
જિંદગી બેધારી તલવાર છે. કોઈકને જિંદગી જીવ્યાનો અફસોસ થાય છે તો કોઈકને જિંદગી નહિ જીવ્યાનો વસવસો ખૂંચે છે.
જિંદગી એની મેળે જીવાતી જ હોય છે. પરંતુ એ જીવ્યાનો અફસોસ ત્યારે થાય છે, જ્યારે એ જિંદગી ઈચ્છા મુજબ જીવી શકાઈ નથી હોતી. આખેઆખી જિંદગી ઇચ્છા મુજબ જીવાઈ હોય એવો એકાદ દાખલો મળવો પણ મુશ્કેલ છે. આ સત્ય જાણવા છતાં અફસોસ આઘો હટતો નથી.
જિંદગીને ગમે તે ક્ષણે ઝેર જેવી બનાવે છે અવરોધ અથવા ગુનાની ભાવના. આપણી ફરજો, લાગણીઓ, કર્તવ્યો અને ઈચ્છાઓના એક મસમોટા જંગલમાં આપણે આખી જિંદગી અટવાયા કરીએ છીએ. જંગલ વસાવ્યું છે તો એમાં રાની હિંસક પશુઓ, ડંખીલાં અને ઝેરીલાં પ્રાણીઓ તથા કાંટા અને ઝાંખરા પણ હોવાનાં જ એ વાત આપણે ભૂલી જઈએ છીએ. આપણે જ જંગલ ઊભું કરીએ છીએ અને પછી એ જંગલને નંદનવન બનાવવા આખી જિંદગી કુહાડી લઈને મચી પડીએ છીએ. પરંતુ એષણાઓનાં રાની પશુઓ, નિષેધોનાં ઝેરી પ્રાણીઓ અને આત્મવિશ્વાસનાં ઝાડી ઝાંખરાં અવરોધો ઊભા કરે છે ત્યારે એ બધું જ સ્વાભાવિક છે એમ સ્વીકારવાને બદલે આપણે આપણી જાતને ગુનેગાર માનવા લાગીએ છીએ. ગુનેગારીનો એ પડછાયો ક્યાંય સુધી આપણો પીછો છોડતો નથી. અંધારું થાય છે ત્યારે તો એ પડછાયો વધુ વિકરાળ અને ડરામણો બની જાય છે.
ફરજો, લાગણીઓ, કર્તવ્યો અને ઈચ્છાઓ જીવનનો જ એક ભાગ છે. આ બધી વસ્તુઓ માટે જીવન છે કે જીવન માટે આ બધી વસ્તુઓ છે એ વિચારવા જેવું છે. ખલિલ જિબ્રાન કહે છે તેમ આ પૃથ્વી પર આવતો દરેક માણસ પાપ અને પુણ્ય સાથે જ લઈને આવે છે. એમાંથી એ ક્યારે શેનું આચરણ કરશે એનો આધાર એના એકલાના પર નથી હોતો, સમાજ અને બીજા લોકો પણ એ માટે જવાબદાર હોય છે. તો પછી આપણે આપણી જાતને એકલીને જ ગુનેગાર ઠેરવીને સજા કરવાનો મતલબ શું? ગુનો ભલે કાયદાના ત્રાજવે તોળાતો હોય, પણ એની મૂલવણી તો મનમાં જ થાય છે!