અહીં જે કંઈ લખાયું છે એને શું કહેવાય એની મને ખબર નથી. કોઈકે કહ્યું કે એ લલિત નિબંધો છે, માની લઈએ, મારે તો એટલું કહેવું છે કે મને વખતોવખત જે કંઈ કહેવાની ઇચ્છા થઈ એ જ બધું આમાં છે. આ મારી અભિવ્યકિત છે એટલું કહેતાં મને સંકોચ નથી થતો. એ કેટલી સુરેખ છે અને કેટલી વાંકીચૂકી છે એ મારે નક્કી કરવાનું નથી.
‘લોકસત્તા’ વડોદરાના સ્થાનિક તંત્રી અને મારા મિત્ર શ્રી નવીન ચૌહાણ તથા તંત્રી સ્વ.મુ. શ્રી જયંતી શુક્લ આ અભિવ્યક્તિનું નિમિત્ત છે. એ પછી ‘જનસત્તા‘ના તંત્રી અને મિત્ર શ્રી ગુણવંત છો. શાહ, મુરબ્બી મિત્રો શ્રી નરેન્દ્ર ત્રિવેદી અને શ્રી પ્રકાશ ન. શાહ એને સંવર્ધિત કરનારા છે. આમાંથી કોઈનો મારે આભાર માનવો નથી. એ મને નહિ ગમે, એમને પણ નહિ ગમે.
આ સંગ્રહનું મુદ્રણ શરૂ કરતાં પહેલાં શ્રી ‘શિવમ્ સુંદરમ્’ બધું જ વાંચી ગયા હતા. એમણે એકવાર પૂછયું કે તમે આ નિબંધોમાં કોની શૈલી પકડી છે? મેં સભાનતાથી કોઈ શૈલીનું અનુસરણ કર્યું નથી. અભાનપણે કોઈકની શૈલી દેખાતી હોય તો એ ‘કોઈક’નું ઋણ.
આ સંગ્રહની પ્રસ્તાવના હસમુખ બારાડી પાસે જ કેમ? મારા મનોવ્યાપારો, સંઘર્ષો, તરંગો, તુક્કાઓ, સફળ–નિષ્ફળ અખતરાઓ અને મનોનાટયોના એ નિકટના સાક્ષી રહ્યા છે. એક વિચારશીલ મિત્ર તરીકે મને એમના માટે પ્રેમ અને આદર બન્ને છે. એ મૂલતઃ નાટયવિદ્ છે એટલે મારા મનોનાટયનું મૂલ્યાંકન કદાચ એ વધુ સારી રીતે કરી શકે અને એમણે એમ જ કર્યું છે.
મુરબ્બીથી અધિક મિત્ર એવા શ્રી રાધેશ્યામ શર્માએ આ સંગ્રહનો પ્રતિભાવ લખવાની હા પાડી એથી મને જે આનંદની લાગણી થઈ હતી એ હું એમની સમક્ષ વ્યક્ત કરી શકયા નહોતો, અહીં એ તક ઝડપી લઉં છું.
‘જનસત્તા-લોકસત્તા’માં નિયમિત છપાતી આ કોલમથી કેટલાક ખુશ હતા, કેટલાક નારાજ હતા. ખુશ હતા એ માટે આનંદ છે, પરંતુ નારાજ હતા એમને માટે મને કોઈ દુઃખ નથી.
આ સંગ્રહ તૈયાર થવા માટે જવાબદાર એવાં બે મુખ્ય પરિબળો છે. એક ગુજરાત સાહિત્ય અકાદમી અને બીજા ‘નવચેતન‘ના તંત્રી અને હંમેશાં મદદ કરવા તત્પર રહેતા મિત્ર મુ. શ્રી મુકુંદ પી. શાહ. અકાદમીની સહાય છતાં મુકુંદભાઈનો આગ્રહ, ટેકો તથા જવાબદારી ન હોત તો આ ન થઈ શક્યું હોત.
અમદાવાદની પરિસ્થિતિ અને શ્રી ‘શિવમ્ સુંદરમ્’ને અધવચાળે વિદેશગમનને લીધે બધી જ કામગીરી એમના પુત્ર શ્રી દિનેશભાઈ અને શ્રી વિપુલભાઈએ એટલા જ પ્રેમથી પૂરી કરી, જેઓ શુદ્ધ ભાષા અને મારા એ માટેના હઠાગ્રહ-દુરાગ્રહને જાણે છે. તેઓ અહીં રહી ગયેલી કેટલીક નિવાર્ય ક્ષતિઓ માટે મને માફ કરે.
અહીં જે કંઈ લખ્યું છે એમાં મને અનેકાનેક મિત્રોનું સ્મરણ થાય છે. જેઓ સીધી રીતે યાદ કરતા હતા એમાંનાં લગભગ બધાંને મેં યાદ કર્યા છે.
આ બધી ઘડતરની અભિવ્યક્તિ છે અને એમાં મારાં સ્વ.માતુશ્રી શારદાબહેન ત્રિવેદી, મારા મોટાભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ ત્રિવેદી, મારા પ્રાધ્યાપક અને શ્વસુર સ્વ. વિ. કે. શાહ તથા એમની પુત્રી–મારી પત્ની સ્મિતા (શીતલ). આ બધું એ ચારને લીધે; અર્પણ માતુશ્રી શારદાબહેન (મારા સહિત સૌની મોટીબહેન)ને.
તા . ૫– ૯ – ‘૮૬
દિવ્યેશ ત્રિવેદી