પ્રાસ્તાવિક – શિખરયાત્રા – જીવનના દર્શનનો વિચારયજ્ઞ

‘આકાશ માત્ર જ્ઞાની જ નથી. એ મહાજ્ઞાની છે, એની પાસે બેસીને ગોઠડી માંડવી પડે. આકાશ સાથે વાત કરવી હોય અને આકાશ સાથે સંબંધ જોડવો હોય તો આપણે પણ આકાશ જેવા જ થઈ જવું પડે. એથી જ કહેવાય છે કે જે સર્વજ્ઞ બને છે એ આકાશ જેવો બની જાય છે. સર્વજ્ઞ આકાશ સાથે એકાકાર થઈ જાય છે અને આકાશનો જ પર્યાય બની જાય છે. આકાશ સાથે નાતો જોડીને એકાકાર થવા માટે આકાશ જેવા ખાલી થઈ જવું પડે. ઇચ્છાઓ, આકાંક્ષાઓ, વાસનાઓ, અહંકાર, લોભ, મોહ, ક્રોધ, એષણાઓ અને ગ્રહો-પૂર્વગ્રહો વગેરે બધું જ વરાળ બનીને ઊડી જાય ત્યારે જ આકાશ જેવા ખાલી થઈ શકાય. આકાશ એ શૂન્યતા છે અને આકાશ સાથે આત્મીયતા કેળવવા માટે શુન્ય જ થવું પડે. શૂન્ય પૂર્ણનો જ પર્યાય છે. જે શુન્ય થઈ શકે છે એ પૂર્ણ થઈ શકે છે. પૂર્ણતા પ્રાપ્ત કર્યા પછી આકાશ દૂર નથી રહેતું. ભીતરનું અને બહારનું આકાશ એક થઇ જાય છે.”

ઉપનિષદકાળના ઋષિની વાણી હંમેશાં आत्मनः कला- કવિતા- બની રહેતી, સૂકતરૂપે પ્રગટ થતી રહેતી. એ વાણીનાં છંદોગાન હંમેશાં પરાત્પરનો મહિમા ગાતા અવકાશને સંભળાવતાં રહ્યા છે. પ્રકૃતિ ને માનવનાં સખ્યોએ આજ સુધીના વિશ્વને મુખરિત કર્યું છે. વેદો-પુરાણો જ નહિ બલ્કે મનુષ્યના આદિ ઉષ:કાળનું મૌગ્ધ્ય જ સર્વોપરી રહીને પરમને પામવાના જે સંકેત આપતું રહ્યું છે, તે જ મનુષ્યને જિવાડતું રહ્યું છે. આ જ મૌગ્ધ્ય જીવનને ઊર્ધ્વગામી કરતું રહ્યું છે. મહાભાગ્ય પરાત્પરને પામવાની માનવઝંખના, એને સાક્ષાત્ કરવાની મથામણ, એમાં ઓગળી જઈને નિ:શબ્દ થઈ જવાની ખેવનાએ જ માણસને ‘તત્વમસિ’ બોલતાં બોલતાં ‘અહં બ્રહ્માસ્મિ’ બોલતો કર્યા છે. મિથ્યાત્વનાં સર્વ નિષેધક પરિબળોથી દૂર જતાં જતાં પરમની દિશા તરફ વળ્યો છે.

માનવબુદ્ધિ જ્યાં સુધી બૌદ્ધિક શુષ્કતામાં સ્થિર હોય છે ત્યાં સુધી કાર્ય-કારણની વૈજ્ઞાનિકતાને સ્વીકારે છે પણ બુદ્ધિ જ્યારે ઊર્ધ્વ આવિષ્કાર પ્રગટ કરવા માંડે છે ત્યારે તે પ્રજ્ઞાનું રૂપ ધારણ કરે છે. એ પ્રજ્ઞા પછી ભૌતિકતાના ઇલેક્ટ્રૉન-પ્રોટોનને શોધવાનું પડતું મૂકે છે. પ્રજ્ઞા ભીતર ઊતરે છે ત્યારે માણસને હંમેશાં પ્રકાશ લાધ્યો છે. એ પ્રકાશને પામેલી ને પારખતી પ્રજ્ઞા વાણીમાં ઢળે છે ત્યારે જીવન પેલી પારનાં સત્ત્વો- સત્યોની વાત માંડે છે. પ્રજ્ઞાની સમગ્ર મથામણ, એનું સમગ્ર વલોવણ શબ્દોના જે અર્થ કરે છે એ જ જીવનના માર્ગ પ્રશસ્ત કરે છે. એવી જીવનયાત્રા પછી ઊર્ધ્વયાત્રા જ બની રહે છે.

