૧. તારું જ તને અર્પણ … !

આંધ્રપ્રદેશના એક નાનકડા શહેરમાં એક આદમી પોતાનો આગવો વ્યવસાય કરીને પેટિયું રળી ખાતો હતો. આ આગવો વ્યવસાય એટલે ચોરી, આ વ્યવસાયમાં પડેલાને મહેનત નથી કરવી પડતી એવું નથી, ખરું પૂછો તો એમનું કામ જોખમી પણ એટલું જ! વળી કોઈક દિવસ ઇદ તો કોઈક દિવસ રોઝા પણ ખરાં જ ખરા!

        વીર પુરુષને ઘણી વાર રોઝા વેઠવા પડતા, દિવસે પણ એવું બન્યું. કયાંયથી હાથ મારવા મળ્યો નહીં. જો કે પરિસ્થિતિ એવી હતી કે દિવસે ને કશું મળ્યું હો તો ચલાવી શકયો હોત. પરંતુ એમ ખાલી દિવસ જાય તે કેમ ચાલે?

     શહેરના એક ખૂણે કોઈક મહારાજની કથા ચાલતી હતી. કિશોરલાલ મશરૂવાળાના ગુરુ કેદારનાથજીએ વિવેક અને સાધનામાં લખ્યું છે કે હિન્દુસ્તાન કાં તો બહુ મોટી પુણ્યભુમિ છે કે જેથી અહીં ઈશ્વરના અવતારો અને સંતમહાત્માઓ જમ્યા કરે છે, અથવા તો આ દેશ ભોળા લોકોનું એવું બજાર છે, કે જ્યાં બધાનું પોષણ થઈ જાય છે. નાથજીની વાત સાચી હોવાની પ્રતીતિ ઠેર ઠેર થાય છે. કદાચ ન્યાયે શહેરમાં પણ કોઈક મહારાજ કે કોઈક બાપુ કથાએ વળગ્યા તા.

     પેલા વીર પુરુષે આખા દિવસની નિષ્ફળતાનું સાટું કથામાંથી છૂટતા ભક્તજનો પાસેથી વાળી લેવાનું નક્કી કર્યું. અંધારું થઈ ગયું હતું. કથામાંથી છૂટીને ગામ તરફ જતા વિવિધ રસ્તાઓમાંનો એક રસ્તો ણો નિર્જન તો. વીર પુરુષે ધાર્યું કે રસ્તે બહુ ઓછી અવરજવર હશે, અને એથી અહીં હાથ મારવાનું સરળ બની જશે. એણે રસ્તા પર એક સરસ જગા શોધી કાઢી.

     થોડીવારે કથા છૂટી અને ભકતજનો એક પછી એક નીકળવા માંડયા. છેવટે એ પાંખી અવરજવર નહિવત્‌ બની ગઈ. છેલ્લે એક સ્ત્રી પસાર થઈ. એ વીર પુરુષે એ સ્ત્રીની પાછળ જઈ છરો પીઠ પર ધરી દીધો. ઘોઘરો અવાજ કાઢીને ઘરેણાં ઉતારી આપવા કહ્યું. પેલી નાર પણ ડધાઈ ગઈ,  અને મંગળસૂત્ર, કાનની કડીઓ તથા બંગડીઓ ઉતારીને આપી દીધી. કડીઓ અને બંગડીઓ રાતભર મોજ કરવા માટે ‘મોર ધેન ઇનફ’ હતી. મંગળસૂત્ર એણે સાચવી રાખ્યું. સવારે ઘેર ગયો. આમ રાતની રાત ગાયબ રહેવું એના માટે કે એની પત્ની માટે નવાઈનું કારણ નહોતું. છતાં એ કયારેક નારાજ થઈ જતી. પત્નીને થોડીક નારાજ જોઈને પતિએ એને મનાવવા ખિસ્સામાંથી રાત્રે તફડાવેલું મંગળસૂત્ર કાઢીને કહ્યું, ‘આ તારા માટે લાવ્યો છું.’ પત્ની ધડીભર તો આંખો પહોળી કરીને મંગળસૂત્રને તાકી રહી.

     પતિને આખી ય પરિસ્થિતિ સમજતાં વાર ન લાગી. રાત્રે એણે પોતાની પત્નીને જ લૂંટી હતી. અને સવારે એનું જ મંગળસૂત્ર એ એને ભેટ આપતો  હતો.

     આખી વાત રમૂજ પ્રેરે છે સાચું, પરંતુ હેજ સ્મિત રેલાવવા માટે હોઠ પહોળા કર્યા પછી સ્નાયુ તરત થાકી જય છે. હોઠ પાછા સંકોચાઈને એક સવાલ પૂછવા લાગે છે, પહેલો સવાલ છે: ‘કોણ કોને લૂંટે છે?

   ગાંધીજીએ જેમ હિંસાની વ્યાખ્યાને મહાવીરની જેમ સૂક્ષ્મ કક્ષા સુધી વિસ્તારી હતી તેમ લૂંટની વ્યાખ્યાને પણ આપણે સૂક્ષ્માતિસૂક્ષ્મ કક્ષા સુધી લઈ જઈ શકીએ. ઘણીવાર લાગે છે કે આપણે આપણને જ લૂંટીએ છીએ. કયારેક એવું બને કે જેને લૂંટ્યો છે એ લૂંટાયા પછી આપણો બની શકે. ‘વાલિયો’ નહિતર વાલ્મીકિ કેવી રીતે બન્યો હોત?

     લૂંટ નકારાત્મક જ હોય એવું પણ નથી, વિધાયક લૂંટ ચલાવવી એ ઘણું જરૂરી છે. છતાં અધરું છે. કોઈનું સુખ લૂંટી લેવું એ એક વાત છે અને કોઈના દુઃખ દર્દ લૂંટી લેવાં એ બીજી વાત છે. લૂંટ ચલાવવી માનવનો મૂળભૂત સ્વભાવને છે. સવાલ એ સ્વભાવને નકારાત્મક માર્ગે જતો રોકીને વિધાયક સ્વરૂપ આપવાનો જ હશે.

     પેલા સ્નાયુઓની બીજી વાત બહુ સરસ છે. ભક્તિ ભાવમાં રાચતો માણસ આંખોનાં પોપચાં ઢાળી ભાવવિભોર અવાજે ગાય છે, ‘તેરા તુજકો અર્પણ!’  જોકે આંખ ખુલ્યા પછી એનો ભક્તિભાવ ઓસરી જાય છે અને ઓસરતો ઓસરતો બાષ્પ બનીને ઊડી જાય છે. ‘લૂંટીને ભેગું કરેલું’ પણ ગાંઠે બાંધી શકાતું નથી; મને કે કમને એ વહેંચવું પડે છે. એટલે જ કદાચ તારું તને અર્પણ જેવી સ્થિતિ આવે છે.

     સહેજ જુદી રીતે જોઈએ તો વ્યક્તિગત રીતે આપણું શું છે? જન્મ ધરવામાં પણ આપણો ફાળો નથી. જન્મીને ઉછરવામાં નહિ અને ઉછરીને જીવવામાં પણ નહિ. અરે, મરવામાં પણ નહિ. માણસનું વ્યક્તિત્વ સમાજ પર આધારિત છે. વ્યકિતત્વના ઘડતરમાં કેટકેટલા માણસો, સંજોગો, બનાવો, પરિબળો તથા ઘટનાઓનો ફાળો હોય છે એ વિચારવા બેસીએ તે થાકી જવાય.

     મા દીકરા માટે જીવે છે. દીકરો એક તબક્કે મા માટે જીવે છે. પતિ પત્ની માટે કે પત્ની પતિ માટે, કોઈને કોઈ કોઈકને માટે જીવે છે. એમાંથી બહાર નીકળીને કોઈ કહે કે, હું કોઈના માટે નથી જીવતો તો એ દંભ જ કરે છે કે બીજું કંઈ?

    સાહિર લુધ્યાનવીએ પોતાના બહુચર્ચિત સંગ્રહ ‘તલ્ખિયાં’ના ઊઘડતા પાને લખ્યું છે. ‘દુનિયાને તજુર્બાતો હવાદિસકી શકલ મે જો કુછ મુઝે દિયા હૈ વો લોટ રહા હું મૈં’. ‘સાહિરની આ અનુભૂતિ હતી. આ જગતે અનુભવો અને પ્રસંગોના રૂપમાં જે કાંઈ આપ્યું છે એ જ હું પાછું આપું છું.’ સાહિર કદાચ ધારીએ એ કરતાં વધુ સ્પષ્ટ હતા. આટલા શબ્દોમાં એમને એક વાત તો અભિપ્રેત છે જ કે મારું કંઈ નથી. એથી જ હું એ પાછું આપું છું. બીજી વાત એ છે કે તેઓ ‘તલ્ખિયાં’ પાછી આપે છે અર્થાત્ કડવાશ પાછી આપે છે. જમાનાએ એમને કડવાશ આપી તો એ પણ એને પાછી ‘તેરા તુજકો અર્પણ!’

    રિફાઈનરીનું યંત્ર કાચા તેલને પોતાના પેટમાં આ રીતે જે પાછું આપે છે એ શુદ્ધ તેલ છે. સાહિરને જમાનામાં કડવાશ આપી તો એ કડવાશને એણે રોમ રોમમાં સીંચી દીધી અને એમાંથી શુદ્ધિકરણ કરીને એ જ કડવાશ પાછી આપી તો દર્દભરી મીઠાશથી ભરેલી નઝમો, ગઝલો અને કવિતાઓથી.

   પેલા પતિએ મંગળસૂત્ર મેળવ્યું તો છરીની અણીએ લૂંટીને પરંતુ પાછું આપ્યું તે પ્રેમભરી ભેટ સ્વરૂપે! ‘પ્રોસેસ  ઑફ  ટ્રાન્સફોર્મેશન’ કદાચ મહત્વનું બને છે એવું લાગ્યા કરે છે.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: