
બાળક એ માનવબાગનું ફૂલ છે અને બાળકો પ્રભુનાં પયગંબરો છે એવું આપણે સાંભળતા આવ્યા છીએ. આજનું બાળક એ આવતીકાલનો નાગરિક છે એ વાત સાચી હોવા છતાં એને મોટે ભાગે આવતીકાલના નાગરિક તરીકે જ જોવાય છે, આજના બાળક તરીકે નહિ. ઘણી વાર તો એવું લાગે છે કે જાણે આ દુનિયામાં સૌથી વધુ શોષિત, દમિત અને પીડિત જો કોઈ હોય તો તે બાળક જ છે.
બાળકને સતત આપણે નિષેધોની વચ્ચે રાખીએ છીએ. ડાબા હાથે જ ખવાય, થાળીમાં જ ખવાય, પ્યાલો બે હાથે જ પકડાય, આમ ન થાય અને તેમ ન થાય. સ્વ. ર. વ. દેસાઈએ ‘ખરી મા’ વાર્તામાં બાળક માટે કહ્યું હતું કે એ તો મુક્ત પંખી છે. એની પાંખોને વિમાનની પાંખો બનાવી દઈએ તો એ વિમાન બની જાય, પરંતુ પછી એ પંખી નહિ, નિયંત્રિત યંત્ર બની જાય.
આ જંગલમાં બાળક કદાચ સૌથી વધુ નિર્દોષ પ્રાણી છે. એને જગતની કડવાશનો, ઈર્ષાનો, અપ્રામાણિકતાનો, ડર કે ભયનો કોઈ જ પરિચય નથી. એને પહેલો પરિચય કશાયનો હોય તો તે પ્રેમ અને વાત્સલ્યનો જ હોય છે. આપણે જ એના મનને વિવિધ રીતે દૂષિત કરીએ છીએ.
બાળક પરના દમન અને અત્યાચારનું એક કારણ એ છે કે માતા-પિતા એને ઝટ ઝટ મોટો કરી દેવા માગે છે. એના નિર્દોષ મનને કોઈ સમજતું નથી. એ દેવતાને સ્પર્શતાં વિચાર કરતો નથી, કારણ કે દેવતા એને દઝાડશે એવી જ એને ખબર નથી. એનો અર્થ એ નહિ કે એને દાઝવા દેવો. પરંતુ એને એવો અનુભવ થાય અને એ અનુભવમાંથી કશુંક શીખે તો એમાં ક્શું જ ખોટું નથી. અનુભવ દ્વારા મળતા શિક્ષણ કરતાં શ્રેષ્ઠ શિક્ષણ બીજું કોઈ નથી.
બાળક સાથે બુધ્ધિ અને તર્કનું નહિ, લાગણીનું જ આદાન-પ્રદાન હોય. બાળકને ઊંચકવા માટે આપણે ગમે તેટલા ઊંચા હોઈએ તોય એની ઊંચાઈ જેટલા નીચા નમવું પડે. બાળકનો પ્રેમ સમજવા અને અનુભવવા બાળક પર દમન કરનાર જ કદાચ રાક્ષસ-વૃત્તિ કહેવાતી હશે. રડતા બાળકને છાનું રાખવું એ જ ખરી પ્રભુસેવા છે એમ એક કવિ કહે છે ત્યારે એ કેટલો બધો સાચો લાગે છે!