૨. હિંસા-હુલ્લડમાં પ્રદૂષણ

2. Pollution in Violence and Riots

હમણાં મુંબઈમાં રમખાણો ફાટી નીકળ્યાં. એના પ્રત્યાઘાતો ગુજરાતમાં પણ પડયા. કારણ શું હતું એ મહત્ત્વનું નથી. એટલા માટે કે આજકાલ રમખાણો, તોફાન કે હિંસાખોરો માટે કોઈ ચોક્કસ કારણની જરૂર પડતી નથી. રમખાણો, હિંસાખોરી અને તોફાનો માત્ર આપણા દેશ માટે જ નહિ, દુનિયા આખી માટે જાણે રાબેતા મુજબની ઘટના બની ગઈ છે. ખરેખર તો આ એક પ્રકારની ગુનાખોરી જ છે. રમખાણો ન થાય ત્યારે ચોરી, લૂંટફાટ, ખૂનામરકી, બળાત્કાર અને બેફામ ઝઘડાખોરી થાય છે. ઉત્તર પ્રદેશ અને બિહાર એનાં જીવતાં જાગતાં ઉદાહરણો છે. એ ખરેખર કારણો નહિ, પણ નિમિત્ત હોય છે. કારણો શોધવાનું કામ સમાજવિજ્ઞાનીઓ, મનોવિજ્ઞાનીઓ અને અન્ય વિજ્ઞાનીઓનું છે. તેઓ આ દિશામાં ઘણી મથામણ કરતા રહ્યા છે અને કેટલાંક તારણો પર પણ આવ્યા છે. મોટે ભાગે તો જુદાં જુદાં પરિબળોનું સંયોજન કામ કરતું જોવા મળે છે. છતાં કેટલાંક તથ્યો ખરેખર ચોંકાવનારાં છે અને આજની આપણી સમાજવ્યવસ્થા તથા જીવનશૈલી વિષે વિચારવા મજબૂર કરે છે.

       અત્યાર સુધી સમાજવિજ્ઞાનીઓ કહેતા આવ્યા છે કે માણસજાતને આક્રમક, અપરાધી, ગુનેગાર અને તોફાની બનાવનારી બાબતોમાં ગરીબી, બેફામ વસ્તીવધારો અને શહેરીકરણ, શોષણ, નેતાઓ અને આગેવાનોનો સામાન્ય લોકો સાથેનો દુર્વ્યવહાર, સામાજિક વિષમતા, જાતિવાદ અને કોમવાદનું રાજકારણ, નિમ્ન સ્તરનું શિક્ષણ, દશ્ય-શ્રાવ્ય માધ્યમોની અસર, વિદેશી ટીવી ચેનલોનું આક્રમણ, અશ્લિલ સાહિત્ય વગેરે જેવાં આર્થિક, સામાજિક, કૌટુંબિક અને શૈક્ષણિક પરિબળોનો સમાવેશ થાય છે. એમની વાત તદ્દન કાઢી નાખવા જેવી પણ નથી. પરંતુ એ પૂર્ણ સત્ય રજૂ કરતી નથી.

       આધુનિક મનોવિજ્ઞાન એ દિશામાં ઠીક ઠીક આગળ વધ્યું છે. મનોવિજ્ઞાનીઓ કહે છે કે આક્રમકતા, હિંસાખોરી અને ગુનાખોરી જેવી બાબતો ઉધૃત થતી નથી. એ તો માણસના મનમાં જ જન્મે છે. તોલ્સ્તોયે કહ્યું છે કે, યુદ્ધ માણસના મનમાં પહેલાં જન્મે છે અને પછી જ મેદાનમાં લડાય છે. ગુનાખોરીનું પણ એવું જ છે. માણસ પહેલાં મનમાં ગુનાખોર બને છે અને પછી એ આક્રમકતા, હિંસાખોરી કે ભાંગફોડ સ્વરૂપે પ્રગટ થાય છે. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ તમામ લક્ષણો માનસિક વિકૃતિનાં જ છે. માનસિક વિકૃતિઓ માટે સામાજિક વિજ્ઞાનીઓ જે પરિબળોને જવાબદાર ગણાવે છે એ તો એમનો ભાગ ભજવે જ છે. એ ઉપરાંત સામાજિક ધોરણો, તીવ્ર સ્પર્ધા, જીવન ટકાવવાનો સંઘર્ષ, વ્યકિતનો ઉછેર, મૂલ્યશિક્ષણ અને વાતાવરણ પણ એમાં અગત્યની ભૂમિકા અદા કરે છે.

       મનોવિજ્ઞાને આમાંનાં લગભગ તમામ પરિબળોની વિગતવાર મીમાંસા કરી છે. હવે મનોવિજ્ઞાનીઓ વાતાવરણની અસરો તપાસવામાં ઊંડા ઊતર્યા છે. કેટલાક અભ્યાસો એવું ચોંકાવનારું તારણ આપે છે કે ખાસ કરીને આક્રમકતા, ગુનાખોરી અને ભાંગફોડ જેવી વિધ્વંસક પ્રવૃત્તિઓ માટે વાતાવરણનો એક અગત્યનો ઘટક પર્યાવરણ પણ છે. પર્યાવરણ સાથે આજે દુનિયાભરમાં ખતરનાક હદે ચેડાં થઈ રહ્યાં છે. પર્યાવરણની અનેક અસરોથી આપણે વાકેફ થયા છીએ. વરસાદની અનિયમિતતા, વિવિધ શારીરિક રોગો, ભૂકંપ અને વાવાઝોડાં, હવા-પાણીનું પ્રદૂષણ વગેરે જાતજાતની વિટંબણાઓ આપણને ઘેરી વળી છે. સીધો સાદો તર્ક એટલો જ છે કે પ્રદૂષણને કારણે જો મનોશારીરિક રોગો પણ થઈ શકતા હોય તો માનસિક તકલીફો કેમ ન થાય?

પ્રદૂષણની મનોશારીરિક અસરો

        છેલ્લા થોડા સમય દરમ્યાન કેટલાક મનોવિજ્ઞાનીઓ અને શરીરવિજ્ઞાનીઓએ સાથે મળીને પર્યાવરણની માનસિક અસરો વિષે સારો એવો અભ્યાસ કર્યો છે. તેઓ કહે છે કે માણસની આક્રમક અને હિંસક શકિતઓને ભડકાવવામાં પર્યાવરણ પણ ખૂબ મહત્ત્વનો ભાવ ભજવે છે. ખૂબ ધુમાડો થતો હોય અને આંખો બળતી હોય તથા શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એવી જગ્યાએ અત્યંત શાંત માણસ પણ થોડી વારમાં અકળાઈ ઊઠે છે અને સહન ન થાય ત્યારે કોઈકને મારી બેસે છે અથવા તોડફોડ પણ કરી લે છે. પર્યાવરણની અસરો ધીમી હોવા છતાં અસરકારક હોય છે. સહેજ ભૂતકાળ તપાસીએ તો પ્રાચીન કાળમાં અને મધ્યયુગમાં પર્યાવરણ આજની હદે કલુષિત થયું નહોતું. અલબત્ત, એ વખતે પણ ગુનાખોરી તો હતી જ. પરંતુ એનું પ્રમાણ મર્યાદિત હતું. એ વખતે ગુનાખોરીનું જે કંઈ પ્રમાણ હતું એ માટે સમાજ-વિજ્ઞાનીઓ આપે છે એ કારણોને જવાબદાર ગણાવી શકાય. પરંતુ તેમ છતાં ગુનાખોરી આટલી બેફામ નહોતી અને હુલ્લડખોરીએ આટલી માઝા મૂકી નહોતી. લોકો ઘરના દરવાજા ખુલ્લા મૂકીને નિરાંતે ઊંઘી શકતા હતા. આજે પર્યાવરણને કારણે જેમ વિશ્વભરમાં ગ્રીન હાઉસ ઈફેકટને લીધે વાતાવરણનું ઉષ્ણતામાન વધી રહ્યું છે તેમ માણસના મનના ઉષ્ણતામાનનો પારો પણ સરેરાશ વધી રહ્યો છે. મનોવિજ્ઞાનીઓ કહે છે કે આજના પ્રદૂષિત શહેરના માનવી કરતાં પ્રદૂષણ-મુકત ગામડાનો માનવી પ્રમાણમાં વધુ શાંત અને ઠરેલ દેખાય છે. શહેરીજનો વાતવાતમાં ઝઘડી પડે છે, જયારે મુકત હવામાનમાં રહેતો માણસ ઝટ ગુસ્સો કરતો નથી, ઝઘડતો નથી અને હળીમળીને રહે છે.

      તાજેતરમાં અમેરિકાના ન્યૂ હેમ્પશાયરના હેનોવર શહેરમાં આવેલી ડાર્ટ માઉથ કૉલેજના સંશોધક અને વિજ્ઞાની ડૉ. રોજર માસ્ટર્સે આવો એક વિસ્તૃત અભ્યાસ હાથ ધર્યો હતો. એમના કહેવા મુજબ હિંસક અપરાધો અને અસામાજિક વ્યવહારો માટે પર્યાવરણના પ્રદૂષણની અસરો આપણે ધારીએ એ કરતાં અનેક ગણી વધારે છે. તેઓ કહે છે કે ખાસ કરીને પાણીમાં ભળતાં ઝેરી રસાયણો અને ધાતુઓની ઝેરી અસરો માણસના મસ્તકમાં પહોંચીને હિંસક અને આક્રમક વિચારોને રોકનારી પ્રણાલિને છિન્નભિન્ન કરી નાખે છે. માસ્ટર્સે આ અભ્યાસના ભાગરૂપે અમેરિકાનાં જ કેટલાંક શહેરોનું સઘન નિરીક્ષણ કર્યું છે. તેઓ કહે છે કે આ શહેરોમાં પર્યાવરણના પ્રદૂષણ અને ગુનાખોરી તથા હિંસાખોરી વચ્ચે સીધો સંબંધ જોવા મળ્યો છે. ડૉ. માસ્ટર્સે અમેરિકાની ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટીગેશન પાસેથી ગુનાખોરીના આંકડા મેળવ્યા અને અમેરિકાની એન્વાયરનમેન્ટલ પ્રોટેકશન એજન્સી પાસેથી હવા તથા પાણીના પ્રદૂષણની માત્રા અંગેની વિગતો મેળવી. એમણે અને એમના સાથી સંશોધકોએ શોધી કાઢયું છે કે જે શહેરોમાં લેડ અને મેંગેનીઝનું પ્રદૂષણ વધુ હતું એ શહેરોમાં ગુનાખોરીનું પ્રમાણ લગભગ ત્રણ ગણું હતું. ડૉ. માસ્ટર્સે આ જ વિષય પર એન્વાયરનમેન્ટલ ટોકિસકોલોજીનામનું પુસ્તક લખ્યું છે જે ટૂંક સમયમાં પ્રકાશિત થશે.

        ડૉ. માસ્ટર્સના એક સહયોગી શરીર વિજ્ઞાની સંશોધક એ વાતને સમર્થન આપે છે કે મેંગેનીઝ, લેડ અને કાર્બન મોનોકસાઈડનું પ્રમાણ વધે ત્યારે ઉત્તેજના વધે છે. આપણા મગજનાં કેટલાંક કેન્દ્રો આક્રમક અને ઉત્તેજક વિચારો પર નિયંત્રણ રાખવાનું કામ કરે છે. આ પ્રદૂષકો એ કેન્દ્રોને પ્રભાવિત કરે છે. પરિણામે માણસ આવા આક્રમક વિચારો પર કાબૂ રાખી શકતો નથી. આ સંશોધક કહે છે કે આ સિવાયના પર્યાવરણીય પ્રદૂષકો પણ છે, જે મગજની વિવિધ કાર્ય પ્રણાલિઓ પર અસર કરે છે. તેઓ જયાં જયાં અસર કરે છે એની આનુષંગિક વર્તન પર અસર પડે છે. જાતીય અપરાધો માટે પણ આવા પ્રદૂષકો જવાબદાર હોવાનો તેમનો મત છે.

      આપણે ત્યાં પણ પ્રથમ નજરે આવું જોઈ જ શકાય છે. દિલ્હી, મુંબઈ, મદ્રાસ, બેંગલોર, કલકત્તા, હૈદરાબાદ અને અમદાવાદ વગેરે જેવાં શહેરોના છેલ્લા દસ વર્ષના ગુનાખોરીના આંકડા અને છેલ્લાં દસ વર્ષ દરમ્યાન જે તે શહેરમાં વધેલા પ્રદૂષણના પ્રમાણની સરખામણી કરીએ તો બન્ને વચ્ચેનો સંબંધ તરત પ્રસ્થાપિત થતો દેખાય છે. અત્યાર સુધી દિલ્હી અને મુંબઈ શહેર ગુનાખોરીમાં મોખરે હતાં. હવે બેંગલોર આ બન્ને શહેરોને પાછળ પાડી દેવા મથી રહ્યું છે. એક સમયે બેંગલોર પ્રદૂષણથી સાવ મુકત હતું. આજે પ્રદૂષણ કૂદકે ને ભૂસકે વધતું જાય છે. આમ બેંગલોરની બાબતમાં પણ પ્રદૂષણ અને ગુનાખોરી વચ્ચેનો સંબંધ તો જોવા મળે જ છે.

        તાજી હવામાં નદી કિનારે કે દરિયા કિનારે એક કલાક બેસીએ તો દિવસભરની તાજગી મળે છે. એનાથી તદ્દન ઊલટું ધુમાડિયા વાતાવરણમાં એક કલાક બેસીએ તો દિવસભરનો થાક મળે છે. થાક એ તબીબી દ્રષ્ટિએ માંદગી છે, જેને Fatigue Sickness કહે છે. આપણું સામાન્ય નિરીક્ષણ એવું છે કે માંદગી આવે ત્યારે માણસ ચીડિયો અને ગુસ્સાવાળો બની જાય છે. પર્યાવરણનું પ્રદૂષણ સતત વધતું રહે અને માણસને એ પ્રદૂષણની વચ્ચે જ રહેવાનું થાય ત્યારે એ સતત થાક-માંદગીથી પીડાય એ સ્વાભાવિક છે. આવે વખતે એનામાં ચીડિયાપણું, આક્રમકતા અને ગુનાખોરી ન પ્રગટે તો જ નવાઈ કહેવાય. ગોવાનું પાટનગર પણજી હજુ પણ ઘણે અંશે પ્રદૂષણ મુકત શહેર છે. બહારથી આવતા ધંધાદારી ગુનાખોરોને બાદ કરતાં ત્યાંની સ્થાનિક પ્રજા અત્યંત શાંત અને સાલસ જોવા મળશે. દર ત્રીજી દુકાને દારૂ વેચાતો હોય અને જયાં દસમાંથી આઠ માણસો દારૂ પીતા હોય ત્યાં આવી શાંતિ અને સાલસતા શું સૂચવે છે?

Credits to Images

https://www.bbc.com/future/article/20190415-how-air-pollution-is-doing-more-than-killing-us

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: