૧. સ્ટ્રેસ એટલે શું?

સ્ટ્રેસ. આ શબ્દ જ સ્ટ્રેસ જન્માવનારો છે. સ્ટ્રેસ એટલે માનસિક તનાવ અથવા તાણ. મૂળ તો આ ભૌતિક વિજ્ઞાનનો શબ્દ છે. ભૌતિક વિજ્ઞાનમાં પદાર્થના અને ખાસ તો પ્રવાહીના પટના ખેંચાણ માટે આ શબ્દ વપરાય છે. દાખલા તરીકે પાણીની સપાટી પર હળવે રહીને ટાંકણી આડી મૂકી દેવામાં આવે તો તે પાણીમાં ડૂબી જવાને બદલે પાણી પર તર્યા કરે છે. આવું પ્રવાહી પરના ખેંચાણ અથવા સ્ટ્રેસને કારણે થાય છે, પરંતુ આજકાલ આ શબ્દએ જુદો જ સંદર્ભ ધારણ કર્યો છે. આ શબ્દ સવિશેષ માનસિક તાણના સંદર્ભમાં વપરાય છે.

         આજથી લગભગ પંચોતેર વર્ષ પહેલાં અમેરિકન ટી.વી. પર એક જાહેરાત આવી હતી. આ જાહેરાતમાં એક ગૃહિણીને ઘરના કામકાજ અને જવાબદારીઓથી અકળાયેલી બતાવવામાં આવી હતી. નાનાં બાળક સાચવવાં, પતિની દેખરેખ રાખવી, રસોઈ કરવી, બાળકોની સારસંભાળ રાખવી તથા ઘરની અન્ય જવાબદારી પાર પાડવી એ બધું એના માટે માથાના દુખાવા જેવું બની ગયું હતું. આ ગૃહિણીને એનાસિન જેવી એક ગોળી બતાવીને સ્ટ્રેસમાંથી છુટકારો મળતો બતાવાયો હતો.  લગભગ ત્યારથી સ્ટ્રેસ શબ્દ અસ્તિત્વમાં આવ્યો હતો, ધીમે ધીમે આ શબ્દ ચલણી બની ગયો. આજે તો વાસ્તવિક રીતે પણ એવી  છે પરિસ્થિતિ છે કે ભાગ્યે જ કોઈ વ્યક્તિ સ્ટ્રેસના અનુભવમાંથી બાકાત હોય.

         અમેરિકન મનોવિજ્ઞાની જેમ્સ સી. કોલમેને વીસમી સદીને ચિંતાની સદી તરીકે ઓળખાવી છે. હવે તો એકવીસમી સદી આવી ગઈ છે. સરેરાશ માણસ માટે આ એક વસમી સદી બની ગઈ છે. એકવીસમી સદીમાં ચિંતાનો ગુણાકાર થયો છે. સુખસગવડ અને વૈભવની સુવિધાઓ વધી છે. પરંતુ એની સાથે એટલી જ સમસ્યાઓ પણ વધી છે. ચારે તરફ સ્પર્ધાનું વાતાવરણ જામ્યું છે. લગભગ બધા જ માણસોને સ્પર્ધામાં ટકી રહેવા માટે ભારે સંઘર્ષ વેઠવો પડે છે. વળી માણસ મૂળભૂત રીતે અસંતોષી અને મહત્ત્વાકાંક્ષી પ્રાણી છે. કોઈપણ મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા માટે જબરજસ્ત મથામણ કરવી પડે છે. આ પ્રક્રિયામાં એણે ચિત્રવિચિત્ર સ્વભાવ ધરાવતા અનેક માણસોના સંપર્કમાં આવવું પડે છે. ડગલે ને પગલે એણે જાતજાતનાં સમાધાનો કરવો પડે છે. આવી બધી જ બાબતો સ્ટ્રેસ જન્માવે છે.

          સ્ટ્રેસનો અનુભવ થાય ત્યારે સામાન્ય રીતે અકળામણ અનુભવાતી હોય છે અને મગજમાં જાણે ધમ ધમ થતું હોય એવું લાગે છે. શરીરના સ્નાયુ તંગ બની જાય છે. હૃદયના ધબકારા વધી જાય છે અને શ્વાસોશ્વાસની ગતિ ઝડપી તથા છીછરી બની જાય છે. એ વખતે કોઈ કામ કરવાનું મન થતું નથી. કોઈ વાત કરે તો ગમતું નથી. ક્યારેક રૂમ બંધ કરીને એકલા બેસી જવાનું મન થાય છે. ઘણીવાર આપણે બહુ જ કામ કરવાનું હોય અને આપણી પાસે સમય ઓછો છે એમ લાગે ત્યારે એક પ્રકારની મૂંઝવણ, અકળામણ અને હતાશા ઘેરી વળે છે. દિવસ દરમ્યાન કોઈ ખાસ દેખીતો શારીરિક શ્રમ ન કર્યો હોય તો પણ ખૂબ જ થાકી ગયા હોઈએ કે કંટાળી ગયા હોઈએ એવો અનુભવ થાય છે. ઘરમાં કોઈની સાથે વાત કરતાં કે બાળકો સાથે રમત કરતાં પણ ગુસ્સો આવે છે.

         આ રીતે જોઈએ તો ક્યારેક અતિશય આળસુ અથવા અતિશય કામગરી વ્યક્તિ પણ સ્ટ્રેસનો ભોગ બને છે. આવે વખતે કંઈ જ સમજાતું નથી. કેટલાક લોકો સિગારેટ ફૂંકવા મંડી પડે છે, તો કેટલાક દારૂનો પણ આશરો લે છે. બીજી બાજુ કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ સ્ટ્રેસ ન હોય તો કશું જ કામ કરી  શકતા નથી. સ્ટ્રેસ એમના માટે એક અનિવાર્ય બાબત બની જતી હોય છે. આ જ કારણે કેટલાક લોકો સ્ટ્રેસનો અનુભવ થતો હોવા છતાં એનો ઝટ સ્વીકાર કરતા નથી. એ દૃષ્ટિએ જોઈએ તો આવા લોકો માટે સ્ટ્રેસ પ્રોત્સાહક બને છે. ઘણા માણસો એવા પણ હોય છે જેમને કોઈ પણ કામ માટે ટૂંકી સમયમર્યાદા આપવામાં આવી હોય તો જ સારી રીતે કામ પાર પાડી શકે છે, આ જ માણસોને નિરાંતે કામ કરવાનું હોય તો તેઓ ન્યાય આપી શકતા નથી. વળી કેટલાંક માણસોને તેઓ કેટલા બધા સ્ટ્રેસ હેઠળ જીવે છે એ બતાવવાનો શોખ હોય છે. તેઓ હંમેશાં વ્યસ્ત હોય એવો જ દેખાવ કરે છે. તેઓ પૂરતી ઊંઘ પણ લેતા નથી. આ રીતે તેઓ પોતાનું મહત્ત્વ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ સાચી વાત એ છે કે આવો દેખાવ કરનારા લોકો બિનકાર્યક્ષમ જ સાબિત થતા હોય છે.

       સ્ટ્રેસ પેદા થાય એ પછી એનું નિવારણ કરવું જરૂરી બને છે. પરંતુ એ પહેલાં કેવા સંજોગોમાં સ્ટ્રેસ પેદા થાય છે એ સમજી લેવું જોઈએ. આપણે ખરેખર માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છીએ કે નહીં એ જાણવું જોઈએ. સ્ટ્રેસનો સાચેસાચ અનુભવ થતો હોય તો તેની આપણા પર કેવી અસર થાય છે તે પણ જાણી લેવું જોઈએ. આ અંગે વિગતે વાત કરતાં પહેલાં એટલું સમજી લેવાની ખાસ જરૂર છે કે મોટેભાગે તો આપણા જીવનમાં બનતી વિવિધ ઘટનાઓ તરફનો આપણો અભિગમ અને આપણાં વલણો જ સ્ટ્રેસ પેદા કરવામાં વિશેષ ભાગ ભજવે છે.

           સ્ટ્રેસના નિવારણ અંગે આજે તો પુષ્કળ સંશોધનો થઈ રહ્યાં છે. વિદેશોમાં તો સ્ટ્રેસમાંથી મુક્ત થવા માટે વિવિધ દવાઓનું દર વર્ષે કરોડો ડૉલરનું બજાર છે. આમ છતાં સ્ટ્રેસ સાથે કામ પાડવાની અને સ્ટ્રેસ પેદા કરતાં પરિબળોનો સામનો કરવાની જુદી જુદી પદ્ધતિઓ લોકો અખત્યાર કરતા હોય છે. પરંતુ આમાંની મોટા ભાગની પદ્ધતિઓ અવૈજ્ઞાનિક હોવાથી લાંબા ગાળે તે નુકસાન કરે છે. દાખલા તરીકે સિગારેટ પીવી કે દારૂ પીવો એ કોઈ કારગત ઇલાજ નથી. ક્યારેક હળવા થવા માટે કરાતી હળવી કસરતોથી પણ લાભ થાય છે. પરંતુ એય પૂરેપૂરો ઇલાજ નથી, એનું કારણ એ છે કે આવી હળવી કસરતો પણ સ્ટ્રેસ પેદા કરનારાં કારણોને નાબૂદ કરતી નથી.

        એક જ ઉદાહરણ જોવા જેવું છે. ધારો કે તમે મીટિંગમાં બેઠા છો અને તમારી વાત ગંભીરતાપૂર્વક રજૂ કરી રહ્યા છો પરંતુ કોઈ તમારી વાત સ્વીકારતું નથી. તમને ગુસ્સો આવે છે. હતાશા જન્મે છે અને અકળામણ થાય છે. ધીમે ધીમે એમાં વધારો થતો જાય છે. તમારા સ્નાયુઓ તંગ થવા માંડે છે. આવે વખતે તમે કદાચ મીટિંગ છોડીને ચાલ્યા જાવ અને એકાંતમાં જઈને હળવો વ્યાયામ કરો તો તમે તત્કાળ તો સ્ટ્રેસમાંથી મુક્ત થઈ શકો છો. સ્નાયુઓ તંગ થતા નથી કે માથું દુઃખવાનો પણ અનુભવ થતો નથી. આ રીતે કદાચ તમે સ્ટ્રેસમાંથી તો મુક્ત થઈ જાવ છો. પરંતુ હવે વિચારવાનું એ રહે છે કે શું ખરેખર તમારી સમસ્યા હલ થઈ ગઈ છે ખરી?

         આનો જવાબ સ્પષ્ટ ના છે. હજુ તમે તમારી વાત તો બીજા લોકોને ગળે ઉતારી જ નથી. શક્ય છે કે તમારું પ્રત્યાયન નબળું હોય અને તમે તમારી વાત પૂરેપૂરી સમજાવી શક્યા ન હોય તેથી પણ આમ બન્યું હોય, કદાચ પૂરતા સમયના અભાવે તમે યોગ્ય ગૃહકાર્ય ન કર્યું હોય. તમને કદાચ ઊંડે ઊંડે એવી પણ લાગણી થાય કે તમે બહુ સારા વક્તા નથી. આમાંથી કયું કારણ કામ કરી રહ્યું છે તે શોધીને એનું નિવારણ કરવું પડે. જો દર વખતે તમે બીજા લોકો સામે નમી જ પડતા હો તો તમારી દશા પગલૂછણિયા જેવી થઈ જાય. તમે વારંવાર હળવાશ પ્રાપ્ત કરી લેતા હો તો તમારી હાલત હળવા પગલૂછણિયા જેવી થાય, પરંતુ તમારો મૂળ પ્રશ્ન તો જેમનો તેમ જ રહે.

          બીજી રીતે કહીએ તો સ્ટ્રેસને ઓળખી લેવાની અને એ માટેની જવાબદારી સ્વીકારવાની વાત વધુ મહત્ત્વની છે. આમ છતાં આપણો સમાજ મૂળભૂત રીતે એનાં વિશિષ્ટ વલણો દ્વારા સ્ટ્રેસ પેદા કરે છે. સમાજની વ્યક્તિ પાસેની અપેક્ષા પ્રમાણમાં ઘણી ઊંચી હોય છે. એને કારણે અંગત સંબંધોમાં પણ સ્ટ્રેસ પેદા કરનારાં પુષ્કળ પરિબળો હોય છે. કોઈ એક વ્યક્તિ ગમે તેટલી મથામણ કરે તો પણ બધા જ પ્રશ્નોને ઉકેલી શકે નહીં. એથી સ્ટ્રેસનો સામનો કરવામાં ખૂબ જ ધીરજની જરૂર પડે છે. આ માટે પ્રેરણા અને પ્રતિબદ્ધતા પણ એટલી જ જરૂરી છે.

       અહીં એક વાત સમજી લેવા જેવી છે. સ્ટ્રેસ કોઈ એક જ કારણને લઈને પેદા થતો નથી. એમાં પરિસ્થિતિ, વ્યક્તિ, વલણો, ટેવો વગેરે અનેક બાબતો વત્તે ઓછે અંશે સંયુક્ત રીતે ભાગ ભજવતી હોય છે. એવું પણ બને કે કોઈ એક જ બાબત કોઈક વ્યક્તિ માટે પુષ્કળ સ્ટ્રેસ જન્માવનારી બને, અને બીજી કોઈ વ્યક્તિ માટે જરા પણ સ્ટ્રેસ પેદા ન કરે, આગળ વધીને કહીએ તો સ્ટ્રેસના અનુભવ માટે વ્યક્તિ પોતે જવાબદાર હોય છે.

            એક ઉદાહરણ લઈએ. ધારો કે તમારે બરાબર નવ ત્રીસ વાગ્યે સ્ટેશને પહોંચીને ગાડી પકડવાની છે. તમારા ઘરથી સ્ટેશને પહોંચતાં રિક્ષામાં વીસ મિનિટ થાય છે. તમે બરાબર પચીસ મિનિટ પહેલાં ઘરેથી નીકળ્યા છો. રસ્તામાં પુલ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો છે. તમારી રિક્ષા આગળ પણ જઈ શકે તેમ નથી અને પાછળ પણ જઈ શકે તેમ નથી. હવે તમને લાગે છે કે તમે કદાચ સમયસર સ્ટેશને પહોંચીને ગાડી પકડી શકશો નહીં. આવે વખતે તમારા મનમાં કેવી કેવી લાગણીઓ જન્મે છે એની કલ્પના કરવા જેવી છે. શક્ય છે કે તમે ગુસ્સો કરશો. કયા કારણે ટ્રાફીક જામ થયો છે એ જાણ્યા વિના એ કારણ પર ગુસ્સો ઠાલવશો. ટ્રાફીકમાં વચ્ચે કોઈ બસ કે ટ્રક હશે તો તેના પર પણ ગુસ્સો કરશો. ટ્રાફીક પોલીસ પર પણ ગુસ્સો આવશે. તમને તમારી જાત પર પણ ગુસ્સો આવશે અને થશે કે થોડા વહેલા નીકળ્યા હોત તો સારું થાત. આવી અકળામણ દરમ્યાન તમને ખબર પડે કે આગળ રસ્તામાં અચાનક ખાડો પડી ગયો હોવાથી ટ્રાફીક જામ થયો છે. તો તમે મ્યુનિસિપલ કોર્પોરેશનને ગાળો આપશો. તમારા જવાના સમયે જ આવું બન્યું હોવાથી તમે કદાચ નસીબને અથવા ભગવાનને દોષ દેશો. દરમ્યાન તમારા ખભા ખેંચાશે અને હાથના સ્નાયુઓ પણ તંગ બનશે. તમે વારે ઘડીએ ઊંચાનીચા થશો. સતત તમારા દિમાગમાં સણકા વાગતા હોય એવો અનુભવ થશે. વારે ઘડીએ તમે ઘડિયાળ જોશો. પેટમાં કંઈક વિચિત્ર લાગણી અનુભવાશે.

આવે વખતે એટલું જ વિચારવું જરૂરી છે કે તમે કશું જ કરી શકો તેમ નથી. તમે એવી પરિસ્થિતિમાં મુકાયા છો કે જેનો કોઈ ઇલાજ નથી. તમારી પાસે સામાન પણ એટલો બધો છે કે ચાલીને પુલ પસાર કરી શકો તેમ નથી. આવા સંજોગોમાં ટ્રેન ચૂકી જ ગયા છો એ સ્વીકારી લઈને પછીની વૈકલ્પિક વ્યવસ્થાનો જ વિચાર કરવો પડે. જેટલો સમય રિક્ષામાં બેસી રહેવું પડે એટલો સમય તમે કોઈ ગીત ગણગણી શકો અથવા ટ્રેનને બદલે બસ પકડવી કે બીજી કોઈ વ્યવસ્થા કરવી એનો વિચાર કરી શકો. પરંતુ આ માટે સૌ પ્રથમ તો સ્ટ્રેસની પરિસ્થિતિ ન ઊભી થાય અને વાસ્તવિકતાનો સ્વીકાર થાય એ રીતે મનને કેળવવું પડે.

            લગભગ આ જ પ્રકારની પરિસ્થિતિ જીવનમાં વખતો વખત સર્જાતી હોય છે. પરંતુ દરેક વખતે કોઈ માણસની પ્રતિક્રિયાઓ એક સરખી હોતી નથી. વ્યક્તિના માનસિક સંજોગો તથા મૂડ પર ઘણો જ આધાર રહેતો હોય છે. આમ છતાં સ્ટ્રેસજન્ય પરિસ્થિતિ તરફનો વ્યક્તિનો અભિગમ સાતત્યપૂર્ણ રહેતો હોય છે.

          કેટલાક માણસો સતત તનાવગ્રસ્ત જોવા મળે છે. આવી પરિસ્થિતિ પોતાના તરફના અથવા બીજાઓ તરફના ગુસ્સાના કારણે સર્જાતી હોય છે. આથી આવા ગુસ્સાને સંતોષકારક રીતે મુક્ત કરવો જરૂરી બને છે. કેટલીક વાર ભયની લાગણી પણ કામ કરી જતી હોય છે. માણસના મનમાં આવે વખતે નકારાત્મક વિચારો ઘમસાણ મચાવી દે છે. કેટલાક માણસો સ્ટ્રેસ પેદા થાય ત્યારે વધુ તંગ બનીને કામ કરવા લાગે છે, પરિણામે સ્ટ્રેસમાં વધારો થાય છે.

             ક્યારેક કેટલાક માણસો પોતાના કાબૂ બહારની પરિસ્થિતિને કારણે સ્ટ્રેસનો અનુભવ કરતા હોય ત્યારે પોતાનો ગુસ્સો એવી જગ્યાએ ઠાલવે છે, જ્યાં એમનું પૂરેપૂરું નિયંત્રણ હોય, આવે વખતે તે પતિ કે પત્ની સાથે અકારણ ઝઘડો કરી બેસે છે. નાનાં બાળકો હોય તો તેમને વગર વાંકે ઝૂડી નાંખે છે. નોકર અથવા પટાવાળાને ખંખેરી નાખે છે. આવું થાય ત્યારે સરવાળે સમસ્યાઓ હળવી બનવાને બદલે વધુ ગંભીર બને છે. એક પ્રકારનું વિષચક્ર સર્જાય છે.

         એનો અર્થ એ થયો કે દરેક વ્યક્તિ પોતે કેવી રીતે વર્તે છે તથા પોતે તનાવગ્રસ્ત છે કે નહીં એ સ્વીકારે એ મહત્ત્વનું બને છે. વળી સ્ટ્રેસને કારણે અનુભવાતી સમસ્યાઓ જુદીજુદી હોય છે. કોઈક વ્યક્તિ સ્ટ્રેસમાં હોય ત્યારે આડેધડ અને અકરાંતિયાની જેમ ખાવા માંડે છે, તો કોઈકની ભૂખ સાવ મરી જાય છે. ઘણા લોકોની ઊંધ જતી રહે છે. કેટલાક સૂઈ તો શકે છે પરંતુ મધરાતે અચાનક જાગી જાય છે અને પછી ઊંઘ આવતી નથી. કેટલાક વળી કાયમ કરતાં વધુ કલાકો ઊંધ કાઢે છે. છતાં ઊંઘમાંથી ઊઠે છે ત્યારે થાકનો અનુભવ કરે છે. આમ સ્ટ્રેસનાં લક્ષણો બદલાય છે. એથી સ્ટ્રેસ છે કે નહીં એ નક્કી કરવું મહત્ત્વનું બને છે.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

2 comments

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: