાયો. વિશાળ સરઘસમાં દોઢેક લાખની મેદની જમા થઈ. દીક્ષા પ્રસંગે આખું સ્ટેડિયમ કોર્પોરેશને ટોકન ભાડેથી વાપરવા આપ્યું ૮૦૦ થી ૯૦૦ સાધુ સંતો ઉપરાંત રાજકારણીઓ પણ હાજર રહ્યા. દાન-ધર્મની જાહેરાતો થઈ. મુમુક્ષુનું નામ બદલાયું. વસ્ત્રો બદલાયાં અને સાંસારિક જગત સાથેનો સંબંધ વિધિવત રીતે કપાયેલો જાહેર થયો. વાતાવરણ તો એવું જ ખડું થયું હતું કે જાણે આ અગાઉ આ શહેરમાં કે આ જગતમાં કદી કોઈએ દીક્ષા ગ્રહણ કરી જ ન હોય! શોભાયાત્રાએ માર્ગોને સ્થગિત કરી દીધા, કામ પર જનારા અનેકને અટવાઈને ઊભા રહેવું પડયું. અને ૪૫ અંશ સેલ્સિયસ ગરમીમાં રોકાવું પડયું અખબારી અહેવાલો મુજબ પરગામથી ખિસ્સાકાતરુઓ ઊતરી આવ્યા હતા. કેટલાક ઝડપાયા અને જે ન ઝડપાયા એમણે બીજાઓને ઝડપી લીધા. વ્યકિત કે સમાજ આવા પ્રસંગનો ગમે તેટલો મહિમા કરે તોય એનો મહિમા ખરેખર કેટલે પહોંચે છે એનું મૂલ્ય આવી ઘટના પૂરી થયા પછી જ શરૂ થાય છે. દીક્ષાગ્રહણ એટલે કે સંસારત્યાગ, પછી તે ગમે તે ધર્મ કે પંથાનુસાર થતો હોય, એનું નિરપેક્ષ મૂલ્ય એટલું જ છે કે એમાં એષણાઓનો ત્યાગ કરીને બૃહદ કલ્યાણનો સંકલ્પ કરાય છે. એથી જ દીક્ષાગ્રહણ એક નિર્ધનનું હોય કે કરોડપતિનું હોય, પાકા સંકલ્પ સાથેનું દીક્ષાગ્રહણ જ સાચું દીક્ષાગ્રહણ બની શકે.

લોકોમાં પોતાની ગણના થાય એ માટે મનુષ્ય જીવન પર્યંત કાર્યરત રહે છે.

        શાસ્ત્રોએ સૂચવેલી ત્રણ મુખ્ય એષણાઓમાંથી પુત્રેષણા અને વિત્તેષણાનો ત્યાગ કરવો અલબત્ત અઘરો છે. પરંતુ એ બે એષણાઓનો ત્યાગ કર્યા પછીય બીજી લોકેષણામાંથી ઝટ છૂટાતું નથી. લોકેષણાનાં વિવિધ સ્વરૂપો છે. ગમે એટલા પ્રયાસો પછી પણ એનું કોઈક ને કોઈક સ્વરૂપ તો વ્યકિતત્ત્વને વળગેલું જ રહે છે. બહુ સાદી રીતે કહીએ તો આપણા કોઈ પણ વર્તન વિષે લોકો શું કહે છે એ પ્રત્યેની સભાનતામાંથી આપણે ભાગ્યે જ મુકત થઈએ છીએ. આપણા વર્તનની પ્રત્યેક ભાત એ જ રીતે ઘડાતી રહે છે.

        આમ બનવું બહુ સ્વાભાવિક છે. જન્મથી જ આપણે એક ચોક્કસ સમાજ વ્યવસ્થાનું અંગ બનીને ઉછરીએ છીએ. આપણા પ્રત્યેક વર્તનને એ જ રીતે ઘડવામાં આવે છે. આપણને સમાજના સતત બદલાતા પ્રવાહોની સાથે રહેવાનું શીખવવામાં આવે છે. એટલે જ આપણે પ્રત્યેક તબક્કે આપણા વર્તનના સામાજિક પ્રતિભાવોની દરકાર કરતા રહીએ છીએ. ઘણી વાર આ અંગેની સભાનતા એ હદે પહોંચી જતી હોય છે કે આપણે આપણી ઈચ્છાઓ, લાગણીઓ અને જરૂરિયાતોને પણ એમાં જ ઢાળીને વર્તન કરીએ છીએ. એમાં ને એમાં આપણું પોતાનું વ્યક્તિત્ત્વ આપણા હાથમાંથી કયારે સરકી જાય છે એનીયે આપણને ખબર રહેતી નથી.

નાનપણથી જ બાળકને બીજાઓ કરતા આગળ રહેવા માટે સતત સ્પર્ધાનો સામનો કરવો પડે છે.

        આ પરિસ્થિતિનું બીજું પરિમાણ લોકોમાં એક વિશેષ પ્રકારની મહત્તા પ્રાપ્ત કરવા તરફ દોરી જાય છે. પાંચ માણસો આપણા વિષે ચર્ચા કરે, આપણી વાત કરે, આપણી વિશિષ્ટતાઓની સરાહના કરે, અને આપણા સિધ્ધિરૂપ વર્તન માટે આપણને લાંબા સમય સુધી યાદ કરે એ માટે આપણે સતત સભાન પ્રયાસો કરીએ છીએ. અમેરિકન મનોવિજ્ઞાની ડો. અબ્રાહમ મેસ્લોએ સમજાવેલી સિધ્ધિપ્રેરણામાં પણ આ જ વાત છે. એ દ્રષ્ટિએ જોઈએ તો કરોડોની મિલકત છોડીને સાધુજીવન અપનાવતી વખતે કરાતા લૌકિક પ્રદર્શનમાં અને ગિનિસ બુક ઓફ રેકોર્ડસમાં નામ લખાવવા માટે પાંચ-દસ હજાર ફૂટ ઊંચે કોઈક નબળા આધાર પર લટકીને કરાતા સાહસ-શૌર્યના પ્રદર્શનમાં તાત્ત્વિક રીતે ભાગ્યે જ કોઈ તફાવત ગણી શકાય.

        ત્યાગ અને સંયમી જીવન તરફના પ્રયાણનો મહિમા એથી અલબત્ત ઘટી જતો નથી. કરોડપતિ હોવું અને કરોડોનો ત્યાગ કરવો એ કંઈ જેવી તેવી વાત તો નથી જ. સામાન્ય રીતે તો કરોડો ન હોય તો પણ કરોડો કમાઈ લેવાની એષણાનો પણ ત્યાગ થઈ શકતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે આવા ત્યાગ માટે મજબૂત સિધ્ધિપ્રેરણા હોવી જરૂરી છે. એ ત્યાગની માત્રા કેટલે પહોંચે છે એનો આધાર હેતુઓ અને સંકલ્પ પર રહેતો હોય છે. હેતુઓ પર આવા તબક્કે સૌથી વધુ અસર કરનારું પરિબળ કદાચ લોકેષણા જ હોય છે. સંસારત્યાગ અને સાધુજીવન વિષે ઘણી મીમાંસા થઈ છે. એમાં પણ હેતુઓને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવેલું છે. સંસાર ત્યાગના મુખ્ય બે હેતુઓને સ્પર્શ કરીએ તો એક આત્મકલ્યાણનો છે અને બીજો પરકલ્યાણનો છે.

        સ્વ. કેદારનાથજીએ વિવેક અને સાધનામાં લખ્યું છે કે આત્મકલ્યાણનો પ્રવાસી ઈચ્છિત સિધ્ધિ પ્રાપ્ત કરે છે કે નહિ એ કેવળ અનુમાનનો વિષય બની રહે છે. એનું કારણ એ છે કે આવી વ્યક્તિએ પોતે શું અનુભવ્યું છે અથવા પોતે કયાં પહોંચી છે એનું બયાન એની પાસેથી મળતું નથી. જે પરકલ્યાણની યાત્રાએ નીકળે છે એણે બયાન આપવાની જરૂર રહેતી નથી. એનો કાર્યકલાપ પોતે જ બયાન બની રહે છે. હવે સવાલ એટલો જ થાય છે કે આવી વ્યક્તિએ લોકેષણાથી પર રહેવું જરૂરી ખરું? જો એ લોકેષણાથી પર થઈ જાય તો પોતાનો હેતુ સિધ્ધ કરી શકે ખરી?

        સંસાર ત્યાગની ચર્ચામાં હંમેશાં એવો સવાલ ઊભો થતો રહ્યો છે કે આત્મકલ્યાણ યા પરકલ્યાણનો જ હેતુ હોય તો શું એ માટે સંસારનો ત્યાગ કરવો જરૂરી છે? સંસારની વચ્ચે રહીને, સાંસારિક કાર્યો અને ફરજોનું પાલન કરીને હેતુસિધ્ધિ તરફ પ્રયાણ થઈ જ શકે છે. આ કામ વિશેષ અઘરું છે અને એથી જ એની મહત્તા પણ વિશેષ છે. શ્રીકૃષ્ણે ગીતામાં પ્રબોધેલી સ્થિતપ્રજ્ઞતા અને રાગ-વિરાગ-વિતરાગની વાત સંસારની વચ્ચે રહીને સાધુતાને જીવનાર માટે વિશેષ મહત્વની બની રહે છે.

        આમાંથી જ ફરી ફરીને એક સવાલ ઊભો થાય છે. કોઈ પણ પ્રકારના કલ્યાણ માટે ભૌતિક સુખનો કે સગવડનો ત્યાગ કરવો કેટલે અંશે જરૂરી છે? કેટલાંક વર્ષ પહેલાં એક સંન્યાસી સાથે મુલાકાત થઈ હતી. તેઓ અમુક ચોક્કસ પ્રકારના ભોજનથી માંડીને કાર સુધીની કેટલીક સગવડો વાપરતા હતા. એમની દલીલ એવી હતી કે મારે સમાજની કઈ રીતે સેવા કરવી છે એ અંગે હું કેટલાક સ્પષ્ટ ખ્યાલો ધરાવું છું. આ સેવાઓ પૂરી પાડવા માટે મારે પોતાને કેટલીક સગવડો જરૂરી છે એમ હું માનું છું અને એથી એવી સગવડોનો ઉપભોગ કરવામાં મને કશું જ ખોટું જણાતું નથી. સ્વાસ્થ્ય જાળવવા માટે હું નિયમિત કસરત કરું છું. પરંતુ સમય સાચવવા માટે કારનો ઉપયોગ પણ કરું છું. પગપાળા પ્રવાસ કરીને મારો સમય બગડે એ મને પોસાય તેમ નથી. ભગવા વસ્ત્રો ધારણ કરીને હું સતત મારી જાતને મારા હેતુઓની યાદ અપાવતો રહું છું. ભગવા વસ્ત્રોથી આપોઆપ મારા પર કેટલાંક નિયંત્રણો આવે છે અને મને કેટલીક સ્વતંત્રતા પણ મળે છે, જે કદાચ સાંસારિક જીવનમાં અશક્ય નહિ તો અઘરું લાગે!

        ટૂંકમાં સવાલ હેતુઓ પર જ આવીને ઊભો રહે છે. હેતુઓની સ્પષ્ટતા હોય તો સાધનોના ઉપયોગને આપોઆપ નિયંત્રિત કરી શકાય છે. એ પછી લોકેષણાનાં સ્વરૂપોના પ્રભાવને પણ હેતુઓની જરૂરિયાત મુજબ વધારી કે ઘટાડી શકાય છે. હેતુપૂર્તિનો સંકલ્પ દ્રઢ હોય તો લોકો શું કહેશે એ વાત જ ગૌણ બની જતી હોય છે. લોકોને જે કહેવું હશે તે કહેશે, એથી હેતુપૂર્વક હેતુસિધ્ધિ માટે થતા વર્તનમાં કોઈ જ ફેર પડશે નહિ.

        આ પ્રકારની સ્પષ્ટતા માત્ર સંસારત્યાગી માટે જ નહિ, સંસારમાં રહીને ભરપૂર જીવન જીવવા ઈચ્છતી વ્યકિત માટે પણ એટલી જ અગત્યની બની રહે છે. આપણે હંમેશ બીજાઓની ઈચ્છાઓ, લાગણીઓ, ખુશી અને પ્રતિભાવોની જ ચિંતા કરીને જીવતા રહીએ છીએ. એ માટે આપણી મનગમતી વાતનો, આપણી ઈચ્છાનો અને આપણી લાગણીઓનો ઘણી વાર પૂરેપૂરો ભોગ આપી દઈએ છીએ. લોકો શું કહેશે એ વિચારીને જ વર્તન કરતા રહીએ છીએ. કયારેક તો લોકો આપણા વિષે અમુક જ પ્રતિભાવ આપે એવી ઈચ્છા સાથે ચોક્કસ પ્રકારની વર્તન-ભાત ગોઠવીએ છીએ. અને એ પછી જયારે લોકો આપણી અપેક્ષા કરતાં જુદો પ્રતિભાવ આપે ત્યારે દુઃખી થઈએ છીએ અને આપણને કોઈ સમજતું જ નથી, એવા અહેસાસની પીડા ભોગવીએ છીએ.

        લોકેષણાથી સદંતર મુકત થવું કદાચ શકય જ નથી. એટલે સદંતર મુકત થવાનો દંભ છોડી દેવો જોઈએ, પરંતુ સાથે સાથે આપણી જાતનો અભ્યાસ કરવા જેટલા સ્વાર્થી પણ બનવું પડે. આવે વખતે લોકેષણાને કે લોક-પ્રતિભાવને ઠોકર મારવા જેવી હિંમત કેળવવી પડે. નહિતર આપણે લોકો દ્વારા ચલાવાતા ગાડાંના બળદ બની જઈએ અને લોકો માર ન મારે એટલા માટે અમુક જ ઢબે ચાલવાની ગુલામી આપણા લમણે લખાયેલી રહે.

Credits to Images

  1. https://depositphotos.com/stock-photos/popularity.html
  2. https://stock.adobe.com

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: