૪. સફેદ રૂમાલ!

ન્યૂયોર્કથી ફ્લોરિડા એક લક્ઝરી બસ ઇ રહી હતી. લક્ઝરી બસમાં પંદરેક તરુણ-તરુણીઓનો કાફલો હતો. રજાનો પ્રવાસ માણી તેઓ ઘર તરફ પાછા જઈ રહ્યા હતા. એક જણે મેન્ડોલિન પર જાણીતા ગીતની તર્જ છેડી. સૌએ તાળીઓનાં નાદથી તેને ઝીલી અને સ્વરના રિધમમાં નૃત્ય શરૂ કર્યું. પંદરેક મીનીટ આમ ચાલ્યું અને બસ એક કાફે આગળ ટકી. પ્રવાસી જૂથ નીચે ઉતરીને કોફી પીવા લાગ્યો.  એક બે જણાં અંદરોઅંદર ઘૂસપૂસ કરવા લાગ્યા. પેલો છેલ્લી સીટ પર બેઠેલો અજાણ્યો પ્રવાસી કોણ હશે? ધાબળાથી મો-માથું ઢાંકી સૂનમૂન બેસી જ રહ્યો છે. આપણા નૃત્યમાં તેણે તાલ પણ ન આપ્યો.  કાંઇ બોલતો નથી. આ તો ઠીક ન કહેવાય. આપણે બધા મજા કરીએ અને તેની ખબર અંતર પણ ન પૂછીએ? છેવટે તેનો પરિચય તો મેળવવો જ જોઈએ. આ બાબતની સંમતિ આપી સહુ ફરી બસમાં ગોઠવાયા.

એક છોકરી સહેતુક પેલા રહસ્યમય અજનબીની બાજુમાં ગોઠવાઈધીમેથી પૂછ્યુંઃ

આપનું નામ જણાવશો?”

 તમારે શું કામ છે મારું નામનું?

“અમસ્તા જ. તમે અમારા સહ પ્રવાસી છો તેથી.”

“તમે તમારે ગાયા કરો અને નાચ્યા કરો મને હેરાન ના કરો

માફ કરજો, અમારા ગાવા નાચવાથી તમને તકલીફ પડતી હોય તો.”

મેં એમ ક્યાં કહ્યું”.

“ખેર–અમે હવે ગાશું નહી અને નાચીશું પણ નહિ. તમે કાંઇ ભાગ ન લો. સૂનમૂન બેસી રહો—વાતચીત ન કરો તો અમે કેવી રીતે આનંદ માણી શકીએ?”

“……ઓકે.”

“પહેલાં, આપનું નામ જણાવશો?”

“વાંગ્યા.”

“ક્યાં જશો?”

“બર્કલી કે પછી તેથી આગળ”

પત્ની બાળકો છે?

“છે અને નથી

એમ તે હોય?  તમે અમારા પ્રશ્નોના ઉડાઉ ઉત્તરો આપો છો?”

એમ નથી, હું સાચું જ કહું છું. આજથી ત્રણ વર્ષ પહેલાં, હું દુશ્મનોના હાથમાં યુદ્ધકેદી તરીકે પકડાઈ ગયો હતો. તમે તો જાણો છો કે યુદ્ધ કેદીઓની મુક્તિ લગભગ અશક્ય છે. અને તેમના પર થતાં અત્યાચારોની તો વાત જ શી કરવી? આજથી બાર મહિના પહેલાં મેં મારી પત્નીને પત્ર લખી સલાહ આપી હતી કે મારી છૂટવાની કોઈ શક્યતા નથી. તું બીજું લગ્ન કરી સુખી થજે. આપણા ત્રણ બાળકોને પણ સહારાની જરૂર છે. માટે તું મારી વાટ ન જોતી. હું તને સુખી જોવા ઈચ્છું છું. પણ ગયા મહિને જાણવા મળ્યું કે મને મુક્તિ મળવાની છે.જાણીને મને કોઈ આનંદ ન થયો. હવે કોના માટે જગતમાં પાછું ફરવાનું? છતાં ગયા અઠવાડિયા પર પત્ર લખ્યો છે કે જો કોઈ કારણસર તેણે બીજું લગ્ન ન કર્યું હોય તો આજના દિવસે બર્કલી ગામની ભાગોળે જ્યાં ઑક નામનું વૃક્ષ ઊભું છે અને જ્યાં બસ સ્ટેન્ડ પણ છે તેની ડાળી ઉપર એક સફેદ રૂમાલ લહેરાવજે. આ રૂમાલ હું જોઈશ. આ રૂમાલ હું જોઈશ કે મને પ્રતીતિ થશે કે તું મારી રાહ જુએ છે અને સફેદ રૂમાલ નહીં જોઉં તો આ બસમાં જ હું આગળ ચાલ્યો જઈશ — ક્યાંતેની મને ખબર નથી. જેમ જેમ બસ રસ્તો કાપે છે, તેમ તેમ હૈયું કંપે છે. ઑક વૃક્ષની ડાળી પર રૂમાલ નહિ હોય તો મારું શું થશે? હવે મારું કોણ? હું ક્યાં જઈશ?

“ઓહ.. વાંગ્યા- વહાલા – વાંગ્યા – તું અમારી સાથે ગીત અને નૃત્યમાં સામેલ થા. અમારા સૌની શુભેચ્છા છે — તારી પત્ની અને તારાં બાળકો તારી રાહ જોતા બર્કલી ગામની ભાગોળે જરૂર ઊભા હશે.”

મેન્ડોલિનના તારો ફરી ઝણઝણ્યા- આશાની ચિનગારી પ્રગટે તેવી તર્જ વાગવા લાગી. સહુએ પરાણે વાંગ્યાને નૃત્યમાં લીધો. વાંગ્યાની બંને આંખો આ તરુણ–તરૂણીના નિસ્વાર્થ પ્રેમથી છલકાઇ ગઇ. ગીતમાં ઈશ્વરને પ્રાર્થના હતી કે, “હે! કરુણાવાન ઈશ્વર! તું કદી કોઈનું બુરું કરતો નથી! માટે વાંગ્યા નિરાશ નહીં થાય. તેના માળામાં સૌ પંખીઓ તેનો સત્કાર કરશે જ – હે પરમપિતા! તારી કરુણા વરસાવ.”

બસ ઝડપથી બર્કલીની દિશા તરફ ધસી રહી હતી. માત્ર ૨૫ કિલોમીટર, હવે પંદર, દસ, આઠ, છ, પાંચ, ત્રણ, બે, હવે એક જ કિલોમીટર અને વાંગ્યાના ભાગ્યનો નિર્ણય– દૂરથી ઑક વૃક્ષ દેખાતું હતું. ગામના નાગરિકોની ભીડ જેવું દેખાતું હતુ. વૃક્ષની ડાળીએ ડાળીએ પ્રેમના વિજય સમા ધ્વજ ફરકતા હોય તેમ સફેદ રૂમાલો દેખાતા હતા. વાંગ્યા માની ન શક્યો. તેની પત્ની– અકાળે વૃદ્ધત્વ પામેલી – પતિ વિયોગમાં ઝૂરતી વાંગ્યાની પત્ની અને બાળકો વાંગ્યાને વીંટાઈ વળ્યા. અને ગામની પ્રજાએ સ્વાગત ગીતથી વાંગ્યાનો સત્કાર કર્યો. ત્યારે પેલા પંદર તરુણ-તરુણીઓની આંખો ભીની હતી અને મોં પર સંતોષ અને મહા આનંદનું સ્મિત હતું.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: