“વ્યવસાયમાં રહીને સમજૂતી કરવી જ પડે છે, એવી સૂફિયાણી વાતો કરનારા ચાંપલાઓ, લુચ્ચાઓ, ચોર મનોવૃત્તિના અને ખરેખર નપુંસક એવા આપણા સંખ્યાબંધ વડીલો, નેતાઓ, મઠાધિપતિઓ અને સુષ્ઠુ સુષ્ઠુ સાહિત્યકાર કે ધધુપપૂના હરામનું ખાઈને રાતા ગુલાબી જેવા બનેલા સુંવાળા ગાલ ઉપર આ એક તમતમતો તમાચો છે … સમજૂતીઓની ઐસી તૈસી કરી નાંખીને તેણે નિર્દંભ વાત રજૂ કરી છે ….”.
દિવ્યેશના એક લેખમાંનું આ ઉદ્ધરણ કદાચ એના આખા પુસ્તકના અભિગમને સુપેરે રજુ કરે છે. દિવ્યેશ જાણે (એના જ શબ્દોમાં) ગળું ખોંખારીને વાત કરવા બેઠો છે. શેના શેના વિશે? આપણી આજુબાજુ બનતી અનેક ઘટનાઓ – વાતો – પાત્રો, વગેરે સાંપ્રત વિષયોમાંથી એણે કંઈ છોડ્યું નથી અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમનો વિવાદ, સાલમુબારક પાછળના દંભ, માણસ માણસ વચ્ચેની આંતરપ્રક્રિયા, ટેલિવિઝન કાર્યક્રમ કે ફિલ્મની સમીક્ષા કરતાં મનમાં જાગેલા પ્રતિભાવો, નીતિમત્તા અને મનોવિજ્ઞાનના વિષયો, શબ્દ અને ભાષા, અલંકારશાત્ર, અને સેલ્ફ આઈડેન્ટીટીની મથામણો….
દિવ્યેશ પત્રકાર છે. રિપૉર્ટિગ, સબએડીટિંગ, વિજ્ઞાન વિષયક લેખન વગેરેમાં દોઢ દાયકા જેટલો સમય આપેલો છે. ‘જનસત્તા‘ દૈનિકમાં ‘નંદનવન‘ નામે લખાયેલી કોલમનો આ સંગ્રહ છે.
આટલી હકીકતમાંથી પણ ઘણા મુદ્દાઓ ઊભા થાય છે. એક યુનિવર્સિટીમાં પત્રકારત્વના પ્રોફેસરે મને કહેલું: એક પેરેગ્રાફમાંથી લેખ લખી શકે અને એક લેખમાંથી પુસ્તક લખી શકે એનું નામ પત્રકાર! એ એક મુદ્દો. બીજો મુદ્દો પ્રસ્તાવનાઓને વિવેચન ગ્રંથ તરીકે છપાવતા આપણા કેટલાક વિવેચકોનો છે. ત્રીજો મુદ્દો માસમિડિયાનાં રેડિયો, ફિલ્મ, ટીવી, છાપું એ માધ્યમોમાં કોલમો અને કલાકો ભરેલું સાહિત્ય બીજે દિવસે કે બીજો અંક નીકળતાં નાશ પામે, ભૂલાઈ જાય પણ એમાંથી થોડુંક પણ ટકી શકે એવું હોય એને આ રીતે સંગ્રહમાં મૂકવું જરૂરી કહેવાય! ટૂંકમાં, છાપાની પસ્તી પુસ્તકોની પરેડ અને ટીવીનાં પ્રસારણ માધ્યમોનો પછીની પળે ભૂલાતો કાર્યક્રમ સાંપ્રતતા અને સર્વકાલીનતાને પેચીદો સવાલ પેશ કરે છે. સમૂહ માધ્યમનું મોટાભાગનું ‘આવૃત્તિ–જીવી’ હોય, તેમ પુસ્તકાકારે સંગ્રહિત થતું સાહિત્ય એ ‘આવૃત્તિયોગ્ય’ પણ ન હોય! આપણે ત્યાં આનાં અનેક ઉદાહરણો મળે. એથી ય મહત્ત્વનો મુદ્દો સાંપ્રતતામાં સર્વકાલીનતા શોધી શકાવાનો છે. પેરેગ્રાફમાંથી લેખ લખતો દરેક પત્રકાર એ શોધી ન શકે. વાચાળ ઘોંધાટમાં, શબ્દછલમાં અને આશ્ચર્ય તથા પ્રશ્નાર્થ ચિહ્નોના બાહુલ્યમાં એણે કોલમ ભરવા માટે સરવું પડે, પણ પત્રકાર તરીકેનો એનો પ્રતિભાવ ‘એકવાચન જીવી’ જ હોય. મોંમાંથી વાહ કદાચ નીકળી જાય, ચર્ચામાં કયાંક એનો સંદર્ભ આપવાનું મન થાય, પણ એ બધું અંતે તે પ્રસ્તાવનાઓના સંગ્રહને વિવેચન ગ્રંથ તરીકે ખપાવવાની વરવી લોભી પ્રવૃત્તિ જેવું જ બની રહે.
અલબત્ત, ગાળાગાળી કર્યે કે કટાક્ષોના ચાબખા માર્યે પણ ક્રાંતિકારી હોવાનો અથવા લખ્યાનો દંભ ટકી ન શકે. બીજે દિવસે કે બીજા કલાકે કદાચ એ ટકી શકે તે કયા ઘટના–પાત્ર–વિષય માટે એ કોલમીસ્ટ પ્રતિભાવ આપે છે એને આધારે. કઈ રીતે રીએકટ થાય છે એને આધારે, એ માટે એ કેવા પ્રકારનું ભાષાકાર્ય કરે છે એને આધારે. આપણી માતૃભાષાને આ સંગ્રહમાંથી કેટલીક નવી અભિવ્યક્તિઓ અને અનેક નવાં શબ્દઝૂમખાંઓ તથા રૂઢિપ્રયોગો મળે તેમ છે. આ સંગ્રહ આ રીતે નાના નિબંધો જેવો છે. દિવ્યેશની આ ‘પર્સનલ કોલમ’ એની ડાયરી જેવી હતી, એની પ્રતીતિ એ કરાવે છે. અને દિવ્યેશ એમાં છતો થઈ જાય છે, એટલી પેટછૂટી વાત એણે ગળું ખોંખારીને કરી છે. અને એમ કરતાં એણે કેટલાય ધધૂપપૂઓએ ઓઢેલી ‘ફાવતી ટોપીઓ’ ફગાવી દીધી છે. ‘બત્તી પકડુઓ’ની રગડી કરી છે, અને ક્યાંક પેલા તમતમતા તમાચાઓ, કયાંક ફૂંક મારીને ઉંદરિયા દાંત, કયાંક બહેનપણી જેવી ચૂંટીઓ, તો ક્યાંક સનનનાટ કરતાં શબ્દતીરો ફેંકી ભલભલા ચમરબંધીઓનો દંભનો પડદો ચીરી નાંખ્યો છે.
આ તીક્ષ્ણતાને સામે ધ્રુવે બેસે એવા લેખોમાં ‘વરસાદ’ વગેરે નોંધપાત્ર એટલે બને છે કે એનું ગદ્ય વિશેષ ભાષાકર્મ કરતું ધોધમાર વરસાદની જેમ, તો ક્યારેક ખળખળ વહેતા ઝરણાની જેમ, તો કયારેક વળી ધસમસતાં પૂરની જેમ વિચાર પ્રવાહની સાથે તાલ મિલાવે છે.
દિવ્યેશ અર્થશાસ્ત્રમાં સ્નાતક છે. પરંતુ ભાષાશાસ્ત્રના કેટલાક ઉચ્ચ પદવીધારીઓ કરતાં વિશેષ ફાવટથી એણે ભાષાકાર્ય કર્યું છે. મુદ્રણ માધ્યમ માટે લખાયેલા આ લેખ અનેક જગ્યાએ કાવ્યભાષાનું રૂપ ધારણ કરે છે. દિવ્યેશ જાણે વાત માંડીને બેઠો છે. અઠવાડિયે એક વખત ટપકી પડતા મિત્રની જેમ. આપણી આજુબાજુના જીવન વિષે એ ‘રિએકટ’ થયો છે અને ડાયરી જેવું ફોર્મ એના મનમાં હોવાને લીધે, જે તે વિષયનું વિશ્લેષણ કરતાં કરતાં એ આપણા કાનમાં કંઈક કહી જાય છે.
આ બધા લેખોમાં એથીય વધુ રસપ્રદ વાત હોય તે છે સર્જકનો મિજાજ! વ્યવહારને નામે સમજૂતીઓમાં જીવતાં આપણા સૌને એની “ઐસી તૈસી” કરવાનું કહેતા આ પત્રકાર – સર્જકે કેટલીયે લાંબી માંદગીઓ અને જીવનના ઉતારચઢાવ જોયા છે. થોડા મૂરખ મિત્રો, તો બીજા થોડા દાના દુશ્મનોની વચ્ચે એ જીવ્યો છે. ભૂખમરો અને અજીર્ણ થાય એટલા ભોજનનો અનુભવ છે. પેટછૂટી વાત એ સાંભળી શકે છે.
અને એટલે જ એની આ કલમછૂટી વાત આવકારતાં મને આનંદ થાય છે. આ વાંચવાની મને મજા પડી હતી. કારણકે આ એકેએક લેખમાં એક પડકાર છે, પત્રકારનું પ્રામાણિક રિએકશન છે ….
તા. ૨૩-૫-‘૮૬
હસમુખ બારાડી
અમદાવાદ