૧. સતામણીનું સત્ય

રાજસ્થાની મહિલા વિશાખા નોકરીના સ્થળે મહિલાઓને પુરુષ દ્વારા થતી જાતીય સતામણી સામે રક્ષણ આપવા દરમિયાનગીરી કરવા સર્વોચ્ચ અદાલત પાસે ગઈ. વિશાખાની ફરિયાદમાં કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ સૂર પુરાવ્યો. અદાલતે ઠરાવ્યું કે આ રીતે કોઈ પણ મહિલાના બંધારણીય મૂળભૂત અધિકાર પર તરાપ વાગે એ ચલાવી લેવાય નહિ. આ બાબતમાં આપણી પાસે પૂરતી કાનૂની જોગવાઈ નથી. એથી સરકારે સત્વરે આ માટે કાયદો ઘડવો જોઈએ. ત્યાં સુધી આવી કોઇ પણ ઘટના માટે માલિકો અને સંચાલકો જવાબદાર ગણાશે. એ લોકોએ આવી કોઇ પણ ફરિયાદનો ઉકેલ લાવવાનો રહેશે એટલું જ નહિ એ પ્રક્રિયામાં બિન-સરકારી સ્વૈચ્છિક સંસ્થાને સામેલ કરવાની રહેશે. નૈતિક દ્રષ્ટિએ ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે’ના દેશમાં કામ કરતી મહિલાઓ સાથે આવું કોઈ પણ વર્તન ચલાવી શકાય નહિ. એથી અદાલતની ચિંતા અને અદાલતના નિર્દેશને વાજબી અને સમયસરનો ગણીએ તો કશું જ ખોટું નથી.

      વૈશ્વિક જાગૃતિ અને સમાનતાની બળવત્તર બનતી ભાવનાને કારણે આજે હવે સ્ત્રીઓની ભૂમિકા બદલાઈ છે. રસોડા અને છાણવાસીદા કે બાળકોના ઉછેરમાં રત રહેતી મહિલા આજે આર્થિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રે પણ સક્રિય બની છે. અત્યાર સુધી લશ્કર અને વિમાની સેવા જેવાં કેટલાંક ક્ષેત્રોમાં માત્ર પુરુષોનો જ ઈજારો હતો ત્યાં પણ હવે મહિલાઓએ પ્રવેશ કર્યો છે. એક પણ વ્યાવસાયિક ક્ષેત્ર એવું બચ્યું નથી, જયાં મહિલાઓની હાજરી ન હોય. જયાં પુરુષો અને સ્ત્રીઓ સાથે કામ કરતાં હોય ત્યાં કેટલાક નવા પ્રશ્નો સર્જાય એમાં નવાઈ નથી. આમેય આપણે હજુય પુરુષપ્રધાન સમાજને જાળવી રાખ્યો છે. આથી સ્ત્રીઓ વર્ચસ્વ જમાવે કે એમને મહત્ત્વ મળે તો મોટા ભાગના પુરૂષોથી એ ખમાય નહિ. પરિણામે સ્પર્ધા, ઇર્ષા, દ્વેષ વગેરે બાબતો પણ કામ કરતી જ હોય. કેટલાક મનોવૈજ્ઞાનિક અભ્યાસો કહે છે કે નોકરી-ધંધામાં પુરુષોને મુકાબલે સ્ત્રીઓ વધુ નિયમિત, કાર્યક્ષમ અને પરિણામલક્ષી હોય છે. આથી પણ સ્ત્રી કર્મચારીઓ પ્રત્યે પુરુષોની નારાજગી સમજી શકાય તેવી વાત છે. કયારેક એવી નારાજગી એક યા બીજા પ્રકારની સતામણી સ્વરૂપે પ્રગટ થતી જોવા મળે છે. એમાં સ્ત્રીને થતી જાતીય સતામણીનો પણ સમાવેશ થઈ જાય.

        આગળ વધીને આવા કિસ્સાઓને ઉત્ક્રાંતિ તથા મનોવૈજ્ઞાનિક સંદર્ભો સાથે પણ જોવાની એટલી જ જરૂર છે. મૂળભૂત રીતે કુદરતે સ્ત્રી અને પુરુષ વચ્ચે કેટલાક ચોક્કસ ભેદભાવો સર્જ્યા છે અને એ ભેદભાવો જ સ્ત્રી અને પુરુષ વચ્ચેના આકર્ષણનું કારણ છે. આદમ અને ઇવના સમયથી એ વાત પ્રતિપાદિત થયેલી છે કે એ ભેદભાવો થકી જન્મતું આકર્ષણ જ આ સમગ્ર સંસારનું કારણ છે. આ વાત માત્ર માણસજાત પૂરતી જ નહિ, પ્રાણીમાત્ર માટે સાચી ઠરે છે. આજે ભલે આપણે આપણા સમાજને પ્રગતિશીલ, વિકસિત, શિક્ષિત અને મોકળા મનનો કહેતા હોઈએ. પરંતુ એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચે નિતાંત શુદ્ધ મૈત્રી હોઈ શકે એવી કલ્પના કરતાં પણ આપણને ખૂબ કષ્ટ પડે છે. ડૉ. સિગ્મંડ ફ્રોઈડના એવા આત્યંતિક વિધાન સામે ઘણો ઊહાપોહ થયો હતો કે સ્ત્રી અને પુરુષના સંબંધને ગમે તે નામ આપો, જાતીય લાગણી ત્યાં મોજૂદ જ હોય છે. સામાજિક અને નૈતિક મૂલ્યો એ લાગણીના સ્વરૂપને બદલી નાખતાં હોવાથી પ્રગટપણે એ દેખાતી નથી. છતાં જાતીય વૃત્તિ અને લાગણી સહજ છે. જન્મજાત છે અને ભૂખ-તરસ જેવી જ એ એક પ્રબળ-પ્રેરણા છે એટલું નાછૂટકે પણ આપણે સ્વીકારતા થયા છીએ. એટલે પુરુષ અને સ્ત્રી સાથે કામ કરતાં હોય, એટલે કે વધુ સમય નિકટ સંપર્કમાં રહેતાં હોય ત્યાં જાણ્યે-અજાણ્યે આવી લાગણીઓ માટે અવકાશ રહે એ સમજી શકાય એવી વાત છે.

        પરંતુ લાગણી પરસ્પર હોય અને મૂક સંમતિથી વ્યકત થતી હોય ત્યારે કોઈ સમસ્યા ઊભી થતી નથી. એક જ કાર્યાલયમાં કામ કરતાં સહ-કર્મચારી સ્ત્રી-પુરુષોએ પરણીને સંસાર માંડયો હોય એવા અનેક કિસ્સા મળે છે. પરંતુ સ્ત્રીની નામરજી છતાં પુરુષ પોતાની લાગણી કે ઇચ્છાના પ્રસ્તાવને આગળ કરે છે ત્યારે જ જાતીય સતામણીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. સામાન્ય રીતે એવી છાપ છે કે આવી બાબતોમાં પુરુષો દ્વારા જ પહેલ થતી હોય છે. પરંતુ આ છાપ હંમેશાં સાચી જ હોય એમ માનવાને કારણ નથી. અલબત્ત, પુરુષનો ઉછેર પ્રમાણમાં વધુ મુકત વાતાવરણમાં થયેલો હોય છે અને છોકરીને સંસ્કારો, શિષ્ટાચાર તથા ચારિત્ર્યનું શિક્ષણ વધુ ભારપૂર્વક આપવામાં આવતું હોય છે. આથી પુરુષ ઝટ અભિવ્યકત થાય છે અને સ્ત્રીની અભિવ્યકિત દબાયેલી હોય છે. કયારેક સંસ્કાર, શિષ્ટાચાર અને ચારિત્ર્યના ખ્યાલોનું એવું મનોદબાણ હોય છે કે પોતાની આંતરિક ઇચ્છા કે લાગણીની વિરુદ્ધ વર્તન કરીને વિરોધ પ્રદર્શિત કરે છે. સામાજિક-જૈવિક ખ્યાલ મુજબ પુરુષના ચારિત્ર્ય કરતાં પણ સ્ત્રીના ચારિત્ર્યને વિશેષ મહત્વ આપવામાં આવેલું છે. પુરુષના જાતીય સ્ખલન કરતાં પણ સ્ત્રીના જાતીય સ્ખલનને માત્ર સમાજ જ નહિ, ખુદ સ્ત્રી પોતે પણ વધુ ગંભીરતાથી જુએ છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો અન્ય પરિબળોને કારણે વ્યક્તિ જયારે પોતાની આંતરિક ઈચ્છા કે લાગણીને દબાવતી હોય છે ત્યારે એ જ ઇચ્છા કે લાગણી અન્ય સ્વરૂપે અભાનપણે પણ બહાર આવતી હોય છે. ફ્રોઈડે જણાવેલી બચાવ-પ્રયુકિતની વાત કરીએ તો આવી લાગણી કયારેક ચોખલિયા સ્વભાવ સ્વરૂપે, કયારેક નૈતિક દુરાગ્રહ સ્વરૂપે તો કયારેક વિરોધ કે પ્રતિકાર સ્વરૂપે પણ પ્રગટ થતી હોય છે.

કુદરતે જ સ્ત્રી અને પુરૂષના લક્ષણોમાં તફાવત સર્જ્યો છે.

        ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન કહે છે કે આરંભથી આજ સુધીના માનવ-વિકાસમાં પુરુષ અને સ્ત્રીનાં કેટલાંક શારીરિક અને માનસિક લક્ષણો સ્થિર રહ્યાં છે. ઉત્ક્રાંતિએ બન્નેને પ્રજનન ક્ષમતા આપી હોવા છતાં પ્રસૂતિની ક્ષમતા માત્ર સ્ત્રીને જ આપી છે અને એમાં કોઈ પરિવર્તન કે ચલન આવ્યું નથી. ઉત્ક્રાંતિના મનોવિજ્ઞાનની વાત આથી પણ આગળ વધે છે. એ કહે છે કે પુરુષ ખૂબ ટૂંકા સમયમાં અનેક બાળકોનો પિતા બની શકે છે, પરંતુ સ્ત્રી સામાન્ય રીતે નિશ્ચિત અવધિમાં એક જ સંતાનને જન્મ આપી શકે છે. પુરુષ અને સ્ત્રી બન્ને જીવનપર્યંત પ્રજોત્પત્તિનું જ કાર્ય કરે તો પણ સ્ત્રી જેટલાં સંતાનોની માતા બની શકે એનાં કરતાં પુરુષ અનેક ગણાં વધુ સંતાનોનું પિતૃત્વ ધારણ કરી શકે. ગિનીસ બુકમાં ૧,૦૦૦ કરતાં વધુ સંતાનોના પિતાનો વિક્રમ નોંધાયેલો છે. ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન આ જૈવિક ભેદને માનસિક લક્ષણ સ્વરૂપે સમજાવતાં કહે છે કે પુરુષમાં મૂળભૂત રૂપે ભ્રમરવૃત્તિ છે અને સ્ત્રી પુરુષની સરખામણીએ સ્થિર છે. એટલે જ સમાજમાં પુરુષ કરતાં સ્ત્રીને વધુ વફાદાર ગણવામાં આવે છે. જે પુરુષો વફાદારી જાળવે છે અને આડાંઅવળાં ડાફોળિયાં નથી મારતા એમના માટે એવી ધારણા હોય છે કે તકના અભાવને તેઓએ સદ્ગુણબનાવ્યો હોય છે. આમ સ્ત્રી-પુરુષના સંબંધમાં પુરુષની ત્વરિત અભિવ્યકિત કે પહેલ સ્વાભાવિક બાબત બની જાય છે.

      પરંતુ આ જ બાબતને સજાપાત્ર ગુના જેવું ગંભીર સ્વરૂપ આપવાનું થાય ત્યારે એનાં સૂક્ષ્મ પાસાં પણ ગણતરીમાં લેવાવાં જોઈએ. સર્વોચ્ચ અદાલતનું માર્ગદર્શન અને હવે પછી કાયદો ઘડાય ત્યારે જાતીય સતામણીને વ્યવસ્થિત વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રશ્ન સૌથી મહત્વનો બનશે. જાતીય છેડછાડ સ્પર્શ કરીને, બિભત્સ કે અઘટિત શબ્દો ઉચ્ચારીને, ચેનચાળા કરીને, લેખિત સ્વરૂપે કે બળજબરી દ્વારા પણ થઈ શકે. આ ઉપરાંત આમાંનું કશું જ કર્યા વિના, કોઈ જ અઘટિત ચેષ્ટા કર્યા વિના માત્ર આંખથી પણ એ થઈ શકે. તો સવાલ એ થાય કે કોઈ વ્યકિતએ જાતીય સતામણીની ચેષ્ટા કરી જ છે એવું નિઃસંદેહ કઈ રીતે પ્રસ્થાપિત કરી શકાય? વર્તનને લાગેવળગે છે ત્યાં સુધી કઈ ચેષ્ટાનું કઈ વ્યકિત કેવું અર્થઘટન કરે છે એ વાત કદાચ એટલી જ મહત્ત્વની બને છે.

        એક મનોવૈજ્ઞાનિક સલાહકારની વાત પણ સાંભળવા જેવી છે. તેઓ કહે છે કે નોકરી-ધંધાના સ્થળે પુરુષો સાથે સતત સંપર્ક રહેતો હોય ત્યાં સ્ત્રીએ પણ થોડી વધુ સભાનતા કેળવવી જરૂરી છે. દરેક સ્ત્રીએ પોતાના વ્યવસાયને અનુરૂપ ડ્રેસ-કોડસ્વૈચ્છિક રીતે જ અપનાવવો જોઈએ. આછકલાં, અર્ધપારદર્શક કે ભડકીલાં વસ્ત્રો કોઈ પણ પુરુષનું ધ્યાન ખેંચે એમાં નવાઈ નથી. એવી જ રીતે ધ્યાન ખેંચે એવા મેક-અપ અને પ્રસાધનો પણ ટાળવાં જોઈએ. તેઓ કહે છે કે આધુનિકતાના મનોદબાણ હેઠળ કેટલીક સ્ત્રીઓ અતિશય નિખાલસ અને ઓપન માઈન્ડેડહોવાનો દેખાવ કરે છે અને પુરુષોને ખોટા સંકેતો આપે છે. એ પછી ફરિયાદ કરવાનો અર્થ રહેતો નથી. કાર્યના સ્થળે સહકાર્યકરો સાથેની વાતચીતમાં પણ સામી વ્યકિતને કોઈ ગેરસમજ ન થાય એ રીતે બોલવાની કાળજી રાખવી જોઈએ.

       આ મનોવિજ્ઞાનીની એટલી વાત સાચી છે કે સ્ત્રી જો શરૂઆતથી જ પોતાનો પ્રભાવ અને સ્વભાવ જાળવી રાખે અને યોગ્ય અંતર સાચવી શકે તો સામાન્ય રીતે પુરુષ આડુંઅવળું વર્તન કરવાની હિંમત નહિ કરે. એનું કારણ એ છે કે વાઘ જેવા દેખાતા પુરુષની અંદર પણ એક ભીરુ અને બીકણ હૃદય ધબકતું હોય છે. સ્ત્રીમાં એ ભીરુ હૃદયને ડારો દેવાની અદ્ભુત તાકાત છે. એ તાકાતનો પરિચય થઈ જાય પછી પુરુષ કોઈ સ્ત્રીની મજબૂરીનો ગેરલાભ ઉઠાવવા જતાં પણ ફફડાટ અનુભવે છે!

Credits to Images

https://www.voicesofyouth.org/blog/masculinity-and-femininity

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: