૨. જાતિ વિષયક ઓળખ

  • પ્રાસ્તાવિક
  • સામાજીકરણ- અર્થ
  • જાતિ વિષયક નિશ્ચિત ભૂમિકાઓનો ઉદ્‍ભવ
  • કુટુંબ
  • જ્ઞાતિ
  • ઉપસંહાર

પ્રાસ્તાવિક

જન્મ સમયે કોઇપણ બાળક તોફાની, જિદ્દી, હોંશિયાર, સહનશીલ, કાયર કે જુલ્મી નથી હોતો. તે સામાજિક કે અસામાજિક પણ ક્યાંથી હોઇ શકે? એ સમયે તે માત્ર જૈવીય ગુણો ધરાવતું માનવબાળ હોય છે. તેનો ઉછેર થતાં તે સામાજિક આંતરક્રિયામાં પ્રવેશતાં તે વાતાવરણ અનુસાર વર્તન કરવાનું શીખે છે. જીવનના આ અનુભવોને આધારે તે સામાજિક પરંપરાઓ, નિયમો અને ધોરણો વગેરે શીખે છે. તે સમાજની રૂઢિઓ અને નિયમો પ્રમાણે સમાજમાન્ય વર્તન કરતાં શીખી જાય છે. સમાજસ્વીકૃત વ્યવહાર શીખવાની આ પ્રક્રિયાને સામાજીકરણ કહે છે. આ પ્રકરણમાં આપણે સામાજીકરણ એટલે શું, જાતિ વિષયક વિભિન્ન ભૂમિકાઓનો ઉદ્‍ભવ કેવી રીતે થાય છે અને તેમાં કુટુંબ, જ્ઞાતિ, ધર્મ, સંસ્કૃતિ, શાળા તથા સમૂહ માધ્યમોની શી અસર છે તે વિશે અભ્યાસ કરીશું.

સામાજીકરણ– અર્થ

સામાજીકરણ બાળકના વિકાસમાં અસર કરતાં સામાજિક ઘટકોનો નિર્દેશ કરે છે. આ પ્રક્રિયા દ્વારા જ બાળક સમાજ કે જૂથનો સ્વીકૃત સભ્ય બને છે.

કેટલીક વ્યાખ્યાઓને આધારે તેને વધુ સ્પષ્ટ રીતે સમજવાનો પ્રયાસ કરીએ.

સામાજીકરણ એટલે પ્રાકૃતિક દશામાં રહેલા નિઃસહાય જીવ (નવજાત શિશુ)નું માનવસમાજના જવાબદાર અને સમર્થ સભ્ય તરીકે રૂપાંતર કરવાની પ્રક્રિયા.” – બેરન અને બાયર્ન

સામાજીકરણ એક પ્રક્રિયા છે જે દ્વારા શિશુઓ અને બાળકો અમુક માનવજૂથના સભ્યો બનવાનું શીખે છે. તે પ્રક્રિયા દ્વારા પ્રત્યેક વ્યક્તિ જૂથના મૂલ્યો, માન્યતાઓ અને રિવાજોનું આત્મસાતીકરણ કરે છે.” – બી. કુપ્પુસ્વામી

સામાજીકરણ વ્યક્તિને સામાજિક જગત અને સાંસ્કૃતિક જગતનો પરિચય કરાવવાની અને તે દ્વારા વિવિધ જૂથો કે સમાજમાં સહભાગી બનાવવાની અને સમાજનાં મૂલ્યો કે ધોરણો શીખવવાની પ્રક્રિયા છે.” કિંબાલ યંગ

ઉપરોક્ત વ્યાખ્યાઓને આધારે આપણે તારવી શકીએ કે, સામાજીકરણમાં સામાજિક શિક્ષણ સમાયેલું છે. વ્યક્તિ જન્મ સહજ જે લાક્ષણિકતાઓ લઇને આવે છે, તેને આધારે નહીં પણ તે જે વાતાવરણમાં ઉછરે છે તે સમાજની પરંપરાઓ, નીતિનિયમો, મૂલ્યો અને ધોરણો શીખે છે. અને આ પ્રક્રિયા દ્વારા તે સામાજિક સાંસ્કૃતિક જૂથનો સભ્ય બને છે.

જાતિ વિષયક નિશ્ચિત ભૂમિકાઓનો ઉદ્‍ભવ

કોઇપણ જૂથમાં વ્યક્તિ નિશ્ચિત સ્થાન કે હોદ્દો ધારણ કરે છે, અને તે અનુસાર જે તે વ્યક્તિ પાસે જૂથના અન્ય સભ્યો અમુક ચોક્કસ વર્તન શૈલીની અપેક્ષા રાખતા હોય છે. આ અપેક્ષાઓ અનુસાર વ્યક્તિ વર્તન કરે તેને તેની ભૂમિકા કહેવાય છે. ભૂમિકા એ દરજ્જાનું વર્તનાત્મક પાસું છે. વ્યક્તિ જેટલા જૂથોનું સભ્યપદ ધરાવતી હોય તેટલી ભૂમિકાઓ તે ભજવતી હોય છે. દા.ત. કુટુંબમાં મમ્મી, પપ્પા, દાદા, દાદી, ભાઇ, બહેન વગેરે માટેના આપણા મનમાં ચોક્કસ ખ્યાલો છે, અને તે અનુસાર તે વ્યક્તિઓ પાસે કુટુંબના સભ્યો તેમની ભૂમિકા પ્રમાણેના વર્તનની અપેક્ષાઓ રાખે છે. વ્યક્તિ માતા સાથે, પિતા સાથે, બહેન સાથે આંતરક્રિયા કરીને ભૂમિકા ભજવે છે અને તે દરેકને પણ પોતપોતાની ભૂમિકાઓ હોય છે. વ્યક્તિ કોઇ અન્ય જૂથમાં કર્મચારી છે તો ત્યાં તેની ભૂમિકા બદલાઇ જાય છે, આમ વ્યક્તિ જેટલા સમાજનો સભ્ય હોય તેટલી ભૂમિકાઓ તેને ભજવવાની થાય છે. આ બધી ભૂમિકાઓ સંયુક્ત રીતે વ્યક્તિનો ભૂમિકા સંકુલ બને છે.

  • ભૂમિકા એ દરજ્જની સાથે સંકળાયેલી અપેક્ષિત વર્તનની રીતભાત છે
  • ભૂમિકા એ ફરજો બજાવવાની રીત છે.
  • ભૂમિકા એ વ્યક્તિઓ વચ્ચેના પારસ્પરિક સંબંધો સૂચવે છે, જેમ કે પતિ-પત્ની, શિક્ષક – વિદ્યાર્થી, દુકાનદાર – ગ્રાહક

કોઇપણ વ્યક્તિ આ ભૂમિકાઓને કેવી રીતે આત્મસાત કરે છે, તે જાણવું ખૂબ અગત્યનું છે. આ રાતોરાત કેળવાતી ભૂમિકા નથી. તે આજીવન ચાલતી પ્રક્રિયા છે. જાતિગત ભૂમિકાઓનો ઉદ્‍ભવ કરવામાં કેટલીય સંસ્થાઓ એક યા બીજી રીતે માધ્યમ બને છે, અને તે સતત ભૂમિકાને કેળવવા પ્રતિ સજાગ કર્યા કરે છે. સામાજીકરણની આ પ્રક્રિયાના ઘડતરમાં વિવિધ માધ્યમો જે ભૂમિકા ભજવે છે, તેમાં આપણે કુટુંબ અને જ્ઞાતિની ભૂમિકા વિશે સમજવાનો પ્રયાસ કરીશું.

કુટુંબઃ

કુટુંબ એ સમાજનું પ્રાથમિક એકમ છે. અને તેને સામાજીકરણનું પારણું ગણવામાં આવે છે. બાળકનો ઉછેર અને વિકાસ કુટુંબમાં થતો હોવાથી બાળકના સામાજીકરણની મુખ્ય જવાબદારી કુટુંબ પર રહેલી છે. કુટુંબમાં માતા-પિતા, ભાઇ-બહેન, દાદા-દાદી વગેરે વચ્ચે પ્રેમ, સહકાર અને સહાનુભૂતિના ઘનિષ્ઠ સંબંધો હોય છે. કુટુંબ એક એવી સંસ્થા છે, જેના દ્વારા બાળકને નૈતિક વિકાસ અને સામાજિક વિકાસની પ્રાથમિક તાલીમ મળે છે. બાળકો માતા – પિતાની સૂચનાઓનું પાલન કરે છે અને તેઓના વર્તનનું અનુકરણ કરે છે. તેઓ સામાજિક વર્તનનો જે નમૂનો બાળકો સમક્ષ રજૂ કરે છે, તે વર્તન બાળકો પણ કરે છે.

કુટુંબમાં દીકરા અને દીકરીના ઉછેરમાં કેટલો ભેદભાવ રાખવામાં આવે છે, તે પર જાતિ વિષયક ભૂમિકા ઘડવામાં બહુ મોટો ભાગ ભજવે છે. પુત્રીનો જન્મ એટલે જલેબી અને પુત્રનો જન્મ એટલે પેંડા વહેંચવા, આ તફાવતથી કુટુંબમાં જાતિવિષયક ભૂમિકાના પગરણ મંડાય છે, જો કે હવે આ ખ્યાલોમાં પરિવર્તન પણ આવતું જાય છે.

સૌ પ્રથમ તો કુટુંબ બાળકોને જાતિ વિષયક કપડાં પહેરવાં, ખાવા પીવાની રીતભાત, મળમૂત્ર વિસર્જનની તાલીમ, સ્વચ્છતા વિષયક તાલીમ વગેરે શીખવે છે.

માતા દીકરીને ઘરકામમાં પલોટવાનો પ્રયાસ કરે તો પિતા દીકરાને આર્થિક ઉપાર્જન તરફ વાળવા પ્રયાસ કરતા હોય તેવું જોવા મળે છે. કેટલાક કુટુંબોમાં એવું વલણ હોય કે છોકરાઓ રસોડામાં કામ ન કરે, આરામ ફરમાવે, એ લોકો રડી ન શકે વગેરે અને છોકરીઓએ રસોડામાં કામ કરવાનું, બહુ મોટેથી નહીં હસવાનું, સહનશીલતા અને ધીરજ કેળવવાની વગેરે વગેરે. રમતો રમવાની બાબતમાં પણ છોકરીઓ ઘર ઘર રમે, દોરડાં કૂદે, કૂકા રમે, ઢીંગલી રમે, જ્યારે છોકરાઓ ગિલ્લી દંડા, ક્રિકેટ, બંદૂક રમે અને ઘરની બહાર રમી શકાય તેવી રમતો રમશે અને તેવી રમતો માટે પ્રોત્સાહન મળે તેવું જોવા મળે છે. કેવા કપડાં પહેરવા વગેરે થકી જાતિ વિષયક વર્તનભાત પણ નક્કી થાય છે. ધીમે ધીમે બાળકો મોટાં થતાં આ ભૂમિકા વચ્ચેના ભેદ પણ વધુ સ્પષ્ટ થાય છે. જેમ કે, છોકરીને નમ્ર બનાવવી, તેઓને બહાર એકલાં ન મોકલાય, મોડાં સુધી તેઓએ બહાર નહીં રહેવાનું, તેઓની સલામતીની ચિંતા વગેરે, જ્યારે, છોકરાઓ મોડી રાત સુધી બહાર જઇ શકે, તેઓને કેટલીક વધુ સ્વતંત્રતા મળે વગેરે. જોકે હવે જાતિગત ભૂમિકાના સંદર્ભના વલણોમાં બદલાવ જોવા મળી રહ્યો છે.

છોકરાઓ અને છોકરીઓના નિશ્ચિત પ્રકારની શૈક્ષણિક અને વ્યાવસાયિક કારકિર્દીની પસંદગીમાં પણ કુટુંબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એન્જિનિયરિંગ, વકીલાત, જર્નાલિઝમ વગેરે શાખામાં છોકરાઓ અને આર્ટ્સ, કૉમર્સ, હોમસાયન્સ જેવી શાખાઓમાં છોકરીઓને ભણાવવાનો ઝોક વધુ જોવા મળે છે, જો કે પ્રવર્તમાન સમયમાં અભ્યાસ કરાવવા તરફના વલણોમાં ઘણું પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ અંગેના સંશોધનોમાં કુટુંબના વલણોની બાળકો પર બહુ મોટી અસર જોવા મળે છે.    

જ્ઞાતિ

Caste is a form of social stratification characterized by endogamy, hereditary transmission of a lifestyle which often includes an occupation, status in a hierarchy, and customary social interaction and exclusion.

“જ્ઞાતિ એ વિશિષ્ટ સંજ્ઞા ધરાવતું અને સામાજિક સ્તરીકરણને પ્રસ્તુત કરતું એક વિશિષ્ટ દરજ્જો ધરાવતું જૂથ છે, જે જ્ન્મથી હસ્તાંતરિત થાય છે. તેમાં જીવનશૈલી અંતર્ગત વ્યવસાય, કોટિશ્રેણી (ઊંચા-નીચા હોવાનો ખ્યાલ), સામાજિક આંતરક્રિયાના રિવાજો અને નિયંત્રણોનો સમાવેશ થાય છે.”  

જ્ઞાતિનું નામ જ્ઞાતિજૂથની ઓળખની નિશાની છે. તેમજ તે દરજ્જાનું પ્રતીક પણ છે. જ્ઞાતિને પરંપરાથી અનુમોદન મળેલું છે. સ્તરીકરણના એક સ્વરૂપ તરીકે જ્ઞાતિ વ્યવસ્થા ખંડ વિભાજન અને કોટિક્રમ એમ બે સિધ્ધાંતોને અનુસરે છે. ખંડ વિભાજન સમાજનું જ્ઞાતિ તરીકે ઓળખાતા અસંખ્ય જૂથો અને પેટા જૂથોનું વિભાજન સૂચવે છે. કોટિક્રમનો સિધ્ધાંત વિભિન્ન જ્ઞાતિઓના દરજ્જાની ચડતા-ઊતરતા ક્રમમાં ગોઠવણો સૂચવે છે. પ્રત્યેક જ્ઞાતિ પોતાને અન્ય જ્ઞાતિ કરતાં ઊંચી કે નીચી માને છે.

પટેલ, વાણિયા, બ્રાહ્મણ, મોચી, દરજી, જૈન વગેરે જ્ઞાતિના લોકોના પોતાના અલગ રિવાજો અને રહેણીકરણી હોય છે. જ્ઞાતિ એક મંડળ તરીકે તેના સભ્યોના સંબંધો અને સામાજિક ધોરણો પ્રસ્થાપિત કરે છે. જે તે જ્ઞાતિના સભ્યોએ તેને અનુસરવા પણ પડે છે, નહીં તો જ્ઞાતિના લોકોનો ખૉફ કે નારાજગી પણ ભોગવવી પડે છે. પ્રત્યેક જ્ઞાતિના લગ્ન, ખાનપાન, વિધિવિધાન, રહેણી કરણી, વ્યવસાય અંગેના પોતાના નિયમો અને રિવાજો હોય છે. જ્ઞાતિનો દરજ્જો જન્મથી મળે છે. પ્રવર્તમાન સમયમાં જ્ઞાતિ સંગઠનો વધુ મજબૂત બન્યા છે, અલબત્ત, તેને સંવિધાનમાં કાનૂની દરજ્જો નથી, પણ લોકોમાં જ્ઞાતિની સભાનતા વધુ પ્રબળ બની છે. ભલે, આંતરજ્ઞાતીય લગ્નોનું પ્રમાણ વધ્યું હોય, પણ છતાં લોકો પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરવાનું વલણ ધરાવે છે. જ્ઞાતિ વધુ મજબૂત બને એ હેતુથી વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ વધવા સારુ પ્રોત્સાહન અપાય છે, શૈક્ષણિક વ્યાવસાયિક માર્ગદર્શનના કાર્યક્રમો કરે છે, લગ્ન મેળવડાઓ કરે છે, જેથી જ્ઞાતિમાં જ યુવક યુવતીઓ એકબીજાની લગ્ન માટે પસંદગી કરે.

જે તે જ્ઞાતિના લોકોની પસંદગી, રહનસહન, ખાનપાન, પહેરવેશ, બોલી અને ભાષા, વ્યવસાય વગેરેમાં એક પ્રકારનું સામ્ય જોવા મળે છે, જે જાતિવિષયક ભૂમિકાને ઘડે છે. જો કે આવકના સ્રોત બદલાતાં, કે અન્ય સ્થળે વસવાટ કરતાં જીવન શૈલીમાં પરિવર્તન પણ જોવા મળે છે. જેમ કે ભરવાડ કે કચ્છી લોકો કે અન્ય જ્ઞાતિના લોકો શહેરમાં વસતાં હવે તેઓના પરંપરાગત પોષાકોને બદલે આધૂનિક પહેરવેશ અપનાવતાં થયાં છે. આવું વલણ લગભગ બધી જ્ઞાતિઓમાં જોવા મળી રહ્યું છે, સ્ત્રીઓમાં પણ હવે સાડીને બદલે પંજાબી ડ્રેસ અને યુવતીઓમાં આધૂનિક ઢબના વસ્ત્રોનું ચલણ વધ્યું છે.    

પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં જ્ઞાતિ અને વ્યવસાય વચ્ચે અતૂટ સંબંધ હતો, જે હવે તૂટ્યો છે. બ્રાહ્મણો પુરોહિત કર્મ, કુંભાર માટીકામ, વાળંદો ક્ષૌરકર્મ, દરજીઓ સીવણકામ, મોચીઓ ચર્મકામ સાથે સંકળાયેલા મનાય છે. પણ હવે શિક્ષણ, ઔધૌગિકીકરણ, વ્યવસાયનું વૈવિધ્ય, ટેકનોલોજીનો વિકાસ અને શહેરીકરણને પરિણામે વ્યવસાય પસંદગીમાં વૈવિધ્ય જોવા મળે છે.        

ઉપસંહાર

પ્રવર્તમાન સમયમાં પહેરવેશ થકી જાતિગત ભેદભાવો વચ્ચેની ભેદરેખા ભૂંસાઇ રહી હોય તેવું કદાચ પ્રતીત થાય, પણ સ્ત્રી અને પુરૂષની જીવન શૈલી માટેની અપેક્ષા તેઓનું સામાજીકરણની અસલી કસોટી છે. સ્ત્રી માનસ અને પુરૂષ માનસ ઘડવામાં ઉપરોક્ત સંસ્થાઓ ક્ષણેક્ષણ વ્યક્તિના માનસને ઘેરી વળેલી છે, વ્યક્તિ સતત પોતાની ભૂમિકાને ચકાસ્યા કરે છે, તેમાં આવશ્યક્તા અનુસાર ફેરફાર પણ કરે છે, અને પોતાને પોતાના સમાજમાં સતત સ્વીકૃત વ્યક્તિ તરીકે જોવા ઇચ્છે છે. માટે તે જીવનભર સમાજની અપેક્ષાઓ અનુસાર જાતિ વિષયક ભૂમિકાને ઘડતો રહે છે. એટલે જ આપણે સમાજમાં થતાં રહેતાં પરિવર્તનોને પચાવી શક્યા છીએ અને સંસ્કૃતિને પણ ટકાવી શક્યા છીએ.     

Credits 

  

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: