૩. મહિલા સંબંધિત સમસ્યાઓ

(સ્ત્રી ભૃણ હત્યા, અસમાન જન્મદર, બાળલગ્ન, ઘરેલુ હિંસા સંબંધી સમસ્યાઓ)

  • પ્રસ્તાવના
  • સ્ત્રી ભૃણ હત્યા
  • અસમાન જન્મદર
  • બાળલગ્ન
  • ઘરેલુ હિંસા
  • ઉપસંહાર

પ્રસ્તાવના

૨૧મી સદી જ્ઞાન અને ટેકનોલૉજીની સદી તરીકે ઓળખાય છે. જીવનશૈલી, શિક્ષણ, વ્યવસાય, ધર્મ અને જ્ઞાતિ વગેરે બાબતો પ્રત્યેના દ્રષ્ટિકોણો બદલાયા છે. સ્ત્રીઓ પ્રત્યેના વલણમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે, પણ સંતોષ લઇ શકાય તેવું ચિત્ર તો નથી જ જોવા મળતું.

United Nations Development Program (UNDP) દ્વારા જાતિ-સમાનતા આંક તૈયાર કરવામાં આવે છે. જેમાં ત્રણ મહત્વના માપદંડ (1) પ્રજોત્પત્તિ સ્વાસ્થ્ય (2) સ્ત્રી સશક્તિકરણ પ્રયાસો અને (3) શ્રમ બજારમાં સ્ત્રીઓના હિસ્સાને ધ્યાનમાં લેવામાં આવે છે. આ આંકનું લઘુત્તમ મૂલ્ય જો ‘0’ હોય તો, સ્ત્રી-પુરુષ સમાનતાની સૌથી સારી સ્થિતિનું સૂચન કરે છે અને જો મહત્તમ મૂલ્ય ‘1’ હોય તો, જે બંને વચ્ચેની અસમાનતા તીવ્ર છે એમ સૂચવે છે. આમ ઓછું મૂલ્ય વધુ સારી સ્થિતિનું સૂચક છે.

2011માં ભારતનો સ્ત્રી-પુરુષ સમાનતા આંક 0.62 છે, જે બંને વચ્ચે હજી ઘણી અસમાનતા સૂચવે છે. વિકસિત દેશોમાં સ્વીડન (પ્રથમ) 0.04, નેધરલેન્ડ (બીજો) 0.05, ડેન્માર્ક (ત્રીજો) 0.06 અગ્રણી દેશો છે જ્યાં સ્ત્રી-પુરુષ સમાનતાનું ધોરણ ઘણું ઊચું છે. એ દ્રષ્ટિએ ત્યાં જાતીય ગુના કે બળાત્કાર જેવા સ્ત્રી શોષણના બનાવો આપણા કરતાં ઓછા છે.

આની સરખામણીમાં ભારતીય ગુના અંગેના અહેવાલ મુજબ 2011માં આપણા દેશમાં બળાત્કારના લગભગ 24208 કેસો નોધાયા. જ્યારે અશ્લીલ છેડછાડના લગભગ 42968 કેસો નોધાયા હતા. આમ, વિશ્વમાં સ્ત્રીઓ સામેના ગુનામાં અમેરિકા, દક્ષિણ આફ્રિકા, પછી ભારતનો ક્રમ ત્રીજો છે!

આ સર્વ બાબતો સૂચવે છે કે, ભારતીય સંસ્કૃતિમાં ભલે નારીની પૂજા કે સન્માન કરવાની દૂહાઇ દેવાતી હોય પણ વાસ્તવિકતા વિપરીત ચિત્ર જ રજૂ કરે છે. અહીં આપણે મહિલા સંબંધિત સમસ્યાનો અર્થ અને તે સમસ્યાઓ પૈકી, સ્ત્રી ભૃણ હત્યા, અસમાન જન્મદર, બાળલગ્ન અને ઘરેલુ હિંસાની સમસ્યાઓ વિશે ચર્ચા કરીશું.

મહિલા સમસ્યાનો અર્થ

ડૉ. હર્ષિદા દવે (૨૦૧૬)ના મત મુજબ, “સ્ત્રીઓના જીવન પર અસર કરતી વિપરીત પરિસ્થિતિઓ, ધોરણો, મૂલ્યો, માન્યતાઓ, અનિચ્છનીય ગણવામાં આવતી હોય તેમજ તેના નિવારણ માટે સામૂહિક પગલાં લેવાતા હોય તેવી પરિસ્થિતિને સ્ત્રીઓની સમસ્યા કહેવાય છે. સ્ત્રીઓની સમસ્યાઓ એટલે પુરૂષની તુલનામાં નીચા સ્થાન અને દરજ્જાને રજૂ કરતી સમસ્યાઓ.”

આવી સમસ્યાઓમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ, ભૃણહત્યા, નિરક્ષરતા, અસમાનતા, કૌટુંબિક સમસ્યાઓનો વગેરે માટે સાંસ્કૃતિક બાબતો, સામાજિક પરિવર્તન, સ્ત્રીઓનું વ્યક્તિત્ત્વ પણ જવાબદાર છે. આર્થિક પરાધીનતા અને નિરક્ષરતા પણ સ્ત્રીની સમસ્યાનું કારણ બને છે.

મહિલાઓ સામેની સમસ્યાઓને તેઓ ત્રણ પ્રકારમાં વહેંચે છે.

૧. ગુનાઇત હિંસા જેમાં બળાત્કાર, અપહરણ, હત્યાનો સમાવેશ થાય છે.

૨. ઘરગથ્થુ હિંસા જેમાં દહેજ સંબંધી મૃત્યુ, પત્નીને માર મારવો, જાતીય દુર્વવહાર, વિધવાઓ અને વૃધ્ધ મહિલાઓ પર થતા અત્યાચારોનો સમાવેશ થાય છે.

૩. સામાજિક હિંસા જેમાં પત્ની અથવા પુત્રવધૂને બાળકીની ભૃણ હત્યા માટે ફરજ પાડવી, સ્ત્રીઓની છેડતી, સ્ત્રીઓને સંપત્તિ ન આપવી, વિધવાને સતી થવા માટે ફરજ પાડવી, પુત્રવધૂને દહેજ લાવવા માટે સતાવવી અને ત્રાસ આપવો, વગેરેનો સમાવેશ થાય છે.

આમ, સ્ત્રીઓની સમસ્યાઓ વ્યાપક છે.

  • સ્ત્રીઓનું થતું શોષણ શીખેલું વર્તન છે.
  • સમાજમાં પ્રવર્તતી સામાજિક અસમાનતા સાથે તેને સીધો સંબંધ છે.
  • તેનું સ્વરૂપ ગમે તે હોય પરંતુ પ્રત્યેક શોષણયુક્ત વર્તન વ્યક્તિ અને સમાજને દુઃખ પહોંચાડે છે.

જ્યાં સુધી સ્ત્રી પોતાના શોષણથી સભાન નથી ત્યાં સુધી તેને ‘પોતે શોષિત થઇ રહી છે’ તેવો ભાવ કે વિચાર આવતો નથી ત્યાં સુધી સંઘર્ષના મંડાણ થતાં નથી. ‘પુરૂષ શોષણ ચાલુ રાખે છે, અને સ્ત્રી સહન કર્યે જાય છે.’ તેવો ભાવ પણ તેને નથી થતો. તેને મન ‘બધું આમ જ હોય’ અને ‘આ જ બરાબર છે.’ એવી માનસિકતા હોય એટલે તકરાર દેખાતી નથી. પણ, હવે સભાનતા આવી રહી છે. માટે આ સમસ્યા છે, તેવો બોધ થયો છે. હવે આપણે ભારતીય સમાજમાં પ્રવર્તતી સ્ત્રીઓની વિવિધ સમસ્યાઓ વિશે જોઇશું.  

સ્ત્રી ભૃણ હત્યા

સ્ત્રી બાળક હોય તો જન્મતાં પહેલાં જ ગર્ભમાં તેની હત્યા કરી દેવાય છે, તેને સ્ત્રી ભૃણ હ્ત્યા કહે છે. સ્ત્રી ભ્રૂણ-હત્યા વર્તમાન સમયની ગંભીર સામાજિક સમસ્યાઓ પૈકી એક છે. તેના કારણે જાતિ-સંતુલન બગડી રહ્યું છે. છોકરાઓની સંખ્યામાં વધારો અને છોકરીઓની સંખ્યા ઓછી થતી જઇ રહી છે. ૨૦૦૧ની વસતી ગણતરી મુજબ ૬ વર્ષ સુધીના બાળકોમાં ૧૦૦૦ છોકરાઓએ ૧૨૨ છોકરીઓ ઓછી છે. એટલે કે, ૮૫૦ લાખ જેટલા ૬ વર્ષ સુધીના ઉમરના છોકરાઓ સામે ૭૮૮ લાખ જેટલી છોકરીઓ છે, એટલે કે ૧૨ લાખ છોકરીઓ ગાયબ છે. આ બાબત માનવ અધિકારોનું અને સ્ત્રીઓનું ઘોર અપમાન છે.    

આના કારણે આજે સમાજમાં યુવકોના લગ્ન માટે કન્યાઓ મળતી નથી. છોકરીઓથી છુટકારો મેળવવાની આ કુચેષ્ટા સમાજમાં છોકરીઓનું મહત્વ ઓછું હોવાના કારણે છે. તેમને છોકરાઓની સરખામણીમાં હલકી સમજવામાં આવે છે. તેના અસ્તિત્વને માતા-પિતા પોતાના ઉપર બોજ સમજે છે. તેમનો ઉછેર, તેમનું રક્ષણ, તેમના લગ્ન માટે ઉઠાવવી પડતી તકલીફો વગેરે એમના માટે બોજ બની જાય છે.

પુત્ર જન્મની ઘેલછા, પુત્ર જન્મનું વધુ મહત્ત્વ સ્ત્રીને આ શોષણ તરફ લઇ જાય છે. ભારતીય સમાજમાં પુત્ર જન્મને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. એના નામે જ વંશ વારસ આગળ વધે એવું સાંસ્કૃતિક ધોરણ રહેલું છે. પુત્ર જ વૃધ્ધાવસ્થાનો આધાર છે, તેવી માન્યતા પણ જવાબદાર છે. ધાર્મિક કારણ અંતર્ગત માતા-પિતા અને પૂર્વજોનું ઋણ ચૂકવવા પુત્ર પ્રાપ્તિ અનિવાર્ય ગણાવી છે. પુત્ર જ અગ્નિ સંસ્કાર કરી શકે, પિંડ દાન કરીને પિતૃઓને શાંતિ આપી શકે એવી ધાર્મિક માન્યતાઓ પણ જવાબદાર છે.

કન્યાભૃણની હત્યા ખુલ્લેઆમ થઈ રહી છે. એ માટે પ્રી-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક (પીએનડીટી) નામના ખાસ કાયદો ૧ જાન્યુઆરી ૧૯૯૬થી અમલમાં મૂકાયો. ૨૦૦૨માં તેમાં સુધારો કરવામાં આવ્યો. પણ કાનૂનનો હજીય સમાજમાં લોકોને ભય નથી લાગતો. એથી દીકરીને મારવા-મરાવવાવાળાને અને ડૉક્ટરને એનો ડર નથી લાગતો. નાનો જીવ મરતો રહે છે એટલે કાયદામાં હજી સખતાઈ લાવવી જોઇએ.

અસમાન જન્મદર

કોઇપણ રાષ્ટ્રમાં લિંગ પ્રમાણે વસ્તીની સમાનતા પ્રવર્તતી હોય તો તે તેના સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પાસાંઓને અસર કરે છે. પણ ચિંતા સાથે એ નોંધવું પડે છે કે ભારતમાં સ્ત્રી પુરૂષ વચ્ચેનો અસમાન જન્મદર અનેક સમસ્યાઓ સર્જી રહ્યો છે.

ભારતમાં છેલ્લા છ દાયકામાં સ્ત્રી પુરૂષ જન્મ દરનું પ્રમાણ જોઇએ તો અને સાથે ગુજરાત રાજ્યની તુલના પણ કરીએ.

સારણી – ૧ સ્વતંત્રતા પછી દર હજાર પુરૂષોએ સ્ત્રીનું પ્રમાણ

વર્ષભારતમાં સ્ત્રીનું પ્રમાણગુજરાતમાં સ્ત્રીનું પ્રમાણગુજરાતમાં ભારત કરતાં સ્ત્રીનું પ્રમાણ
૧૯૫૧૯૪૬૯૫૨+ ૬ સ્ત્રીઓ
૧૯૬૧૯૪૧૯૪૦૧ સ્ત્રીઓ
૧૯૭૧૯૩૦૯૩૪+ ૪ સ્ત્રીઓ
૧૯૮૧૯૩૪૯૪૨+ ૮ સ્ત્રીઓ
૧૯૯૧૯૨૭૯૩૪+ ૭ સ્ત્રીઓ
૨૦૦૧૯૩૩૯૧૯૧૪ સ્ત્રીઓ

સારણી પરથી જોઇ શકાય છે કે, ભારતમાં ૨૦૦૧માં જ્યારે ૯૩૩ જેટલી સ્ત્રીઓ હતી ત્યારે ગુજરાતમાં તે પ્રમાણ ૯૧૯નું હતું.  જે ઘણું જ નીચું પ્રમાણ દર્શાવે છે. ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી થાય છે. ઇ.સ.૨૦૦૧માં દેશની વસ્તી એક અબજ બે કરોડ સત્તર લાખ પંદર હજારનો આંક વટાવી ગઇ હતી. તેમાં પુરુષોની સંખ્યા ૫૩,૧૨,૭૭,૦૦૦ અને સ્ત્રીઓની સંખ્યા ૪૯,૫૭,૩૮,૦૦૦ બતાવવામાં આવી છે. અર્થાત્ ૧૦૦૦ પુરુષોની સંખ્યાની તુલનામાં ૯૩૩ સ્ત્રીઓ હતી. ઇ.સ. ૧૯૭૧ની વસ્તી ગણતરીમાં આ ફરક એનાથી પણ વધારે હતો. દેશના કેટલાય રાજ્યોમાં છોકરા અને છોકરીઓની સંખ્યા વચ્ચે ઘણો ફરક છે. એમાં ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી અને હિમાચલ પ્રદેશ ઉલ્લેખનીય છે.

બાળલગ્ન

ભારતમાં બાળ લગ્ન પરંપરાગત રીતે પ્રચલિત હતાં અને આજે પણ કેટલેક અંશે ચાલુ છે. કાયદા અનુસાર હવે સ્ત્રી માટે લગ્નની વય ૧૮ વર્ષની કરવામાં આવી છે. પણ માતા પિતાનું વલણ એ જ જોવા મળે છે કે, દીકરીનું લગ્ન જલ્દી ગોઠવાઇ જાય. તેને ભણાવવા પાછળ પણ એ જ માનસિકતા જોવા મળે કે, એને સારું સાસરું કે સારો છોકરો મળે.

હવે આ વલણમાં અલબત્ત પરિવર્તન આવ્યું છે. યુનિસેફ (UNICEF)ના સ્ટેટ ઓફ ધી વર્લ્ડ્સ ચિલ્ડ્રન -2009 અહેવાલ અનુસાર, કાયદેકીય રીતે માન્ય 18 વર્ષની વય પૂર્વે ભારતમાં 20-24 વર્ષની વયે લગ્ન કરનાર મહિલાઓ 47% હતી, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં પ્રમાણ 56% ટકા હતું. અહેવાલ અનુસાર, વિશ્વના કુલ બાળ લગ્નોમાંથી 40% બાળ લગ્નો ભારતમાં થાય છે. ભૂતકાળમાં બાળ વિધવાને તીવ્ર યાતના આપવામાં આવતી, વાળ ઉતારી નાખવા, એકલતા ભર્યુ જીવન જીવવું, સમાજથી દૂર રહેવું જેવી સજા કરવામાં આવતીજોકે 1860માં બાળ વિવાહને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા હતા, જોકે તે આજે પણ સામાન્ય વાત છે.

હિન્દુ મૅરેજ ઍક્ટ-૧૯૫૫ મુજબ ર૧ વર્ષથી નાની ઉમરનો છોકરો અને ૧૮ વર્ષથી નાની ઉમરની છોકરી આ કાયદા હેઠળ બાળક ગણાય છે. લગ્ન કરનાર પક્ષકારો પૈકી એક પક્ષકાર બાળક હોય તેવું લગ્ન બાળલગ્ન કહેવાય છે. ર૧ વર્ષથી વધુ ઉમરના પુરુષો જો ૧૮ વર્ષથી ઓછી ઉમરની છોકરી સાથે લગ્ન કરે તો લગ્ન કરનાર સાથે સબંધ ધરાવતા માતા-પીતા અથવા વાલી બધા ગૂનો કરે છે. અને તેમના વિરુઘ્ધ શિક્ષાની જોગવાઈ રહેલી છે. સગીર ઉંમરનાં છોકરા કે છોકરી સાથે લગ્ન  કરતાં ૧૫ દિવસની સાદી કેદ અથવા એક હજાર રૂપિયા દંડ થતો. ૨૦૦૭માં આ કાયદાને કડક બનાવવામાં આવ્યો. હવે આ કાયદાનું ઉલ્લંઘન કરવાવાળાને બે વર્ષની કેદ અને એક લાખ રૂપિયા દંડ થાય છે.

ઘરેલુ હિંસાઃ

ભારતમાં નેશનલ ક્રિમીનલ રેકોર્ડ બ્યુરોના સર્વે મુજબ, ભારતમાં દર ત્રીજી મીનીટે સ્ત્રીઓ પર ઘરેલું હિંસા થાય છે, અને ભારતમાં દર છ કલાકે એક સ્ત્રી ઘરેલુ અત્યાચારને કારણે આત્મહત્યા કરે છે. તે માટેનું મૂળભૂત કારણ તપાસતા ઈ.સ. ૧૯૯૩માં યુનાઇટેડ નેશનએ જણાવ્યું છે,

સ્ત્રીઓ પરની ઘરેલું હિંસાના મૂળમાં સ્ત્રી અને પુરુષ વચ્ચનો અસમાન સામાજિક દરજ્જો છે”

“ઘરેલુ હિંસા એટલે મહિલા પર ઘરના સભ્યો અથવા ઘરેલુ સંબંધ ધરાવતી વ્યક્તિ દ્વારા થતી હિંસા, જેમાં ભોગ બનનાર મહિલાને શારીરિક તકલીફ પહોંચે, તેનું કોઇ અંગ અથવા આરોગ્ય જોખમમાં મૂકાય, તેના આરોગ્ય અને વિકાસને કુંઠિત કરે, જાતીય માનભંગ કરવો, શાબ્દિક અપમાન કે મહેણાં ટોણાં કરવા, દહેજ માટે માંગણી કરવી, ખર્ચ માટે નાંણા ન આપવા, તેની આવક છીનવી લેવી વગેરેનો સમાવેશ થાય છે.”

કમલ્લમા અને પુષ્પા (‘નારી વ્યથા’ પાન નં ૬૪) ના એક અભ્યાસમાં જોવા મળ્યું હતું કે, શારીરિક ત્રાસનો ભોગ બનેલી બધી જ સ્ત્રીઓને માર મારવાની, ૮૧.૭ ટકા સ્ત્રીઓને ડામ દેવાની, ૬૦ ટકા સ્ત્રીઓને લાત મારવાની, ૫૨.૫ ટકા સ્ત્રીઓને પથ્થર જેવી વસ્તુઓ મારવાની, ૪૮.૩ ટકાને છરીથી મારવાની, ૨૦.૮ ટકાને લાકડીથી મારવાની, ૧૯.૩ ટકાને વાળ કાપી નાંખીને અને ૧૦ ટકાને ગરમ પાણીમાં નાંખીને હેરાન કરવામાં આવી હતી.

આ એક અમાનુષી વ્યવહાર કહી શકાય. મારપીટના આ પ્રકારોમાં ગડદાપાટુ, લાકડી કે સળિયાથી પ્રહાર, પેઢુમાં લાતો મારવી, છરી, કડછી કે વાસણોથી પ્રહાર કરવા, ટેબલ કે વસ્તુ સાથે અફળાવવી, ભીંત સાથે માથું ભટકાવવું, ગુહ્ય ભાગોમાં ડામ દેવા, સંભોગનો અતિરેક કરવો જેવી હિંસાઓ આચરવામાં આવે છે. 

એવું માનવામાં આવે છે કે ઘરની ચાર દીવાલમાં સ્ત્રી સુરક્ષિત છે, પરંતુ ચોક્કસ આંકડા મુજબ ભારતમાં એક તૃતીયાંશ ટકા મહિલાઓ કોઈ ને કોઈ રીતે ઘરેલુ હિંસાનો શિકાર બને છે. ઘરેલુ હિંસા અધિનિયમ સપ્ટેમ્બર ૨૦૦૫માં ભારતીય સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો છે. આ કાયદાએ બધી સ્ત્રીઓને શારીરિક, માનસિક, આર્થિક, મૌખિક, ભાવનાત્મક અને જાતીય શોષણથી બચવા માટે રાહત આપી છે. તે મહિલાઓને ભયમાંથી મુક્ત કરે છે, પણ સ્ત્રીઓ મોટેભાગે કાયદાનું શરણ લેવાનું ટાળે છે. આ દૂષણ સમાજમાં બહોળા પ્રમાણમાં ફેલાયેલું છે, જેની સ્ત્રીઓ પર શારીરિક તેમજ માનસિક ગંભીર અસરો જન્મે છે. 

ઉપસંહાર

આપણે વિવિધ ક્ષેત્રમાં પ્રવર્તતી મહિલા સંબંધિત સમસ્યાઓ અંગે માહિતી મેળવી તેનાથી પ્રવર્તમાન સમાજની રુગ્ણતાનો ખ્યાલ તો આવે જ છે. જે પણ વિકાસ દેખાઇ રહ્યો છે, તેમાં પાયાના માનવીય મૂલ્યો હ્રાસ સ્પષ્ટ દેખાય છે. એટલે જ્યાં સુધી સ્ત્રી એક માનવ તરીકેનું સન્માન ન પામે ત્યાં સુધી આ વિકાસ કાગળ પરના આંકડા જ સાબિત થાય. બીજું, કે આટઅટલા ક્ષેત્રોમાં થતાં અન્યાય અને શોષણ જોયા પછી એવું જ લાગે કે આ વિશ્વમાં ભાગ્યે જ કોઇ એક સ્ત્રી અપવાદ પણ હશે કે જે કોઇને કોઇ ક્ષેત્રમાંથી શોષિત થવામાં બચી હોય. પરિવર્તન તો લાવવું જ પડશે. પણ માનસિકતામાં બદલાવ અત્યંત ધીમી પ્રક્રિયા છે. એટલે ઝડપી ઉપચાર અને સાવચેતી રૂપે સલામતીનાં પગલાં માટે સ્ત્રી પોતે શું કરી શકે, તે માટે તેણે જ પ્રથમ જાગૃત થવાની જરૂર છે. તે માત્ર એક સ્ત્રી તરીકે નહીં પણ એક માનવ તરીકેના હકો પ્રાપ્ત કરે તે તરફ આગળ ધપવાનું છે. 

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: