મનોવિજ્ઞાન સાથેનો સંબંધ ગાઢ બનતો ગયો તેમ તેમ લાગવા માંડ્યું કે આ વિષયને તમામ પ્રકારના માણસો સાથે સીધો સંબંધ હોવા છતાં એને શાસ્ત્રીયતાના કોશેટોમાં પૂરી રાખવામાં આવ્યું છે. ડૉ. રાધાકૃષ્ણન કહેતા હતા કે દરેક માણસ મૂળભૂત તત્ત્વજ્ઞાની છે. એ જ રીતે દરેક માણસ મૂળભૂત રીતે મનોવિજ્ઞાનનો જાણકાર છે. મનોવિજ્ઞાનીઓએ સામાન્ય જનના મનોવિજ્ઞાનને ‘લે મેન્સ સાઈકોલોજી‘ નામ આપ્યું છે. પરંતુ ત્યાં પણ સાઈકોલોજી તો છે જ. પત્રકારત્વ વ્યવસાય હોવાથી રોજબરોજ ચિત્રવિચિત્ર ઘટનાઓ નજર સામે આવે એ સ્વાભાવિક છે. કયારેક નવરાશે આવી ઘટનાઓ પાછળનું ચાલક બળ બનતા માનવવર્તન અને માનવસ્વભાવ વિષે વિચારવાનો યોગ સર્જાતો. પરંતુ ‘સમાંતર પ્રવાહ‘ના તંત્રી અને સહ્રદયી મિત્ર કેતન સંઘવી તથા અત્યંત સંવેદનશીલ પત્રકાર-મિત્ર નિખિલ મહેતાએ કંઈક નિયમિત લખવાનો આગ્રહ કર્યો. મનોવિજ્ઞાનને સાંકળીને જ કંઈક લખવાની નિખિલભાઈની વાત ગમી ગઈ અને માનસ ‘કટાર’ શરૂ થઈ. ‘સમાંતર’ અને ‘સમભાવ‘માં એકસાથે પ્રગટ થતી આ કટારને ઘણા વાચકોએ બિરદાવી. શરૂઆતમાં એમ લાગતું હતું કે દર સપ્તાહે આ માટેના વિષયો કયાંથી મળશે? પરંતુ માનવીના મન અને વર્તનને છેડો નથી અને એથી આ કટારના વિષયોનો પણ છેડો નથી જ આવવાનો.

‘માનસ’માં સાચા અર્થમાં કાર્ડિયોગ્રામની માફક સાઈકોગ્રાફનું ચિત્રણ કરવાનો પ્રયાસ કર્યો છે. ઘણી બધી સામાન્ય લાગતી કે કયારેક આશ્ચર્ય યા રોમાંચ જગાવી જતી ઘટનાઓ થોડી વારમાં ભૂલાઇ જતી હોય છે. આવી ઘટનાઓની આંગળી પકડીને મનોવૈજ્ઞાનિક તથ્યોને સમજવા-સમજાવવાની સતત કોશિશ કરી છે. એથી જ આ સંગ્રહને ‘મનોવૈજ્ઞાનિક નિબંધો‘ કહેવાનું મન થાય છે. મનોવિજ્ઞાનની શાસ્ત્રીયતામાં બહુ ઊંડા ઊતરવાને બદલે માનવ-મન અને માનવ-સ્વભાવની આંટીઘૂંટીઓના અર્થબોધનો વિશેષ પ્રયત્ન કર્યો છે. છતાં ઘણે ઠેકાણે થોડી શાસ્ત્રીયતામાં ઊતરી જવાયું છે.
પત્રકારત્વની સાથે સાથે કલબો, ઔદ્યોગિક ગૃહો, શૈક્ષણિક સંસ્થાઓ વગેરેમાં તાલીમી કાર્યક્રમો દરમિયાન આવા ઘણા કિસ્સાઓની મનોજ્ઞાનિક છણાવટ કરવાનું બન્યું છે. એ વખતે પણ થતું હતું કે આવા વિષયોની સરળ રીતે છણાવટ કરવામાં આવે તો માનવ મનના જટિલ વ્યાપારોને સરળતાથી સમજી અને સમજાવી શકાય. આ લખતાં લખતાં એવું પણ લાગ્યું છે કે પાઠ્યપુસ્તકોમાં આવતી અતિશય શાસ્ત્રીયતા અને પારિભાષિક શબ્દોની ભરમાર મનોવિજ્ઞાન જેવા રસપ્રદ વિષયને પણ કયારેક કંટાળાજનક બનાવી દેતી હોય છે. વિદ્યાર્થીઓને ભણાવવા માટે લોકભોગ્ય અને વ્યવહારુ ઉદાહરણો સમેત સરળ છણાવટ થવી જોઈએ. પરમ મિત્ર અને મનોવિજ્ઞાનના પ્રખર અભ્યાસી પરેશ પંડ્યા વખતોવખત પાઠ્યપુસ્તકોના મનોવિજ્ઞાન પ્રત્યે બળાપો કાઢે છે. ‘સાઈકોગ્રાફ‘ના નિબંધો પરત્વે એમણે સંતોષ વ્યકત કર્યો એને હું મારા પ્રવાસની સાર્થકતા ગણું છું.
આ સંગ્રહના અનેક વિષયોની શાસ્ત્રીય છાણાવટ કરવામાં મનોવિજ્ઞાનનાં પ્રાધ્યાપિકા અને મારાં પત્ની ડૉ. સ્મિતા ત્રિવેદી સહભાગી બન્યાં છે એનું મને ગૌરવ છે. મનોવિજ્ઞાનની એમની ઊંડી વિષય-સૂઝને લઈને મનોવિજ્ઞાન પ્રત્યેનો મારો અનુબંધ વધુ મજબૂત બન્યો છે એ મારે કબૂલવું જોઈએ, વળી આ સંગ્રહ પ્રસિદ્ધ થાય છે ત્યારે મને મનોવિજ્ઞાનની દીક્ષા આપનાર મારા સ્વર્ગસ્થ પ્રાધ્યાપક (અને પાછળથી મારા શ્વસુર) વિ. કે. શાહસાહેબ સાથેના ઋણાનુબંધને ભૂલી જ શકાય નહિ, તેઓ હયાત હોત તો એમનો વધુ લાભ મળ્યો જ હોત. એમને કેવો આનંદ થયો હોત એની કલ્પનામાત્ર હર્ષનાં આંસુ લાવી દે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિની કેળવણી ગળથૂથીમાંથી આપનાર મારાં સ્વ. માતુશ્રી શારદાબહેન (સૌનાં મોટીબહેન) પચીસ વર્ષ પછીયે જાણે અહીં જ ક્યાંક ઊભાં રહીને પ્રેરણા આપતાં હોય એવું સતત અનુભવાય છે. પિતાતુલ્ય મોટાભાઇ ભૂપેન્દ્રભાઈનાં પ્રેરણા અને પ્રોત્સાહન અદ્વિતીય રહ્યાં છે. મારાં પ્રેમાળ સંતાનો ચિ. ઋત્વિક અને ચિ. ઋચા મારી આશાઓને જીવંત રાખી રહ્યાં છે. એમની સાથેની પ્રત્યેક આંતરક્રિયા મારા ચિત્તને સમૃદ્ધિ બક્ષે છે.
મને સતત લખતા રહેવાની પ્રેરણા આપનાર મુરબ્બી મિત્રો રજનીભાઇ વ્યાસ, અશ્વિની ભટ્ટ અને મુકુંદભાઈ શાહનું સ્મરણ કર્યા વિના રહેવાય જ નહિ. રજનીભાઈએ સુંદર મુખપૃષ્ઠ ઉપરાંત આ પુસ્તક વિષે ખૂબ ઓછા શબ્દોમાં ઘણું વધારે કહ્યું છે એય એમના મારા પ્રત્યેના સ્નેહ અને અનુરાગનું જ પ્રતીક છે. આ પુસ્તક અસાધારણ ઝડપે પ્રગટ કરવાનો ‘નવભારત સાહિત્ય મંદિર’ના શ્રી મહેન્દ્રભાઈનો આગ્રહ આ પ્રકાશનના કેન્દ્રમાં છે. એમની એકનિષ્ઠા હંમેશ પ્રેરણાદાયી રહી છે.
– દિવ્યેશ ત્રિવેદી
Credits to Image: