પ્રકરણ – ૨ અમંગળની શંકા

મનહરભાઈએ મનીષા અને ઉદય અંગેના રહસ્ય પરથી પડદો ખેંચી કાઢવા માટે આબાદ યુક્તિ અજમાવી હતી. એમનું અનુમાન સાચું ઠર્યું હતું. કદાચ પિનાકીનભાઈએ લાગતા વળગતા સૌ કોઈને સૂચના આપી દીધી હોવી જોઈએ કે મનીષાના પપ્પાનો કે મમ્મીનો ફોન આવે તો એમને સાચી માહિતી આપવી નહિ અને માત્ર તાબડતોબ વડોદરા આવી જવાનું કહેવું. પેલા બંગાળી સજજન કદાચ સંજય નામની કોઈ વ્યક્તિને ઓળખતા હોય તો પણ ઉદયની સાથે કામ કરનાર વ્યક્તિ તરીકે એને સાચી વાત કહી દે એવી ધારણા સાથે મનહરભાઈએ યુક્તિ અજમાવી હતી. એમના મનમાં કશુંક અમંગળ બન્યાની શંકા હતી અને સાચી પડી હતી. પેલા બંગાળીબાબુએ ઉદયનો સહકાર્યકર સંજય નામનો કોઈક માણસ બોલે છે એમ સમજીને સાચી વાત કહી દીધી. પણ કહ્યું કે , “સંજયતુમ કો માલૂમ નહીંઆજ સુબે ઉદયને સુસાઈડ કિયા હૈકુછ ફેટલ કેમિકલ લે લિયા હૈ…”

      સજજને આગળ પણ કશુંક કહ્યું. પરંતુ મનહરભાઈ સાંભળી શક્યા નહિ. માત્ર એટલી વાત એમના તનમનમાં વીજળીનો પ્રવાહ વહાવી દેવા માટે પૂરતી હતી કે ઉદયે આત્મહત્યા કરી છે. ઘડીભર માટે તો તેઓ થીજી ગયા અને જાણે એમના આખા શરીર પર કવો મારી ગયો હોય એવું એમને લાગ્યું. એમના કાન પરથી રિસીવર નીચે ઊતરી ગયું. માત્રમનીષા કો…” એટલા શબ્દો એમના કાને પડયા. એમણે ટેબલ પર એક હાથ ટેકવી દીધો. નહિતર ગબડી પડાશે એવું એમને લાગ્યું. હૃદય જોરથી ધબકવા માંડયું હતું અને આંખે અંધારાં આવી રહ્યાં હોય એવું લાગતું હતું. માંડ માંડ સ્વસ્થ થવાની કોશિશ કરી અને ફરી વાત આગળ ચલાવવા ટેલિફોનનું ટેપીંગ કર્યું. પરંતુ એટલી વારમાં તો સામેથી ફોન મુકાઈ ગયો હતો. હવે ફરી ફોન કરવા કરતાં થોડી સ્વસ્થતા જાળવીને ઝટ વડોદરા પહોંચી જવું જોઈએ એમ વિચારીને એમણે દસ રૂપિયાની નોટ મૂકીને ધીમે ધીમે ચાલવા માંડયું. બૂથના સંચાલકે બૂમ પાડી, “ કાકા, બાકીના પૈસા તો લેતા જાવ!” પરંતુ મનહરભાઈના કાન પણ જાણે બંધ થઈ ગયા હતા. એમના પગ પાણી પાણી થઈ રહ્યા હતા.

      મનહરભાઈને તરત વિચાર આવ્યો કે જે થવાનું હતું થઈ ગયું છે. બિચારી મનીષાહજુ જિંદગીની રંગોળી પૂરે પહેલાં પવનના એક સપાટાએ રંગોળીને બેરહમીથી ભૂંસી નાખી છે. હવે તો પરિસ્થિતિનો સામનો કરવાનો છે અને હવે જ્યારે રહસ્યનો તાગ મળી ગયો છે ત્યારે વિનોદિનીબહેનને સાચવી લેવાનાં છે. ધીમા ડગલે ટૅક્સી તરફ આવ્યા. એમને નજીક આવતા જોઈને નન્નુએ ટૅક્સીનું એન્જિન ચાલુ કર્યું. મનહરભાઈ બેસવા જતા હતા ત્યાં એસ.ટી.ડી. બૂથનો એક છોકરો છૂટા પૈસા લઈને મનહરભાઈને આપવા આવ્યો. મનહરભાઈએ ઈશારાથી પૈસા એને રાખવા કહ્યું અને ટૅક્સીનું બારણું બંધ કરતા કરતાં બોલ્યા, “નન્નુ, અબ જલદી સે જલદી વડોદરા…” પ્રયત્ન કરવા છતાં તેઓ પોતાના અવાજની ઉત્તેજનાને છુપાવી શક્યા નહિ.

મન આશંકિત બની જાય ત્યારે આપોઆપ ઈશ્વરને પ્રાર્થના થઈ જતી હોય છે.
મન આશંકિત બની જાય ત્યારે આપોઆપ ઈશ્વરને પ્રાર્થના થઈ જતી હોય છે.

      ટૅક્સી સડસડાટ હાઈવે પર દોડવા લાગી એટલે એમણે એક નજર વિનોદિનીબહેન પર નાખી. એમનો ચહેરો ગુમસુમ હતો અને શૂન્યમાં તાકી રહ્યાં હતાં. અચાનક એમને ખ્યાલ આવ્યો કે મનહરભાઈ એમના તરફ જોઈ રહ્યા છે. એટલે એમણે એક અછડતી નજર મનહરભાઈ તરફ નાખીને ફરી પાછું શૂન્યમાં તાકવા માંડયું. સહેજ વાર રહીને હળવેથી બોલ્યા, “કોને ફોન કરવા ગયા હતા? પિનુભાઈને?”

   “ના …હું તો…એ તો, મારે જરા…મારે જરા મારા શેઠ સાથે…” નાગપાલસાહેબ સાથે મુંબઈ…” મનહરભાઈ સવાલથી ચોંકી ગયા હતા. એટલે જ ખોટો જવાબ આપતાં એમને આટલી બધી તકલીફ પડતી હતી.

      પરંતુ વિનોદિનીબહેનના ચહેરા પર અણગમાના ભાવ ઉપસી આવ્યા. એમનાથી રહેવાયું. એટલે એમણે કડવાશ સાથે મનહરભાઈને છણકો કરતાં કહ્યું. “મને એમ કે તમે પિનાકીનભાઈને…. અને દીકરીજમાઈ માટે આખો દિવસ આપણો જીવ આટલો અધ્ધર રહ્યો છે ત્યારે તમને તમારી ઑફિસની ચિંતા સતાવે છે. જાણે તમારા બાપદાદાની પેઢી હોય!”

     મનહરભાઈને કહેવાનું મન થઈ ગયું કે મેં મુંબઈ ફોન નથી કર્યો અને મને પણ લોકોની ચિંતા છે. મેં એમના માટે ફોન કર્યો હતો અને આખી વાત જાણી લીધી છે. આપણા માથા પર આભ તૂટી પડયું છે અને આપણી એકની એક લાડકી દીકરીની સેંથીનું સિંદૂર પૂરેપૂરું પ્રસરે પહેલાં સિંદૂર ભૂંસાઈ ગયું છે. આપણી દીકરી વિધવા થઈ છે. જે જમાઈના હાથમાં આપણે શ્રદ્ધા સાથે આપણી દીકરીનો હાથ સોંપ્યો હતો જમાઈ હાથ છોડાવી ગયો છે. દગાબાજ નીકળ્યો છે, કાયર સાબિત થયો છે, ગમે તેવી સમસ્યા હોય તો પણ આત્મહત્યા કરવી તો નરી કાયરતા છે

       આવા વિચારોની સાથે સાથે મનહરભાઈના શરીરમાં ઝડપભેર લોહી દોડવા લાગ્યું હતું અને શ્વાસની ગતિ પણ કાબૂમાં રહેતી નહોતી. એમણે વિચારોમાંથી સહેજ બહાર આવીને પાછું વિનોદિનીબહેન સામે જોયું તો એમ લાગ્યું કે જાણે મનહરભાઈના ખુલાસાની રાહ જોતાં હતાં. મનહરભાઈએ કૃત્રિમ સ્વસ્થતા ધારણ કરીને કહ્યું, “તારી વાત સાચી છે. મને પણ બંનેની ચિંતા છે. પરંતુ માત્ર ચિંતા કરવાથી શું વળે છે? નિયતિને આપણે હાથ દઈ શકતાં નથી. ત્યાં જે બન્યું હશે આપણી ચિંતાથી બન્યું થવાનું નથી. કદાચ આપણે ધાર્યું હોય કે ધારી શકીએ એવું પણ બન્યું હોય. આપણે તો માત્ર પરિસ્થિતિનો સ્વસ્થ રહીને સામનો કરવાનો છે!”

      મનહરભાઈ બધું વિનોદિનીબહેનને સંબોધીને કહી રહ્યા હતા. પરંતુ ખરેખર તો રીતે તેઓ પોતાની જાતને કારમી વાસ્તવિકતાનો સામનો કરવા માટે તૈયાર કરી રહ્યા હતા. વિનોદિનીબહેને મનહરભાઈના છેલ્લા વાક્યને પકડી લીધું હતું. એથી એમણે પૂછયું ,“તમે કહો છો કે પરિસ્થિતિનો સામનો કરવાનો, એટલે કઈ પરિસ્થિતિનો?”

       મનહરભાઈએ ચાલાકીથી જવાબ આપ્યો, “હમણાં કલાક પછી જે પરિસ્થિતિ હોય એનો કઈ પરિસ્થિતિ છે એની તો મનેય બરાબર ખબર નથી. અત્યાર સુધીમાં આપણને એટલી તો ખબર પડી ગઈ છે કે જે પરિસ્થિતિ હશે તે સારી તો નહિ હોય…”

     “તમને શું લાગે છે, શું થયું હશે?” વિનોદિનીબહેન તર્ક લડાવવા મથતાં હતાં. પરંતુ થોડુંક દોડીને થાકી જતાં હતાં. તર્ક લડાવવામાં મનહરભાઈની મદદ માંગતાં હતાં.

      મનહરભાઈને પણ એટલી તો ખબર હતી કે મોટા ભાગની સ્ત્રીઓ તર્કથી લાંબુ વિચારી શકતી નથી હોતી. એમની ગાડી તો હૃદયના રાજમાર્ગ પર પૂરપાટ દોડે છે. તેઓ તર્કથી દૂર ભાગતી હોય તો પણ એમને લાગણીના પંખીની પાંખો પર બેસાડીને તર્કના મુકામ પર લઈ જઈ શકાય છે. એથી મનહરભાઈએ એમના આવા સવાલે ઊભી કરેલી તકને ઝડપી લીધી અને કહ્યું, “તું જેમ કોઈ અનુમાન નથી કરી શકતી એમ હું પણ કોઈ ચોક્કસ અનુમાન કરી શકતો નથી. પરંતુ પિનાકીને આપણને જે રીતે સંદેશો આપ્યો છે અને તાત્કાલિક દોડી આવવા આગ્રહ કર્યો છે એના પરથી એવું તો લાગે છે કે, વાત જરૂર ગંભીર હશે. કદાચ બંનેને અથવા બેમાંથી એકને ગંભીર અકસ્માત થયો હોય. બેમાંથી એકની અથવા બંનેની જિંદગી જોખમમાં હોયકદાચ બેમાંથી કોઈ ત્રીજા માળની બાલ્કનીમાં ઊભું હોય અને બાલ્કની તૂટી પડી હોયઅથવા બેમાંથી કોઈકે…” મનહરભાઈ અટકી ગયા. વિનોદિનીબહેન તરત બોલ્યાં, “કેમ અટકી ગયા? શું કહેવા જતા હતા?”

      “ કે બેમાંથી કોઈકે પડતું મૂક્યું હોય!”

      એવું અમંગળ શા માટે બોલો છો? પડતું મૂકે આપણા દુશ્મન.”

     “આપણે તો કોઈ દુશ્મન નથી. અને ભૂલેચૂકે જો બેમાંથી કોઈએ પડતું મૂક્યું હશે તો ય આપણા કૂદવાથી વાત બદલાઈ જવાની નથી!” મનહરભાઈએ તક જોઈને પ્રહાર કર્યો.

વિનોદિનીબહેનને પણ વાત ગળે ઊતરતી હોય એમ લાગતું હતું. એમણે કહ્યું. “તમારી વાતે ય સાચી છે. ધાર્યું તો ધણીનું જ થાય. આપણે એમાં કશું ન કરી શકીએ. મેં તો આખા રસ્તે ભગવાનની એ જ પ્રાર્થના કરી છે કે, ભગવાન બંનેને હેમખેમ રાખજે અને સુખી રાખજે.”

      “તું ભગવાનને આવી પ્રાર્થના કરે એમાં કશું જ ખોટું નથી પણ મને લાગે છે કે તારે ભગવાનને એવી પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન જે કોઈ પરિસ્થિતિ આપે એનો સામનો કરવાની અમને શક્તિ આપજે…”

      વિનોદિનીબહેન કંઈ બોલ્યાં નહિ એટલે મનહરભાઈએ આગળ ચલાવ્યું. “હું એટલા માટે કહું છું કે તેં પ્રાર્થના કરી પહેલાં ભગવાને કંઈક ગરબડ કરી નાખી હોય અને એમને હેમખેમ રાખ્યાં હોય તો ભગવાન પર તને ગુસ્સો આવે…”

       વિનોદિનીબહેનને વાત ગમી નહિ. પણ ચૂપ રહ્યાં. હવે ગાડી મકરપુરા પાર કરીને વડોદરા શહેરમાં પ્રવેશી ગઈ હતી. અચાનક મનહરભાઈ કોઈ અગમ્ય ભાર અનુભવવા માંડયા. નન્નુએ પૂછયું, “કિધર જાને કા હૈ? મેરે કો એરિયા બોલો! મેં બડૌદા કો જાનતા હૂં…” 

     “પાણી ગેટ…. વાઘોડિયા રોડ….”

    થોડીવાર મૌન પથરાઈ રહ્યું. ટૅક્સી માંડવી નજીક પહોંચી ત્યારે મનહરભાઈના ધબકારા ઓર વધી ગયા. એમણે એક ઊંડો શ્વાસ લઈને વિનોદિનીબહેનને કહ્યું, “જે કાંઈ હોય તે, હિંમત રાખજે, સ્વસ્થતા રાખજે અને ભાંગી પડતી નહિ.” વિનોદિનીબહેન કંઈ બોલ્યાં નહિ. પણ એમની આંખો જાણે મનહરભાઈને પણ કંઈક આવું જ કહી રહી હતી. “તમે પણ સ્વસ્થ રહેજો. ભાંગી પડતા નહીં. તમારું હ્રદય પણ નબળું છે…”

      પાણી ગેટ પસાર થઈ ગયું. આગળ વાઘોડિયા રોડ શરૂ થતો હતો. મનહરભાઈએ કહ્યું, “ઈધર સે લેફ્ટ લે લો…” નન્નુએ ગાડી ધીમી કરીને કહ્યું, “વાઘોડિયા રોડ તો ઈસ તરફ હૈ…”

     “હા,  ઠીક હૈ! મગર તુમ લેફ્ટ  લે લો…” મનહરભાઈએ કહ્યું એટલે નન્નુએ ગાડી ડાબી બાજુના રસ્તે લઈ લીધી. થોડે આગળ ગયા એટલે એમણે જમણી બાજુની એક ગલીમાં વાળવા કહ્યું. આગળ  મનીષા રહેતી હતી એ ફ્લૅટ હતા. પરંતુ ગલીના નાકે જ પિનાકીનભાઈ, ઉદયના મોટાભાઈ જનાર્દનભાઈ અને બીજા બે-ત્રણ છોકરાઓ ઊભા હતા. પિનાકીનભાઈને જોઈને મનહરભાઈએ ગાડી ઊભી રખાવી અને નીચે ઊતર્યા. એ પિનાકીનભાઈને વળગી પડયા અને એક ડૂસકું એમના ગળા સુધી આવી ગયું. પિનાકીનભાઈ પણ સમજી ગયા કે મનહરભાઈને ખબર પડી ગઈ છે. એમણે હળવેથી મનહરભાઈને કાનમાં પૂછયું. “ભાભીને વાત કરી?”

    “ના,” મનહરભાઈએ એકાક્ષરી જવાબ આપ્યો. એમણે જનાર્દનભાઈ તરફ એક નજર કરી. પિનાકીનભાઈ ગાડી છેક ફ્લૅટ સુધી લઈ ગયા. ચૂપચાપ સૌ દાદર ચડયા. ફ્લૅટનું  મુખ્ય બારણું ખુલ્લું હતું. આગળના રૂમમાં પિનાકીનભાઈનાં પત્ની સરોજબહેન, ઉદયની નાની બહેન અર્ચના અને બીજી બે-ત્રણ મહિલાઓ બેઠી હતી. વિનોદિનીબહેનને જોતાં જ સરોજબહેન ઊભાં થઈ ગયાં અને એમને વળગી પડીને બોલ્યા, “ભાભી, આપણી મનીષાનો ચાંલ્લો ભૂંસાઈ ગયો…”

        વિનોદિનીબહેન પણ મોં ફાટ રડી પડયાં. એમની નજર મનીષાને શોધતી હતી. અર્ચના બાજુમાં ઊભી ઊભી રડતી હતી. વિનોદિનીબહેને એના માથા પર હાથ મૂક્યો. થોડીવાર રડવાનું ચાલ્યું. પછી સહેજ કળ વળતાં સરોજબહેને વિનોદિનીબહેનને અને પિનાકીનભાઈએ મનહરભાઈને બધી વાત કરી. એમની સાથેનો એક યુવાન ઉદયનો મિત્ર નયન હતો અને બીજો યુવાન ફલૅટમાં બીજા માળે રહેતો કંદર્પ હતો. થોડીવારમાં આજુબાજુના ફ્લૅટવાળા પણ આવીને મનહરભાઈને મળી ગયા.

     પિનાકીનભાઈએ અને સરોજબહેને જે કંઈ વિગતો આપી એ લગભગ એક સરખી હતી. ઉદયની બહેન અર્ચના બે દિવસ પહેલાં જ આવી હતી. ઉદય અને મનીષા વચ્ચે કોઈ ઝઘડો નહોતો થયો કે બોલવાનું પણ નહોતું થયું. આગલા દિવસે ઉદય કેમિકલ ફેક્ટરીની એની નોકરી પરથી આવ્યો ત્યારે એક ટીનમાં કોઈક કેમિકલ લઈને આવ્યો હતો અને એક શીશીમાં બીજું કોઈક કેમિકલ હતું. આ બંને ચીજો એણે બેડરૂમના કબાટમાં મૂકી હતી. મનીષાએ અને અર્ચનાએ પૂછયું કે એમાં શું છે ત્યારે ઉદયે હસતાં હસતાં કહ્યું હતું કે “મોતનો સામાન”. મનીષાએ એ વખતે મજાક કરી હતી કે મારા માટે લાવ્યા છો? ઉદયે જવાબ આપ્યો હતો કે એ કોઈના માટે નથી. જેને મરવું હોય એના જ માટે છે! કાલે મારે એ અલકાપુરી એક કંપનીમાં પહોંચાડવાનું છે. સૅમ્પલ છે!

      પછી ત્રણેય જણાં રાત્રે સાથે જમ્યાં અને લગભગ બાર વાગ્યા સુધી વાતો કરીને સૂઈ ગયાં. સવારે ચારેક વાગ્યાના સુમારે મનીષા બાથરૂમ જવા ઊઠી ત્યારે એને કોઈક કેમિકલની વાસ આવી. ડીમ લાઈટમાં એણે જોયું તો કબાટ ખુલ્લું હતું. એણે લાઈટ કરીને જોયું તો પેલી શીશી ખાલી હતી અને ટીનના ડબ્બાનું ઢાંકણું ખુલ્લું હતું. એણે તરત પલંગ પર એની બાજુમાં સૂતેલા ઉદય તરફ નજર કરી. એના ચહેરા પર કોઈક વિકૃત ભાવ દેખાયા. મનીષાએ એને ઢંઢોળ્યો, પરંતુ એણે શ્વાસ છોડી દીધા હતા.

       મનીષા એકદમ બહાવરી બની ગઈ. ણે બેડરૂમનું બારણું ખોલીને બહાર સોફા પર સૂતેલી અર્ચનાને હડસેલો મારીને જગાડી અને એટલું બોલી, “અર્ચના, તારો ભાઈ…” અર્ચના અને મનીષા અંદર આવ્યાં. ઉદયને મૃત હાલતમાં જોઈને અર્ચના પણ ચિત્કાર કરી ઊઠી. બંનેનો અવાજ સાંભળીને આજુબાજુના ફ્લૅટવાળા પણ આવી ગયા. મનીષા અને અર્ચના પોક મૂકીને રડતાં હતાં. અને ઉદયના દેહને હચમચાવતાં હતાં. નીચેના ફ્લેટમાં રહેતો કંદર્પ ઉદય સાથે ઠીક ઠીક પરિચય ધરાવતો હતો. એને ખબર હતી કે ઉદય અને મનીષાના નિકટનાં સ્વજનોમાં પિનાકીનભાઈ અને નયન હતા. એણે કબાટમાંથી ઉદયની ડાયરી લઈને બંનેના નંબર શોધ્યા અને નીચે બંગાળી બાબુને ત્યાંથી ફોન કર્યા.

     દરમ્યાન આઘાતથી બેભાન થઈને મનીષા ત્યાં જ ફસડાઈ પડી. થોડીવારે મનીષા ઊભી થઈ અને પેલો ખુલ્લો કેમિકલનો ડબ્બો મોઢે માંડીને આખેઆખો ગટગટાવી ગઈ. ડબ્બો ખાલી થવા આવ્યો ત્યારે છેક અર્ચનાની નજર પડી. એ ઊભી થઈને ડબ્બો ખૂંચવી લે એ પહેલાં તો મનીષાએ ડબ્બો ખાલી કરી નાંખ્યો અને ધબાક્ કરતી ભોંય પર પડી.      

           હવે અર્ચના ઓર ગભરાઈ ગઈ. એણે બૂમો પાડવા માંડી, “ ભાભી ગઈ. જુઓ તો…” બહાર રૂમમાં બેઠેલા બેત્રણ જણા દોડી આવ્યાં. પરંતુ ત્યાં સુધીમાં તો મનીષા બેભાન થઈ ગઈ હતી. પિનાકીનભાઈનું ઘર છેક અલકાપુરી હતું અને નયનનું ઘર કારેલીબાગ હતું. એટલે લગભગ અડધા કલાકમાં નયન તો આવી ગયો. પરંતુ હવે શું કરવું માટે એને પિનાકીનભાઈની રાહ જોવાનું જરૂરી લાગ્યું. બાજુની સોસાયટીમાં એક ડૉક્ટર રહેતા હતા. એમને કંદર્પ બોલાવી લાવ્યો. ડૉક્ટરે કહ્યું કે ઉદય મૃત્યુ પામ્યો છે અને મનીષા પર પણ ઝેરી રસાયણની ઝડપથી અસર થઈ રહી છે. પોલીસને જાણ કરો અને મનીષાને તાત્કાલિક દવાખાને લઈ જાવ.

        લગભગ સવા પાંચે પિનાકીનભાઈ આવ્યા. તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક ઉચ્ચ અધિકારી હતા. એમણે પોલીસ બોલાવી અને બીજી બાજુ એમ્બ્યુલન્સ બોલાવીને મનીષાને હૉસ્પિટલમાં દાખલ કરાવી. સાથે સરોજબહેન અને નયનને મોકલ્યાં. પોલીસને ઉદયના ઓશીકા નીચેથી એક ચિઠ્ઠી મળી, જેમાં ઉદયે લખ્યું હતું, મનીષા, મારા મોત માટે કોઈ જવાબદાર નથી. હું મારી મેળે જ મારા જીવનનો અંત આણું છું. મને માફ કરજે.- ઉદય ” એ ચિઠ્ઠી પોલીસ પાસે છે. પોલીસ કેમિકલનો ડબ્બો અને પેલી શીશી પણ લઈ ગઈ છે. પોલીસે બધાંની થોડી પૂછપરછ કરી છે.  મનીષા ભાનમાં આવે તો એ પછી એની પણ પૂછપરછ કરશે. ઉદયના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટર આજે રજા પર હોવાથી કદાચ કાલે સવારે નવ વાગ્યા પછી જ પોસ્ટમોર્ટમ કરશે.

       આ બધી વિધિ પતાવ્યા પછી પિનાકીનભાઈએ મુંબઈ મનહરભાઈને અને ડભોઈ જનાર્દનભાઈને જાણ કરી. જનાર્દનભાઈ તો દસ વાગ્યા સુધીમાં આવી ગયા હતા. મનહરભાઈને એક વાર માઈલ્ડ એટેક આવી ગયો હોવાથી પિનાકીનભાઈએ ફોડ પાડીને વાત નહોતી કરી અને બધાને એ મતલબની સૂચના આપી હતી. નયન વચ્ચે એકાદ કલાક ઘેર જઈ આવ્યો હતો. પરંતુ પિનાકીનભાઈ તો આખો દિવસ ક્યાંય ગયા નહોતા.

     “ડૉક્ટર મનીષા માટે શું કહે છે?” મનહરભાઈએ પિનાકીનભાઈને પૂછ્યું .

     “ડૉક્ટર કહે છે કે મનીષાએ કોઈક એવું કેમિકલ પીધું છે કે જેની અસર બહુ તીવ્ર છે. બચવાના ચાન્સ ૪૦ ટકા જ છે. છતાં અડતાળીસ કલાક રાહ જોવી જોઈએ…. ડૉક્ટર એવું માને છે કે ઉદયે  સાઈનાઈડ પ્રકારનું કોઈક ઝેર અડધી રાત્રે જ લીધું હોવું જોઈએ. છતાં વધારે ખબર તો પોસ્ટમોર્ટમ પછી જ પડે…!”

      કલાકેક પછી મનહરભાઈ અને વિનોદિનીબહેન મનીષાને જોવા હૉસ્પિટલમાં ગયાં. મનીષા હજુ બેભાન હતી. થોડીવાર સુધી બાંકડા પર બેઠા પછી પિનાકીનભાઈએ કહ્યું. “મનહર, તું આખા દિવસની મુસાફરી કરીને થાકી ગયો હોઈશથોડીવાર ઘેર…”

      “ના, ના, અને હા, પિનુ, મને પૈસા લેવા જવાનો પણ ટાઈમ રહ્યો નથી…” મનહરભાઈ બોલ્યા.

      “એની તું ચિંતા ન કર. હું બેઠો છું ને!”

    “આ ટૅક્સીવાળાને કાલે પૈસા આપીને વિદાય કરવો પડશે…” મનહરભાઈએ તાત્કાલિક ચિંતા જણાવી.

    “થોડીવાર પછી ડૉક્ટર આવ્યા. મનહરભાઈને એમણે કહ્યું કે અડતાળીસ કલાક સુધી કંઈ જ કહી શકાય નહિ. અમે અમારો પ્રયત્ન કરીએ છીએ. તમે ઈશ્વરને પ્રાર્થના કરો.”

     બહાર આવીને પિનાકીનભાઈએ નન્નુ ટૅક્સીવાળા સાથે વાત કરી. નન્નુએ કહ્યું , “અભી પૈસે કી બાત મત કરો. ઈધર મેરી આપા રહતી હૈ. મેં દો દિન ઈધર ઠહરેગા. તુમ્હારા બેટી અસ્પતાલ મેં હૈ…. ઉસ કો અચ્છા હો જાને દો… ઔર તુમ્હારા દામાદ… મેં કલ સુબહ નૌ બજે યહાં આ જાઉંગા….  અભી તુમ કો કિધર જાના હૈ…?”

    “અભી તો હમ ઈધર હી હૈતુમ જાના ચાહો તો જાઓસુબહ મિલેંગે…”

    “નહિ, હમ ભી ઈધર હૈશાયદ જરૂરત પડે…” 

     મનહરભાઈ, પિનાકીનભાઈ, વિનોદિનીબહેન, સરોજબહેન અને નયન બહાર લોંજમાં બેઠાં. આખા દિવસનો થાક દરેકને હતો. છતાં આવા સંજોગોમાં ઊંઘ ન જ આવે એ પણ સ્વાભાવિક હતું.

     મનહરભાઈ અને પિનાકીનભાઈને આશ્ચર્ય એ વાતનું જ હતું કે ઉદય અને મનીષા વચ્ચે એવું તે શું બન્યું હતું કે વાત આટલી હદે પહોંચી ગઈ? મનહરભાઈએ કહ્યું કે, “હજુ દોઢ મહિના પહેલાં બંને મુંબઈ આવ્યાં ત્યારે તો બંને ખુશખુશાલ હતાં…”

     “અરે, તું દોઢ મહિના પહેલાંની વાત કરે છે. હજુ ગયે અઠવાડિયે જ બંને મારે ઘેર આવ્યાં ત્યારે સ્વપ્નેય ખ્યાલ નહોતો કે આવો દિવસ આવશે!” પિનાકીનભાઈને પણ એટલું જ આશ્ચર્ય હતું.

      “તમે તો અઠવાડિયા પહેલાંની વાત કરો છો ને! અમે લોકો તો પરમ દિવસે જ મળ્યા છીએ. મને પણ એવો અણસાર નથી આવ્યો કે ઉદય બે દિવસમાં…”

     “હવે તો મનીષા કંઈક કહે ત્યારે ખબર પડે…” સરોજબહેને કહ્યું.

     “પરંતુ માટે હજુ બીજા ૩૬ કલાક રાહ જોવી પડશે.” પિનાકીનભાઈએ નિઃશ્વાસ સાથે કહ્યું.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: