હા, મારે રડવું છે
પણ મારી બંને આંખો
બની ગઈ છે સહરા અને ગોબી
જ્યાં
પૂર્વ અને પશ્ચિમ
ઉત્તર અને દક્ષિણ
ઈશાન અને અગ્નિ
નૈઋત્ય અને વાયવ્ય
ક્યાં ય
ભૂલથી ય ભીનાશ રહી નથી.
છતાં ય મારે રડવું છે.
કપાળ પરનો ખારો પરસેવો
મારી આંખોમાં થઈને વહે
તો ય રડી લીધાનો સંતોષ
પણ સહરા અને ગોબી
તે ભીનાશ પણ ચૂસી લે છે.
અને નયન પર તરે છે
નરી ખારાશ..
તેથી જ મારે રડવું છે.