17. In the Web of Mysteries!
आदमी ने वक्त को ललकारा है, आदमी ने मौत को भी मारा है,
जीते है आदमी ने सारे लोक, आदमी मगर खुद से हारा है!
ઘણાં વર્ષો પહેલાં સાંભળેલો એક કિસ્સો યાદ આવે છે. અત્યંત ઋજુ સ્વભાવના મિલનસાર શિક્ષકની આ વાત છે. વિદ્યાર્થીઓ પર પણ ભાગ્યે જ ગુસ્સે થતા એ શિક્ષક ખૂનના આરોપસર પકડાયા ત્યારે દરેકને આંચકો લાગ્યો હતો. પગ નીચે કીડી આવી જાય તો પણ અફસોસ કરનાર વ્યકિત કોઈનું ખૂન કરી શકે એ વાત જ માન્યામાં આવતી નહોતી. એમના પર કેસ ચાલ્યો અને પુરાવા બધા જ એમની વિરુધ્ધ જતા હોવાથી એમને જન્મટીપની સજા થઈ. જે લોકો એમને સારી રીતે ઓળખતા હતા એમાંથી કેટલાક એમને મળ્યા અને સત્ય જાણવા પ્રયત્ન કર્યો. પરંતુ એ મહાશયે મૌન ન તોડ્યું. એમના નિકટના એક-બે મિત્રો એવા હતા જે દ્રઢપણે માનતા હતા કે એમણે ખૂન કર્યું જ નથી. એ લોકોએ તો એટલે સુધી કહ્યું કે તમે અમને સત્ય જણાવો, અને તમારો કેસ છેક સુપ્રીમ કોર્ટ સુધી લડીશું. પરંતુ એનો કોઈ અર્થ સર્યો નહિ.
સમય વીતતો ગયો. વાત વીસરાતી ગઈ. વર્ષો પછી એ છૂટીને આવ્યા તોય એમણે ભૂતકાળની વાત કદી ઉખેળી નહિ. ખરેખર એમણે ખૂન કર્યું હતું કે નહિ, કર્યું હતું તો શા માટે કર્યું હતું અને જે બન્યું તે, પણ કાયદા સમક્ષ એમણે પોતાનો બચાવ પણ અસરકારક રીતે કેમ કર્યો નહિ એવા પ્રશ્નો જેમના તેમ રહી ગયા. એક બહુ મોટું રહસ્ય તેમણે પોતાની અંદર ઢબૂરી રાખ્યું એટલું જ નહિ, એને કદી બહાર આવવા દીધું નહિ.
આ શિક્ષકના કિસ્સામાં તો બહુ મોટી વાત હતી. પરંતુ નાની નાની વાતેય માણસ જેટલું રહસ્યમય ભાગ્યે જ કોઈ હશે. પ્રાણીઓ કરતાં માણસ બુદ્ધિની રીતે જુદો પડે છે. બુદ્ધિ એને જુદી જ રીતે જીવાડે છે. જીવનની અનેક ઘટનાઓ એ પોતાની અંદર સમાવે છે. એમાં જાતજાતનાં અર્થઘટનો કરે છે. એને આધારે જ એનું વર્તન થયા કરે છે. આખું વ્યકિતત્વ વિવિધ ઘટનાઓ અને અનુભવોના આધાર પર ઘડાય છે. પોતાને થતા અનુભવોની અસરોને એ ખાળી શકતો નથી. પળેપળની ઘટનાઓના ભીતર થરના થર જામતા જાય છે. સમય જતાં પ્રગટપણે એમાંનું ઘણું બધું ભૂલાઈ જતું હોય છે. છતાં વર્તન અને વ્યવહાર પર એની અસરો ચાલુ જ હોય છે. એથી જ ઘણી વાર એવું બને છે કે ચોક્કસ અનુભવો અને અર્થઘટનો દ્વારા પ્રેરિત વર્તનને પણ વ્યકિત પોતે સમજી શકતી નથી. વિવિધ પ્રકારના સંબંધો પર આ પરિસ્થિતિની અસરો પડતી હોય છે. કયારેક માણસ પોતાના જ વર્તનથી દુઃખી થાય છે. છતાં પોતાના એવા વર્તનને સમજવાનો એ સ્વસ્થ પ્રયાસ કરતો નથી.

માનવીય સ્વભાવની ખૂબી એ છે કે એ સતત સામી વ્યક્તિના વર્તનને સમજવાના સાચા-ખોટા પ્રવાસો કર્યા કરે છે. સામી વ્યક્તિ આમ કેમ વર્તી હશે એવા સવાલો કરીને એના વર્તનનું આડેધડ વિશ્લેષણ કરવા બેસી જાય છે. કોઈક વ્યક્તિના વર્તનને નમૂનારૂપ ગણી લઈને એના વિષે નક્કર અભિપ્રાયો અને આખરી નિર્ણયો બાંધી લેવાની પણ ઉતાવળ કરી બેસે છે. પછી બને છે એવું કે પોતે જે અભિપ્રાયો બાંધી લીધા હોય છે એનાથી સહેજ પણ જુદું વર્તન એ વ્યક્તિ કરે છે ત્યારે એ કાં તો નિરાશ થાય છે અથવા રોષે ભરાય છે અને સામી વ્યક્તિને જ કોસે છે. એને એ ખ્યાલ જ નથી આવતો કે કોઈ પણ વ્યક્તિની વર્તનભાતને કોઈ એક ચોકઠામાં કદી બાંધી શકાય નહિ. અને સામી વ્યક્તિ વિષે અભિપ્રાય બાંધી લેવામાં એની પોતાની ભૂલને વિશેષ અવકાશ છે. આ રીતે કોઈક વ્યક્તિ વિષે બંધાઈ જતી ગેરસમજ છેવટે સામી વ્યક્તિનું રહસ્યમય ચિત્ર દોરે છે. આવા વલણની પરસ્પરના સંબંધો પર અત્યંત ગંભીર અસર પડે છે.
બીજી અગત્યની વાત એ છે કે સામી વ્યક્તિના વર્તનને સમજવાના કે એનું વિશ્લેષણ કરીને એના વિષે સાચા-ખોટા અભિપ્રાયો બાંધી લેવાના ઉતાવળિયા પ્રયાસો કરનાર વ્યક્તિ પોતે પોતાના વર્તનનાં ઊંડાણ માપવાની ભાગ્યે જ કોશિશ કરે છે. જેમ જેમ જીવાતું જાય તેમ તેમ એ જીવ્યે જાય છે. એક કાળ એવો આવે છે જયારે એ પોતાની જાત માટે જ એક રહસ્ય બની જાય છે. એ તરફની જાગૃતિના અભાવને પરિણામે રહસ્યોનાં પડ બાઝતાં જાય છે. એક ગંભીર આડ-પરિણામ એવું આવે છે કે પોતાની જાતને જ રહસ્યમય બનાવી દેનાર માણસ માટે બીજા માણસો પણ રહસ્યમય બનતા જાય છે.

આ જ વાતને સહેજ જુદી રીતે પણ કહી શકાય. માણસ પોતાના વર્તન વિષે સભાન નહિ હોવાને કારણે બીજાઓ માટેય રહસ્યમય બની રહે છે. બીજાઓ એને સમજી શકતા નથી એનું દુઃખ પણ કયારેક એને સતાવે છે. પરંતુ આવે વખતે એ ભૂલી જાય છે કે બીજાઓને એણે સમજવાની તક જ આપી નથી હોતી. ઊલટું કયારેક તો માણસ જાણ્યે-અજાણ્યે એવા પ્રયાસો કરે છે કે જેથી સામી વ્યક્તિ એને સમજવામાં ગફલત જ કરે.
જેમ્સ સી. કૉલમેન કહે છે તેમ આજનો માણસ અનેકવિધ ચિંતાઓથી ઘેરાયેલો છે અને ઢગલાબંધ ચિંતાઓમાંથી માર્ગ કાઢવામાં એ એટલો વ્યસ્ત રહે છે કે એને પોતાના વિષે વિચારવાની જ ફૂરસદ મળતી નથી. વાત મુદ્દાની છે. છતાં અહીં સમજવા જેવું એ છે કે અનેકવિધ ચિંતાઓમાંથી માર્ગ કાઢવાનો એક અસરકારક નુસખો પોતાની જાત વિષે વિચારવામાં પણ છે. ખરેખર તો એવું બને છે કે માણસ પોતાની જાત વિષે નહિ વિચારીને પોતાની મૂંઝવણોને ઓર ધેરી બનાવે છે. દિવસ આખો એ ભૌતિક પ્રાપ્તિ માટે દોડધામ કરે છે અને રાત્રે થાકીને ઊંઘને હવાલે થઈ જાય છે. ચોવીસ કલાકમાંથી દસ મિનિટ પણ એ પોતાને માટે ફાળવતો નથી. એ જ કારણે એ સતત પોતાના માટે જ એક રહસ્ય બનતો જાય છે.
આપણી સામાજિક વ્યવસ્થા કંઈક એવી થઈ ગઈ છે કે એમાં આપણે આપણા ભાવોનું, લાગણીઓનું, વલણોનું, મનોદબાણોનું અને વિચારોનું વિરેચન કરી શકતા નથી. ઉત્સવો રચ્યા છે, પરંતુ એમાંય જાત સાથે મળવાની કોઈ વાત આવતી નથી. મનોવિજ્ઞાન જેને ’કેથાર્સીસ’ કહે છે અને રજનીશે પોતાના યોગમાં ભાવ-વિરેચનને જે સ્થાન આપ્યું છે એ આપણી સામાજિક વ્યવસ્થામાં પણ કોઈક રીતે લાવવા જેવું છે. વ્યક્તિત્વનાં રહસ્યોના પડદા ઉપાડવા માટે એ ખૂબ જરૂરી છે. ભાવ-વિરેચનથી આવતી વ્યક્તિત્વની મોકળાશ, ખુલ્લાપણું અને હળવાશ રહસ્યના કાળા ડાઘાને ઓછા કરે છે.
દરેક વ્યક્તિ પાસે નાના-મોટા એટલા અનુભવો હોય છે કે એ પોતે પોતાના માટે એક ઈતિહાસ બની જાય છે. ઇમર્સન કહે છે તેમ ઈતિહાસ એ આત્માના કાર્યોનો અહેવાલ છે. આત્માને બાજુએ રાખીએ, તો પણ બનેલી ઘટનાઓ અને એની જે અસરો આપણે ઝીલી હોય એય એક ઈતિહાસ જ છે. એનું અદ્રશ્ય રીતે પણ અહેવાલ-લેખન ન થાય ત્યાં સુધી ઈતિહાસનું સ્વરૂપ પૂર્ણ થતું નથી. ભીતર એનો અહેવાલ રચાય અને વખતો વખત એ વંચાતો રહે, એમાં ઉમેરણો થતાં રહે તો અનેક રહસ્યો આપોઆપ ઉકલી જાય છે.
બીજાઓ માટે આપણે રહસ્ય રહીએ કે ન રહીએ એ ગૌણ ગણી લઈએ, પરંતુ આપણી જાત માટે રહસ્ય બની રહેવામાં મજા નથી. માણસ પોતાના માટે રહસ્ય બની રહેતો હોવાથી જ એ એક તરફ બીજાઓ માટે રહસ્ય બની જાય છે અને સાથે સાથે અનેક મોરચે જીત્યા પછી પણ પોતાની જાત સામે હારતો રહે છે.
Credit to Images
1 https://ideas.ted.com/how-can-you-uncover-your-best-self-start-by-judging-other-people-really/
2. https://www.onewithnow.com/misunderstood-how-to-let-go-of-the-need-to-explain-yourself/