૮. સાચી પ્રશંસા પ્રચંડ શક્તિ આપે છે!

શુધ્ધ પ્રશંસા કરોડો રૂપિયા કરતાં વધારે કામ કરે છે.

ગમે તેવા ધનવાન કે સમૃધ્ધ માણસને પણ કયારેક કોઈક કંઈક આપે તો તે ગમે છે. માણસ નહિ, પ્રાણી માત્રનું આ એક વિશેષ લક્ષણ છે. સ્વાર્થી માણસ આ લક્ષણનો દૂરપયોગ પણ કરે છે. લાંચ અને ભ્રષ્ટ આચારોનો વિકાસ આવી સ્વાર્થી ગણતરીઓમાંથી જ થયો છે. કોઈકને ધન-સંપત્તિ કે કિંમતી વસ્તુ આપીને ખુશ કર્યા પછી એની એ ખુશીના બદલામાં કોઈક લાભ મેળવી લેવો અથવા એનાથી ઊલટું કોઈક વધારાનો કે લાયકાત વિનાનો લાભ મેળવી લીધા પછી સામા માણસને કંઈક આપીને બદલામાં ખુશ કરવો એ બન્ને ભ્રષ્ટાચારની જ રસમ છે. આવી રસમના મૂળમાં સ્વાર્થ અને સ્વાર્થી લેવડ દેવડ કામ કરતી હોય છે.

    સ્વાર્થની લેવડ દેવડમાં શાશ્વત આનંદ નથી હોતો. એની મૂલવણી પણ લાભાલાભના સંદર્ભમાં જ થતી હોય છે. એથી જ કયારેક આવી લેવડ દેવડ સંતોષને બદલે અસંતોષ પણ પેદા કરતી હોય છે. સાચી લેવડ દેવડ એ છે, જેમાં સ્વાર્થની ગણતરી નથી હોતી, બલ્કે શુભેચ્છા અને શુભનિષ્ઠાની લેવડ દેવડની ખૂબી એ છે કે સમય જાય છે તેમ એમાં વિધાયક તીવ્રતા વધતી રહે છે. આજની શુભેચ્છા વર્ષો કે દાયકાઓ પછી પણ મઘમધી ઊઠે એવા અનુભવો વારંવાર થાય છે એનું આ જ કારણ છે.

      ધન-સંપત્તિ કે ચીજવસ્તુના રૂપમાં ભેટ સોગાદ વડે શુભેચ્છા કમાવાના વૃત્તિ વચ્ચે ઓછા અંશે વ્યાપારી મનોવૃત્તિની દ્યોતક છે. એટલે જ એની અસરકારકતા ઓછી જોવા મળે છે. એટલે જ કદાચ કોઈકને કશુંક આપવું હોય કે એની શુભેચ્છા મેળવવી હોય ત્યારે વિનામૂલ્યે મળતી અને છતાં અમૂલ્ય ગણાય એવી પ્રશંસા બહુ અસરકારક નીવડે છે. પ્રશંસાના શબ્દો માટે કોઈ ખર્ચ કરવો પડતો નથી અને એનો હિસાબ રૂપિયા-આના-પૈસામાં માંડી કે આંકી શકાતો નથી. અલબત્ત, પ્રશંસાને શુભનિષ્ઠા અને નિસ્વાર્થ લાગણીનું પીઠબળ ન હોય ત્યારે એય વ્યાપાર બની જાય છે. નિર્વ્યાજ અને શુધ્ધ પ્રશંસા કરોડો રૂપિયા કરતાં વધારે કામ કરે છે.

સાચી પ્રશંસા અને ખુશામત વચ્ચે સ્વાર્થની ગેરહાજરીનો જ તફાવત છે. સાચી પ્રશંસા કયારેક એટલું મોટું કામ કરી જાય છે કે એનું માપ ન કાઢી શકાય. આવી પ્રશંસા કે કદરના બે શબ્દો કયારેક કોઈકને નવું જોમ આપે છે, પ્રચંડ શક્તિ આપે છે, આત્મવિશ્વાસનાં પૂર લાવે છે અને જીવવાનું તથા જીવાડવાનું બેસુમાર બળ આપે છે. વિનામૂલ્યે મળતા આવા અમૂલ્ય ખજાનાને લુંટાવવામાં આપણે શાને ઘોર કંજૂસાઈ કરતા હોઈશું ?

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: