18. is Independence Absolute?
એક શબ્દે હંમેશાં મનમાં તીખી લાગણી પેદા કરી છે. એ શબ્દ છે ‘સ્વતંત્રતા’ સમય જાય છે તેમ એ શબ્દના વિસ્તૃત અર્થો પડઘાતા સંભળાય છે. કયારેક આ શબ્દ મોહક લાગે છે. તો કયારેક ચચરાટ પેદા કરે છે. કયારેક વળી એ રમૂજ પણ જન્માવે છે. કમ સે કમ વર્ષમાં બે વખત એક રાષ્ટ્ર તરીકે આપણે આ શબ્દનો મહિમા ગાવામાં ઉન્મત્ત બની જઈએ છીએ, એ સિવાય પણ આ શબ્દને ચ્યુઇંગમની જેમ ચાવ્યા કરીએ છીએ. ૧૯૪૭ની પંદરમી ઓગષ્ટે બનેલી ઘટનાને આપણે સ્વતંત્રતા નામ આપ્યું હતું. પરંતુ એનો અર્થ એ દિવસે જેટલો અસ્પષ્ટ હતો એથી અનેક ગણો વધુ અસ્પષ્ટ આજે લાગે છે.

સામાજિક સ્વતંત્રતા, આર્થિક સ્વતંત્રતા, વ્યક્તિ-સ્વતંત્રતા, અખબારી સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા, મિલકતની સ્વતંત્રતા, વ્યવસાયની સ્વતંત્રતા અને એવી અનેક સ્વતંત્રતાઓ વહેમ બનીને આપણને વળગી પડી છે. આ શબ્દના અર્થની અસ્પષ્ટતા જેમ વધતી જાય છે તેમ તેમ આપણે એ શબ્દને વધુ લાડથી ઉછાળીએ છીએ. આપણને આપણા અર્થતંત્ર સાથે ઘાતક પ્રયોગો કરવાની સ્વતંત્રતા મળી છે. એ માટે વિશ્વ સંસ્થાઓ ગુલામી જેવી શરતો લાદે તોય આપણો સ્વતંત્રતાનો મદ ઊતરતો નથી. દહેજ લેવાની અને આપવાની નવવધૂને કનડવાની અને બાળવાની સામાજિક સ્વતંત્રતા મળી છે. ત્રાસવાદને વેઠવાની અને નેતાઓના નપાવટપણાને પોષવાની સ્વતંત્રતા મળી છે. એ રાજકીય સ્વતંત્રતા સાથે બેકારી અને સરકારી નિયમનોનાં જાળાં ભેદીને જીવતા રહેવાની- ભૂખે મરવાની, ચીસો પાડવાની અને લઠ્ઠા પીને મરવાનીયે સ્વતંત્રતા મળી છે આપણને.
સ્વતંત્રતા શબ્દ રગેરગમાં ફરી વળીને રૂંવે રૂંવે ફૂટી નીકળ્યો છે. રસ્તા પર ગમે તેમ ચાલવાની, બસમાંથી બહાર જોયા વિના ગમે તે વાહનચાલક કે રાહદારી પર થૂંકવાની, પાન ખાઇને ગમે તે ભીંતે પીચકારી મારવાની, રોંગ સાઈડ પર વાહન ચલાવવાની, પડોશીની ચિંતા કર્યા વિના રેડિયો- ટી.વી.ના વોલ્યુમને હરાયા ઢોરની માફક છૂટું મૂકી દેવાની, ગમે ત્યાં એંઠવાડ નાખવાની તથા મોજ ખાતર સરકારી બસ કે રેલવેની સીટમાંથી રેકિઝન કાઢ્યા કરવાની સ્વતંત્રતા મળી ગઈ છે. આ સ્વતંત્રતાનો નશો લઠ્ઠા કરતાં પણ વધુ ખરાબ અને ઘાતક બનતો ગયો છે. એમાં ચડતી જતી ઊબ અને એનો કોહવાટ આપણને નશીલો લાગવા માંડયો છે. સ્વતંત્રતા શબ્દના નશાએ આપણા હોશો- હવાસને હરી લીધા છે. આપણે એક સુઘડ નાગરિકને બદલે નીચતાનો નમૂનો બનતા રહ્યા છીએ. માણસને ભૂંડ પણ કહેવાય એવું રહ્યું નથી. ભૂંડની બદનક્ષી થવાનો ડર રહે છે.

સ્વતંત્રતા શબ્દે આપણને છેતર્યા છે. અને આપણે ખુશી ખુશી છેતરાતા રહ્યા છીએ. આપણે સ્વતંત્રતા શબ્દનો જે શ્વાસ ભરીએ છીએ એ ખરેખર તો સ્વચ્છંદતા બની ગઈ છે. સ્વતંત્રતા તો એક બંધન છે, જેને કોઈક સિધ્ધાંત છે. જેનું કોઈક ધ્યેય છે અને જેમાં કેટલાક આચાર-વિચારો નક્કી છે. સ્વતંત્ર શબ્દ જ કંઈક એવું સૂચવે છે કે એમાં આપણું પોતાનું કોઈક તંત્ર છે, કોઈક વ્યવસ્થા છે, કોઈક આચારસંહિતા છે, આપણે અત્યારે જે પ્રકારે સ્વતંત્રતા શબ્દને આંકરાંતિયાની જેમ આરોગી રહ્યા છીએ એમાં કોઈ તંત્ર દેખાતું નથી. કોઇ વ્યવસ્થા જણાતી નથી અને કોઇ આચારસંહિતા આપણને અભિપ્રેત નથી. એટલે જ એ સ્વતંત્રતા નહિ પણ સ્વચ્છંદતા છે. એમાં બેજવાબદારી, બેફામપણું અને નફ્ફટાઈનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. સ્વતંત્રતા વિષેની ગેરસમજની ઉન્મત્તતાનો આફરો એટલે જ સ્વચ્છંદતા.
સ્વતંત્રતા માટે અંગ્રેજીમાં ‘ઇન્ડિપેન્ડન્સ’ શબ્દ વપરાય છે. આ શબ્દનો અર્થ આપણે એવો કરીએ છીએ કે એમાં આપણે કોઇના પર આધારિત નથી. કોઇના પર પણ ‘ડિપેન્ડન્ટ’ નથી. આખી વાત જ સાવ વાહિયાત છે. આપણે એ અર્થમાં કદી સ્વતંત્ર હોતા નથી, થતા નથી અને થઈ શકતા નથી. આપણા જન્મથી મૃત્યુ સુધીની પ્રત્યેક ક્ષણ પર કોઈક વ્યક્તિ, સમય સંજોગ કે વાતાવરણનો પડછાયો હોય જ છે. જન્મ અને મૃત્યુ તો ઠીક. આપણું શ્વાસ લેવાનું પણ એ રીતે સ્વતંત્ર નથી. આપણો ઉછેર, ભણતર, વ્યવસાય, જીવનશૈલી, દુઃખ, આનંદ વગેરે બધું જ કયાંકને ક્યાંક કોઈકની કે કશાકની સાથે સંકળાયેલું છે, એ દ્રષ્ટિએ આપણે ‘સ્વતંત્ર’ છીએ એવો ખ્યાલ જ ભ્રામક છે.
સ્વતંત્રતા જેવા નિરપેક્ષ ખ્યાલનું કોઇ જ અસ્તિત્વ નથી. એટલે એને સાપેક્ષ રીતે જ સ્વીકારવો રહ્યો. આપણે પોતાનું કોઈક તંત્ર સ્થાપીએ, જે બીજાના એવા જ પોતીકા તંત્રની આડે આવવાને બદલે સુસમાયોજન સાધે તો જ એ સ્વતંત્રતા બની રહે. બીજા શબ્દોમાં આપણે એને આપણા માટે નિર્ણયની સ્વતંત્રતા કહી શકીએ. આ પણ એવી સ્વતંત્રતા છે, જેમાં અન્ય વ્યક્તિઓ કે વાતાવરણનો વિચાર કર્યા વિના ચાલતું નથી, ખરું જોતાં આપણી સ્વતંત્રતાની આ મર્યાદા નહિ, પણ ખૂબી છે. એનું કારણ એ છે કે આપણું જૈવિક અસ્તિત્વ જ નિરપેક્ષ સ્વતંત્રતાના પાયા પર રચાયેલું નથી.
આપણે અન્ય વ્યકિત, વ્યક્તિઓ, વાતાવરણ કે પર્યાવરણના આધાર વિના શૂન્ય છીએ એ હકીકત છે, છતાં આપણે એથી પરતંત્ર છીએ એમ ન કહી શકાય. જેમ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેની ભેદરેખા ઓળખવામાં આપણે થાપ ખાઈ ગયા છીએ એમ સ્વતંત્ર નહિ હોવું અને પરતંત્ર હોવું એ બે વચ્ચેનો ભેદ પારખવામાં પણ ગફલત થતી રહે છે. પરિસ્થિતિનાં લેખાં જોખાં તપાસીને આપણે જ કરેલો નિર્ણય, આપણે ગોઠવેલું આપણું તંત્ર, આપણે રચેલી આપણી આચારસંહિતા અને આપણે વિકસાવેલી આપણી શિસ્ત એ સ્વતંત્રતા છે. જ્યારે આ બધું જ બહારથી કે ઉપરથી લદાય અને આપણે એ સ્વીકારીને ચાલીએ ત્યારે એ પરતંત્રતા છે. આ બન્નેમાંથી એકેય ન હોય અને આપણે કેવળ વાંદરાની જેમ એક ડાળથી બીજી ડાળે કૂદવામાં જ સમય પસાર કરીએ ત્યારે એ સ્વચ્છંદતા બને છે. સ્વતંત્રતા શ્રેષ્ઠ હશે, પરંતુ પરતંત્રતા અને સ્વચ્છંદતામાં વધુ અનિચ્છનીય તો સ્વચ્છંદતા જ ગણાવી જોઇએ.
ઉર્દુના જાણીતા નવલકથાકાર રાજેન્દ્રસિંહ બેદીએ લખ્યું છે એક વ્યક્તિની સ્વતંત્રતા એટલી જ મહત્વની છે, જેટલી એક રાષ્ટ્રની – અને દરેક વ્યક્તિ એ સ્વતંત્રતા પોતાની મેળે જ મેળવી લે છે. બેદીએ જે નથી કહ્યું તે એટલું છે કે સ્વતંત્રતા મેળવી લેનાર- પછી તે રાષ્ટ્ર હોય કે વ્યકિત- સ્વતંત્રતાના અર્થને પામે નહિ અને સ્વચ્છંદ બને તો એ પરતંત્રતાનો શિકાર ગમે ત્યારે બની શકે છે અને એ સ્થિતિ માટે ફરિયાદ કરવાનો એને કોઇ અધિકાર નથી રહેતો!
Credits to Images: