૩. શ્રવણ – અર્થ અને પ્રકારો

 • પ્રસ્તાવના
 • શ્રવણ – અર્થ
 • શ્રવણના પ્રકારો
 • ઉપસંહાર

 પ્રસ્તાવના

પરિવર્તનના યુગમાં શિક્ષણ પણ પોતાનું કલેવર બદલી રહ્યું છે. શિક્ષકો ટેકનોલૉજીનો ઉપયોગ કરતા થયા છે. શાળાઓ સ્માર્ટ ક્લાસ ધરાવે છે. શિક્ષકનું ભાષા કર્મ પહેલાં કરતાં બદલાયું છે. કોઇ પણ વિષય શિક્ષક તેના સમર્થ અધ્યાપન થકી વિદ્યાર્થીઓનું ઘડતર કરે છે. માટે જે કોઇ પણ વિષય તેઓએ શીખવવાનો છે તે ભાષાના માધ્યમ થકી શીખવવાનો છે. માટે શિક્ષકની ભાષા ક્ષમતા ઉત્તમ હોય તો તે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં વિદ્યાર્થીઓને સરળતા રહે છે, તેઓ વિષયમાં રસ લેતાં થાય છે અને સિધ્ધિ પણ હાંસલ કરી શકે છે.

સામાન્ય રીતે ભાષા નિપુણતા ચાર પાયાગત કૌશલ્યો, શ્રવણ, કથન, વાચન અને લેખનનું વહન કરે છે, જેમાં શ્રવણ અને વાચન ગ્રહણાત્મક છે જ્યારે કથન અને લેખન અભિવ્યક્તિ કરનારા કૌશલ્યો છે. અહીં આપણે શ્રવણનો અર્થ અને તેના પ્રકારો વિશે સમજીશું.

શ્રવણ – અર્થ

કોઇ આપણને એમ પૂછે કે તમે સાંભળો છો ત્યારે તમે શું કરો છો? આ પ્રશ્નનો જવાબ આપવાનું ધારીએ એટલું સહેલું નથી. તમે પણ આ વાંચતી વખતે વિચારવા લાગી ગયા હશો, અને સ્પષ્ટ જવાબ નહીં મળે. જ્યારે આપણે સાંભળવાનું કામ કરીએ છીએ ત્યારે કાન પર અથડાતાં સંવેદનો મનમાં એ ધ્વનિઓને વિચાર અને અર્થ આપે છે. આમ તે મનોશારીરિક પ્રક્રિયા છે. સાંભળતી વખતે આપણે ખાસું ધ્યાન આપવું પડે છે. ધ્યાન ન હોય ત્યારે સાંભળેલી ઉક્તિઓમાંથી કશુંક ગુમાવી બેસવાનો વારો આવે. સાંભળતી વખતે સંદર્ભ અને વ્યવહારનું પણ ધ્યાન રખાય છે. ટૂંકમાં, સાંભળવું એ કોઈ એવી સહજ પ્રક્રિયા નથી કે ધ્યાન ન આપીએ તો પણ અર્થની ખબર પડી જાય. સાંભળતી વખતે કેવળ શબ્દો અને વાક્ય સમજવાથી કામ ચાલતું નથી. આપણે બોલચાલની સામાન્ય પરિસ્થિતિમાં તો આ બધું સહજતાથી લઈએ છીએ. અને એટલે જ ક્યારેક ન સમજનાર વ્યક્તિ બીજાના હાસ્યનો ભોગ બને છે એ પણ આપણે જાણીએ છીએ. કોઇ રમૂજી ટૂચકો કહે અને પ્રતિભાવમાં કોઇ હસે નહીં તો વક્તા એમ કહે કે ‘કાલે સમજાય એટલે હસજે.’ ટૂંકમાં, શબ્દો, વાક્યરચના, લય, સૂર, સ્વરભાર અને સંદર્ભ એ બધી જ બાબતોનો સતત ખ્યાલ રાખીને આપણે સાંભળીને એમાંથી અપેક્ષિત અર્થ તારવીએ છીએ. ક્યારેક ગરબડ પણ થાય અને ખોટો અર્થ પણ તારવવા જાય એવું પણ બને. આ સંદર્ભમાં હવે આપણે શ્રવણનો અર્થ જોઇએ.

“બોલાતી ભાષાના સાંભળેલા અવાજો ઓળખી અર્થ સમજવાની પ્રક્રિયા એટલે શ્રવણ”  

બે પાસા શરીરવૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક

સંકુલ પ્રક્રિયામાં સ્વાભાવિક રીતે જ તેના અર્થ પ્રમાણે નીચેની પ્રક્રિયાઓ આકાર લે છે.

 • ધ્યાનપૂર્વક સાંભળવું,
 • વક્તવ્યને તત્કાળ સાંભળી અર્થગ્રહણ કરવું,
 • શુધ્ધ ઉચ્ચારોને ગ્રહણ કરીને સાંભળવું,
 • ધીરજપુર્વક અને રસપૂર્વક સાંભળવું,
 • હાવભાવ અને ચેષ્ટાઓને સમજીને સાંભળવું,
 • વક્તાના વિચારોને વિવિધ સંદર્ભોમાં સમજીને સાંભળવું

આમ, સાંભળવું (Hearing) અને ધ્યાનપૂર્વક સાંભળવું (Listening) એ બંનેમાં તફાવત છે. અંગ્રેજીમાં આ બે શબ્દો ઉપયોગમાં લેવાય છે. Hearing અનૌપચારિક અને સાહજિક છે, જ્યારે Listeningમાં શ્રોતા વક્તા કેવી રીતે બોલે છે, શું બોલે છે, ક્યા સંદર્ભમાં બોલે છે, તેમજ તેઓના અશાબ્દિક પ્રત્યાયનને પણ સમજવાનો પ્રયાસ કરે છે. તે ખૂબ ધ્યાનપૂર્વક સાંભળે છે. આના પરથી એટલું સમજાય છે કે વિદ્યાર્થી માટે શ્રવણ કેટલું બધું ઉપયોગી છે. આમ પણ દિવસ દરમ્યાન આપણી મોટાભાગની પ્રત્યાયન પ્રક્રિયામાં શ્રવણ અને કથન જ સૌથી મોટો ભાગ ભજવે છે.

આપણને એમ થાય કે દિવસ દરમ્યાન આટલું બધું સાંભળીએ છીએ, છતાં ઘણીવખત એવું પણ બને કે જ્યારે સાંભળ્યું હોય ત્યારે એ બાબત ન સમજાઇ હોય અને રસ્તામાં કે બે દિવસ પછી એ વાતનો શું અર્થ નીકળતો હતો એ સમજાય અને ક્યારેક તો આખી જિંદગી નીકળી જાય તો ય સમજાય. વળી એવું પણ બને કે કોઇ કોઇ વ્યક્તિની વાતો અવારનવાર સાંભળવી ગમે કે કોઇ ગીતો પણ વારંવાર સાંભળવાના ગમે. અને ક્યારેક કોઇ બોલે તો એમ થાય કે હવે આ વ્યક્તિ ચૂપ થઇ જાય તો સારું. એનો અર્થ એ થયો કે શ્રવણ કરતી વખતે આપણે પસંદગી પણ કરીએ છીએ, ક્યારેક ખૂબ ધ્યાન આપીએ છીએ. ક્યારેક માત્ર અવાજો સાંભળીએ છીએ, જેનો કોઇ અર્થ પણ નથી હોતો. આ સંદર્ભમાં આપણે હવે શ્રવણના પ્રકારોને સમજવાનો પ્રયાસ કરીશું.  

શ્રવણના પ્રકારોઃ 

શ્રવણના બે પ્રાથમિક પ્રકારો નીચે મુજબ છે.

