૧. અભ્યાસક્રમમાં ભાષા – વિષયનો ઉદ્ભવ

પ્રાસ્તાવિક

અભ્યાસક્રમમાં ભાષા વિષયનો ઉદ્‍ભવ

અભ્યાસક્રમમાં ભાષા એટલે શું?

આ અભિગમની જરૂર શા માટે?

અભ્યાસક્રમમાં ભાષાનું ધ્યેય

અભ્યાસક્રમમાં ભાષા માટેના પડકારો

પ્રાસ્તાવિક

માત્ર એક કલ્પના તરીકે જ વિચારીએ કે જો આપણી પાસે ભાષા ન હોત તો શું થાત? આ પ્રશ્નની સાથે જ અનેક વિચારો ઝબકી ગયા હશે, જેમ કે, શાળામહાશાળાઓનું તો અસ્તિત્વ જ નહોત, ભણવાભણાવવાની ઝંઝટ જ ન હોત, પરીક્ષા જ ન આપવી પડત, આપણે વાતચીત જ ન કરી શકત, કવિતાઓવાર્તાઓ સર્જાઇ જ ન હોત, ગીતોને બદલે વાદ્ય સંગીત જ સાંભળતા હોત, ઇશારાઓથી જ કામ ચાલતું હોત અને સેલફૉન પર વાત કે મેસેજની આપ લે કેવી રીતે થાત!

આવા કંઇક કંઇક વિચારો આવી જાય અને એ કલ્પના જ આપણા મનને હચમચાવી મૂકે.

આપણે આજે આ રીતે ભાષા દ્વારા વિચાર વિનિમય કરી શકીએ છીએ તે મનુષ્ય નિર્મિત ભાષા દ્વારા જ શક્ય બન્યું છે.

કદાચ મનુષ્યત્વનો સાચો અર્થ જ તેની વાણી કે ભાષા દ્વારા વ્યક્ત થાય છે. એકાક્ષરી શબ્દો, ‘મા’, ‘કા’, ‘બાકેપાબોલતાં બોલતાં આખેઆખાં વાક્યો કેવી રીતે બોલતાં શીખી જઇએ છીએ તે માત્ર સામાન્ય માણસ માટે જ નહીં પણ મનોવિજ્ઞાનીઓ, નૃવંષશાસ્ત્રીઓ, ભાષાશાસ્ત્રીઓ કે સમાજશાસ્ત્રીઓ માટે પણ ગહન અને પડકારરૂપ અભ્યાસવિષય રહ્યો છે. આજે પણ એના વિશે સતત અભ્યાસો અને પ્રયોગો થઇ રહ્યા છે.

એક બાબત ચોક્કસ છે કે માણસ માણસ વચ્ચે આદાન પ્રદાન કરવા માટે તેમજ વ્યક્તિગત જીવનમાં અભ્યાસિક અને વ્યાવસાયિક અસિધ્ધિઓ હાંસલ કરવામાં ભાષાનો અમૂલ્ય ફાળો છે. જે વ્યક્તિ પાસે ભાષા સામર્થ્ય છે તે ઝડપથી વિકાસ સાધી શકે છે.

અભ્યાસક્રમમાં ભાષા વિષયનો ઉદ્‍ભવઃ

ભાષા સાંભળતાં, બોલતાં, વાંચતાં અને લખતાં આવડે એટલે ભાષા આવડી તેવું સામાન્ય અર્થમાં કહી શકાય. એનો અર્થ એવો નથી કે જે લોકોને લખતાં વાંચતાં નથી આવડતું તેઓ આદાન પ્રદાન નથી કરી શકતા, તેઓ પણ ભાષા તો જાણે જ છે, અને એટલે જ આપણે તેવા માણસોને નિરક્ષર કહીએ છીએ કે જેઓને લખતાં વાંચતાં નથી આવડતું.

આ વિષયમાં થોડાં ઊંડા ઉતરીએ તો આપણને એ પણ સમજાશે કે આ ચારે ય કૌશલ્યો માત્ર આવડી જવા એટલે શું?

એક અર્થમાં સમજીએ તો કશુંક પણ સાંભળી કે વાંચીને તેનો સાચો અર્થબોધ થવો અને તે બાબતને આત્મસાત કરવી એ માનીએ એટલી સહેલી પ્રક્રિયા નથી. એટલે જઆત્મા અમર છે’, ‘ઇશ્વર કણ કણમાં સમાયેલો છે’, કેમનુષ્ય એક સામાજિક પ્રાણી છેઆવા વાક્યો, સાંભળવા, બોલવાં, વાંચવાં કે લખવાં કદાચ સહેલાં લાગે પણ તેનો અર્થબોધ થવા માટે કદાચ જિંદગીઓ પણ ઓછી પડે.

અને એટલે જ આપણે માત્ર બહુ વ્યાપક કે વિશાળ રીતે ન વિચારીએ અને માત્ર વિદ્યાર્થીઓના અભ્યાસને કેન્દ્રમાં રાખીને વિચારીએ તો સમજાશે કે એને ગુજરાતી ભાષા આવડે છે ખરી પણ જે તે વિષયને સમજવાના સંદર્ભમાં હજી પરિપક્વતા નથી આવી. છેલ્લાં બે વર્ષોમાં ધોરણ ૧૦માં વિદ્યાર્થીઓ લાખોની સંખ્યામાં માત્ર ગુજરાતી વિષયમાં જ નાપાસ થયાં. આ બાબત આપણને ચિંતામાં મૂકી દે તેવી છે.

અન્ય વિષયોમાં પણ નબળાં પરિણામ પાછળ જે તે વિષયનો ભાષા થકી અર્થબોધ ન થતો હોય તેમ બનવાનો સંભવ છે તેમ કહી શકાય. અને એટલે જ ભાષા શીખવવાની જવાબદારી માત્ર ભાષા શિક્ષકની જ નથી એ વિચારનો પ્રાદુર્ભાવ થયો.

આમ તો બાળક જ્યારે શાળાએ આવે છે ત્યારે શ્રવણ અને કથન કૌશલ્યો તો આત્મસાત કરીને જ આવે છે, શાળાએ આવીને તે વાચન અને લેખન કૌશલ્યો શીખવાનું વાતાવરણ પ્રાપ્ત કરે છે. એ આપણા સર્વનો સામાન્ય અનુભવ છે કે જે આપણી માતૃભાષા હોય તેમાં જ જો અન્ય વિષયોનું અધ્યયન અધ્યાપન થાય તો બાળકની સંકલ્પનાઓ વધુ સ્પષ્ટ અને ચિરંજીવી બને છે, તેને જે તે વિષય ગોખવો પડતો નથી. પણ અત્યારે તો મોટેભાગે ઘરમાં અલગ ભાષાનું વાતાવરણ હોય અને શાળેય વિષયો તે પરદેશી ભાષા  એટલે કે ફૉરેન લેંન્ગ્વેન્જ અંગ્રેજીમાં શીખતો હોય. આની મનોચેતાતંત્રીય અસર અલગ જ હોવાની.

સામાન્ય રીતે આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે ભાષા અને સાક્ષરતાની જવાબદારી ભાષા શિક્ષકોની છે. અને કોઇપણ વિષય ભાષા મુક્ત વાતાવરણમાં સમજી શકાતો નથી. સિંહા (૨૦૦૦)ના અભ્યાસો જણાવે છે કે ભારતના વિદ્યાર્થીઓ વાચન કૌશલ્યમાં ઘણાં નબળાં છે. અને તેના વિકાસની જવાબદારી સર્વ વિષય શિક્ષકોની છે.

બસ, આ વિચાર થકી જ અભ્યાસક્રમમાં ભાષા એવી એક વૈચારિક ક્રાંતિનો જન્મ થયો. આ વિચાર પર સમગ્ર વિશ્વમાં   કામ ચાલે છે અને ઘણા લોકો એના પર કામ કરી રહ્યા છે. આમ, તો આ એક અભિગમ છે, પણ તેના થકી વિદ્યાર્થીઓના ભાષા અર્થબોધમાં સાર્થક વિકાસ સાધી શકાશે.

અભ્યાસક્રમમાં ભાષા એટલે શું?

આમ તો આ અભિગમ વિશે શિક્ષણ અને પધ્ધતિશાસ્ત્રના સૈધ્ધાંતિક વાર્તાલાપો અંતર્ગત ૧૯૭૦/૮૦ના દાયકાથી વિચારાઇ રહ્યો છે, પણ શાળાઓમાં તેનું અમલીકરણ નહીંવત્‌ છે. એનું મૂળ  ગ્રેટ બ્રિટનના ‘A Language for Life’ નામે એલન બુલોકના અહેવાલમાં ભાષાને શાલેય વિષયો સાથે સાંકળવાનો અને તે માટે શાળામાં ભાષા નિતિમત્તા ઘડવાનો વિચાર પ્રસ્તુત કરાયો; તેમાં જોવા મળે છે. અને એમાં આ વિચારને એક ચોક્કસ આકાર અપાયો હોય તેમ જણાય છે.

Allen Bullok (1975, A Language for Life, The Bullock Report) wrote that,

“A Language policy across the curriculum means in effect that every teacher in the school should accept it as part of his responsibility to develop the pupils’ reading, writing and speaking ability in and through the subject or activity for which he is responsible.”

૧૯૭૫માં એલન બુલોક જણાવે છે કે, “અભ્યાસક્રમમાં ભાષા એ એક એવી નિતિ છે જેમાં શાળાના દરેક શિક્ષક પોતાની જવાબદારીના ભાગ સ્વરૂપે એવું સ્વીકારે છે કે પોતાના વિષય કે પ્રવૃત્તિઓ થકી તેઓ વિદ્યાર્થીના વાચન, લેખન અને કથન કૌશલ્યનો વિકાસ કરાવે  કે જેના માટે તેઓ જવાબદાર છે.”

According to Fillion (1991): “Language across the curriculum stresses concern for how people learn to use language, how they use language to achieve understanding and Appreciation of their experiences (including the curriculum content introduced in schools) and how language use influences cognitive development.”

ફિલિયોનના (૧૯૯૧) મત પ્રમાણેઅભ્યાસક્રમમાં ભાષા લોકો કેવી રીતે ભાષા ઉપયોગમાં લેવાનું શીખે છે, ઉપરાંત તેઓના અનુભવો ગ્રહણ કરે અને તેને સમજવાની સિધ્ધિ પ્રાપ્ત કરવા માટે ભાષાને કેવી રીતે ઉપયોગમાં લે છે (શાળામાં પ્રસ્તુત અભ્યાસક્રમની વિષયવસ્તુનો સમાવેશ કરીને) અને ભાષા કેવી રીતે બોધાત્મક વિકાસને અસર પહોંચાડે છે તેના પર ભાર મૂકે છે.”

Thaiss (1984) wrote “language across the curriculum is verbalization as the fulfillment of understanding within each subject area, involves such factors as:

Students (in all subject areas)

 • Using writing to order and classify thoughts.
 • Learning the language appropriate to the subject
 • Using the increasing precision, the vocabulary of their subject.

Teachers (in all subject areas)

 • Modelling the language of their subject
 • Attending to the conventions of written language
 • Becoming sensitive to the role and varieties of language learning”

થાઇસ (૧૯૮૪) મતાનુસાર કે,

અભ્યાસક્રમમાં ભાષા દરેક વિષયના ક્ષેત્રમાં સમજની પૂર્તિને શબ્દબધ્ધ કરે છે, જેમાં નીચેના ઘટકોનો સમાવેશ થાય છે.

વિદ્યાર્થીઓઃ (બધા વિષય ક્ષેત્રોમાં)

 • વિચારોને ક્રમબધ્ધ કરવા અને વર્ગીકૃત કરીને લખવા
 • વિષયને અનુરૂપ ભાષા શીખવી.
 • જે તે વિષયના શબ્દભંડોળના ઉપયોગમાં ચોકસાઇની વૃધ્ધિ કરવી

શિક્ષકો (બધા વિષય ક્ષેત્રોમાં)

 • તેઓના વિષયની ભાષાના નમૂના પૂરા પાડવા
 • લેખિત ભાષાના ધારાધોરણોને અનુસરવું.
 • ભાષા અધ્યયનની વિભિન્નતાઓ અને તેની ભૂમિકા પ્રત્યે સંવેદનશીલ બનવું.”

ઉપરોક્ત વિભાવનાઓનો સાર તારવીએ તો એટલું સ્પષ્ટ થાય છે કે કોઇપણ વિષયના અર્થબોધ માટે ભાષાનો યથોચિત ઉપયોગ કરતાં આવડવું જોઇએ. અને તે માટે કોઇપણ વિષયના શિક્ષકે પોતાની જવાબદારીનો સ્વીકાર કરવો જોઇશે.

અભિગમની જરૂર શા માટે?

કદાચ, એવો પ્રશ્ન થાય કે આવા અભિગમની જરુરત શા માટે છે? તો તેના ઉત્તરમાં ત્રણ બાબતો સ્પષ્ટ રીતે સામે આવે છે.

. ભાષા સંદર્ભ વગર અસરકારક રીતે શીખી શકાય નહીં.

એકના એક વાક્યનો જે તે વિષય કે સંદર્ભમાં અલગ અર્થ થતો હોય છે અને આપણને જ્યાં સુધી તે સંદર્ભ ખબર હોય ત્યાં સુધી આપણે તે બાબતને સાચા અર્થમાં સમજી શકતા નથી. દા.. ‘ભાવ તો આપવો પડે ને?’ એક વાક્ય કોઇ દુકાનદાર બોલે કે સામાજિક પ્રસંગે કોઇ જમાઇરાજા બોલે તો અર્થ બદલાઇ જાય

. ભાષા અને વિષયસામગ્રી એક બીજા સાથે સંકળાયેલા જ છે.

કોઇ પણ વિષય સામગ્રીને પોતાની ભાષા અને પરિભાષાઓ હોય છે, અને તે એકબીજા સાથે સંકળાયેલા હોય છે.

. અને માટે ભાષા અને વિષયસામગ્રીને સંકલિત કરવા જોઇએ.

આ સંદર્ભમાં વિદ્યાર્થીઓને જે તે વિષય અને તેની ભાષા સાથે સંકલિત કરીને પ્રસ્તુતિ કરવી જોઇએ. કેમ કે કોઇ પણ વિષયની સામગ્રી છેવટે તો ભાષા થકી જ સમજાતી હોય છે.

અભ્યાસક્રમમાં ભાષાનું ધ્યેયઃ

આ અભિગમ થકી શિક્ષકે નીચેની બાબતો પ્રત્યે પોતાની ભૂમિકાઓને સ્પષ્ટ રીતે સમજવી પડશે.

 • પ્રથમ ભાષા ને દ્વિતીય ભાષાના વપરાશકારો તરીકે વિદ્યાર્થીઓની ભાષાની પશ્ચાદ્ભૂમિકાને સમજવી.
 • વર્ગખંડમાં થતાં વાર્તાલાપોના સ્વરૂપને સમજવું અને તેના વિકાસ માટેની પ્રયુક્તિઓ વિકસાવવી.
 • જે જે વિષય ક્ષેત્રોમાં વાચન અર્થગ્રહણના સ્વરૂપને સમજવું.

અભ્યાસક્રમમાં ભાષા માટેના પડકારોઃ

આમ જોવા જોઇએ તો આ વિષયના આગમનને એક ચોક્કસ આકાર લેતાં લગભગ ૪૦ વર્ષ લાગી ગયાં, છતાં તેને એક જવાબદારી તરીકે દરેક વિષય શિક્ષક સ્વીકારે છે તેમ કહેવું કદાચ વધારે પડતું જ કહેવાશે. આ અભિગમને સંપૂર્ણપણે કાર્યાન્વિત કરવા સામે કેટલાક પડકારો છે જેને નીચે મુજબ વર્ણવી શકાય.

. વિષયોની વાડાબંધી

શાળામહાશાળાઓમાં હજી પણ વિષયોની વાડાબંધી ચુસ્ત છે અને ભાષાના વિષયોને ગણિત/વિજ્ઞાન વિષયો જેટલા મહત્ત્વના માનવામાં નથી આવતાં. વળી એ પણ ખ્યાલ સ્પષ્ટ નથી કે ગણિત/વિજ્ઞાન શીખવા માટે પણ ભાષા કૌશલ્યો તો આવડવા જ જોઇશે.

. શિક્ષકોનું વલણ

ભાષા તો ભાષા શિક્ષકની અ જવાબદારી છે. અને વિષયના શિક્ષકોએ તો માત્ર જે તે વિષયનું વિષય વસ્તુ જ માત્ર શીખવવાનું છે. અને જો તેઓ જે તે વિષય શીખવતાં ભાષા પણ શીખવાડે તો તેઓ પણ ભાષા શિક્ષકનો જ દરજ્જો પામી જશે તે વાતનો વિરોધ અથવા એક પ્રતિકાર કરવાની લાગણી ધરાવે છે.

. અસ્પષ્ટ સંકલ્પના

હજી સુધી અભ્યાસક્રમમાં ભાષા આ અભિગમ કે વિષયની સંકલ્પના સ્પષ્ટ થઇ નથી.એટલે એક નિતિ વ્યવસ્થા પણ ઘડાઇ નથી. અને શાળામાં તેની જવાબદારી કે કાર્યભાર વહેંચણીની સ્પષ્ટ રુપરેખા તૈયાર નથી થઇ. એટલે એક ધૂંધળું ચિત્ર સામે છે. આ સંજોગોમાં આ વિષય પરત્ત્વે તેની કોઇ નિશ્ચિત જવાબદારી નક્કી કરી શકાતી નથી.

માનસિકતામાં બદલાવ

આ વિષય શિક્ષકોના વલણોમાં અને તેઓની માનસિકતામાં એક ધરખમ પરિવર્તનની અપેક્ષા રાખે છે, જે સહુથી મોટો પડકાર છે. અને હાલ પણ કમનસીબે આ જ પરિસ્થિતિ દ્રશ્યમાન છે, કોઇ નોંધપાત્ર ફેરફાર દેખાતો નથી. જ્યાં સુધી વિદ્યાર્થીના સંર્વાંગી વિકાસની દિશામાં એકે એક શિક્ષક પોતાની સહિયારી જવાબદારી ન સ્વીકારે ત્યાં સુધી આ પડકારને  પહોંચી વળવાનું દુષ્કર લાગવાનું.

ઉપસંહાર

આટલું વાંચ્યા પછી એક બાબત સ્પષ્ટ થઇ હશે કે ભાષા અને અન્ય વિષયો એક બીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. અને વિદ્યાર્થીને કોઇપણ વિષય શીખવો હોય તો તેની ભાષા અર્થગ્રહણ ક્ષમતા વિકસેલી હોવી જોઇશે. તે માટે એકલા ભાષા શિક્ષકે નહીં પણ સર્વ વિષય શિક્ષકે સહિયારી જવાબદારીથી વિદ્યાર્થીઓના ભાષા શિક્ષણમાં યોગદાન આપવું પડશે. ભાષા કોઇ ભાષાના શિક્ષકની જ માત્ર જવાબદારી નથી, ભાષા દ્વારા જ કોઇપણ વિષયની સમજ મજબૂત બને છે અને જ્ઞાનના દ્વારો ખોલી શકાય છે, માટે જ દરેક શિક્ષકે વિષયની વાડાબંધીમાંથી મુક્ત થઇને ભાષાને પોતિકી બનાવવી પડશે અને ભાષાના ઉપયોગમાં નિપુણ પણ બનવું પડશે, એ જ વિષયના સર્જનનો પાયાનો મુદ્દો છે.               

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: