૧. ફૉનનું રહસ્ય

રાબેતા મુજબ સવારે છ વાગ્યે મનહરભાઈની આંખ ખૂલી ગઈ. એમના આશ્ચર્ય વચ્ચે એમની પડખે સૂતેલાં એમનાં પત્ની વિનોદિનીબહેન જાગી ગયાં હતાં અને છતને તાકી રહ્યાં હતાં. સામાન્ય રીતે મનહરભાઈ ઊઠી જાય ત્યારે વિનોદિનીબહેનનો હજુ છેલ્લો પ્રહર ચાલતો હોય. મનહરભાઈ એમને જાગી ગયેલાં જોઈને સહજ મર્માળું હસ્યા. એ જેવા પથારીમાં બેઠા થયા કે તરત વિનોદિનીબહેન બોલ્યાં, “હું તો કયારનીય જાગું છું. ખબર નહિ, કોણ જાણે કેમ પણ મળસ્કે આંખ ઊઘડી ગઈ એ પછી ઊંઘ જ ન આવી …” મનહરભાઈ કંઈ બોલ્યા નહિ એટલે એમણે આગળ ચલાવ્યું. “કારણ વગર  જીવને કચવાટ થતો હોય એવું લાગે છે…”

     મનહરભાઈએ ઊંડો શ્વાસ લઈને કહ્યું. “ઋતુ બદલાઈ રહી છે. એટલે એવું લાગે. થોડીવાર સૂઈ રહે. ત્યાં સુધીમાં હું પરવારું ..”

    પરંતુ વિનોદિનીબહેન તો બેઠાં થઈ ગયાં. એમના ક્રમ મુજબ ભગવાનના તાકા પાસે જઈને વંદના કરી અને તરત રસોડામાં પહોંચી ગયાં. મનહરભાઈને બ્રશ કર્યા પછી તરત જ ચા જોઇશે એ તેઓ જાણતાં હતાં. મનહરભાઈએ પણ એમના વણલખ્યા નિયમ મુજબ “અંકુશ” ફિલ્મના ગીતની કેસેટ મૂકી. બ્રશ કરતાં અને પછી ચા પીતાં પીતાં કેસેટ સાંભળવાનો એમનો નિત્ય ક્રમ હતો. “ઇતની શક્તિ હમેં દેના દાતા. મન કા વિશ્વાસ કમજોર હો ના”

 ચા પીવાઈ ગઈ અને ગીત પૂરું થયું એટલે એમણે ઊભા થઇને ટેપ રેકોર્ડ બંધ કર્યું અને વિનોદિનીબહેનને કહ્યું , “ઝડપથી નાસ્તાની તૈયારી કરજે. આજે મારે એકાદ કલાક વહેલા નીકળવું છે. રાત્રે આવતાં પણ કદાચ થોડું મોડું થશે. એવું હશે તો ફોન કરીશ.”

 “કેમ? વહેલા કેમ જવું છે?”

  “અરે ભાઇ, એક નવી ડિઝાઇનની પ્રોડક્ટ લોન્ચ કરીએ છીએ. એના વિષે આજે આખો દિવસ ચર્ચા ચાલવાની છે અને કાલે ય ચાલશે.”

       મનહરભાઈ ટોર્ચ બનાવતી એક ફેક્ટરીમાં સુપરવાઇઝર તરીકે જોડાયા પછી દસ વર્ષમાં મેનેજર બની ગયા હતા. એમના શેઠ સિંધી હતા. પણ જમાનાના ખાધેલા હતા અને પરંપરાગત સ્વભાવથી વિરુદ્ધ ખૂબ જ ઉદાર અને સમજદાર હતા. એમને મનહરભાઈ માટે ખૂબ પ્રેમ હતો. લગભગ બે વર્ષ પહેલાં તેઓએ પોતાની ફેક્ટરીનું લોઅર પરેલથી નવી મુંબઇ સ્થળાંતર કર્યું હતું. મનહરભાઈને પહેલાં વિલેપાર્લેથી લોઅર-પરેલ જવાનું સરળ હતું. પરંતુ હવે થોડું તકલીફવાળું બની ગયું હતું. એમાંય દોઢેક મહિના પહેલાં મનહરભાઈને હ્રદયની તકલીફ થઈ એ પછી તો એ ખૂબ ઝડપથી થાકી જતા હતા.

    ક્યારેક વિનોદિનીબહેન એમને કહેતાં પણ ખરાં, “આપણે કોના માટે કમાવવાનું છે? એકની એક દીકરી છે અને એય એને ઘેર સુખી છે. રાજકુમાર જેવો જમાઈ મળ્યો છે. આપણી મનીષાને જરાય દુઃખ પડવા દે એમ નથી. હવે તમે નોકરી છોડી દો અને ઘેર બેસીને જેટલું થાય એટલું નાનું મોટું કામ કરો!”

   પરંતુ મનહરભાઈ ગમે તેમ કરીને વાતને ઉડાવી દેતા. એમના મનમાં હતું કે શરીર ચાલે ત્યાં સુધી પ્રવૃત્તિ તો કરવી જ જોઈએ. વળી કોઈ ખાનાર નથી તો કોઈ ખવડાવનાર પણ નથી. એમની પાસે બહુ પૈસા પણ નથી. થોડા ઘણાં ભેગા કર્યા હતા એ મનીષાનાં લગ્ન પાછળ ખર્ચાઈ ગયા હતા. હાથ-પગ ચાલતાં અટકી જાય કે અચાનક કોઈક બીમારી આવે ત્યારે જ બચાવેલા પૈસા કામ લાગે. એટલી બચત ભેગી કરવા માટે પણ હજુ આઠ-દસ વર્ષ કામ કરવું જોઈએ. હજુ ઉંમર પણ ક્યાં થઈ છે. આવતા વર્ષે પચાસમું વર્ષ બેસશે.

     વિનોદિનીબહેન ઝટપટ નાસ્તો બનાવવામાં લાગી ગયાં અને મનહરભાઈ ન્હાવા ગયા, એટલામાં ફોનની ઘંટડી વાગી. વિનોદિનીબહેને ફોન લીધો, સામેથી મનહરભાઇના મિત્ર પિનાકીનભાઇ બોલતા હતા. એમણે કહ્યું , “ભાભી, હું વડોદરાથી પિનાકીન બોલું છું. મનહરને આપોને!”

     વિનોદિનીબહેનને સહેજ નવાઈ લાગી. પિનાકીનભાઇએ “કેમ છો” પણ પૂછ્યું નહિ. એમનો અવાજ પણ બદલાયેલો હોય એવું લાગ્યું. વિનોદિનીબહેને કહ્યું, “કેમ છો ભાઈ? અત્યારે સવાર સવારમાં મિત્ર કેમ યાદ આવ્યો?”

      “તમે પહેલાં મનહરને ફોન આપો ને!”

     વિનોદિનીબહેનને કંઇ સમજાયું નહિ. છતાં એમણે જવાબ આપ્યો, “એ ન્હાવા ગયા છે. નીકળે એટલે ફોન કરાવું?”

   “ના, હું જ દસેક મિનિટ રહીને ફોન કરું છું!”

   “આજે એ વહેલા નીકળવાના છે. તમે ફોન ના કરતા. નીકળે એટલે એ જ ફોન કરશે.”

   “ના, ના, હું જ ફોન કરું છું. અને એને કહેજો કે મારો ફોન ન આવે ત્યાં સુધી એ નીકળે નહિ.”

   “પણ, વાત શું છે એ તો …” વિનોદિનીબહેને વાક્ય પૂરું કરે એ પહેલાં જ પિનાકીનભાઈએ ફોન મૂકી દીધો.

અણધારી આફત હિંમતવાન વ્યક્તિને પણ હચમચાવી મૂકે છે.
અણધારી આફત હિંમતવાન વ્યક્તિને પણ હચમચાવી મૂકે છે.

    પાછાં એ રસોડામાં જતાં રહ્યાં. પિનાકીનભાઈએ આવું કેમ કર્યું હશે એ જ એમને સમજાતું નહોતું. મનીષા કે ઉદયની કંઈ વાત હશે? એવું હોય તો પિનાકીનભાઈ કહ્યા વિના રહે નહિ. તો પછી શું હશે? આમ તો એ રાત્રે જ ફોન કરતા હોય છે. આજે સવાર સવારમાં ફોન કર્યો તો કંઈક કારણ તો હશે. વાત વાતમાં એમને મનીષા અને ઉદયના સમાચાર ન પૂછ્યા એ વાતનો પણ વિનોદિનીબહેનને વસવસો થતો હતો.

     એમના મનમાં આવી ગડભાંજ ચાલતી હતી ત્યાં મનહરભાઈ નાહીને નીકળ્યા. વિનોદિનીબહેને એમને પિનાકીનભાઇના ફોનની વાત કરી અને પોતાની લાગણી પણ વ્યક્ત કરી. મનહરભાઈએ કહ્યું, “લાવ, હું જ ફોન કરું…”

    વિનોદિનીબહેને તરત જ કહ્યું , “એમણે ના પાડી છે. એ જ ફોન કરે છે. અને ખાસ કહ્યું છે કે એમનો ફોન ન આવે ત્યાં સુધી તમે નીકળતા નહીં.”

     “કદાચ બહારથી ફોન કરતો હશે… હમણાં એનો ફોન આવશે જ.” મનહરભાઈએ સાહજિકતાથી કહ્યું.

      “એવું તે શું હશે કે એમણે મને પણ વાત ન કરી?” વિનોદિનીબહેનને હજુય આ વાત ખટકતી હતી.

     મનહરભાઈ તૈયાર થતાં થતાં બોલ્યા, “તને તો ખબર છે ને પિનાકીનનો સ્વભાવ? એને નજીવી વાતને પણ ગંભીર બનાવી દેવાની અને રજનું ગજ કરી નાંખવાની ટેવ છે. હમણાં ફોન આવશે એટલે ખબર .”

     મનહરભાઈ તૈયાર થઈને નાસ્તો કરવા બેઠા. વિનોદિનીબહેનનું મન તો પિનાકીનભાઇના ફોનમાં જ અટક્યું હતું. એથી એમણે કહ્યું. “હજુ પિનાકીનભાઇનો ફોન ન આવ્યો…”

     “એને ખબર છે કે હું નાસ્તો કરવા બેઠો છું અને મારે નાસ્તો કરતાં કરતાં અધવચ્ચે ઊઠવું ન પડે એટલે જ હું નાસ્તો કરી લઉં એ પછી ફોન કરશે.” મનહરભાઈએ મજાકના સ્વરમાં કહ્યું .

     “જોઈ તમારી ભાઈબંધી! તમે ન્હાવા બેઠા હતા એની ક્યાં એમને ખબર પડી હતી?” વિનોદિનીબહેને છણકાના સૂરમાં કહ્યું.

     મનહરભાઈ જેવા નાસ્તો કરીને ઊભા થયા કે તરત જ ફોનની રીંગ વાગી. મનહરભાઈએ ફોન ઉપાડ્યો, “હલ્લો, મનહર! હું પિનાકીન! જો સાંભળ, મનીષા અને ઉદયને ઠીક નથી. તું હમણાં ને હમણાં ટૅક્સી કરીને આવી જા. ભાભીને પણ સાથે લેતો આવજે.”

      વિનોદિનીબહેન પાસે આવીને ઊભાં રહી ગયાં હતાં અને વાતને સમજવાની કોશિશ કરી રહ્યાં હતાં. મનહરભાઈએ સામું પૂછ્યું, “ઠીક નથી એટલે શું? મનીષા અને ઉદયકુમારને કંઈ થયું છે? એ બંને કેમ છે? તું માંડીને વાત કર!” મનહરભાઇનો હાથ અનાયાસ જ પોતાની છાતી પર મૂકાઈ ગયો. વિનોદિનીબહેન જોરથી બોલી પડયાં, “મારી મનીષાને અને ઉદયકુમારને શું થયું છે?” એ તો આટલું કહેતાંમાં જ રડમસ થઈ ગયાં.

      પિનાકીનભાઇએ વિનોદિનીબહેનનો અવાજ સાંભળ્યો હતો. સહેજવાર ખચકાઈને એ બોલ્યા, “હું બહારથી બોલું છું અને અત્યારે વિગતે વાત કરી શકું તેમ નથી. તું ઝટપટ આવી જા.” આટલું કહીને એમણે ફોન મૂકી દીધો.

     જેવો મનહરભાઇએ ફોન મૂક્યો કે તરત વિનોદિનીબહેન છૂટા મોંએ રડી પડયાં. મનહરભાઇએ એમને શાંત પાડતાં કહ્યું. “જો, વાત શું છે એ આપણે બરાબર જાણતાં નથી. બંને સ્કૂટર પર નીકળ્યાં હોય, અકસ્માત થયો હોય અને બંનેને હૉસ્પિટલમાં દાખલ કર્યા હોય અથવા બંને એકાએક બીમાર પડી ગયાં હોય એવું બને. પિનાકીનનો સ્વભાવ જ એવો છે કે એ ફોડ પાડીને વાત નહિ કરે. તું શાંતિ રાખ. હું વધારે વિગત મેળવવાનો પ્રયાસ કરું છું.”

     વિનોદિનીબહેન સહેજ સ્વસ્થ થયાં એટલે મનહરભાઇએ પહેલું કામ એમના શેઠ નાગપાલસાહેબને ફોન કરવાનું કર્યું. એમણે ટૂંકમાં વાત જણાવી અને કદાચ તાત્કાલિક વડોદરા જવું પડે અને કદાચ ત્યાં બે – ચાર દિવસ રોકાઇ જવું પડે એ પણ જણાવ્યું. એ પછી ડાયરી ખોલીને ઉદયના મિત્ર નયનનો ફોન નંબર કાઢ્યો. નયનને ત્યાં ફોન લગાવ્યો તો એના પપ્પાએ ફોન લીધો અને જણાવ્યું કે સવારે ચારેક વાગ્યે એના કોઇક મિત્રનો ફોન આવ્યો હતો અને એ કશું કહ્યા વગર જ નીકળી ગયો છે. એ ક્યાં ગયો છે અને ક્યારે પાછો આવવાનો છે એ વિશે કશું જ કહ્યું નથી. જતાં જતાં બહુ પૂછ્યું તો એણે એટલું જ કહ્યું કે મારા ફ્રેન્ડનો પ્રોબ્લેમ છે એટલે જાઉં છું અને આવીને વાત કરીશ.

     કેવી રીતે વાતનો તાગ મેળવવો એની મૂંઝવણ હવે મનહરભાઈને વધી રહી હતી. એમને પિનાકીનભાઈ પર ગુસ્સો પણ આવતો હતો. એ મનોમન બોલી રહ્યા હતા. બધી જ વાતો પર રહસ્યનાં આવરણ ચડાવે છે. ફોડ પાડીને વાત પણ કરતો નથી. પછી થયું કે, કદાચ એની વાત સાચી હોય કે બહારથી બોલતો હોવાથી એવી વાત હોય કે એ ફોડ પાડીને કહી શકતા ન હોય, તો એણે ઘેર જઈને ફોન કરવો જોઈએ. મનહરભાઈએ કંઈક વિચાર કરીને પિનાકીનભાઈના ઘરનો નંબર લગાવ્યો. પરંતુ ત્યાં રીંગ જ વાગતી હતી અને કોઇ ફોન ઉપાડતું નહોતું.

      મનહરભાઈને ઘડીભર માટે તો શું કરવું એ જ સમજાતું નહોતું. દરમ્યાન વિનોદિનીબહેને તો બંનેના ચાર-ચાર જોડી કપડાં મૂકીને બેગ પણ તૈયાર કરી દીધી હતી. એક ડબ્બામાં બે દિવસ પહેલાં બનાવેલી સુખડી પણ દીકરી-જમાઈ માટે લઈ લીધી હતી. એમણે તો મનોમન તાત્કાલિક વડોદરા પહોંચી જવાનો નિર્ધાર જ કરી લીધો હતો. મનહરભાઈના મનમાં ઊંડે ઊંડે એમ થતું હતું કે જો ટાળી શકાય એવું કારણ હોય તો આજનો એમનો ઑફિસનો મામલો પણ સચવાઈ જાય.

     એમના મનમાં ચાલતી ગડમથલનો કોઇ છેડો આવે એ પહેલાં જ ફોનની ઘંટડી વાગી. મનહરભાઇએ તરત જ ફોન ઉપાડયો. સામેથી ઉદયનો મિત્ર નયન બોલતો હતો, “મનહરકાકા, હું નયન બોલું છું. ઉદયનો ફ્રેન્ડ. ઉદય … અને પિનુકાકા કહે છે કે તમે હજુ સુધી કેમ નીકળ્યા નથી. પિનુકાકા કહે છે કે હવે એક પણ મિનિટ બગાડ્યા વિના તમે નીકળી જાવ …” અને નયને પણ ફોન તરત મૂકી દીધો. મનહરભાઇ એને પૂછવા માગતા હતા … પણ … મનહરભાઈને ગુસ્સો આવી ગયો. ખરા માણસો છે. કોઈ ફોડ પાડીને વાત પણ કરતું નથી. વાત કરે તો કંઈક સમજણ પડે અને કશુંક જરૂરી હોય તો અહીંથી લઈ પણ જવાય. બધા જ ઇડિયટ છે, ઇડિયટ !

      પરંતુ નયનનો આવો ફોન આવ્યા પછી મનહરભાઈને પણ લાગ્યું કે હવે વિલંબ કર્યા વિના નીકળી જવું જોઇએ. બહાર નીકળીને પાર્લા સ્ટેશને આવ્યાં અને રિક્ષામાંથી ઊતર્યાં ત્યાં જ એમની નજર એમના ઓળખીતા ટૅક્સીવાળા સિરાજભાઈ પર પડી. મનહરભાઈએ ઈશારાથી સિરાજભાઈને બોલાવીને વડોદરા જવાની વાત કરી. સિરાજભાઈએ કહ્યું , “મારી બેબી બીમાર છે, એટલે મારાથી તો અવાય એમ નથી. પણ હું તમને બીજી ટૅક્સી કરી આપું .” સિરાજભાઇએ બીજા એક-બે ટૅક્સીવાળા સાથે વાત કરવા ગયા એ પાંચ મિનિટ મનહરભાઈને અને ખાસ કરીને તો વિનોદિનીબહેનને પાંચ યુગ જેવી લાગી. સિરાજભાઇ  એક ટૅક્સીવાળા યુવાનને લઈ આવ્યા અને મનહરભાઈને કહ્યું , ” આ કાદરબખ્શ છે – નન્નુ- મારો ચચેરો ભાઇ છે. એ તમારી સાથે આવશે…”

       મનહરભાઈ અને વિનોદિનીબહેન નન્નુની ટૅક્સીમાં ગોઠવાઈ ગયાં. વિનોદિનીબહેન બેસતાં જ બોલ્યા, “ભાઇ, તું અમને જલ્દી વડોદરા પહોંચાડજે.”

      નન્નુની ટૅક્સી નવી જ હતી અને એ ડ્રાઇવિંગ પણ ફિલ્મી સ્ટાઇલથી કરતો હતો. એક-બે વાર તો એવું લાગ્યું કે હમણાં અકસ્માત થશે. પરંતુ નન્નુનો સ્ટિયરીંગ પરનો કાબૂ અદ્ભુત હતો. હાઇવે પર આવ્યા પછી નન્નુએ એક પેટ્રોલ પમ્પ પર ડિઝલ પુરાવવા માટે ગાડી ઊભી રાખી. મનહરભાઈએ એને ડિઝલ પુરાવવા પ૦૦ રૂપિયા આપ્યા અને પોતે નજીકના એસ.ટી.ડી. બૂથમાં પહોંચી ગયા. દોઢ મહિના પહેલાં મનીષા અને ઉદય એમની ખબર જોવા આવ્યાં ત્યારે એક ટેલિફોન નંબર આપતાં ગયાં હતાં. એમના ફલૅટમાં ભોંયતળિયે રહેતા એક બંગાળીનો એ નંબર હતો. મનીષાએ કહ્યું હતું કે, એ બંગાળી કુટુંબ સાથે માત્ર ઔપચારિક સંબંધ હોવાથી કોઇક વાર ઇમરજન્સી હોય તો જ ફોન કરવો. મનહરભાઈને એ યાદ આવ્યું. મનીષાએ ડાયરીના પૂંઠા ઉપર એ નંબર લખ્યો હતો. અચાનક નજરે ચડેલો એ નંબર પણ અજમાવી જોવાનું મનહરભાઇએ નક્કી કર્યું. ટૅક્સી ડિઝલ લેવા ઊભી રહી એટલે એમણે એ તકનો લાભ લીધો.

       થોડીવાર સુધી રીંગ વાગી, પણ કોઈએ ફોન ઉપાડયો નહીં અને લાઈન એની મેળે જ કપાઈ ગઈ. મનહરભાઈએ ફરી પ્રયત્ન કરી જોયો. આ વખતે પણ કોઈએ ફોન ઉપાડયો નહિ. ખાસ્સીવાર સુધી રીંગ વાગતી રહી અને લાઇન કટ થવાની તૈયારીમાં હતી ત્યાં સામેથી કોઇક મહિલાનો અવાજ આવ્યો, “હેલ્લો, કોન ચાઇયે?”

       મનહરભાઈએ કહ્યું, “મેં ઉપર કે ફૂલૅટ મેં જો મનીષા ઔર ઉદય રહેતે હૈ ન…. મૈં મનીષા કા પપ્પા બોલતા હૂં… મુંબઈ સે, જરા “ મનીષા કો….”

     “ મનીષા કા પપ્પા? ઉદય તો … ” અને એ મહિલા બોલતાં અટકી ગયાં. મનહરભાઇએ બે-ત્રણ વાર “હલ્લો-હલ્લો” કર્યું ત્યાં સામેથી કોઇક પુરુષ અવાજ આવ્યો. “મનીષા કા  પપ્પા… તુમ અભી નિકલા નહીં… જલ્દી નિકલો ઔર બડૌદા આઓ …”

      મનહરભાઇએ પૂછયું. “લેકિન બાત ક્યા હૈ? મુઝે  કુછ તો બતાવો …”

      “કુછ બતાને કા નહીં. તુમ જલ્દી આ જાઓ” કહીને એણે ફૉન મૂકી દીધો.

       મનહરભાઈને એ અજાણ્યા પુરુષ પ્રત્યે એકદમ ગુસ્સો આવી ગયો. બધાંએ ભેગા મળીને એમની સામે જાણે કાવતરું કર્યું હોય એવી એમને લાગણી થઈ. મનહરભાઈ ધૂંઆપૂંઆ થતાં ટૅક્સીમાં આવીને બેઠા. હવે એમણે આ વાત વિનોદિનીબહેનને નહિ કહેવાનું જ ઉચિત માન્યું.

       ઘડિયાળમાં જોયું તો પોણા દસ વાગવા આવ્યા હતા. એમનું મન વિચારે ચડયું. એમને થયું કે પિનાકીનભાઈ પર એ ખોટા ગુસ્સે થયા હતા. બધા એક જ વાત કહેતા હતા. “તમે જલ્દી આવો.” એક ક્ષણ તો એમને કંઈક અમંગળ બન્યું હોવાની શંકા પણ સળવળી ગઇ. પરંતુ એમણે તરત જ એવા વિચારને ખંખેરી નાખ્યો. એમને વિચાર આવ્યો કે મનીષા એમની દીકરી છે અને બધી જ રીતે હોશિયાર છે, પરંતુ એનો સ્વભાવ ખૂબ અભિમાની અને અહંકારી છે. જરૂર કોઈક વાતે ઉદય સાથે એને ઝઘડો થયો હશે. ઝઘડો મોટો હશે એટલે જ પિનાકીને મને બોલાવ્યો હશે. પિનાકીને પ્રયત્ન કર્યો હશે અને મનીષા નહિ માની હોય એટલે જ એણે છેવટે મને બોલાવ્યો હશે. મનીષા પિનાકીનનું પણ માન ન રાખે એ તો ન જ ચાલે. પિનાકીન મારો બાળપણનો દોસ્ત છે. એણે જ મનીષાનું ઉદય સાથે સગપણ કરાવી આપ્યું હતું અને મેં મનીષાને વિદાય કરતી વખતે કહ્યું હતું કે, બેટા, પપ્પા તો દૂર છે. આ પિનુકાકા જ તારા પપ્પા છે. એ તારું ધ્યાન રાખશે અને તારે એમનું ધ્યાન રાખવાનું છે. આટલી વાત ભૂલતી નહિ.”

       મનહરભાઈને એ પણ યાદ આવ્યું કે, ઉદયને એક મોટોભાઇ અને એક બહેન છે. મોટોભાઇ પરણેલો છે અને ડભોઇમાં શિક્ષક છે. ઉદયની ઇચ્છા એની બહેનને વડોદરા કૉલેજ કરવા માટે લાવવાની હતી. નક્કી આ જ વાતે બંને વચ્ચે અંટસ પડયું હોવું જોઇએ. મનીષાએ પણ સમજવું જોઇએ કે પતિની જવાબદારી એ પોતાની જવાબદારી જ છે. ઊલટું એણે તો હોંશે હોંશે પોતાની નણંદને પોતાને ત્યાં રાખીને ભણાવવી જોઈએ. ઉદયના માતા-પિતા હયાત નથી, પણ જો હયાત હોય તો મનીષાએ એમની પણ સેવા-ચાકરી કરવા જોઇએ.

      મનહરભાઈ આવું બધું વિચારતા હતા ત્યારે વિનોદિનીબહેન આખા રસ્તે ગુમસુમ બેઠાં રહ્યાં હતાં. મનમાં ને મનમાં એ ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં હતાં. લગભગ  પોણા-બે થવા આવ્યા હતા. નન્નુએ હાઇવે પરની એક હોટેલ પાસે ટૅક્સી ઊભી રાખી. એણે મનહરભાઈને સંબોધીને કહ્યું, “સુબે સે કુછ ખાયા નહીં… ઔર ગાડી ભી ગરમ હો ગઈ હૈ…. આપ ભી કુછ ખા લો…” એમ કહીને એણે ગાડીનું બોનેટ ખોલી નાખ્યું અને હોટેલ તરફ ચાલવા માંડયું. મનહરભાઇએ વિનોદિનીબહેનને કહ્યું. “તારે કંઈ ખાવું છે ? ચાલ, કંઇક ખાઇ લે. તેં પણ સવારથી કશું જ ખાધું નથી.”

       વિનોદિનીબહેન દબાતાં અવાજે બોલ્યાં. “મારે કંઇ ખાવું નથી. દીકરી-જમાઇનું મોં ન જોઉં ત્યાં સુધી હું અન્ન-જળ લેવાની નથી.”

        “આવું ગાંડપણ ન કરાય. કંઈક ખાવું તો જોઈએ જ! ખાધા વિના ટકી રહેવાય નહિ અને અન્ન જળ ત્યાગવાથી આફતો ટળી જતી હોત તો કોઈ ખાતું જ ન હોત.” મનહરભાઈએ પોતાનો તર્ક સમજાવવાની કોશિશ કરી.

     પરંતુ વિનોદિનીબહેન એમની વાત એમ સહેલાઈથી માનવાનાં નહોતાં. મનહરભાઈ હોટેલમાં ગયા અને બે સેન્ડવીચ બંધાવી આવ્યા. એમણે વિનોદિનીબહેન તરફ સેન્ડવીચ ધરી તો વિનોદિનીબહેને મોં ફેરવી લીધું.

     મનહરભાઈએ એમને સમ આપ્યા અને ફોસલાવ્યાં ત્યારે એ કંઈક અણગમા સાથે ખાવા તૈયાર થયાં. સેન્ડવીચના બે પીસ જેમ તેમ કરીને ગળાની નીચે ઉતાર્યા પછી એમણે કહ્યું. “બસ, હવે નહિ ખવાય …. ઊલટી થઇ જશે ….”

      અડધી સેન્ડવીચ એમણે બહાર ફેંકી દીધી. અચાનક એક ભિખારી જેવો છોકરો આવ્યો અને એ ફેંકી દીધેલી સેન્ડવીચ પરની ધૂળ ખંખેરીને ખાઈ ગયો. મનહરભાઇને એની દયા આવી. એમણે એ છોકરાને બોલાવીને બે રૂપિયા આપ્યા.

      એટલામાં નન્નુ આવી ગયો. મનહરભાઇએ એને પૂછ્યું , “મૈં તો ભૂલ ગયા…નાસ્તા કા કિતના પૈસા હુઆ?”

    નન્નુએ જવાબ આપ્યો, ફિકર નઈ સા’બ! તુમને ડિઝલ કા પ૦૦ રૂપિયા દિયા હૈ ન? હમને ૪૦૦ કા ડિઝલ લિયા ઔર ૧૦૦ જમા રહા. બાદ મેં હિસાબ દેખ લેના.”

        મનહરભાઇ કંઇ બોલ્યા નહિ. ગાડી પાછી હાઈવે પર પૂરપાટ દોડવા લાગી. સાંજે લગભગ  સાત વાગવા આવ્યા હશે ત્યારે મનહરભાઇએ નન્નુને પૂછયું. “કિતને બજે બડૌદા પહુંચેગે?”

      “યહી કોઈ નૌ બજે કે કરીબ… આજ હાઈવે પર ટ્રાફિક થોડા જ્યાદા હૈ ન!” નન્નુએ જવાબ આપ્યો.

     મનહરભાઈનું મન હવે વિચારોમાં અટવાયેલું હતું. મનીષા અને ઉદયના ચોક્કસ સમાચાર જાણવાની કોઈક તરકીબ હજુય એ શોધતા હતા. અચાનક એમને મન કંઈક સૂઝયું હોય એમ એમણે નન્નુને કહ્યું. “કોઇ એસ.ટી.ડી.પી.સી.ઓ. દિખે તો જરા રોકના …”

     થોડી વારમાં હાઈવે પરના એક એસ.ટી.ડી.પી.સી.ઓ. બૂથ પાસે ગાડી ઊભી રહી. મનહરભાઈએ પહેલાં પિનાકીનભાઇનો નંબર લગાવ્યો. પરંતુ “નો રિપ્લાય…” આવતો હતો. પછી એમણે મનીષાના ફ્લૅટવાળા પેલા બંગાળીનો નંબર લગાવ્યો. તરત જ ફોન ઉપડ્યો. સામેથી પૂછયું,, કૌન ચાહિયે?” મનહરભાઈએ કહ્યું , “મૈં યહીં સે બડૌદા સે બોલ રહા હૂં… ઉદય  કે સાથ કામ કરતા હૂં… ઉદય  કો યા ઉસકી વાઈફ કો કુછ હુઆ હૈ….?

      “તુમ્હારા નામ ક્યા હૈ?”

      “…સંજય… સંજય પટેલ.”  મનહરભાઈએ ખચકાટ સાથે કહ્યું.

      “સંજય, તુમ કો માલૂમ નહીં….આજ ….”અને આગળના શબ્દો સાંભળીને મનહરભાઈ ત્યાં જ થીજી ગયા. એમને આંખે અંધારાં આવી ગયાં અને છાતી બમણી ગતિથી ધબકવા લાગી. ચારે કોર જાણે આંધી આવી હોય એવું લાગ્યું. મનહરભાઈને એમ જ લાગ્યું કે, જાણે તેઓ હમણાં ઢગલો થઈને ઢળી પડશે!

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: