NCTEના માર્ગદર્શન અનુસાર સમગ્ર દેશમાં શિક્ષક–પ્રશિક્ષણનો અભ્યાસક્રમ બે વર્ષનો કરવામાં આવ્યો. અભ્યાસક્રમના આ માળખાંમાં શિક્ષકની તાલીમ વધુ સઘન અને વાસ્તવિક બને એવા કેટલાક નવા વિષયોને દાખલ કરવામાં આવ્યાં. એમાં ‘જાતિ – શાળા અને સમાજ’ (Gender – School and Society) વિષયને એક પ્રશ્નપત્ર તરીકે સ્થાન મળ્યું. જેમાં એ મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો કે, સ્ત્રી અને પુરૂષ માનવ અસ્તિત્ત્વના બે સમાન હિસ્સા છે, બંને સમાજના વિકાસમાં યોગદાન આપે છે. પણ પુરૂષ પ્રધાન સમાજ વ્યવસ્થામાં સ્ત્રીઓના કામ, સહયોગ અને યોગદાનની યોગ્ય કદર ન થઇ, એને પૂરતાં સન્માન અને ગૌરવ પણ પ્રદાન ન થયાં, એ ધીમે ધીમે હાંસિયામાં ધકેલાતી ગઇ. એના અસ્તિત્ત્વ માટેના સંઘર્ષોના મંડાણે એને પુનર્જીવિત કરવાના પ્રયાસો થયા. વિશ્વ સ્તરે મહિલા જાગૃતિ, શિક્ષણ અને દરજ્જો પ્રસ્થાપિત કરવા માટેના પ્રયાસોએ એક આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું. પરિણામે આજે સ્ત્રી અનેક ક્ષેત્રોમાં પોતાની છબી સુધારતી જોવા મળી રહી છે. પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરતી થઇ છે. પણ સંખ્યા સીમિત છે.
ભારતીય બંધારણે સ્ત્રીને સમાન હક અને દરજ્જો પ્રદાન કર્યા છે, પણ વ્યવહારમાં તેની અસર વર્તાતી નથી. હજુ ય સ્ત્રીની સલામતી અને ગૌરવ હનન કરવાના કિસ્સા રોજેરોજ બની રહ્યા છે. સ્ત્રી પણ પુરૂષ સમાન દરજ્જો, હક, સ્વતંત્રતા પ્રાપ્ત કરે એ હેતુથી આ વિષયની મિમાંસા કરવાનું અને ઉચિત પગલાં લેવાનું મહત્ત્વ સમજાયું છે. શિક્ષકો આ વિષય અને સમસ્યા પરત્વે જાગૃત હશે તો સમાજમાં અપેક્ષિત ધ્યેયો સિધ્ધ કરી શકાશે, એવી અપેક્ષા સહજ જ હોય.
આ પ્રશ્નપત્રના લેખન કાર્ય દરમ્યાન સ્ત્રી હોવા છતાં, સ્ત્રીને જ સમજવાની નવી દ્રષ્ટિ પ્રાપ્ત થઇ. સ્વના મૂલ્યાંકન અને સ્વના વજૂદને સમજવાનો એક દ્રષ્ટિકોણ મળ્યો. વિશ્વભરમાં અનેક સંશોધકો, શિક્ષકો, પ્રાધ્યાપકો, સમાજ્શાત્રીઓ, મનોવિજ્ઞાનીઓ જે રીતે કાર્ય કરી રહ્યા છે તે ખરેખર પ્રશંસનીય અને વંદનીય છે. સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વિદ્યાશાખામાં આ અંગે સઘન અભ્યાસો થયા છે અને થઇ રહ્યા છે. એમના સંશોધનોએ સમાજને, કાનૂનને, સરકારને અને શિક્ષણને નવી દ્રષ્ટિ પૂરી પાડી છે. ટેકનોલૉજીના વિકાસ થકી ઇન્ટરનેટે દુનિયાને આંગળીઓના વેઢાં પર લાવીને મૂકી દીધી છે. જ્ઞાન પળભરમાં હાથવગું બન્યું છે. આ ક્ષેત્રમાં જે લોકોએ પણ કાર્ય કર્યું છે, અને એમના જ્ઞાનને ઇન્ટરનેટ પર વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવ્યું છે, તે સર્વનો હું હ્રદયપૂર્વક ઋણસ્વીકાર કરું છું. તેમાં પ્રકાશિત થયેલા લેખોના લેખકો પ્રત્યે પણ અનુગ્રહ વ્યક્ત કરું છું.
આવા ઉપયોગી વિષય પર લેખન કાર્ય સોંપવા બદલ શ્રી નીરવભાઇ શાહનો હ્રદયપૂર્વક આભાર પ્રગટ કરું છું. આ પુસ્તકને તૈયાર કરવામાં શ્રી પ્રતીકભાઇ પરીખ અને હિતેન્દ્રભાઇ કોષ્ટિ સહિત જે મિત્રોએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ આપ્યો છે તે સર્વ પ્રત્યેક આભાર પ્રગટ કરું છું.
આશા રાખું છું કે, આ સંદર્ભ પુસ્તક આપના અધ્યયનમાં સહયોગી નીવડશે. કંઇપણ સૂચન હોય તો અવશ્ય જણાવશો, મારાં વિકાસમાં મદદરૂપ બનશે. આભાર અને શુભેચ્છાઓ સાથે,
ડૉ. સ્મિતા દિવ્યેશ ત્રિવેદી
નિવૃત્ત ઍસો. પ્રોફેસર,શ્રીમતી એમ. એન. કે. દલાલ ઍજ્યુકેશન કૉલેજ ફૉર વિમેન,
એલિસબ્રિજ, અમદાવાદ – ૩૮૦ ૦૦૬