ઘણા સમય પહેલાંની વાત છે. ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમ્યાન હાઈ-વે પર એક ગામ આવ્યું. રોડની ડાબી બાજુએ ચાની એક લારી હતી. લારીવાળાને ચા બનાવવાનું કહીને પાણી માગ્યું. લારીવાળાભાઈએ રોડની સામેની બાજુ આંગળીનો ઇશારો કર્યો. સામે એક નાનકડી છતાં સરસ મજાની પરબ હતી. બાર – પંદર વર્ષનો એક છોકરો ત્યાં બેઠો હતો. પરબમાં એટલી બધી સ્વચ્છતા હતી, જેટલી ઘણી વાર ઘરના પાણિયારે પણ જોવા મળતી નથી. એ છોકરાએ ગ્લાસ વીછળીને બધાંને પાણી પાયું. એ પાણીમાં કોઈક જુદા જ પ્રકારની મીઠાશ અને નૈસર્ગિક સોડમ હતી. એક જણે એ છોકરાને પૈસા આપવા માંડ્યા એટલે એ છોકરાએ કહ્યું. ‘હું અહીં કામ નથી કરતો. હું તો એમ જ અહીં પાણી પીવડાવવા બેઠો છું.’
પછી તો એની સાથે અને ચાની લારીવાળા ભાઈ સાથેની વાતચીતમાં આ પરબ વિશે કેટલીક રસપ્રદ માહિતી મળી. ગામ નાનું હતું. ગામના જ કોઈક બહાર રહેતા વતનીએ આ પરબ માટે ઉદાર સખાવત કરી હતી, પરંતુ એમણે પંચાયત સમક્ષ એવી શરત મૂકી હતી કે આ દાન કોણે આપ્યું છે એની જાહેરાત કરવી નહિ કે કોઈને જાણ પણ કરવી નહિ. આટલું ઓછું હોય તેમ એ જ દાતાએ પરબના નિભાવ અને સંચાલન માટે અમુક ચોક્કસ રોકડ રકમ આપી છે, જેના વ્યાજમાંથી એનો નિભાવ થાય છે. ગામની સ્ત્રીઓ જ માટલાં વગેરે સાફ કરી સવારે પાણી ભરે છે અને ગામની કોઈક ને કોઈક વ્યક્તિ આવીને પરબ પર બેસે છે તથા વટેમાર્ગુઓને પાણી પાય છે. ચાની લારીવાળા ભાઈએ કહ્યું કે આ પરબના રખરખાવ માટે અલગ પૈસા મૂકેલા હોવા છતાં એની પાછળ કોઈ જ ખર્ચ થતો નથી. બધું જ લોકો દ્વારા થાય છે. એમના કહેવા મુજબ કોઈકે પોતાનું નામ લખવાની કે જાહેર કરવાની ચોખ્ખી ના પાડીને દાન આપ્યું હોય તો ગામના લોકોની પણ ફરજ છે કે તેઓ કોઈ અપેક્ષા રાખ્યા વિના સેવા કરે.
વાત બહુ નાની છે, પરંતુ મહત્ત્વની છે. પરબ માટે દાન આપનારે ભલે લાખો રૂપિયા ન આપ્યા હોવા છતાં જે કંઈ રૂપિયા આપ્યા હશે એના બદલામાં એ પોતાનું કે પોતાના કોઈક સ્વજનનું નામ મૂકવાની શરત અવશ્ય મૂકી શકત અને ગામ કે પંચાયત વિના વિરોધે એ શરતનો સ્વીકાર પણ કરત. આજે જ્યારે આખી દુનિયામાં દાન અને સખાવત નામ અને તકતીઓ મૂકવાની શરતે જ કરવામાં આવતું હોય ત્યારે આવી ઘટના વિરલ જ ગણાય.
પરંતુ આવું બધા જ કરી શકતા નથી. તકતીઓના તાનસેન થઈને અમર થઈ જવાની લાલસા બહુ તીવ્ર હોય છે. નામ માટે મરી પડનારા એ ભૂલી જાય છે કે નામ કદી કોઈની સાચી ઓળખ બનતું નથી. બાળક જન્મે છે ત્યારે એ કોઈ નામ લઈને જન્મતું નથી. જન્મ્યા પછી જ એને કોઈક નામ આપવામાં આવે છે. પરંતુ કાળક્રમે એ નામને જ પોતાની સાચી અને આખરી ઓળખ માની લે છે. મરે છે ત્યારેય નામ તો સાથે નથી જ જતું, છતાં નામ માટે એ આટલાં હવાતિયાં મારે છે.
