સ્વની સમજ – આમુખ

સ્વાનુભવમાં પ્રત્યક્ષ ડૂબકી લગાવીને જે વિષયને આત્મસાત્ કરી શકાય તે વિષય પર સૈધ્ધાંતિક ચર્ચા કરવી અને તેની સમજ વિશે લેખન કરવું એ પડકારરૂપ છતાં મજાનો અનુભવ બની રહ્યો. આ પણ સ્વની સમજનો જ વાસ્તવિક અનુભવ છે. આધ્યાત્મિક સત્યો અને વૈજ્ઞાનિક સત્યો વચ્ચે એક પાયાનો તફાવત છે. વિજ્ઞાન નવું કે જૂનું હોઇ શકે. આઇન્સ્ટાઇનની શોધ ન્યુટનની શોધને જૂની બનાવી દે છે. અને બીજું એ કે વિજ્ઞાનમાં જે પણ સત્ય શોધાય છે, તેને બીજા કોઇએ શોધવાની જરૂરત રહેતી નથી, તે વિશ્વવ્યાપી અને સાર્વત્રિક બની જાય છે. આધ્યાત્મિક સત્યની વિશેષતા જ એ છે કે, સત્યની પ્રાપ્તિ માટે વ્યક્તિએ સ્વયં યાત્રા કરવી પડે છે. ભગવાન બુધ્ધ, ભગવાન મહાવીર કે ઋષિ પતંજલિએ પ્રબોધેલાં સત્યોથી માર્ગનો પરિચય અવશ્ય થાય છે, પણ એથી સત્યનો બોધ કે આત્મ સાક્ષાત્કાર નથી થઇ જતો. એ માટે તો પ્રત્યેક વ્યક્તિએ પોતે જ એ માર્ગ પર ચાલવું પડે છે. જાતે જ અનુભવ લેવો પડે છે, અને જાતે જ તેના નિરાકરણ પર વવું પડે છે. પ્રસ્તુત વિષય આ માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે.

NCTEના માર્ગદર્શન અનુસાર ઇ.સ. ૨૦૧૫માં સમગ્ર દેશમાં શિક્ષકપ્રશિક્ષણનો અભ્યાસક્રમ બે વર્ષનો કરવામાં આવ્યો. અભ્યાસક્રમના માળખાંમાં શિક્ષકની તાલીમ વધુ સઘન અને વાસ્તવિક બને એવા કેટલાક નવા વિષયોને દાખલ કરવામાં આવ્યાં. એમાં ‘સ્વની સમજ’ (Understanding the Self – સ્વને સમજવો) વિષયને એક પ્રશ્નપત્ર તરીકે સ્થાન મળ્યું. ગુજરાત યુનિવર્સિટીમાં આ જ અભ્યાસક્રમને ૨૦૧૭માં સંવર્ધિત કરાયો. પ્રસ્તુત સંદર્ભ પુસ્તક સંવર્ધિત અભ્યાસક્રમ આધારિત છે.

આ પુસ્તકમાં સમાવિષ્ટ મુદ્દાઓના અભ્યાસ થકી ભાવિ શિક્ષકોને ચોક્કસ માર્ગદર્શન મળી રહેશે.  તેઓ પોતાના સ્વને વધુ સારી રીતે સમજી શકશે. અને વિદ્યાર્થીઓ તેમજ સહકર્મચારીઓના સ્વને પણ સારી અને સાચી રીતે સમજી શકશે. તેનાથી બધાં વચ્ચેની આંતરક્રિયામાં અનુકૂલન, શાંતિ અને સંવાદિતા સ્થપાશે, જે પ્રત્યેકના સ્વ વિકાસને વધુ વેગવાન બનાવી શકશે.

સ્વ, વ્યક્તિત્ત્વ, સંઘર્ષ, સ્વ વ્યવસ્થાપન, અનુકુલન, પ્રેરણા વગેરે અનેક વિષયોમાં વિશ્વભરમાં અનેક સંશોધકો, શિક્ષકો, પ્રાધ્યાપકો, સમાજશાત્રીઓ, મનોવિજ્ઞાનીઓ જે રીતે કાર્ય કરી રહ્યા છે તે ખરેખર આવકાર્ય, પ્રશંસનીય અને વંદનીય છે. અનેક સંદર્ભ પુસ્તકો પણ પ્રકાશિત થયાં છે. સંદર્ભ સૂચિમાં તેનો ઉલ્લેખ કર્યો છે. એમના સંશોધનોએ માનવ સમાજને અને શિક્ષણક્ષેત્રને નવી દ્રષ્ટિ પૂરી પાડી છે. ટેકનોલૉજીના વિકાસ થકી ઇન્ટરનેટે દુનિયાને આંગળીઓના વેઢાં પર લાવીને મૂકી દીધી છે. જ્ઞાન પળભરમાં હાથવગું બન્યું છે. ક્ષેત્રમાં જે લોકોએ પણ કાર્ય કર્યું છે, અને એમના જ્ઞાનને ઇન્ટરનેટ પર વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવ્યું છે, તે સર્વનો હું હ્રદયપૂર્વક ઋણસ્વીકાર કરું છું. એ અર્થમાં સ્વ વિકાસના ક્ષેત્રમાં વિશ્વની પ્રત્યેક વ્યક્તિ એક બીજા સાથે જોડાઇને સહયોગી બની શકે છે.

પ્રશ્નપત્રના લેખન કાર્ય દરમ્યાન સ્વને સમજવાની નવી દ્રષ્ટિ પ્રાપ્ત થઇ, એટલું જ નહીં એની વિકાસ યાત્રા વધુ સઘન બની. સ્વના મૂલ્યાંકન અને સ્વના વજૂદને સમજવાના નવીન દ્રષ્ટિકોણો ળ્યા. મારાં પૂજ્ય પિતાશ્રી સ્વ. પ્રો. વિ. કે. શાહ, મનોવિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન વિષયના પ્રોફેસર હતા, આ વિષયના ‘ક,ખ,ઘ’ એમની પાસેથી જ શીખવાં મળ્યાં, એ બાબત પરમતત્ત્વનો પરમ આશીર્વાદ લાગી રહ્યો છે. તેઓની સાથે મનોવૈજ્ઞાનિક તાલીમી કાર્યક્રમોને બહુ નજીકથી અનુભવની તકો મળી હતી. મારાં પૂજ્ય માતુશ્રી સ્વ. ચંદ્રિકાબહેનની સૂઝ અને એમનું જીવન વ્યવસ્થાપન મને નિરંતર કેટલું બધું શીખવી રહ્યું હતું, એનાથી સભાન થઇ શકી. મારાં પતિ અને વિશેષ તો મિત્ર તરીકે સ્વ. દિવ્યેશ ત્રિવેદી (પત્રકાર અને લેખક)એ મારી વિકાસ યાત્રાને અનંત ઉડાન આપી હતી. મને હંમેશા લખવાને સંકોર્યા કરતા હતા, અને મારી પોતિકી ઓળખને વિકસવા પ્રોત્સાહિત કરતા હતા. આ ત્રણેયની ઉપસ્થિતિ નિરંતર સૂક્ષ્મ સ્વરૂપે મને અનુભવાતી રહે છે અને મારાં વિકાસને જીવંત રાખે છે. મારો ભાઇ મલય શાહ (ટેલી કન્સલટન્ટ) અને મારી બહેન સોનિયા પાઠક (સાયકોલોજિસ્ટ) બંને સાથેના મિત્રતાભર્યા સંબંધો અમારાં સ્વ વિકાસની મૂડી છે, એનું ગૌરવ કરવાની તક મળી.

ડૉ. કલ્પેશભાઇ પાઠક, આચાર્ય, આઇઆઇટીઇ, ગાંધીનગર (અને મારાં બનેવી) સાથેની સામાન્ય વાતચીતો ક્યારે સત્સંગમાં પરિવર્તિત થઇ જતી હતી, એની કૃપાનો અહેસાસ થઇ શક્યો. મારાં બંને પ્રેમાળ ભાણિયાઓ ચિ.અદિત અને ચિ. ઉદિતને ઉછરતાં જોયાં, સ્વના વિકાસના સિધ્ધાંતો અને વ્યવહારમાં અનુભવાતી મૂંઝવણો વિશે વધુ જાગૃત બની શકાયું.   

મારાં ગુરૂવર્ય શ્રીમતી ડૉ. યશોમતીબહેન પટેલ કૉલેજના આચાર્ય તરીકે પ્રત્યેક કાર્યને વ્યક્તિત્ત્વ વિકાસ સાથે સાંકળતા એનું મહત્ત્વ આજે સ્વાનુભવે વધુ સારી રીતે સમજાય છે. પૂર્વ આચાર્ય ડૉ. મીનાબહેન અમીન (યુએસએ) આજે પણ વિકાસની ઉડાનને પ્રેરિત કર્યા કરે છે. મારાં સર્વ શિક્ષકો અને પ્રાધ્યાપકોએ મારાં સ્વ વિકાસને આત્મ વિશ્વાસ આપ્યો બદલ અંતરના અનુગ્રહથી  વંદન કરું છું.

જીવન અને સ્વ સાથે નીકટથી સંકળાયેલા તેમજ ઉપયોગી એવા વિષય પર લેખન કાર્ય સોંપીને શ્રી નીરવભાઇએ મને ભીતરની યાત્રા કરવાની સુંદર તક આપી છે. હ્રદયપૂર્વક આભાર પ્રગટ કરવા માટે શબ્દો અસમર્થ જ કહેવાય. પુસ્તકને તૈયાર કરવામાં શ્રી પ્રતીકભાઇ પરીખ, ચંદ્રકાંતભાઇ ભાવસાર અને હિતેન્દ્રભાઇ કોષ્ટિ સહિત જે મિત્રોએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ આપ્યો છે તે સર્વ પ્રત્યેક આભાર પ્રગટ કરું છું. તેઓ સાથેની લગભગ અશાબ્દિક આંતરક્રિયા સ્વ વિકાસને જ મજબૂત બનાવતી તેનો અહેસાસ થઇ શક્યો.

આશા રાખું છું કે, સંદર્ભ પુસ્તક આપના અધ્યયનમાં અને સ્વની સમજ વિકસાવવામાં સહયોગી નીવડશે. કંઇપણ સૂચન હોય તો અવશ્ય જણાવશો, મારાં વિકાસમાં મદદરૂપ બનશે. આભાર અને શુભેચ્છાઓ સાથે,

ડૉ. સ્મિતા દિવ્યેશ ત્રિવેદી

નિવૃત્ત ઍસો. પ્રોફેસર, શ્રીમતી એમ. એન. કે. દલાલ ઍજ્યુકેશન કૉલેજ ફૉર વિમેન,

એલિસબ્રિજ, અમદાવાદ૩૮૦ ૦૦૬

Email: divinesmile14@yahoo.com,  divinesmile1960@gmail.com

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s