મહારાષ્ટ્રમાં પુણે પાસે ખંડાલાની પડોશમાં આવેલું લોનાવલા આમ તો એક પર્યટન-સ્થળ છે. પરંતુ આ નગરમાં વર્ષો પહેલાં સ્વામી કુવલયાનંદજીએ સ્થાપેલું યોગવિદ્યા અને યોગ શિક્ષણનું એક તીર્થધામ ‘કૈવલ્ય ધામ’ પણ આવેલું છે. આ સંસ્થા એટલે પ્રકૃતિની ગોદમાં ગેલ કરતું નિર્દોષ બાળક. અહીં પ્રકૃતિ મન ભરીને વરસી છે. અહીંની હવાના સૌજન્યનો પરિચય એના પ્રત્યક્ષ અનુભવ વિના ન થઈ શકે. અહીંનું વાતાવરણ જ એવું છે કે અહીં આવતાંની સાથે બીમાર માણસ અડધો સાજો થઈ જાય અને તંદુરસ્ત માણસ નવી તાજગી અનુભવે. અહીં વસવું એ અહોભાગ્ય જ ગણાય. પ્રકૃતિના ઔદાર્ય અને પુણ્યાત્માઓનાં સ્પંદનો ભીતરનાં સંવેદનોને ભીતર ન જ રહેવા દે. મનની શાંતિ, તનનું સ્વાસ્થ્ય અને દિમાગની સર્જનશીલતા આપોઆપ બહાર આવી જાય. અહીં રહેતી લગભગ દરેક વ્યક્તિ આ તથ્યના પુરાવા જેવી લાગે. અહીં કાળ પણ સ્થળમાં ભળી જતો હોય એવી અનુભૂતિ થયા વિના ન રહે.
વાત આ સંસ્થામાં કાર્યરત એક યોગનિષ્ઠ સજ્જનની છે. એમનું નામ છે રણજીતસિંહ ભોગલ. તેઓ અહીંના મનોવિજ્ઞાન વિભાગમાં સંશોધક હોવા ઉપરાંત યોગ મહાવિદ્યાલયમાં યોગનું શિક્ષણ આપે છે. સરદારજી હોવા છતાં એમનામાં સ્વભાવગત આક્રમકતાનો સદંતર અભાવ છે. એમનો ચહેરો સૌમ્યતાથી છલકાય છે. રૂંવે રૂંવે યોગ પડ્યો હોય એવો અહેસાસ થાય છે. ભોગલજી અવારનવાર અમદાવાદ, મુંબઈ, જોધપુર, કલકત્તા વગેરે જેવાં શહેરોમાં અને વર્ષમાં એકાદ બે વખત પરદેશમાં પણ યોગ શીખવવા જાય છે. તેઓ આ શહેરોમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા આયોજિત યોગ-શિબિરોનું સંચાલન કરે છે.

પંદર દિવસની આવી જ એક શિબિર વખતે એમને નિકટથી નીરખવાનો મોકો મળ્યો. શિબિરમાં સરેરાશ દોઢ કલાકની એક એવી પાંચથી છ બેચ હોય. સવારે છ વાગ્યાથી શરૂ થઈને સાંજે સાત વાગ્યા સુધી આખો દિવસ યોગ અને આસનોની જ વાત હોય. એવું જોવા મળ્યું કે દિવસ દરમ્યાન જુદી જુદી બેચમાં યોગ શીખવા આવનારા લોકો ઘણી વાર એકનો એક જ સવાલ પૂછતા હતા, ભોગલજી સહેજ પણ અકળાયા વિના કે અણગમો દર્શાવ્યા વિના દરેકને શાંતિથી અને વિગતવાર સમજાવી એમની શંકાનું સમાધાન કરતા હતા. એમની ધીરજ અને મનની શાંતિ જોઈને જોનારને પણ અકળામણ થઈ જાય. એક વાર એમને પૂછ્યું, ‘અનેક લોકો એકનો એક સવાલ વારંવાર પૂછે છે તો તમને અકળામણ નથી થતી? એકનો એક જવાબ આપતાં તમને કંટાળો નથી આવતો?’
એમનો જવાબ હતો, ‘સવાલ ભલે એકનો એક હોય. સવાલ પૂછનારા થોડા એકના એક છે? દરેક સવાલ પૂછનાર અલગ વ્યક્તિ છે. એનું ભાવજગત અલગ છે. એના કુતૂહલની માત્રા અલગ છે. વળી એને તો ખબર જ નથી કે અગાઉ આ જ સવાલ પૂછાઈ ચૂક્યો છે અને એનો જવાબ પણ અપાઈ ચૂકયો છે. એની નજરમાં તો એણે જ પહેલો સવાલ કર્યો છે. તો એને સંતોષકારક જવાબ મળવો જ જોઈએ.’
ભોગલજીની આ સ્પષ્ટતા વિચારવા પ્રેરે છે. તેઓ ભગવાન બુદ્ધની જેમ પ્રશ્નને નહિ, પણ પ્રાશ્નિકને વધુ મહત્ત્વ આપે છે. આમાં દરેક વ્યક્તિની આગવી વ્યક્તિમત્તાનો સહજ સ્વીકાર છે. એથી જ એકનો એક સવાલ અને લગભગ એક જ જવાબ એમને કંટાળો આપતો નથી કે અકળામણ જન્માવતો નથી. કદાચ સાચા અને સંન્નિષ્ઠ શિક્ષકનું આ એક મહત્ત્વનું લક્ષણ છે.
ભગવાન બુદ્ધ પાસે પણ અનેક લોકો આવતા અને જાત જાતના સવાલો પૂછતા. ઘણી વાર જુદા જુદા લોકો આવીને એકનો એક જ સવાલ પૂછતા. પરંતુ બુદ્ધ જરાય અકળાયા વિના એમને જવાબ આપતા. બહુધા તો એવું બનતું કે સવાલ લગભગ સમાન હોય તોપણ બુદ્ધનો જવાબ અલગ રહેતો. કયારેક કોઈકને વિગતવાર સમજાવતા. કયારેક ટૂંકમાં જવાબ આપતા તો કયારેક સામો પ્રશ્ન પણ પૂછતા. એમનો શિષ્ય સારિપુત્ર આ બધું જોયા કરતો હતો. એનાથી ન રહેવાયું એટલે એણે એક દિવસ બુદ્ધને પૂછ્યું, ‘અનેક લોકો આવીને તમને મોટે ભાગે એક સમાન પ્રશ્નો પૂછે છે. તમે અકળાયા વિના બધાને જવાબ આપો છો એ તો ખરું, પરંતુ દરેક માટે તમારો જવાબ અલગ અલગ હોય છે. આવું કેમ?’
બુદ્ધનો જવાબ પણ સરસ હતો. એમણે કહ્યું, ‘પહેલી વાત તો એ છે કે સવાલ ભલે એક જ પ્રકારનો હોય, પરંતુ પૂછનારા જુદા જુદા હોય છે અને મારો જવાબ પૂછનારાની જિજ્ઞાસાના ઊંડાણ પર આધાર રાખે છે.’
બુદ્ધ બુદ્ધ હતા. એટલે તેઓ પ્રશ્ન પૂછનારની જિજ્ઞાસાની ઊંડાઈ જોઈને જ જવાબ આપે એ સ્વાભાવિક હતું. આપણો અનુભવ છે કે ઘણા માણસો માત્ર પ્રશ્ન પૂછવા ખાતર જ પ્રશ્ન પૂછતો હોય છે. એનો શું જવાબ મળશે એની સાથે એમને કશી જ લેવાદેવા નથી હોતી. કેટલાક વળી પોતાની હાજરી પુરાવવા પ્રશ્નો પૂછતા હોય છે. તો વળી કેટલાકને કુતૂહલ હોય છે. પરંતુ બહુ થોડા માણસો એવા હોય છે જેમને ખરેખર ઊંડી જિજ્ઞાસા હોય છે અથવા કોઈક સત્યની ખોજ હોય છે. હવે જો બુદ્ધ કોઈ પૂછવા ખાતર પૂછનારને ઊંડાણથી વિગત સભર જવાબ આપવા બેસે તો ખાબોચિયામાં તરવાની ઇચ્છા રાખનારને મહાસાગરમાં તરવા મૂકી દીધો હોય એવો ઘાટ થાય. એનાથી તદ્દન ઊલટું કોઈ પરમ જિજ્ઞાસુને ઉપરછલ્લો જવાબ આપી દે તો મહાસાગરનો તરસ્યો ખાબોચિયામાં તરસ્યો જ રહે. એટલે જ બુદ્ધ કહેતા હતા કે જેને માત્ર પ્રશ્ન સાથે જ મતલબ છે એને કોઈ પણ જવાબ આપો તો કોઈ ફર્ક પડતો નથી. પરંતુ જેને ઊંડી જિજ્ઞાસા છે અથવા જે મુમુક્ષા લઈને આવ્યો છે એને તો સ્પષ્ટ, વિગત સભર અને આખરી ઉત્તર મળવો જ જોઈએ.
પરંતુ આપણે ઘણી વાર જોઈએ છીએ કે જેમને પ્રશ્ન પૂછવામાં આવે તેઓ મોટે ભાગે પ્રશ્નને જ મહત્ત્વ આપે છે અને પ્રાશ્નિકની અવગણના કરે છે. પરિણામે મોટે ભાગે ભેંસ આગળ ભાગવતનું જ પઠન થાય છે. માત્ર કુતૂહલથી પ્રશ્ન પૂછનારને મુમુક્ષુનો જવાબ આપવામાં આવે તો એનો કદાચ એને અપચો જ થાય. આથી જ જેઓ જ્ઞાની છે તેઓ પ્રાશ્નિકને જુએ છે અને જેઓ પંડિત કે શાસ્ત્રજ્ઞ છે તેઓ પ્રશ્નને મહત્ત્વ આપીને પોતાનું બધું જ જ્ઞાન અને બધી જ માહિતી ઠાલવી દેવા ઉત્સુક બની જાય છે.
ઓશો રજનીશ પાસે અનેક લોકો આવતા અને આ જ રીતે એકના એક સવાલો પૂછતા. એક સવાલ બહુ જ સામાન્ય રહેતો: ‘ભગવાન છે? તમે શું માનો છો?’ રજનીશ દરેકને જુદો જવાબ આપતા. તેઓ પહેલાં જે તે વ્યક્તિના પ્રશ્નની ઊંડાઈને માપતા અને પછી જવાબ આપતા. એમને લાગે કે પ્રશ્ન પૂછનારની જિજ્ઞાસા પણ પોતાની નથી, ઉધાર લીધેલી છે તો તેઓ સામો પ્રશ્ન પૂછતા ‘ઈશ્વર હોય કે ન હોય એથી તમને શું ફર્ક પડે છે? એના ન હોવાથી કે હોવાથી તમારું જીવન બદલાઈ જશે ખરું? રજનીશની વાત વિચારવા જેવી છે. તેઓ કહે છે કે ઉધાર જિજ્ઞાસાથી સત્યની ખોજ થતી નથી. ઊલટું એથી સત્ય દૂર ધકેલાઈ જાય છે. સત્યને પામવા માટે હકીકતો અને તથ્યોને પામવાની મુમુક્ષા હોવી જોઈએ. કયારેક હકીકતો અને તથ્યોને પામવાની પ્રક્રિયા પણ કષ્ટદાયી અને દુઃખદાયી હોય છે. એ સહન કરવાની તૈયારી ન હોય તો સત્ય સુધી પહોંચી શકાતું નથી. રજનીશ તો આગળ વધીને કહે છે કે સત્ય તો હાથવગું જ છે. આપણે એનાથી આપણી જાતને દૂર હડસેલતા જઈએ છીએ. જેને સત્યની ઝંખના કે જિજ્ઞાસા છે એનો પ્રશ્ન જુદો જ સૂર લઈને આવે છે. કેવળ પૂછવા ખાતર અને કુતૂહલવશ પૂછાતા પ્રશ્નમાં રણકાર નથી હોતો. એનો પડઘો બોદો પડે છે.
બુદ્ધ, રજનીશ અને ભોગલજી ત્રણેય જુદી જુદી વ્યક્તિઓ છે અને છતાં ત્રણેય પ્રશ્ન કરતાં પ્રાશ્નિકને વધુ મહત્ત્વ આપે છે. એનો અર્થ એ થયો કે જેમને થોડું પણ બુદ્ધત્વ પ્રાપ્ત થયું છે એવા બુદ્ધ પુરુષો સરખું જ વિચારે છે!
Credits to Photo