૧૯. અવસ્થાનો અવકાશ!

19. Space of State!

પ્રોફેસર આર.આર.રાઠોડ એક જિંદાદિલ માનવી છે. આ અધ્યાપક મિત્રની વાત સાંભળવા જેવી છે. તેઓ કહે છે કે જિંદગી આપણા હાથમાં છે. મૃત્યુ હાથમાં નથી. એ અનિશ્ચિત છે અને ગમે ત્યારે આવી શકે છે. એટલે જ મનમાં થયું હતું કે ચાલીસેક વર્ષ સારી રીતે જીવી લેવાય પછી મૃત્યુ ગમે ત્યારે આવે તો અફસોસ નથી. અને એમને પૂરાં પંચાવન થયાં. એમના મતે આ પંદર વર્ષ એમને ‘એકસ્ટેન્શન’ મળ્યું છે. એટલે જ ચાલીસ પછીની ક્ષણેક્ષણ એમને ચોખ્ખા નફા જેવી લાગી છે અને એ પ્રત્યેક ક્ષણને એમણે જિંદગીનાં સ્વાભાવિક સુખો અને દુઃખોની વચ્ચે પણ પૂરા દિલથી માણી છે. પંચાવન વર્ષે સ્વાભાવિક ડોકાઇ જતો અવસ્થાનો પડછાયો એમને ગ્રસી શક્યો નથી એનું આ જ રહસ્ય છે. વૃદ્ધત્ત્વના ભાર હેઠળ દબાઈ મરવાને બદલે જિંદગીને માણતા રહેવાનો આ ખ્યાલ કંઈ ખોટો નથી.

        સાચું શું અને ખોટું શું એના વિતંડાવાદમાં આપણી લગભગ જિંદગી વેડફાઈ જતી હોય છે. તત્ત્વચિંતકો નિરપેક્ષ સત્યની શોધમાં રખડી રખડીને થાકી ગયા. છેવટે એમણે નિરપેક્ષ સત્ય વિષે ગલ્લાંતલ્લાં કર્યા અને પછી સત્યની સાપેક્ષતાનો સ્વીકાર કરીને વાતને પડતી મૂકી. વ્યવહાર જગતમાં સત્ય પૂરેપૂરું સાપેક્ષ રહે છે. ધ્યેય સિધ્ધ થાય કે પરિણામ પ્રાપ્ત થાય એ જ સત્ય. સાધનશુધ્ધિ કદાચ મનને ગમતી હોય તો પણ જ્યારે એ પરિણામ સુધી પહોંચે નહિ ત્યાં સુધી એ સત્ય સિધ્ધ થતી નથી. દલીલ એવી પણ કરી શકાય કે સાધનશુધ્ધિ જો પ્રમાણિકપણે જળવાય તો પરિણામ અચૂક મળે છે. આપણે પરિણામ સાથે નિસ્બત રાખીએ તો આપણને એ દલીલને પણ સત્ય તરીકે સ્વીકારવામાં વાંધો નથી.

        ઉંમર સાથે આવતું વાર્ધક્ય સત્ય છે. તો વાર્ધક્યની અસરમાંથી મુકત રહેવાનો પ્રયાસ પણ સત્ય છે. કયારેક એમ લાગે કે એવી અસરમાંથી મુક્ત રહેવાનો પ્રયાસ આપણી જાત સાથેની છેતરપિંડી છે, પરંતુ એવી છેતરપિંડી પછી પણ વાર્ધક્યના બોજને માથા પર પહાડ રચતો અટકાવી શકાતો હોય તો એ છેતરપિંડી પણ આવકારવા જેવું સત્ય બની જાય છે.

        ઉંમર સાથેનું વાર્ધક્ય સત્ય હોવા છતાં એ શારીરિક સત્ય છે, માનસિક સત્ય નથી. એક ડગલું આગળ વધીને કહેવું હોય તો એમ પણ કહી શકાય કે એ ચૈતસિક સત્ય પણ નથી. શારીરિક વાર્ધક્ય પણ કેટલાક ચોક્કસ પ્રયાસો દ્વારા ટાળી, ખાળી કે દૂર હડસેલી શકાય છે. છતાં એ જૈવિક સત્ય છે. વ્યાયામ કે શારીરિક કાળજી દ્વારા દૂર ઠેલાતું વાર્ધક્ય મૃત્યુને કદી આવવા જ નહિ દે એવું પણ ન કહેવાય. પરંતુ મૃત્યુ માટે વાર્ધક્ય એ એક જ મુકામ નથી. એ ગમે ત્યારે આવી શકે છે. અને ગમે તે સ્વરૂપે આવી શકે છે. એટલે વાર્ધકયને કેવળ મૃત્યુના કોણથી ન જોવાનો ઉપક્ર્મ સંપૂર્ણ તાર્કિક બની રહેતો નથી.

વૃદ્ધાવસ્થા અને આનંદ એ બે સમાનાર્થી શબ્દો છે.

        વર્ષો પહેલાં, કોલેજના દિવસોમાં અમે એક અભ્યાસ વર્તુળ રચ્યું હતું. એનું નામ આપ્યું હતું ‘યુવા અભ્યાસ-વર્તુળ’. એક અધ્યાપકે અમને કહ્યું કે જો તમે મને યુવાન માનતા હોય તો મને પણ તમારા અભ્યાસ વર્તુળમાં આવવાની ઇચ્છા છે. સવાલ યુવાન માનવાનો હતો, એટલે કે એમને વૃદ્ધ નહિ માનવાનો હતો, અલબત્ત તેઓ એટલા વૃદ્ધ ન હોતા. છતાં ઉંમરની શારીરિક અસરોને એનું કામ કરવા દઇને એમણે પોતાના મનને એનાથી બાકાત રાખ્યું હતું. શરીર એનું કામ કરે, મન એનું કામ કરે, શારીરિક પ્રતિકૂળતાઓને ગાંઠયા વિના એમણે મનને નિરંતર જીવંત રાખ્યું હતું. તેઓ કહેતા હતા કે જે વર્તમાનમાં જીવે છે એ કદી વૃદ્ધ થતો નથી.

        કવિ-મિત્ર માધવ રામાનુજની વાત યાદ આવે છે. માધવ કહે છે કે માણસ જ્યારે ભૂતકાળના ભવ્ય દિવસોને યાદ કરીને સતત એને વાગોળવામાં વ્યસ્ત બની જાય છે ત્યારે એ ગમે તે ઉંમરે પણ વૃદ્ધ બનવા માંડે છે. માધવની વાતનો મર્મ પણ આવો છે. ભૂતકાળની ભવ્યતાઓમાં ખોવાઈ જનારને જાણે વર્તમાનમાં કોઈ ભવ્યતા જ દેખાતી નથી. વર્તમાન એને માણવા જેવો જ નથી લાગતો. હજુ પણ માણવા જેવું ઘણું જીવન બાકી છે એ ખ્યાલ આઘો જતો રહે છે ત્યારે જાણે એ જીવનના આરે આવીને ઊભો હોય એવો એક અજ્ઞાત ખ્યાલ એના મન પર સવાર થઈ જાય છે. આ પછી એ માણસ પચાસ વર્ષ જીવે તોય બાકીના પચાસ વર્ષ એ વૃદ્ધાવસ્થામાં જ જીવતો રહે છે.

        ડેવિડ સ્વાર્ત્ઝ નામનો મનોવિજ્ઞાની કહે છે જે માણસ ગમે તે ઉંમરે પણ મોકળા મને મનગમતી પ્રવૃત્તિ કરવાની વૃતિ ધરાવે છે એ નિત્ય યુવાન રહે અને એને વાર્ધક્ય કદી હંફાવી શકતું નથી. અહીં એવો અર્થ તારવવાની ભૂલ કરવા જેવી નથી કે ૬૫ વર્ષની ઉંમરે માણસને પહાડ ચડવાની ઇચ્છા થાય તો એણે પહાડ પર ચડવા માંડવું. અહિં શારીરિક વાસ્તવિકતાનો સ્વીકાર તો કરવો જ પડે છે. જીવશાસ્ત્રના નિયમો વહેલા કે મોડા પોતાની ભૂમિકા ભજવે છે. પરંતુ ૬૫ વર્ષે પહાડ નહિ ચડી શકવાનો અફસોસ કરવા બેસી જવું એ ખરેખરું માનસિક વાર્ધક્ય છે. એમ તો યુવાવસ્થામાં પણ એવા ઘણા મુકામ આવતા હોય છે, જ્યાં આપણે આપણી જાતને ઓછી અનુભવીએ છીએ. દરેક યુવાન કંઈ શારીરિક રીતે શક્તિનું ઘોડાપૂર બનીને નથી જીવાતો હોતો. વાસ્તવિકતાઓનો ખુલ્લા દિલે સ્વીકાર કરીને અફસોસની ગર્તામાં પોતાની જાતને નહિ ધકેલવા દેનાર જ યુવાન છે. પછી તે ગમે તે ઉંમરનો કેમ ન હોય?

        અંગ્રેજીમાં કહેવત છે કે ‘લાઇફ બિગીન્સ એટ ફોર્ટી’. જિંદગી ચાલીસ વર્ષે જ શરૂ થાય છે. જો આ વાત ગળે ઊતરે તો ૭૫ વર્ષે માણસ માત્ર ૨૫ વર્ષનો ગણાય અને એ ઉંમરે તો ભરપૂર યૌવન હોવું જોઈએ. આ વિધાન પાછળ કદાચ એવી કોઈક સમજ કામ કરતી હોવી જોઈએ કે ચાલીસ વર્ષ સુધીનો સમય મોટે ભાગે જિંદગીને સ્થિર કરવા માટેની હડીઓ કાઢવામાં જ પસાર થઈ જતો હોવાથી માણસ જિંદગીને માણવા માટે સ્વસ્થ ચિત્ત ભાગ્યે જ બનતો હોય છે. ચાલીસ વર્ષે જિંદગીમાં કેટલીક સ્થિરતા આવી હોય છે, પાકટતા આવી હોય છે, અનુભવોનું ભાથું વધ્યું હોય છે અને પોતાની આસપાસના લોકો, વાતાવરણ તથા ઘટનાઓ પ્રત્યેનો અભિગમ પણ બદલાયો હોય છે. એ સંજોગોમાં માણસ જિંદગીને વધુ ઊંડાણથી, સંડોવણી સાથે અને પાકટતા સાથે માણી શકે છે, આ રીતે જિંદગીને આત્મસાત કરવાનો પ્રયાસ કરનાર માટે વૃદ્ધ થવાનો કદી પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.

        વૃદ્ધત્વ સાથે કેટલીક શારીરિક નબળાઈઓ કે બિમારીઓ આવવી પણ સ્વાભાવિક છે. કેટલીક વાર ઉંમરની યુવાવસ્થામાં પણ એવી જ બીમારીઓ આવી જતી હોય છે. છતાં આપણે એને વૃદ્ધત્વ નથી કહેતાં. તો પછી ઉંમર સાથે આવતી બીમારીઓ કે નબળાઈઓ પ્રત્યે અફસોસ શા માટે કરવો? વાળ સફેદ થવા, દાંત પડી જવા કે શરીરે કરચલીઓ થવી એ સ્વાભાવિક ઘટનાઓ છે. મુંબઈના જાણીતા કેન્સર નિષ્ણાત કો લુઝીટો ડિસોઝા અને એમનાં પત્ની કહે છે કે ઉંમર સાથે તમારા વાળ સફેદ થાય છે. પરંતુ અમને એ માટે હેર ડાઈ કરવાની જરૂર નથી લાગતી. સફેદ વાળને અમે માથાની બહાર જ રહેવા દીધા છે. મનની અંદર પ્રવેશવા દીધા નથી. એ એક શારીરિક ઘટના છે. અને અમે અમારા મનને એનાથી મુક્ત રાખી શકીએ તેમ છીએ.

વૃદ્ધત્વ એ માત્ર શારીરિક ઘટના છે.

        વૃદ્ધાવસ્થાને શારીરિક ઘટના સુધી સીમિત રાખવાને બદલે વૃદ્ધાવસ્થાને શારીરિક ઘટનાનો પર્યાય સમજી લેવાનું એક ખતરનાક પરિણામ એ આવ્યું છે કે આપણે માત્ર શારીરિક ઘટના લેખે જ યુવક અને વૃદ્ધ એવા બે ભાગો પાડી દીધા છે. એને લઈને બે પેઢી વચ્ચેનું અંતર ઊભું થાય છે. શારીરિક યુવાન શારીરિક વૃદ્ધનું માન રાખી શકતો નથી. અને શારીરિક વૃદ્ધ શારીરિક યુવાનને પોતાના કરતાં ઊતરતો અથવા અધૂરો માનવા લાગે છે. બન્ને વચ્ચે સમાનતાનો સંબંધ ખોરવાઈ જતો હોવાથી બન્ને વચ્ચે મૈત્રીની ગાંઠ બંધાતી જ નથી.

Credit to Images:

  1. https://icdn.isrgrajan.com/in/2018/01/Old-aged-people-birthday-celerbration.jpg
  2. https://www.mathrubhumi.com/polopoly_fs/1.2535325.1516184444!/image/image.jpg_gen/derivatives/landscape_894_577/image.jpg

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: