આજથી પાંચેક વર્ષ પહેલાં ‘ટાઈમ મેનેજમેન્ટ’ વિષેની લેખમાળા લખાઈ ગઈ ત્યારે જ ‘સ્ટ્રેસ મેનેજમેન્ટ’ વિષે લખવાની ઉત્કંઠા હતી. આમેય ‘ટાઈમ મેનેજમેન્ટ’નો વિષય ‘સ્ટ્રેસ મેનેજમેન્ટ’ની અંતર્ગત જ આવે છે. એથી ખરેખર તો ‘ટાઈમ મેનેજમેન્ટ’ કરતા સ્ટ્રેસ મેનેજમેન્ટ પહેલું લખાવું જોઈતું હતું. પરંતુ મારો અર્થબોધ કંઈક એવો હતો કે ‘ટાઈમ મેનેજમેન્ટ’નો વિષય ‘સ્ટ્રેસ મેનેજમેન્ટ’નો એક હિસ્સો હોવા ઉપરાંત એ અલગ વિષય તરીકેનું અસ્તિત્વ પણ ધરાવે છે. ‘ટાઈમ મેનેજમેન્ટ’ને વાચકોનો ઉમળકાભર્યો આવકાર મળ્યો છે એથી મારી આવી સમજ સાર્થક થઈ છે.
સ્વાસ્થ્યની આડોડાઈ અને બીજી પળોજણોમાં ‘સ્ટ્રેસ મેનેજમેન્ટ’ નું કામ હાથ પર લઈ શકાયું નહિ. દરમ્યાન કવિ મિત્ર મનસુખ વાઘેલાના આગ્રહથી ‘સ્ટ્રેસના ભારતીય ઉપચારો’ વિષે ‘સ્પીપા’માં કેટલાંક વક્તવ્યો આપવાનું બન્યું અને અંગત જીવનના અનુભવોને કારણે ‘સ્ટ્રેસ’ વિષે સતત વિચારતા રહેવાનું થયું એથી ‘સ્ટ્રેસ’ વિષે અલગ દ્રષ્ટિકોણ બંધાવા લાગ્યો. એવામાં મારા સહ્રદયી વડીલ અને મામાજી શ્રી જિતેન્દ્ર પરીખ (જીતુમામા) નો અને પછી ચિ. ભાઈ હાર્દિક દેસાઈનો સાથ મળ્યો. હું બોલતો ગયો અને તેઓ લખતા ગયા. એમ આ પુસ્તક તૈયાર થયું.
‘સ્ટ્રેસ’ મુખ્યત્વે મનોવિજ્ઞાનની ચિંતનાનો વિષય રહ્યો છે. મને હંમેશા એમ લાગ્યું છે કે મનોવિજ્ઞાન મારા ચિત્તમાં વાસના બનીને પથરાયું છે. મનોવિજ્ઞાનના અભ્યાસ ઉપરાંત બીજી બે-ત્રણ બાબતો પણ એમાં ઉમેરાઈ છે. એક તો મારા માનસ-પિતા, મારા કોલેજકાળના મનોવિજ્ઞાનના અધ્યાપક અને પાછળથી મારા શ્વસૂર સ્વ. પ્રા. વિ. કે. શાહની દીક્ષા અને શિક્ષાએ મારામાં મનોવિજ્ઞાનની જ્યોત પ્રજ્વલિત કરી હતી. એમની દીકરી એટલે કે મારી પત્ની અને બન્નેએ સાથે મળીને ઉછેરેલી ‘સેલ્ફ સર્ચ’ સંસ્થાના ઉપક્રમે ઠેર ઠેર કરેલા મનોવિજ્ઞાનિક કાર્યક્રમો અને એ વિષે થયેલી આંતરક્રિયાઓએ એ જ્યોતને વધુ પ્રકાશમાન કરી છે.
‘સ્ટ્ર્રેસ’ની બાબતમાં આ પુસ્તકમાં અવારનવાર જે વાત ભારપૂર્વક કહી છે તે અહીં દોહરાવું છું. સૌથી પહેલી વાત તો એ છે કે આપણા માટે ’સ્ટ્રેસ’ અનિવાર્ય છે અને આપણે ‘સ્ટ્રેસ’ને સદંતર ટાળી શકીએ એવું કદી શક્ય બનવાનું નથી. પરંતુ ‘સ્ટ્રેસ’ની અસરો હંમેશાં ઘાતક અને નકારાત્મક જ હોય એવું પણ જરૂર નથી. આપણે આપણા વર્તન અને વલણોમાં ફેરફાર કરવા તત્પર હોઈએ તો ‘સ્ટ્રેસ’નો સામનો કરવામાં જ આપણી કુશળતાની કસોટી છે. કદાચ ‘સ્ટ્રેસ’નું કામ દંતકથાના બાબરા ભૂત જેવું છે. એની પાસે કામ લેતાં આવડે તો એ મિત્ર છે અને કામ લેતાં ન આવડે તો ખતરનાક શત્રુ છે.
મને આ પુસ્તક તૈયાર કરવામાં પત્રકારત્વના મારા વ્યવસાયે પણ ખૂબ મદદ કરી છે. આ વ્યવસાયે મને વિશિષ્ટ પ્રકારની ધીરજ અને ચિકિત્સાત્મક દ્રષ્ટિના પાઠ શીખવ્યા છે. મારું કોઈ પણ પુસ્તક પ્રગટ થાય ત્યારે કેટલીક વ્યક્તિઓ મને અચૂક યાદ આવે છે. મારાં માતુશ્રી સ્વ. શારદાબહેન (સૌનાં મોટીબહેન)નું સમતોલ વ્યક્તિત્વ આ પુસ્તકની આદિ પ્રેરણા રહ્યાં છે એમ કહું તો જરાય ખોટું નથી. મારા પિતાતુલ્ય મોટાભાઈ પૂ. ભૂપેન્દ્રભાઈ ત્રિવેદીની જીવનને જોવાની અને જીવનને જીવવાની સ્વસ્થ દ્રષ્ટિએ પણ મને સતત પ્રેરણા અને ઘડતર પૂરાં પાડયાં છે. મુરબ્બી મિત્રો રાધેશ્યામ શર્મા, નવભારત સાહિત્ય મંદિરના શ્રી મહેન્દ્રભાઈ શાહ મને લખતા રહેવાનું બળ પૂરું પાડી રહ્યા છે એથી જ લખાય છે!
– દિવ્યેશ ત્રિવેદી