જ્ઞાનીઓ કહે છે કે સાચી ઓળખ નામ તો નથી, આ દેહ પણ નથી, કુળ કે વંશ નથી કે વતન પણ નથી. સાચી ઓળખ આત્માની ઓળખ છે. પરંતુ બીજી બધી મિથ્યા દુન્યવી ઓળખો અપનાવી લઈને માણસ પેલી સાચી ઓળખને બાજુ પર મૂકી દે છે. એથી જ કહ્યું છે કે દરેક માણસ આ સંસારમાં ભટકીને છેવટે ખોવાઈ જાય છે. એ પોતાને જ જડતો નથી.

શ્રીકૃષ્ણએ ગીતામાં કદાચ આ જ કારણે કહ્યું છે કે આપણે કર્તા નથી, પરંતુ નિમિત્ત છીએ. જ્ઞાનીઓની નજરમાં કર્તા હોવું કે નામનો મહિમા ગાવો એ નર્યો અહંકાર જ છે અને પરમતત્ત્વ કે સિદ્ધિની ખોજ અને પ્રાપ્તિના માર્ગમાં જો કોઈ સૌથી મોટો અવરોધ હોય તો તે માનવીનો અહંકાર જ છે. અહંકાર આપણી જાતને જ આપણાથી દૂર લઈ જાય છે. અહંકારની તૃપ્તિ માટે બહાર ફાંફાં મારવામાં ભીતર ડોકિયું કરવાનું સૂઝતું નથી.
એથી જ જે વ્યક્તિ સાચા અર્થમાં ધાર્મિક છે તે પોતાને કર્તા માનવાને બદલે નિમિત્ત માને છે. એનું કારણે એ છે કે ધર્મના માર્ગમાં અહંકાર આગંતુક છે. ધર્મ તો સમર્પણ માંગે છે અને અહંકારની હાજરીમાં સમર્પણ કદાપિ શક્ય બનતું નથી. ‘હું છું’ અથવા ‘હું આમ કહું છું’ એ જ અહંકાર છે. પરંતુ જે પોતાને નિમિત્ત માને છે એને અહંકારનો અભિશાપ નડતો નથી. ઘણી વાર એવો આભાસ થાય છે કે આ કામ મેં જ કર્યું છે. પરંતુ જગતનાં લગભગ બધાં જ કામ થાય છે. એને માટે કોઈ વ્યક્તિની અનિવાર્યતા નથી હોતી. એકે ન કર્યું હોત તો એ જ કામ બીજા કોઈએ કર્યું હોત. એનું જ નામ નિમિત્ત.
યુનિવર્સિટીની પરીક્ષામાં એક તેજસ્વી વિદ્યાર્થી પ્રથમ આવ્યો. એનું સન્માન થતું હતું ત્યારે એના જ એક અધ્યાપકે જાહેરમાં કહ્યું કે, ‘આ છોકરો પ્રથમ ન આવ્યો હોત તો જ મને આશ્ચર્ય થયું હોત. મને એ વાતનું ગૌરવ છે કે મેં એની પાછળ જે મહેનત કરી એનું પરિણામ આવ્યું છે વગેરે વગેરે. પરંતુ એ પછી બોલવા ઊભા થયેલા પ્રથમ નંબરે આવનાર વિદ્યાર્થીએ પ્રત્યુત્તર વાળતાં કહ્યું, ‘અવિવેક થાય તો માફ કરજો. પરંતુ સાહેબની વાત સાથે હું સંમત નથી. અલબત્ત, મને એમનું માર્ગદર્શન મળ્યું છે. પરંતુ મારે કહેવું જોઈએ કે સારું પરિણામ લાવવાનો મારો દ્રઢ નિર્ધાર હતો. એટલે મને આ સાહેબનું માર્ગદર્શન ન મળ્યું હોત તો મેં બીજેથી મેળવ્યું હોત. સાહેબે મને ભણાવ્યું છે એ જ મારા બીજા મિત્રોને પણ જણાવ્યું છે. તો પછી બધા જ શા માટે પ્રથમ ન આવ્યા?’
વાત એની સાચી હતી. અધ્યાપકનો અહંકાર બોલતો હતો. પરંતુ એવી છાપ ઊપસતી હતી કે આ વિદ્યાર્થી પોતાના અહંકાર વડે અધ્યાપકના અહંકારને કાપવા મથી રહ્યો હતો. છતાં એની વાતમાં સચ્ચાઈ હતી. એથી જ એમ કહી શકાય કે બીજી કોઈ વ્યક્તિના જીવનમાં બનતી કોઈ ઘટના માટે પોતાને કારણ માનવાને બદલે નિમિત્ત સમજવું વધુ યોગ્ય છે. નિમિત્ત શબ્દ ખૂબ મૂલ્યવાન અને અર્થપૂર્ણ છે. આ કામ મેં ન કર્યું હોત તો બીજા કોઈએ કર્યું હોત. જો આવું ન હોય તો આ દુનિયા કયારનીય અટકી ગઈ હોત, કારણકે હું જ બધું કરું છું એમ માનનારા અગણિત લોકો આ દુનિયામાંથી વિદાય લઈ ચૂકયા છે એ ભૂલવું જોઈએ નહિ.
મહાવીરે કહ્યું છે કે આ દુનિયામાં કોઈ કોઈને સુખી કરી શકતું નથી કે દુઃખી પણ કરી શકતું નથી. સુખ અને દુ:ખ માટે વ્યક્તિ પોતે જ જવાબદાર છે. બીજાઓને આપણે સુખ કે દુઃખનું કારણ માનીએ તો એ આપણી ગેરસમજ છે. આધુનિક મનોવિજ્ઞાન પણ આવું જ માનવા લાગ્યું છે. એરિક બર્ન અને થૉમસ હેરિસ ‘વ્યવહાર વિશ્લેષણ’નો પાયો સમજાવતાં કહે છે કે દરેક માણસ પોતાની લાગણીઓ માટે પોતે જ જવાબદાર છે. એનો અર્થ એવો કરી શકાય કે બીજાઓની બાબતમાં માણસ નિમિત્ત છે. પરંતુ પોતાની બાબતમાં કર્તા છે. એનું કારણ એ છે કે બીજા લોકોના ભાગ્યનો આધાર પોતાનો નિર્ણય નથી, પરંતુ પોતાનું ભાગ્ય તો પોતાના જ નિર્ણયને આધારે ઘડાય છે. ફલાણાએ મને આમ કહ્યું એથી મેં આવું કર્યું એવો બચાવ લૂલો છે. કમાન્ડરનો હુકમ થાય અને સૈનિક બોમ્બ ફોડીને પચાસ જણને ખતમ કરી નાંખે પછી કહે કે મેં તો કમાન્ડરના હુકમનું જ પાલન કર્યું છે તો એ એનો લૂલો બચાવ છે. સાચી વાત એ છે કે સૈનિકે કમાન્ડરની આજ્ઞાને માથે ચડાવી. આજ્ઞા માનવી કે નહિ એ તો એના જ હાથમાં હતું. એટલે જવાબદારી સ્વીકારવાની આવે ત્યારે નિમિત્ત બની જવું એ છટકી જવાની ચાલ છે અને એક પાંગળું બહાનું છે.
પોતાની જાત માટે કર્તા બનવામાં અહંકાર નથી. એ તો જવાબદારીનો સ્વીકાર છે. પોતાના સિવાય દરેક માટે આપણે નિમિત્ત જ છીએ. નિમિત્તનો અર્થ એ પણ નથી કે હવે આપણી કોઈ જવાબદારી નથી. નિમિત્ત બનવું એ પણ એક ભૂમિકા છે. એક ચિંતકે સાચું જ કહ્યું છે, ‘We are a part of the grand design. We are not the designer. ‘આપણે જીવનના નાટકના અભિનેતા છીએ. નિર્માતા કે દિગ્દર્શક નથી. નિમિત્ત બનીને ય આપણે તો આપણી ભૂમિકા જ અદા કરીએ છીએ.
નરસિંહ મહેતાના શબ્દો યાદ કરવા જેવા છે :
હું કરું હું કરું એ જ અજ્ઞાનતા
શકટનો ભાર જેમ શ્વાન તાણે
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે
જોગી- જોગેશ્વરા કો’ક જાણે.
જે પોતાના નિમિત્ત હોવાની અનુભૂતિ કરે છે એ જ જોગી અને જોગેશ્વર!