અબ્રાહમ લિંકન કહેતા: “માણસ જમીન કે પૃથ્વી જોઈને ઈશ્વરનો ઇન્કાર કરે પણ આકાશ જોઈને ઈશ્વરમાં ન માને તો હું એને મૂરખ જ ગણું. ‘આકાશ વિષેનો ઉપર્યુક્ત ગદ્યખંડ અધ્યાત્મકાવ્યના ઉદાહરણ સમો છે. આકાશને જોઈને એમાં જ ઈશ્વર જોયાની, ખાલી થનાર પૂર્ણ બને છે તેની વાત આલેખાઈ છે. આ દિવ્યેશભાઈ રચિત અધ્યાત્મકાવ્ય છે. ‘પૂર્ણતા પ્રાપ્ત કર્યા પછી આકાશ દૂર નથી રહેતું’ એનો ધ્વનિ શો? ખલિલ જિબ્રાન સ્વતંત્ર થઈ જવું હોય ત્યારે કહેતા: ચાલો, ધુમ્મસ થઈ જઈએ, દિવ્યેશભાઈ કહે છે– પૂર્ણ થવું હોય તો ચાલો આકાશ થઈ જઈએ.

એલ.ડી. આર્ટ્સ કૉલેજમાં ઇન્ટર આર્ટ્સમાં (હાલનું સેકન્ડ યર) હતો ત્યારે અંગ્રેજીના પ્રખર વિદ્વાન પ્રાધ્યાપક એચ.ડી. ત્રિવેદી હંમેશાં કહેતા: “એસ્કેપિઝમ ફ્રોમ લાઇફ નહીં”, “એસ્કેપિઝમ ઇનટુ લાઇફ” કેળવજો. ‘અધ્યાત્મનું સમગ્ર ભાવવિશ્વ પહેલી નજરે જીવનથી ભાગેડુ વૃત્તિ લાગે, (અશક્તિમાન ભવેત્ સાધુ) પણ ‘માંહી પડ્યા એ મહાસુખ માણે’ એ તો એ વિશ્વમાં રમમાણ થનારો જ સમજી શકે છે. ખરેખર તો અધ્યાત્મનું ભાવવિશ્વ ‘જીવન’માં ભરપૂર એસ્કેપિઝમ છે. અસ્તિત્વ જ્યારે આ એસ્કેપિઝમમાં ઓગળીને જ ખરેખરા ‘જીવન’ના સ્વરૂપે પ્રગટે છે. ખુદનો પાર પામનાર ખુદને પામે છે. માનવની આ જ શિખરયાત્રા છે. એ શિખરયાત્રાના યાત્રી દિવ્યેશભાઈ એ યાત્રા માટે ભરપૂર ભાથું બંધાવે છે.

જીવનની શિખરયાત્રાના આ ચાળીસ માઈલસ્ટોન આપણી પ્રાશ્નિક દશાના આરંભથી શૂન્યત્વ, પૂર્ણત્વની યાત્રા તરફનો દિશાનિર્દેશ કરે છે. અહીં સૂક્તોની ભરપૂર વાણી રેલાઈ છે. અહીં આસ્તિકતાનાં સત્ત્વો વિચારની ઊંચી પરિસીમા પરથી પોતાના સામર્થ્યની વાત કરે છે. લેખક નાનકડી કોઈ વાત, કોઈ ઘટના, કોઈ ઉદાહરણ કે પ્રસંગને લઈને કથન આરંભે છે. પછી વિચારસત્ત્વને ઘૂંટતા વિષયલક્ષી સાતત્યની સાથે સાથે સભર થતા જાય છે. જીવનની કટુતાઓ, જીવનના નિષેધોને પણ વૈધાનિક સ્વરૂપે રજૂ કરવાનું લેખકનું કૌશલ સર્વત્ર પથરાયું છે.

બૌદ્ધિક સર્જકતાના ઉન્નત અને અનન્ય આયામો પ્રગટ કરતી દિવ્યેશભાઈની ‘નંદનવન‘ કૉલમ ‘લોકસત્તા-જનસત્તા’માં ચાલતી હતી ત્યારે મેં તેમની એ કૉલમ વિષ લખેલું કે સામાન્ય કે બુદ્ધિશાળી સર્જકના વિચાર જ્યાં અટકે છે ત્યાંથી દિવ્યેશભાઈના વિચારો આગળ ચાલે છે. હવે ‘શિખરયાત્રા’ના યાત્રી દિવ્યેશભાઈને બૌદ્ધિક નહિ પણ પ્રાજ્ઞ વ્યાયામ બહુ દ્રઢતાથી આદરતા જોયા ને સુખદ આશ્ચર્ય લાગ્યું કે તેઓ બદલાઈ ગયા છે. અને એમનો બદલાવ હૃદયને ગમ્યો. એમના વ્યક્તિત્વની ઘણી ઝલકો હું જોતો આવ્યો છું. એમના સર્જન ઉન્મેષના પ્રવાહોને જ્યારે પણ તક મળી ત્યારે માણ્યા છે ને નાણ્યા પણ છે. ગઝલકાર, કવિ, વાર્તાકાર, પત્રકાર, લેખક, નવલકથાકાર એમ અનેક સ્વરૂપે એમની બહુવિધ શક્તિઓને અહોભાવથી જોતો આવ્યો છું. હવે પરાત્પરના દ્રઢમૂલ ઉપાસક તરીકેનું એમનું બદલાયેલું રૂપ મનભાવન લાગ્યું, ઉદાત્ત અને સમર્થ વિચારક તરીકેનું એમનું આ વ્યક્તિત્વ મારા અંત:કરણને પ્રેમાદ્ધ રીતે ભીંજવી ગયું.

ચાળીસ લેખોના વિષયો છે- શ્રદ્ધા, પ્રાર્થના, વિશ્વાસ, ભક્તિ, સાક્ષિત્વ, કર્તા, નિયતિ, ચૈતન્ય, અસ્તિત્વ, ધર્મ, નીતિ, પ્રશ્ન-પ્રાશ્નિક, માહિતી-જ્ઞાન, સ્વધર્મ, શૂન્યત્વ-પૂર્ણત્વ. લેખક મનોવિજ્ઞાન, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ધર્મ ને તત્વજ્ઞાનના ઊંડા જ્ઞાતા ને અભ્યાસી છે. ‘ટાઇમ મેનેજમેન્ટ’, ‘સાઇકોગ્રાફ અને સેલ્ફ મૅનેજમેન્ટ’ જેવા વિષયો પર અધિકૃત પુસ્તકો લખનારા દિવ્યેશભાઈ શિખરયાત્રા આરંભે એ કેટલી સુખદ ઘટના ગણાય? શ્રદ્ધા, પરમેશ્વર, સત્ય જેવા વિષયો પરનું એમનું ભાષ્ય, સંહિતાત્મક એમનાં આ લખાણો કશીક અનન્ય ઉપલબ્ધિ કરાવી જાય છે. કેટલાંક સૂક્તિવચનો જોઈએઃ

 • મનુષ્યનો સ્વીકાર તેની અદ્વિતીયતા, વિશેષતામાં જ છે.
 • જીવનનું કોઈ પ્રયોજન જ ન હોય, એ જ જીવનનું પ્રયોજન.
 • જે સાક્ષીને પામ્યો તે પરમાત્માને પામ્યો!  
 • ધર્મ વ્યક્તિનું શુદ્ધ સ્વરૂપ છે અને સ્વભાવ છે.
 • અહંકાર વિલીન થાય ત્યારે જ અહંકારનું પ્રત્યક્ષીકરણ થાય.
 • શ્રદ્ધા તપીને નીખરેલું સોનું છે.
 • સત્ય વિષે જાણવું અને સત્યને જાણવું એ બંને એક નથી.
 • પ્રેમ અને પ્રાર્થનામાં તો એક ને એક એક જ થાય છે અને ક્યારેક તો શૂન્ય પણ થાય છે.
 • જે વ્યક્તિ સાચા અર્થમાં ધાર્મિક છે તે પોતાને કર્તા માનવાને બદલે નિમિત્ત માને છે.
 • શૂન્યતા હોવી તે સિદ્ધત્વ નથી. શૂન્યતા પ્રાપ્ત કરવી એ જ સિદ્ધત્વ છે.
 • ઈશ્વર અથવા પરમાત્મા તો માત્ર શબ્દ છે. શબ્દ જ્યારે ભાવ બની જાય છે ત્યારે એ અસ્તિત્વની પરમ ક્ષણ બની જાય છે.
 • ક્ષણને સમયસર પકડી લેનાર દુર્ભાગ્યને સૌભાગ્યમાં પલટી શકે છે અને એ જ ક્ષણને ચૂકી જનાર સૌભાગ્યને પણ દુર્ભાગ્યમાં પલટી નાખે છે!
 • જીવન અને જગત તમસ્ અને રજસ્ વચ્ચે સત્ત્વનું સંતુલન સાધવાની એક સાધના છે. જેણે સત્ત્વને સાધી લીધું એને માટે કોઈ ઈશ્વર નથી કે કોઈ શેતાન નથી.
 • બહારથી આવે છે તે માહિતી છે. ભીતરથી આવે તે જ્ઞાન છે. એથી જ માહિતી પણ વાર છેતરી જાય છે પરંતુ જ્ઞાન કદી છેતરતું નથી.
 • શરીરને શાસ્ત્રો સાથે લેવાદેવા નથી, મનને જ એ બધી ભાંજગડ છે.
 • ધર્મ પ્રત્યાઘાતની નહિ, આઘાતની ખોજ છે. તોડવાથી તો ક્ષુદ્ર જ મળે, જોડવાથી જ વિરાટ મળે.

આ તો માત્ર તેમની સર્જક ઊર્જાનાં થોડાં સ્ફૂર્લિંગો છે, બાકી તો દરેક લેખ અનુભૂતિની ઉત્તમ ક્ષણોની પર્યાપ્તતા બની રહે છે. સત્ત્વશુદ્ધિ, હૃદયશુચિતા અને અંતરારત જ આ પ્રકારના વૈચારિક ચિંતનની સામર્થ્યસભરતા રેલાવી શકે. દિવ્યેશભાઈની કલમ આ ત્રિવેણી ધોધમાર વહાવે છે. એમની લખતી વખતની સાવધતા પણ નૂતન આવિષ્કારલક્ષી રહે છે. આ વિચારયજ્ઞમાં જીવનનું અખિલ દર્શન તેના તર્કશુદ્ધ અને પ્રજ્ઞા પરિસીમાએ તલાવગાહી રહે છે. એમનો વાચનનિધિવ્યાસ લાઘવમાં સર્વગ્રાહી રીતે શબ્દાકાર પામે છે. બધા જ લેખોમાં સમજપૂર્વકની સમતુલા, તેની પ્રસ્તુતિ ને વિષયલક્ષી સાંદર્ભિકતા પણ લેખની સબળતા પુરવાર કરે છે. આ સઘળું મંથન એમનું ખુદનું બની રહે છે. પ્રસંગવિશેષ કે સ્થળવિશેષમાંથી તારવેલું જીવનલક્ષી દોહન મનનો જમણવાર બની રહે છે. દિવ્યેશભાઈ મિતભાષી ને મિષ્ટભાષી છે તેવા જ મિતકલમી પણ છે. ગતાનુગતિક કે પારંપારિક નહિ પણ નવી જ કેડી કંડારનારા છે. એમની વિદ્વત્તા પણ વજનદાર વિચારોવાળી હોવા છતાં વજનદાર નથી લાગતી. ગ્રંથમાંના ‘સાક્ષિત્વ એ જ પરમતત્ત્વ’ લેખ વિષે જણાવું તો સાક્ષિત્વની ભૂમિકાનું આટલું સૂક્ષ્મ વૈચારિક નકશીકામ દિવ્યેશભાઈ જ કરી શકે, – અધિકૃત રીતે. લેખનું પ્રસ્તુતીકરણ જ લેખક ભીતર ઊતરી ગયાની પ્રતીતિ કરાવે છે. કૃષ્ણદર્શન કર્યાનો દાવો કરનાર વડીલ સાહિત્યકાર મિત્રના ભ્રમનો જે છેદ ઉડાડાયો છે, લેખક માત્ર ત્યાં જ અટક્યા નથી પણ તેમાંના સૂક્ષ્મ ભેદની સમજણ જે સ્પષ્ટ કરી છે એ શ્રદ્ધેય ને ગ્રાહ્ય બની રહે છે!

ધર્મ અને નીતિ, ધર્મ અને વિજ્ઞાન, પર્યાવરણજતન દ્વારા માનવ અને પ્રકૃતિનું સામંજસ્ય, કલાનું દેવત્વ, અસ્તિત્વ હોવાનો ચમત્કાર, મૃત્યુનું રહસ્ય, કિરણ બેદીનાં કાર્યોનું સામાજિક મૂલ્યાંકન, કારગિલના સૈનિકોનો મૃત્યુબોધ, માહિતી અને જ્ઞાનની સ્પષ્ટ ભેદરેખા, વર્ણવ્યવસ્થાની એકદમ વાસ્તવિક વ્યાખ્યા, વિશ્વાસ ને શ્રદ્ધાના ભેદ, ઉત્સવ બની રહે તે જીવન, ઇષ્ટની જેમ જ અનિષ્ટનું મૂલ્ય, દેહદમન, આંસુની મહિમાવંત પવિત્રતા, સંસાર ત્યાગ વિનાનો સંન્યાસ– કેટકેટલા વિષયો પર લેખકશ્રીએ ભાવકને જ્ઞાન, અભ્યાસ ને વિચારમાધુર્યનું માથાબોળ સ્નાન કરાવ્યું છે!

સમગ્ર લેખસંપૂટમાં મને સૌથી વધુ હાર્દિક, અંતઃકરણને સતત આર્દ્ર કરતું ગયું તે છે – ઈશ્વર વિષેનું, પરાત્પરની ઓળખનું, સર્જનહારની સર્વતોભદ્રતાનું ને પરમાત્માની વાત માંડીને કરતું મહિમાગાન! ઈશ્વરની ઓળખના સર્વગદ્યખંડો તૃપ્તિના અવ્યાખ્યેય ઓડકાર સમા લાગ્યા. ભાવની શિખરસ્થ સ્થિતિ, ભીતર ઓગળીને ખુદની ઓળખ પામવી, આંસુની ઋજુલ આર્દ્રતાના કારણહીન સંવેદનમાંથી પ્રગટતી ભક્તિ- એ સર્વ જીવનને ભાગીરથીસ્નાન કરાવી જાય છે. પ્રભુ વિષે લખતાં જે ભાવાર્દ્રતા છલકાય છે તે જાણે પરમની આરતી સમાન બની રહે છે. અહીં હૃદય વારંવાર પથરાઈ ગયું. લેખકની આસ્તિકતા ગતાનુગતિક નથી, પરંપરા અનુસારિણી નથી પણ સાર્થક અને સિદ્ધ છે, પમાયેલી આસ્તિકતા છે. તેમણે કરેલી જીવન અને તેની નસીમ અંતિમતાની વાત અહોભાવસર્જક છે. આ સમગ્ર યાત્રા ઊર્ધ્વની છે, પરમ તરફની ગતિની છે એટલે જ શિખ૨યાત્રાની સાર્થકતાને પ્રમાણભૂત રીતે પ્રતીત કરે છે.

 • દેવહુમા

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: