એક ભાઈએ એક વાર કોઈક સંતને એવો પ્રશ્ન પૂછળ્યો કે, ‘આ જગતમાં બધા જ માણસો યોગી થઈ જાય કે આધ્યાત્મિક થઈ જાય તો પછી આ સંસાર ચાલે કેવી રીતે?’ એમનો તર્ક કદાચ એમની દૃષ્ટિએ સાચો હશે. પરંતુ સંતનો જવાબ ઘડીભર વિચારતા કરી દે તેવો હતો. સંતે કહ્યું, ‘એવું થાય તો આ સંસાર અત્યારે ચાલે છે એ કરતાં વધુ સારી રીતે ચાલે!’
એ ભાઈને સંતની વાત ગળે ઊતરી નહિ, કારણ કે એમની નજરમાં સંસાર અને યોગ, સંસાર અને અધ્યાત્મ તથા સંસાર અને સંતત્વ વચ્ચે વિરોધ જ હતો. જ્યારે સંતની નજરમાં એવો વિરોધ નહોતો. એમની દૃષ્ટિએ યોગ અને અધ્યાત્મ જીવનશૈલી હતી. જીવનને અને જગતને એના સાચા પરિપ્રેક્ષ્યમાં સમજવું અને પામવું એનું નામ જ અધ્યાત્મ એવી વાત સાચી હોવાથી જ ઝટ ગળે ઊતરતી નથી. અધ્યાત્મને ધર્મ અને સંપ્રદાય સાથે બાંધી લેવામાં જ પાયાની ભૂલ થઈ છે. એથી જ ચાર્લ્સ કોલ્ટનના શબ્દોમાં કહીએ તો માણસજાત ધર્મ માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, ઝઘડશે, લખશે, મરશે અને કંઈ પણ કરવા તત્પર થશે, પરંતુ ધર્મ માટે જીવશે નહિ. એક વાર ધર્મ ભીતર પ્રગટ થાય એ પછી બધા જ સવાલો ખરી પડે છે. એ જ ધર્મનો ઉત્તર છે.
અધ્યાત્મનો મર્મ એમાં ડૂબકી લગાવ્યા વિના પામી શકાતો નથી. દરિયાના કિનારા પર સદીઓ સુધી બેસી રહ્યા પછી પણ દરિયાના ઘુઘવાટનો કે એનાં ઊંડાણનો સચોટ પરિચય મળતો નથી. દરિયામાં ઊતરે અને એના તળ તરફ ગતિ કરે એને જ દરિયો ઓળખાય છે. એટલે જ ધર્મને કે અધ્યાત્મને અનુભૂતિ સાથે સીધો સંબંધ છે. અનુભૂતિમાં જે જ્ઞાન છે એ પુસ્તકો, શાસ્ત્રો કે પ્રવચનોમાં નથી. એ તો બધી દીવાદાંડીઓ છે અને દીવાદાંડીઓ દરિયો નથી.
‘શિખરયાત્રા’ એ કોઈ શાસ્ત્રની વાતો નથી. એ એક વિશાળ આકાશી દરિયાની યાત્રા છે. વચ્ચે વચ્ચે દીવાદાંડીઓ આવતી હોવા છતાં દિશા તો અનુભૂતિની જ છે. અનુભૂતિની વિશેષતા એ છે કે એને કદી ‘સાચી’ કે ‘ખોટી’નું લેબલ લગાડાતું નથી. અનુભૂતિ કેવળ અનુભૂતિ જ હોય છે. ક્યારેક અનુભૂતિના દરિયામાં ખાબકવા માટે અનેક નિમિત્તો મળતાં હોવા છતાં આપણે તે ચૂકી જઈએ છીએ, કયારેક કોઈક એકાદ નિમિત્ત પણ પૂરતું થઈ પડે છે. શારીરિક બીમારી, સાંસારિક સંબંધો, વ્યાવસાયિક આંતરક્રિયાઓ, પુસ્તકો અને અનાયાસ થયેલા સંતસમાગમનાં અનેક નિમિત્તો આ યાત્રાના પાયામાં છે.
આધ્યાત્મિકતાના દરિયામાં ડૂબકી મારવાનું સાહસ કર્યા પછી જે કેટલીક વાતો સમજાઈ છે તે કહેવી જ જોઈએ. સૌથી પહેલી એ વાત સમજાઈ છે કે સુખદુઃખ, સમજદારી, સંતોષ, સત્ય, સાર્થકતા કે જેને આપણે ઈશ્વર યા પરમ તત્ત્વ કહીએ એ બધું જ શોધવા કયાંય જવાની જરૂર નથી, માત્ર ભીતર ઊતરતાં જ વારાફરતી એક એક દ્વાર ખૂલે છે. બીજી વાત એ સમજાઈ છે કે આપણે જે છીએ તેની ઓળખમાં જ બધું સમાઈ જાય છે. મુશ્કેલી એ છે કે આપણે જે છીએ એથી બીજું કશુંક બનવાની મથામણમાં જ સમય અને શક્તિ વેડફી દઈએ છીએ.
રવીન્દ્રનાથ ટાગોર એક કવિતામાં કહે છે તેમ પંખી વાદળમાં ઊડે છે ત્યારે એ વાદળ બનવા ઝંખે છે અને પંખીને પોતાની આરપાર ઊડતું જોઈને વાદળ પંખી બનવા ઇચ્છે છે. પરિણામે બન્ને પોતાના અસ્તિત્વના મહિમાથી વંચિત રહી જાય છે. ઓશો રજનીશ પણ કહે છે કે કમળનું ફૂલ ગુલાબ બનવાની મથામણ કરે છે ત્યારે એ ગુલાબ તો નથી જ બનતું, પરંતુ કમળ હોવાનો આનંદ અને એનું ગૌરવ પણ ખોઈ બેસે છે, આધ્યાત્મિકતા આપણે જે છીએ તે જ બનવાની શાળા છે. ત્રીજી વાત એ સમજાઈ છે કે આ સૃષ્ટિ સ્વયં એક ચમત્કાર છે. એનાથી મોટો કોઈ ચમત્કાર કરવાની ઘેલછા બાલિશ છે, એ ચમત્કારને માણવામાં જ નરી સાર્થકતા છે.
ઓશો રજનીશે કહ્યું છે કે જીવનનો સાગર તરવાની મથામણ કરીને થાકી જવાનો અર્થ નથી. એને બદલે પ્રવાહની સાથે વહેવામાં જ મજા છે. ‘શિખરયાત્રા’ એ વહેવાની યાત્રા છે.
આમ તો આ યાત્રા એકલાએ જ કરવાની હોય છે અને એમાં દરેક વ્યક્તિનો માર્ગ અલગ અને વિશિષ્ટ હોય છે. છતાં ઘણી વાર માર્ગ પર કોઈક સાથી મળી જાય છે. આવી એક સાથી મારી પત્ની અને સખી સ્મિતા (શીતલ) છે. એણે મારી યાત્રાને સાર્થક અને સંતોષપ્રદ બનાવી રાખવામાં અનન્ય ફાળો આપ્યો છે. કદાચ એ સૌથી મોટું નિમિત્ત છે. અનેક મિત્રો આ ક્ષણે યાદ આવે છે. ‘સમભાવ’માં નિયમિત કટારરૂપે આ લેખો પ્રસિધ્ધ થતા હતા ત્યારે કવિમિત્ર ધૂની માંડલિયાના નિયમિત પ્રતિભાવો પ્રોત્સાહિત કરતા હતા. મુરબ્બી મિત્રો દિલીપ રાણપુરા અને રાધેશ્યામ શર્મા પણ અવારનવાર પીઠ થાબડતા હતા. આ સિવાય અનેક વાચકોએ પત્રો દ્વારા અને ફોન દ્વારા પોતાની લાગણીઓ વ્યકત કરી છે. એ સૌને સ્મરું છું.
આ પુસ્તકની પ્રસ્તાવના લખવા મિત્ર શ્રી રણછોડભાઈ પંચાલ ‘દેવહુમા’ને આગ્રહ કર્યો ત્યારે એમણે ખચકાટ સાથે એનો સ્વીકાર કર્યો હતો. ‘દેવહુમા’ને મેં હંમેશાં એક પરમહંસ સ્વરૂપે જોયા છે. બહુ ઓછા માણસો જીવનને જાણવા મળે છે. ‘દેવહુમા’ એમાં એક છે. એમની પ્રસ્તાવના પુસ્તકનો એક ભાગ જ નહિ, પુસ્તકનું આભૂષણ બની છે એ મારા માટે ગૌરવનું નિમિત્ત છે.
અધ્યાત્મથી દૂર છતાં નજીક એવા મારા વડીલ બંધુ અને પિતાતુલ્ય ભૂપેન્દ્રભાઈ ત્રિવેદી અને મારાં સંતાનો ચિ. ઋત્વિક તથા ચિ. ૠચાનો પણ વિશિષ્ટ ફાળો છે. મારા શ્વશુર અને પ્રાધ્યાપક સ્વ. વિ. કે. શાહ તથા મારાં સ્વ. માતુશ્રી શારદાબહેન ત્રિવેદી ‘શિખરયાત્રા’ના સમગ્ર માહોલમાં રમમાણ છે.
પુસ્તક પ્રકાશનમાં હંમેશાં ઉત્સાહ ને પ્રેરણાનો સ્રોત બનનાર ‘નવભારત સાહિત્ય મંદિર’ના સંચાલક મહેન્દ્રભાઈ શાહ અને ભાવવાહી મુખપૃષ્ઠના સર્જક તથા મારા મુરબ્બી મિત્ર અને મને સતત લખતા રહેવાનો આગ્રહ સેવનાર રજનીભાઈ વ્યાસ પ્રત્યે હું અનુગૃહીત છું.
– દિવ્યેશ ત્રિવેદી