ભેદપરખ શ્રવણઃ (Discriminative Listening)

આ શ્રવણ ખૂબ શરૂઆતના તબક્કામાં વિકસે છે, કદાચ માતાના ગર્ભમાં જ વિકસે છે. આ શ્રવણનો એકદમ પ્રાથમિક તબક્કો છે. જેમાં સમજનો સમાવેશ થતો નથી. જુદા અવાજોનું શ્રવણ થાય છે અને તેની વચ્ચેનો ભેદ ધ્યાનમાં આવે છે. મમ્મીનો અવાજ પપ્પાના અવાજ કરતાં જુદો છે. સ્કૂટર કે મોટરનો અવાજ, પંખાનો અવાજ, વીજળીનો ગડગડાટ, વાસણોનો અવાજ વગેરે.. નાના બાળકને પણ વાહનના અવાજ પરથી ખબર પડી જાય છે કે કોણ ઘરે આવ્યું.

આ પ્રકારનું શ્રવણ પુખ્તાવસ્થા સુધી વિકસે છે. અને જેમ અનુભવો મળતાં રહે છે તેમ વિવિધ પ્રકારના અવાજો વચ્ચેનો તફાવત પારખી શકાય છે.

આગળ જતાં આ કૌશલ્ય બહુ સુક્ષ્મ પ્રકારના બેદોને પણ ઓળખી શકે છે એટલું જ નહીં તેનો અર્થ પણ સમજી શકે છે. પ્રત્યુત્તરમાં કોઇ નિઃશ્વાસ નાંખે એ પણ એક પ્રકારનો અવાજ જ છે, પણ તેનું અર્થઘટન કરતાં આવડી જાય છે. સંગીત કલાની વાત કરીએ તો માત્ર જુદાં વાજિંત્રોના અવાજો વચ્ચેનો તફાવત જ નહીં પણ કયા વાજિંત્રમાં ક્યા સૂરો વાગ્યા તેનો પણ બોધ થાય છે, માટે જ તેને શ્રુતિની કલા કહેવાય છે. તબલામાં ક્યા બોલ વાગ્યા તે શીખતાં વર્ષૉ નીકળી જાય છે.  

એક અન્ય ઉદાહરણથી સમજીએ તો ક્યારેક આપણે ઍરપોર્ટ કે રેલવે સ્ટેશન પર અન્ય ભાષા બોલતી વ્યક્તિને સાંભળીએ તો સમજાય કે તે માત્ર અવાજો છે, આપણે તેને સમજી શકતા નથી. બે વ્યક્તિઓ બે અલગ ભાષા બોલે છે, તેવો ખ્યાલ આવે પણ તેનો અર્થ ન સમજાય.

અર્થગ્રહણાત્મક શ્રવણઃ (Comprehensive Listening)

આ પ્રકારનું શ્રવણ સંદેશો શેનું પ્રત્યાયન કરવા માંગે છે તેનું અર્થગ્રહણ કરવાનો સમાવેશ કરે છે. આ પ્રકારનું શ્રવણ એક પ્રકારની સજ્જતા માંગી લે છે. અર્થગ્રહણાત્મક કૌશલ્ય પર્યાપ્ત શબ્દભંડોળ તેમજ ભાષાકીય કૌશલ્યની જાગરૂકતા માંગી લે છે. તે ઉપરાંત કોઇ શાસ્ત જેમ કે ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, ગણિત, વિજ્ઞાન જેવા વિષયો શીખતી વખતે તેની પરિભાષા પણ આવડવી જરૂરી છે તો જ શિક્ષક જે કથન કરે છે તેને સમજી શકાય. કેટલીક વખત એવું લાગે છે કે વિદ્યાર્થીઓ આપણને સાંભળે છે, તેઓ માથું હલાવીને સાંભળ્યાનો પ્રતિભાવ પણ આપે છે, પણ વાસ્તવમાં તેઓનું ધ્યાન ક્યાંક બીજે હોય છે, અથવા તેની જે તે વિષયને સમજી શકવાની ક્ષમતા નબળી છે. શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે વર્ગખંડમાં તો રોજે રોજ ઘટના બને છે.

આ પ્રકારનું શ્રવણ અશાબ્દિક પ્રત્યાયન, અવાજનો ટૉન, અને શરીરની ભાષાનું પણ અર્થગ્રહણ કરે છે. કેવી રીતે વ્યક્તિ ઊભી છે, દબાયેલા અવાજે બોલે છે, આત્મવિશ્વાસથી બોલે છે, વગેરે સંકેતોનું પણ અર્થગ્રહણ થાય છે.

 • શ્રવણના અન્ય પ્રકારો

ભેદપરખ અને અર્થગ્રહણાત્મક શ્રવણના આ બે પ્રકારો શ્રવણની પૂર્વશરત સ્વરૂપે છે. અન્ય પ્રકારો વ્યક્તિના શ્રવણ ક્યા ધ્યેય કે હેતુ માટે કરે છે તેના આધારે પડે છે. આવા હેતુઓને આધારે શ્રવણના અન્ય ત્રણ પ્રકારો પડે છે.

૧. માહિતીલક્ષી શ્રવણ Informational Listening

જ્યારે કોઇ અભ્યાસ માટે અથવા માહિતી પ્રાપ્ત કરવા માટે શ્રવણ કરે તો તેને માહિતીલક્ષી શ્રવણ કહેવામાં આવે છે. સમાચાર સાંભળવા, કોઇ દસ્તાવેજી ફિલ્મ જોવી/સાંભળવી, કોઇ ખાદ્ય વાનગીબનાવવાની રીત, કોઇ સેલફૉન કે કમ્પ્યુટર શીખવા માટેની માહિતી સાંભળવી વગેરે માહિતીલક્ષી શ્રવણના ઉદાહરણો કહી શકાય. આમ તો બધા જ પ્રકારના શ્રવણ સક્રિય પ્રક્રિયા ધરાવે છે, તે ધ્યાન અને  સભાન પ્રયત્નો માંગી લે છે. પણ આ પ્રકારના શ્રવણમાં આપણે માત્ર માહિતી એકત્ર કરીએ છીએ, તેનું વિવેચન કે મૂલ્યાંકન નથી કરતા. સામાન્ય રીતે આ પ્રકારનું શ્રવણ મિટિંગમાં કે કોઇ ઔપચારિક વ્યવસ્થામાં આકાર લે છે.

 • સમીક્ષાત્મક શ્રવણ Critical Listening

જે પણ કહેવાઇ રહ્યું છે, તેનું મૂલ્યાંકન કે વિવેચન કરવાનું હોય ત્યારે આ પ્રકારનું શ્રવણ આકાર લઇ લે છે. માહિતીલક્ષી શ્રવણ કરતાં આ પ્રકારનું શ્રવણ વધુ સક્રિય છે. જે કંઇ પણ માહિતી રજૂ થાય છે, તેના પર ચિંતન કરીને તે માહિતી પર પ્રશ્નો, પ્રતિપ્રશ્નો કે અભિપ્રાય આપવાના પ્રયાસો થાય છે. આ પ્રતિભાવ આપવાની અને મૂલ્યાંકન કે નિર્ણય આપવાની પ્રક્રિયા છે. વિવેચનાત્મક વાચનમાં જે પ્રક્રિયા થાય છે તે જ પ્રક્રિયા અહીં પણ થાય છે. અહીં વક્તા સાચા કે ખોટા છે તેવો નિર્ણય કરવાની વાત નથી, પણ વક્તા શું કહેવા માંગે છે, તેમના કથનનો સાર શું છે, તેઓ ક્યા સંદર્ભમાં આ વાત કરી રહ્યા છે, તે  બાબત મારી માન્યતાઓ, અભિપ્રાયો અને જ્ઞાન કરતાં કઇ રીતે જુદી પડે છે, વગેરે સંદર્ભમાં વિચારીને શ્રવણ કરાય છે. વર્ગખંડમાં કોઇ વિષય પર ચર્ચાસ્પદ મુદ્દો જેમ કે, ‘પરીક્ષા પધ્ધતિના ફાયદા અને ગેરફાયદા’, ‘ટી. વી. શાપ કે વરદાન’, ભારતની સમસ્યાઓ, શહેરીકરણ, પર્યાવરણ જાગૃતિ વગેરે…એક બાબત એ પણ મહત્ત્વની છે કે આ પ્રકારનું શ્રવણ મુક્ત મન રાખીને થવું જોઇએ. જો કોઇ પહેલેથી પૂર્વગ્રહયુક્ત વલણ સાથે સાંભળે તો શ્રવણ એકપક્ષી બની જશે, કેમ કે પહેલેથી જ ચોક્કસ ધારણાઓ બાંધી દીધી હતી. ટી.વી. પર કોઇ મુદ્દા વિશે પત્રકાર પાંચ કે છ વ્યક્તિઓની મુલાકાત લેતા હોય છે, તેમાં જુદા રાજકીય પક્ષોના પ્રવક્તા જે રજૂઆત કરે એમાં આ બાબત તરત જણાઇ આવે છે. તેઓ કોઇ ચોક્કસ ધારણાને આધારે પોતાનો મત રજૂ કરતા હોય છે અને સામી વ્યક્તિને સાંભળતા જ નથી, કેટલીક વખત તો એક બીજા પર આક્ષેપબાજી જ થયા કરતી હોય છે. એ સમગ્ર ચર્ચાનો હેતુ તો વિશ્લેષણ કરવાનો જ હોય છે, પણ એ હેતુ પાર પડતો નથી.ઉપચારાત્મક અથવા પરાનુભૂતિયુક્ત શ્રવણ Therapeutic or Empathetic Listening

વક્તાના વિચારો અને લાગણીઓ સાથે એકરૂપ થઇએ સાંભળવું. સહાનુભૂતિ અને પરાનુભૂતિ વચ્ચે તફાવત છે. સહાનુભૂતિ બીજાના લાગણી અને દર્દ પ્રત્યે સંવેદના પ્રગટ કરવી એ છે, જ્યારે પરાનુભૂતિમાં વ્યક્તિ એ વિચારે છે કે એની જ્ગ્યાએ હું હોઉં તો શું થાય? બીજી વ્યક્તિના દુઃખ, દર્દ, સ્મસ્યાઓને તે વ્યક્તિ સાથે એક થઇને સાંભળવું એ પરાનુભૂતિયુકત શ્રવણ છે. આમ તો આ પ્રકારનું શ્રવણ સ્વજનો કે અંગત મિત્રો જ્યારે પોતાના પ્રશ્નો કે સમસ્યાઓ એક બીજા સાથે વહેંચે ત્યારે આ પ્રકારનું શ્રવણ સ્થપાઇ જાય છે. ત્યારે જે રીતે સાંભળવા આવે છે અને જે રીતે પ્રતિચાર આપવામાં આવે છે તે અલગ જ હોય છે.

વિશેષ કરીને સલાહકારો, ચિકિત્સકો કે અન્ય વ્યવસાયીઓ આ પ્રકારનું શ્રવણ કરવાની કુશળતા ધરાવતા હોય છે. આ પ્રકારના શ્રવણમાં કોઇ નિર્ણય કે ઉકેલ આપવાનો હોતો નથી પણ વક્તાને પોતાની વાત દિલથી કહેવા માટે પ્રોત્સાહિત કરવાનો હોય છે. પ્રતિક્રિયા કે સ્પષ્ટીકરણ એટલા માટે કરવાના કે કોઇ ગેરસમજ ન સર્જાય.

મિત્રો, સ્વજનો અને સ્ટાફ મિત્રો સાથે આ પ્રકારનું શ્રવણ રોજેરોજ બનતી ઘટનાઓ છે. આંતરવૈયક્તિક સંબંધોમાં કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જ્યાં પોતાની વાત વિના સંકોચે કહી શકાય. અને દરેક વયક્તિ આવી વ્યક્તિને શોધી લે છે, કે કોણ એની વાતને શાંતિથી સાંભળશે અને એને સમજ્શે. આપણે સહુ આ પ્રકારના શ્રવણનું કૌશલ્ય ધરાવીએ છીએ, કોના માટે ધરાવીએ છીએ એ અલગ બાબત છે.

 • પસંદગીયુક્ત શ્રવણઃ Selective Listening

સવારે ઊઠીને કોઇને પોતાના પ્રિય ભજન સાંભળવા ગમે, કે કોઇને પોતાના મનપસંદ ગીતો, કે રેડિયો પર પ્રસ્તુત થતાં કાર્યક્રમો સાંભળવા ગમતાં હોય ત્યારે તે શ્રવણ પસંદગીયુક્ત શ્રવણ બની જાય છે. એ કામ કરતાં સમય પસાર કરવાના હેતુથી કે મનોરંજનના હેતુસર કે હળવા થવા માટે શ્રવણ થતું હોય છે. સાંપ્રત સમયમાં આધ્યાત્મિક ઑડિયોઅને વિડિયો કેસેટસ્ નો ઉપયોગ પણ બહુ જ પ્રચલિત બન્યો છે. વ્યક્તિત્ત્વ વિકાસની શ્રેણિ અંતર્ગત વક્‍તૃત્ત્વ કલાનો વિકાસ, સમય વ્યવસ્થાપન, વ્યક્તિત્ત્વ વિકાસ, માર્કેટિંગ વગેરે વિષય પર પણ લોકો શ્રવણ કરતા હોય છે. અહીં લોકો પોતાના પ્રિય ગુરુ કે આદર્શ વ્યક્તિ પર પસંદગી ઉતારીને તેઓનું શ્રવણ કરતા હોય છે. હવે તો સાહિત્યકારો પણ પોતાના અવાજમાં પોતાની કૃતિઓનું પઠન ઑડિયો કે વિડિયો સ્વરૂપમાં ઇન્ટરનેટ પર મૂકતા હોય છે અને વ્યાવસાયિક ધોરણે પણ આ કેસેટ્‍સ્‍ ઉપલબ્ધ હોય છે. જેમ મનગમતાં પુસ્તકોનું વાચન થાય છે તેમ પસંદગીના પ્રવચનો, ગીતો વગેરેનું પણ શ્રવણ થતું હોય છે.

શ્રવણના આ સર્વ પ્રકારો વચ્ચે કોઇ ચુસ્ત ભેદરેખા નથી. બધાં પ્રકારના શ્રવણ એકબીજા સાથે સંકળાયેલા છે. માત્ર સમજના હેતુસર આ પ્રકારોને ધ્યાનમાં લેવા જોઇએ.

ઉપસંહારઃ

ભાષામાં કેટલીક કહેવતો જીવાતા જીવનનો નિચોડ જણાવતી હોય છે. નીચેની કહેવતો શ્રવણ કૌશલ્યમાં લોકો કેવી મર્યાદાઓ દર્શાવે છે તેનું અદ્ભુત વર્ણન કરે છે.

 • આંધળે બહેરું કુટાવુંએકના બદલે બીજું સમજવું 
 • ભેંશ આગળ ભાગવત –  બોલવાનો મિથ્યા પ્રયત્ન કરવો 
 • આંધળા આગળ રોઇએ એટલે પોતાની જ આંખો ખોઇએકદર ન કરી શકનાર માણસ આગળ પોતાની હકીકત જણાવવાથી લાભને બદલે ઊલટું નુકશાન થાય

શ્રવણ આપણા સહુના જીવનનો અવિભાજ્ય હિસ્સો છે, પણ આપણે જોઇએ તેવા સભાન નથી જ, કદાચ વ્યક્તિ તરીકે, એક શિક્ષક તરીકે કે એક વિદ્યાર્થી તરીકે શ્રવણના મહત્ત્વને અને તેની ગંભીરતાને આપણે સમજતાં નથી. જો શિક્ષક વક્તા તરીકે અસરકારક નીવડે અને વિદ્યાર્થીઓ શ્રોતા તરીકે જાગ્રત નીવડે તો વર્ગને સ્વર્ગ બનતાં કોણ રોકી શકે?

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: