મનોવિજ્ઞાનનો મૂળભૂત ઉદ્દેશ્ય જ માનવવર્તનને શાસ્ત્રીય રીતે સમજવાનો છે. એટલે સ્વાભાવિક રીતે જ વ્યક્તિ પોતાના વિશે શું સમજે છે, તે અમૂક રીતે કેમ વર્તે છે, તે તેનો ગહન અભ્યાસ વિષય બની જાય છે. વ્યક્તિ પોતાના સ્વ વિશે શું માને છે તેના પર તેના જીવનનો આધાર રહેલો છે. વ્યક્તિ હોંશિયાર હોય પણ જો તે પોતાને તેમ ન માને અને લઘુતાનો ભાવ અનુભવે તો તે ધાર્યો વિકાસ હાંસલ કરી શકતો નથી. માટે મનોવિજ્ઞાનીઓ લોકો પોતાના સ્વ વિશે શું માને છે, સમજે છે તેના વિશે સતત અભ્યાસ કરતા રહ્યા છે.
સ્વ કર્તા તરીકે અને વિષયવસ્તુ તરીકેઃ (Self as Subject and Object)
પોતાને ઓળખવાની પ્રવૃત્તિ તો વ્યક્તિ સમજણો થાય ત્યારથી શરૂ થઇ જ જાય છે. જ્યારે પણ કોઇ વ્યક્તિ પોતાના વિશે વાત કરે છે ત્યારે તે બે રીતે વાત કરે છે. દા. ત. હું લખી રહ્યો છું, હું રમીશ, મેં કામ કર્યું હતું. એ રીતે અને બીજી રીતે કહીએ તો લોકો મને આળસુ ગણે છે, મારી મમ્મી મને હજી પણ નાનો ગણે છે. મારા શિક્ષકને હું તોફાની લાગું છું, હું માનું છું કે હું બહુ જવાબદારીપૂર્વક કામ કરતો નથી. પ્રથમ પ્રકારના ઉદાહરણોમાં વ્યક્તિ કર્તા તરીકે પોતાના સ્વનો નિર્દેશ કરે છે, જ્યારે બીજા પ્રકારના ઉદાહરણોમાં તે વિષયવસ્તુ તરીકે નિહાળે છે.
હિગિન્સ નામના મનોવિજ્ઞાનીના મત પ્રમાણે માણસ પોતાના વિશે જે વિચારે છે, જે કરવા ધારે છે અને કેવા હોવું જોઇએ તે વિશે શું વિચારે છે, તેના ઉપર પણ સ્વ વિશે વિચારી શકાય છે. આ રીતે સમજીએ તો આપણને ત્રણ પ્રકારના સ્વનો બોધ થાય છે.
૧. વાસ્તવિક સ્વ (Real Self)
વર્તમાનમાં આપણા ગુણ દોષ વિશે વિચારવું તે. (હું જાડી/ઊંચી/પાતળી છું. સ્વભાવ ચિડિયો/સહનશીલ છે વગેરે)
૨. સંભવિત સ્વ (Esteem Self)
આપણે કેવા બની શકીએ તે વિશે વિચારવું. (હું સારો વક્તા/શિક્ષક/ગાયક/શ્રોતા બની શકું વગેરે)
૩. આદર્શ સ્વ (Ideal Self)
આપણે કેવા બનવું જોઇએ તે વિશે વિચારવું. (પ્રામાણિક/મૂલ્યવાન/બીજાને અનુકૂળ બનીને રહેવું/ વિનયી બનવું વગેરે)
જો વ્યક્તિના આદર્શ સ્વ કરતાં વાસ્તવિક સ્વ સાવ જુદાં હોય તો સમાયોજનની સમસ્યાઓ ઊભી થાય છે. વ્યક્તિ એકદમ આદર્શ શિક્ષક બનવા માંગતી હોય પણ વાસ્તવિક સ્વ તરીકે તે અસરકારક કથન કૌશલ્યમાં અત્યંત નબળી હોય તો તે આદર્શ સ્વ હાંસલ કરવા માટે ખૂબ મહેનત કરવી પડે.
‘નદીમાં તરવું કેવી રીતે’ તે વિશે વાંચીને તરતાં ન શીખાય, તેના માટે નદીમાં ડૂબકી મારવી જ પડે, ગૂંગળામણ અનુભવવી પડે, પગ/હાથ ઉલાળવા પડે, ડૂબી ગયાનો ભય પણ અનુભવવો પડે અને પછી, એમ કરતાં કરતાં જ અનુભવે તરતાં શીખાય. તેવી જ રીતે સ્વની સમજ એ માત્ર તર્ક, વિચાર કે સિધ્ધાંતનો વિષય માત્ર નથી, એની સમજ ઉપયોગી જરૂર છે, પણ તે જાતને સમજવા માટે, સ્વમાં ઉતરવા માટે.