૧. ‘સ્વ’ એટલે શું?

આપણને કોઈ પૂછે કે તમે કોણ છો? તો તરત આપણે આપણું નામ, ભણતર, વ્યવસાય, જ્ઞાતિ વગેરે વિશે જણાવીશું.  પણ શું આ જ આપણી ઓળખાણ છે? એક માણસની ઓળખાણ અહીં જ સમાપ્ત થઇ જતી નથી. બલ્કે નીચેના પ્રશ્નો તેની સાચી ઓળખાણ કરાવે છે.

એક કવિએ કહ્યું છે,

“નામ આપનું, બાપનું અને અટક

જરા! અટક!”

અહીંથી અટક્યા પછી જ અસલી ઓળખાણ શરૂ થાય છે.

હું કોણ છું ?
હું ક્યાંથી આવ્યો છું ?
મારે ક્યાં જવાનું છે ?
હું શું કરવા આવ્યો છું ?
હું શું કરી રહ્યો છું?

પોતાની ઓળખાણ માટે ઉપરોક્ત પ્રશ્નોના ઉત્તરો હોવા જરૂરી છે.

આમ તો સતત આપણે આપણા વ્યવહારોમાં જાત સાથે સંવાદ કરતાં જ હોઇએ છીએ. પણ અહીં આ પ્રકરણ અંતર્ગત આપણે સ્વ એટલે શું, તેનો અર્થ અને સંકલ્પના તેમજ તેના મનોવિજ્ઞાનિક અને દાર્શનિક દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરીશું.

સ્વ – અર્થ

આપણે જાણે અજાણ્યે સતત વિચારો અને લાગણીઓના પ્રવાહમાં જ રહેતા હોઇએ છીએ, અને આપણને આપણા હોવાનું ભાન પણ રોજબરોજ થતું જ રહેતું હોય છે. આપણે જેમ બીજી વસ્તુઓ, બાબતો કે બાહ્ય જગત વિશે વિચારતા  હોઇએ છીએ તેવી જ રીતે આપણે આપણી જાત વિશે પણ વિચારતા હોઇએ છીએ. અને આપણે આપણી જાત વિશે સભાન થતા હોઇએ છીએ. એ સંદર્ભમાં સ્વનો અર્થ તારવીએ તો.

  • “સ્વ એટલે પોતાની જાતને વિષયવસ્તુ બનાવતા વ્યક્તિના વિચારો કે લાગણીઓનો સમૂહ”
  • “Self refers to the totality of an individual’s conscious experiences, ideas, feelings with regard to herself or himself.”
  • “સ્વ એ વ્યક્તિના તેના/તેણીના પોતાના સભાન અનુભવો, વિચારો અને લાગણીઓના સમૂહ સાથે સંબંધિત છે.”
  • સ્વ આપણા અસ્તિત્વના અનુભવ પર રચાયેલું સંગઠિત બોધાત્મક માળખું છે, જે સમગ્ર પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે, જેમાં અંગત અનુભવોનું માનસિક નિરુપણ હોય છે.”
  • “The self is the organized cognitive structure built on our existential experiences, which is the center of all the activities in which personal experiences are described.”

અહીં વિષયવસ્તુ એટલે જેને વિશે વિચારીએ છીએ તે મુદ્દાઓ. હવે આપણે ઉપરોકત પ્રશ્નોના સંદર્ભમાં વિચારી તો જે જવાબો મળે તે સ્વ વિશેના વિચારો કે લાગણીઓના સંદર્ભમાં આપણને આપણા વિશે જ જાણકારી મળે. કેટલાક વ્યવહારુ ઉદાહરણો જોઇએ તો.

૧. હું દેખાવમાં સુંદર છું.

૨. હું શારીરિક શક્તિઓમાં નબળો/સબળો છું.

૩. હું લોકો સાથે સરળતાથી ભળી શકું છું.

૪. મને ક્યારેક અતડા રહેવાનું ગમે છે.

૫. મને ટી.વી. પર રિયાલિટી શૉ જોવા બહુ ગમે છે/ગમતા નથી.

૬. હું આનંદી સ્વભાવ ધરાવું છું.

૭. મને કોઇ ઊંચા અવાજે બોલે તો તરત ખોટું લાગી જાય છે.

૮. મને જૂના ફિલ્મી ગીતો સાંભળવા બહુ ગમે છે.

આમ, જ્યારે માણસ પોતાના સ્વભાવ કે ગમા અણગમા વિશે વાત કરે છે ત્યારે તે પોતાના સ્વ વિશે રજૂઆત કરે છે.  

હું, મને, મારું, મારાથી વગેરે શબ્દો બોલતી વખતે વ્યક્તિ પોતાના સ્વ વિશે વાત કરે છે. આ સ્વનો એક સામાન્ય અર્થ થયો કહેવાય.    

વ્યક્તિ બીજાઓ સાથે જે હોય છે તે અલગ છે, અને પોતાની જાત સાથે હોય છે તે અલગ છે. બીજાઓ સાથે તે સામાજિક પરિવેશમાં હોવાથી અલગ હોય છે. પણ તે વાસ્તવિક રીતે જે અનુભવે છે તે અલગ હોય છે. ‘હું બીજાઓ કરતાં અલગ વ્યક્તિત્વ ધરાવું છું’ એવી સભાનતાનો સમાવેશ થાય છે.

વ્યક્તિ જ્યારે આંતરનિરીક્ષણ કરે અને પોતાના સંદર્ભમાં જે વિચારે તે સમગ્ર વિચારો અને લાગણીઓનો સમગ્ર માળખાંનો એમાં સમાવેશ થાય છે. વાતાવરણમાંથી મળતા અનુભવોમાંથી તે અહીં માહિતીનું સંકલન કરે છે. અને તેની સાથે પોતાના વિશેના ખ્યાલો ઘડાય છે.

હવે આ સંદર્ભમાં સ્વ વિશે થોડા પ્રશ્નો વિચારીએ તો..

૧.મારે શું બનવું છે?

૨.મારે કેવા બનવું જોઇએ?

૩. હું કેવો બની શકીશ?

૪. હું ભૂતકાળમાં કેવો હતો?

૫. હું વર્તમાનકાળમાં કેવો છું?

૬. મારામાં ક્યા દોષો અને મર્યાદાઓ છે?

૭. મારામાં ક્યા ગુણો અને શક્તિઓ છે?

૮. હું અમૂક રીતે કેમ વર્તું છું?

૯. મને અમૂક વસ્તુ કેમ ગમે છે કે નથી ગમતી? વગેરે વગેરે.. 

શિક્ષણનું ધ્યેય વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવાનું છે, આ ધ્યેય તો અધૂરું જ રહે, જો શિક્ષક અને વિદ્યાર્થી પોતાના સ્વને ન ઓળખે. આ વિષય એ અર્થમાં એટલા માટે પ્રસ્તુત છે કે આનાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાના સ્વને સાચા અર્થમાં ઓળખી શકશે અને એકબીજાને સારી અને સાચી રીતે સમજી શકશે. એક સરસ પ્રવૃત્તિ કરીએ. અને સ્વની સમજને કાર્યાન્વિત કરીએ.

આપણે શાળા કક્ષાએ ‘ગાય’, ‘મારો પ્રિય નેતા’ વગેરે વિષયો પર નિબંધો લખ્યા હશે. આજે ‘હું’ વિશે દસ વાક્યો લખીએ.

કદાચ એવું બને કે મન ચકરાવે ચડી જાય અને કંઇ લખવાનું ન પણ સૂઝે, પણ આ પ્રવૃત્તિઓ કરવાથી સ્વની સમજ વિશેની દુનિયામાં એક અનુભવ થશે. કેમ કે આ સિદ્ધાંતનો નહીં પણ અનુભવ કરવાનો વિષય છે. સ્વાભાવિક રીતે પ્રત્યેક વિધાન ‘સ્વ’ સાથે સંકળાયેલું હોવું જોઇએ.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: