દફન કરી દીધાં સપનાં, જે હતાં મનભર
હસતો, હસાવતો રહ્યો જિંદગીભર,
વાહ! શું સજજન માણસ છે!
એના અસ્તિત્વનો નથી રતીભર સ્વીકાર,
પૂજા વિના પાણીનો પણ તિરસ્કાર,
વાહ! શું ધાર્મિક માણસ છે!
પળ પળ રસભર પ્રેમ તરબોળ,
ફના થતો રહ્યો, હોશમાં ઓળઘોળ!
વાહ! શું મુર્ખ માણસ છે!
અંતઃકરણની વળી કેવી હોય મજબૂરી?
કૉર્ટે કર્યો છે બાઈજ્જત બરી!
વાહ! શું આબરૂદાર માણસ છે!
રહે કાં મંદિર ને કાં મસ્જિદ,
કોની છે ભલા આ જીદ!
વાહ! શું વચનબધ્ધ માણસ છે!
નજરકેદમાં પત્ની પર માલીકીની રહેમ છે,
પડોશીની પત્ની માનેલી ધર્મની બહેન છે!
વાહ! શું ચારિત્ર્યવાન માણસ છે!
બાઈક નહીં ગાડી, માળ પર બીજો માળ,
ઊંઘ નથી, ભૂખ નથી, કેવો છે કાળ!
વાહ! શું મહાત્વાકાંક્ષી માણસ છે!
નિરાંતે શ્વસવાના ક્યાં છે કોઈ કોડ,
અટક્યા વગરની દોડ પછી બીજી એક દોડ!
વાહ! શું કહેવાતો માણસ છે!