વિશ્વના તમામ દાર્શનિકોને માટે સ્વનો સાક્ષાત્કાર એ જ જીવનનું પરમ લક્ષ્ય રહ્યું છે. સોક્રેટિસે દર્શનશાસ્ત્રનું પરમ લક્ષ્ય જણાવતા કહ્યું હતું કે, ‘તારા આત્માને ઓળખ (Know Thyself).’ લાઓત્ઝુ ‘તાઓ તે કિંગ’માં કહે છે કે ‘બીજા વિશે જાણવું તે ડહાપણ છે પણ પોતાના વિશે જાણવું તે આત્મ સાક્ષાત્કાર છે.’ ભારતીય મનીષીઓએ તો આરંભથી જ ‘આત્મા’ અને ‘અહંકાર’ના ખ્યાલ સાથે સ્વને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર સ્વ બ્રહ્મનો જ એક ભાગ છે. સ્વમાં શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક પરિમાણોનો સમાવેશ થાય છે.
ભારતીય મત પ્રમાણે સ્વના પાંચ સ્તરો
જેમ કાંદાના એક પર એક વિંટાળેલા પડ છે તેમ, જીવના પાંચ ખોળિયાં છે, જે દ્રશ્યમાન નથી. એટલે કે, જો શરીર પર વાઢકાપ ( ઓપરેશન) કરીએ તો તે ફેફસાં, આંતરડાં, અન્નનળીની માફક આ પાંચ કોષ દેખાશે નહી, પણ આત્મા પર આવા પાંચ- કોષ છવાયેલા છે. સ્વના આ પાંચ સ્તરો નીચે મુજબ છે.
૧.અન્નમય કોષ – Physical Body
આ કોષ અન્નના રસથી ઉત્પન્ન થાય છે અને તેની વૃધ્ધિ થાય છે, અંતે અન્ન રૂપે પૃથ્વીમાં વિલીન થઇ જાય છે. એટલે કે માણસનું સ્થૂળ શરીર એટલે અન્નમય કોષ. તેની સાથે આપણું તાદાત્મ્ય એટલું બધું ગાઢ થઈ ગયું છે કે આ શરીરને જ આપણે ‘હું” માનવા લાગ્યા છીએ. આપણે અજ્ઞાનમાં ડૂબી આત્મા અશરીરી, અનાકાર, અદૃશ્ય છે તે વિસરી ગયા છીએ. આત્માતો સત-ચિત-આનંદ સ્વરૂપ છે. આ કોષ સ્વરૂપે શરીર સ્થૂળ અને નાશવંત છે.
૨.પ્રાણમય કોષ – Energy Body
પાંચ પ્રાણ (પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન વાયુ) અને વાણી વગેરે ઇન્દ્રિયોનો સમૂહ એટલે પ્રાણમય કોષ. આ પ્રાણમય કોષ અન્નમય કોષથી સૂક્ષ્મ છે. પ્રાણમયકોષના ઉપરોક્ત પાંચ પ્રાણ અનુક્રમે શરીરમાં પાંચ પ્રકારની ક્રિયાઓ શ્વાસોચ્છવાસ, વિસર્જન, પાચન, રક્તભ્રમણ અને વિચારથી જોડાયેલા છે. પ્રાણવાયુ જે આપણા જીવન માટે આવશ્યક છે તે અતિ મહત્વનો છે. આ પ્રાણમય કોષ આપણને ભૂખ અને તરસનું ભાન કરાવે છે.
૩.મનોમય કોષ – Emotional Body
જે પ્રાણમય કોષથી પણ સૂક્ષ્મ છે. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા એમ પાંચ જ્ઞાનેન્દ્રિયના સમૂહથી જે ઉત્પન્ન થયો તે મનોમન કોષ. શંકા સંદેહ પેદા થાય, સંકલ્પ વિકલ્પ સર્જાય તે મનોમય કોષ. ઉલઝન સુલઝાવે તે મન. બંધનને મુક્તિનો અહેસાસ કરાવનાર પણ મન. પાંચ જ્ઞાનેન્દ્રિયના ઘોડા શરીરરૂપી રથને હંકારે ત્યારે લગામનું કાર્ય કરે મનોમય કોષ.
૪. વિજ્ઞાનમય કોષ – Wisdom Body
મનની સરખામણીએ બુધ્ધિ વધુ સૂક્ષ્મ છે. બુધ્ધિ અને પાંચ જ્ઞાનેન્દ્રિય મળીને બને છે વિજ્ઞાનમય કોષ. વિવેક અને સારાસારનું ભાન કરાવે તે વિજ્ઞાનમય કોષ. બુધ્ધિ જ્ઞાત ક્ષેત્રમાં રહેવા ઉપરાંત અજ્ઞાત ક્ષેત્રમાં પણ પ્રવેશ કરવાની શક્તિ ધરાવે છે. તે નવી-નવી શોધ કરી શકે છે, નવી વાતો પર વિચાર કરી શકે છે અને નવા સિદ્ધાંતોને સમજી શકે છે. પૂર્વ સ્મૃતિનો ઉપયોગ કરી બુધ્ધિ વર્તમાન વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પર વિચાર કરવા અને નિર્ણય લેવાની ક્ષમતા રાખે છે.
૫.આનંદમય કોષ – Bliss Body
સ્વનું આ સ્તર વ્યક્તિને પોતાની સાચી ઓળખ કરાવે અને તેને પ્રસન્ન રાખે તે આનંદમય કોષ. જ્યારે અંતઃકરણ અજ્ઞાનથી આવૃત્ત હોય, આચ્છાદિત હોય ત્યારે તે આત્માના આનંદનો અનુભવ કરાવી શકતો નથી. પણ આત્મજ્ઞાન થતાં તેને સત ચિત આનંદની અનુભૂતિ થાય છે. આને આનંદમય કોષ એટલા માટે કહેવાય છે કે વ્યક્તિની જાગ્રત અને સ્વપ્નાવસ્થામાં કોઈ પણ દશા હોય, ચાહે તે ધની હોય કે દરિદ્ર હોય, સ્વસ્થ કે અસ્વસ્થ હોય, યુવા કે વૃધ્ધ હોય, એક વાર સ્વનો સાક્ષાત્કાર થયા પછી તેને એક સમાન અચળ શાંતિ અને સુખનો અનુભવ થાય છે.
આમ, સ્વનું દર્શનશાસ્ત્ર તેના સાક્ષાત્કારને જીવનનું અંતિમ લક્ષ્ય માને છે.
એક આકૃતિ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ તો આત્મા કેન્દ્ર છે, અને એક પછી એક આવરણથી તે આચ્છાદિત બને છે. આપણે જેમ જેમ કેન્દ્ર તરફ સરકતા જઇએ તેમ તેમ આપણને સ્વનો સાક્ષાત્કાર થતો જાય છે.
આકૃતિ – ૧ સ્વના પાંચ સ્તરોઃ

મનોવિજ્ઞાન માટે સ્વ કર્તા અને વિષયવસ્તુ છે, જ્યારે દર્શનશાસ્ત્ર માટે સ્વ એક દ્રષ્ટા છે, એટલે કે તે પોતાને જોનાર છે. આમ, તો મનોવિજ્ઞાન દર્શનશાસ્ત્રમાંથી જ વિકસિત થયેલું વિજ્ઞાન છે, પ્રથમ તેની વ્યાખ્યા ‘આત્માના વિજ્ઞાન’ તરીકેની જ હતી, પણ વિજ્ઞાન બનવા જતાં તેણે તર્ક, અનુભવ અને પ્રમાણને આધાર ગણતાં સ્વને એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જ સમજવાનો પ્રયાસ કર્યો.
Credits to Images