૨. વર્ગખંડ વાર્તાલાપ

 • પ્રસ્તાવના
 • વર્ગખંડ વાર્તાલાપઅર્થ
 • વર્ગખંડ વાર્તાલાપના સ્વરૂપો
 • ઉપસંહાર

પ્રસ્તાવનાઃ

કુરુક્ષેત્રના રણ મેદાન પર ભગવાન કૃષ્ણ અને યોદ્ધા અર્જુન વચ્ચે જે વાર્તાલાપ થયો તેને આપણે ભગવદ્ગીતાતરીકે ઓળખીએ છીએ, અને એ સંવાદ એક અર્થમાં રૂપાંતરણની ગહન પ્રક્રિયાનું પ્રતિબિંબ છે. આધ્યાત્મિક શાસ્ત્રોમાં ભગવાન મહાવીર, ભગવાન બુધ્ધ સાથે પણ તેઓના શિષ્યો સાથેના સંવાદોમાં માણસમાંથી માનવીકરણની પ્રક્રિયાનું અનુસરણ થતું દેખાય છે. ગ્રીસમાં સોક્રેટિસના સંવાદોએ ક્રાંતિ સર્જી દીધી હતી. પ્રશ્ન, ઉત્તર, પ્રતિપ્રશ્ન અને તેનો ઉત્તર એમ જે હારમાળા સર્જાય તે એક અધ્યયનપૂર્ણ વાર્તાલાપનું સ્વરૂપ ધારણ કરે છે, અને તેમાંથી નીપજતી સમજ શિક્ષક અને વિદ્યાર્થી બંનેમાં પરિવર્તન આણે છે. શિક્ષક આવા અધ્યયનપૂર્ણ વાર્તાલાપો દ્વારા વિદ્યાર્થીમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનો પ્રયાસ કરે છે.

કોઠારી પંચનું પ્રખ્યાત વિધાનભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઇ રહ્યું છેઆ અર્થમાં ઘણું જ સાર્થક છે. વર્ગખંડની ચાર દિવાલો એક અર્થમાં જ્ઞાનનું સર્જન કરતી જીવંત પ્રયોગશાળાઓ છે. પ્રસ્તુત પ્રકરણમાં આપણે વર્ગખંડ વાર્તાલાપનો  અર્થ, તેનું  સ્વરૂપ અને મૌખિક ભાષાના ઉપયોગ માટેની વ્યૂહરચનાઓ વિશે શીખીશું.

વર્ગખંડ વાર્તાલાપઅર્થ

વર્ગખંડ શબ્દ સાંભળીએ કે તરત શિક્ષક બોલતા હોય અને કેટલાક વિદ્યાર્થીઓ સાંભળતા હોય, કોઇ લખતું હોય, કોઇ વાતો કરતું હોય તેવું એક દ્રશ્ય માનસપટ પર ઉપસી આવે.  પણ જ્યારે આપણે વર્ગખંડ વાર્તાલાપ એવી ઉક્તિ પ્રયોજીએ છીએ ત્યારે માત્ર શિક્ષક બોલે છે અને વિદ્યાર્થી સાંભળે છે તેવા એકપક્ષી પ્રત્યાયનની વાત નથી. વિચારોની આપલે બંને પક્ષે થાય છે. એટલે, વાર્તાલાપ એવો શબ્દ દ્વિધ્રુવી પ્રક્રિયા છે એમ જણાવે છે.

વર્ગખંડ વાર્તાલાપનો સાદો અર્થ શિક્ષક ભણાવે ત્યારે શિક્ષક વિદ્યાર્થી વચ્ચે થતું ભાષાકીય આદાન પ્રદાનએમ કહી શકાય. તેના અર્થને સમજીએ

Arthur અને Natalie (1999) જણાવે છે કે,

વર્ગખંડમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે પરસ્પર જે ભાષામાં પ્રત્યાયન થાય છે તેને વર્ગખંડ વાર્તાલાપ કહે છે. વાતચીત કે સંવાદના સ્વરૂપમાં મોટેભાગે અધ્યાપન વિકસતું હોય છે, એ અર્થમાં મુખોપમુખ થતાં સંવાદમાં થતી અધ્યયનની પ્રક્રિયા એટલે વર્ગખંડ વાર્તાલાપ.” 

The term classroom discourse refers to the language that teachers and students use to communicate with each other in the classroom. Talking, or conversation, is the medium through which most teaching takes place, so the study of classroom discourse is the study of the process of face-to-face classroom teaching.

૧૯૧૦માં વર્ગખંડ વાર્તાલાપો વિશે પધ્ધતિસર અભ્યાસ થયા હોવાનું નોંધાયું છે. જેમાં સ્ટેનોગ્રાફર શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતાં સંવાદની નોંધ કરતા હતા. ૧૯૩૦માં ટેપરૅકોર્ડરનો ઉપયોગ કરીને આ વાર્તાલાપો નોંધાયા, પછી ૧૯૬૦માં આ વિષય પર ખૂબ ઝડપી કામ થયું અને વાર્તાલાપોની સમીક્ષા થઇ. ૧૯૭૩માં Barak Rosenshein and Norma Furst દ્વારા થયેલા અભ્યાસોમાં વર્ગખંડ વાર્તાલાપોની ૭૬ જેટલી પધ્ધતિઓ જણાવવામાં આવી. આ વર્ગખંડ વાર્તાલાપના બહુ મહત્ત્વના મુદ્દાઓ પ્ર ધ્યાન કેન્દ્રિત કરે છે. આગળ કહ્યું તેમ પ્રશ્ન, ઉત્તર, પ્રતિપ્રશ્ન એમ સર્જાતી લાગતી એક સરખી હારમાળા અલગ અલગ સ્વરૂપો ધારણ કરે છે.  આ જ સંદર્ભમાં નિસ્ટ્રેન્ડ નોંધે છે કે વર્ગખંડના વાર્તાલાપોની કેટલીક ચોક્કસ રીતો વિદ્યાર્થીઓના ખ્યાલ સ્પષ્ટીકરણ અને નવી માહિતીને સમજવા માટે વધુ તકો અને મોકળાશ આપે છે.

Nystrand (1997) points out that certain kinds of classroom talk create more opportunity and flexibility for students to contextualize and assimilate new information.

ઍલેકઝાન્ડર વાર્તાલાપોનું મહત્ત્વ જણાવતા કહે છે કે વર્ગખંડના વાર્તાલાપો માત્ર અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને જ અસર નથી પહોંચાડતાં પણ વિશાળ અર્થમાં સંસ્કૃતિને પણ અસર પહોંચાડે છે. ઉપરાંત, વાર્તાલાપની ગુણવત્તા વર્ગખંડના વાતાવરણને સાનુકૂળ બનાવે છે, જેમાં શિક્ષકની તેઓના વિદ્યાર્થી પાસેની અપેક્ષાઓ અધ્યયન દ્વારા રૂપાંતરિત થાય છે.     

Alexander, (2004) indicates that classroom talk not only mediates teaching and learning but the wider culture. Moreover, the quality of classroom discourse is of great importance because it sets a suitable climate for learning and transmitting teachers’ expectations for their pupils’ thinking.

આમ, વર્ગખંડની ચાર દિવાલોની વચ્ચે આકાર લેતો વાર્તાલાપો જ્ઞાનનું સિંચન અને સંવર્ધન કરે છે. હવે તેના સ્વરૂપોને સમજીએ.

વર્ગખંડ વાર્તાલાપના સ્વરૂપોઃ

એક ચિત્ર તો મનમાં એ આવે કે શિક્ષક બોલે છે અને વિદ્યાર્થી સાંભળે છે, બીજું ચિત્ર એ છે કે વિદ્યાર્થી પ્રશ્નો સર્જે છે અને શિક્ષક જવાબ આપે છે. બંને પ્રકારના વાર્તાલાપમાં ફર્ક છે. આ સંદર્ભમાં વર્ગખંડ વાર્તાલાપના સ્વરૂપોના મુખ્ય બે પ્રકાર જણાવી શકાય.

. પરંપરાગત સ્વરૂપ અને ૨. બિનપરંપરાગત સ્વરૂપ

. પરંપરાગત સ્વરૂપઃ (Traditional Nature)

વર્ગખંડ વાર્તાલાપનું પરંપરાગત સ્વરૂપ સૌથી વધુ પ્રચલિત છે. શાળા મહાશાળાઓમાં મોટેભાગે આ જ સ્વરૂપ સૌથી વધારે  કિસ્સાઓમાં જોવા મળે છે. શિક્ષક બોલે છે અને વિદ્યાર્થી સાંભળે છે, વિદ્યાર્થી પ્રતિભાવ આપે છે અને મૂલ્યાંકન થાય છે.

Cazden (2001) જણાવે છે કે, “Traditional lessons refer to the using of a three-part sequence: Teacher Initiation, Student Response, and Teacher Evaluation or Follow-up (IRE or IRF).” માટે તેને ટૂંકમાં ‘IRE or IRF’ તરીકે ઓળખવામાં આવે છે.

પરંપરાગત પ્રકારનો વાર્તાલાપ ત્રણ પગથિયાંને અનુસરે છે.

. શિક્ષકની શરૂઆત Teacher Initiation

સામાન્ય રીતે શિક્ષક વર્ગખંડમાં આવીને જે વિષય હોય તે અંતર્ગત કોઇ એકમ વિશે પોતાની સમજ વ્યક્ત કરે છે, વ્યાખ્યાન આપે છે.

. વિદ્યાર્થીનો પ્રતિભાવ – Student Response

વિદ્યાર્થી વ્યાખ્યાન સાંભળે છે, અને પ્રતિભાવ આપે છે. ન સમજાય તો પૂછે છે. શિક્ષક ફરી સમજાવે છે.

. શિક્ષક દ્વારા થતું મૂલ્યાંકન   – Teacher Evaluation or Follow-up

એકમને અંતે શિક્ષક વિદ્યાર્થીઓ એકમ સમજ્યા કે નહીં તેની ચકાસણી કરે છે.

ફાયદાઃ

 • શિક્ષક અભ્યાસક્રમને કેન્દ્રમાં રાખીને ગતિ કરી શકે છે.
 • સમય અને શક્તિનો બચાવ થાય છે.
 • વિષયાંતર થવાની શક્યતાઓ ઘટી જાય છે.
 • હોંશિયાર વિદ્યાર્થીઓને ફાયદો થાય છે.   

મર્યાદાઓઃ

 • શિક્ષણની એક ધ્રુવીય પ્રક્રિયા બની રહે છે.
 • શિક્ષણ પ્રક્રિયામાં શિક્ષક કેન્દ્ર સ્થાને
 • શિક્ષક સર્વસત્તાધીશ
 • વિદ્યાર્થીઓ માટે શિક્ષક સર્વસ્વ સમાન
 • વિદ્યાર્થી, અભ્યાસક્રમ, પધ્ધતિ અને મૂલ્યાંકનની પસંદગી શિક્ષક હસ્તક

. બિનપરંપરાગત સ્વરૂપ (Non-traditionnel Nature)

ઉપરોક્ત વાર્તાલાપની સામે બિનપરંપરાગત સ્વરૂપ લચીલું (Flexible) છે. આ પ્રકારના વાર્તાલાપને ચોક્કસ ઢાંચામાં ઢાળી ન શકાય. શિક્ષકનો આશય વિદ્યાર્થીને શીખતાં કરવાનો હોય છે. તે જે તે વિષયવસ્તુના સંદર્ભમાં વિદ્યાર્થીના મનમાં પ્રશ્નો જગાવે છે, શિક્ષક એ પ્રશ્નોના વિદ્યાર્થીઓ પાસેથી જ જવાબ મેળવવાનો પ્રયાસ કરે છે, અને અજ્ઞાતથી જ્ઞાત તરફ જવાની એક પ્રક્રિયા રસપૂર્વક આકાર લે છે. શિક્ષક એક ચોક્કસ માન્યતા સાથે વર્ગમાં પ્રવેશ કરતા નથી. વિદ્યાર્થીનું અનુભવ વિશ્વ અને ભાવ વિશ્વ વર્ગખંડના વાર્તાલાપને ઘડે છે, અસર કરે છે અને નિશ્ચિત કરે છે.

ફાયદાઃ

 • દ્વિધ્રુવી પ્રક્રિયા છે.
 • વિદ્યાર્થી કેન્દ્ર સ્થાને છે.
 • વિદ્યાર્થી જ્ઞાનને સ્વયં અર્જિત કરે છે.
 • શિક્ષણનું ધારણ થાય છે.
 • વિદ્યાર્થીની શીખવાની પ્રક્રિયા સઘન બને છે.
 • સ્મૃતિનો વિકાસ થાય છે.  
 • શિક્ષક વિદ્યાર્થી બંનેની સામેલગીરી
 • પરસ્પર માહિતી, જ્ઞાન અને કૌશલ્યોનું આદાન પ્રદાન
 • બંનેની પરસ્પરની આંતરક્રિયા દ્વારા અસરકારક શિક્ષણનો જન્મ

મર્યાદાઓઃ

 • વિષયાંતર થવાનો સંભવ
 • સમય અને શક્તિનો વધુ ઉપયોગ
 • અભ્યાસક્રમ સંપન્ન કરવાની ભીતિ
 • શિક્ષક વાર્તાલાપની દોરવણી ન કરી શકે તો અવ્યવસ્થા સર્જાય
 • વર્ગખંડ વ્યવસ્થાપન ગેરશિસ્ત થવાની સંભાવના
 • અંતર્મુખી અને નબળાં વિદ્યાર્થીઓ ભાગ ન લઇ શકે.   

ઉપસંહાર

આમ, વર્ગખંડ વાર્તાલાપના બે મુખ્ય સ્વરુપો જોવા મળે છે. જો શિક્ષક બંને સ્વરુપોનો વિવેકપૂર્વક ઉપયોગ કરી શકે  તો બંને સ્વરૂપોની મર્યાદાઓને દૂર કરી શકાય અને બંને સ્વરૂપોના ફાયદા તો પ્રાપ્ત કરી શકાય. માટે વિષયવસ્તુનું સ્વરૂપને ધ્યાનમાં રાખીને શિક્ષક વર્ગખંડના વાર્તાલાપને ઘડી શકે.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: